Monday, December 21, 2015

ભૂગોળનું વેર \ The Revenge of Geography - ભારતની ભૂરાજનૈતિક દ્વિધાભૂગોળનું વેર \ The Revenge of Geography
ભાગ : ૨ - The Early-Twenty First Century Map \ ૨૧મી સદીની શરૂઆતનો નકશો
પ્રકરણ : ૧૨ - India’s Geopolitical Dilemma \ ભારતની ભૂરાજનૈતિક દ્વિધા

૭મી ડીસેમ્બરના પ્રકાશિત થયેલ ના પરિચયાત્મક લેખના ત્રણ ભાગમાંના પહેલા ભાગમાં આપણે પુસ્તકની Preface \'પ્રસ્તાવના' અને બીજાં પ્રકરણ 'The Revenge of Geography \ ભૂગોળનું વેર'ના સંકલિત અવતરણનો પરિચય કર્યો.

આજે હવે પુસ્તકના બીજા ભાગ - The Early-Twenty First Century Map \ ૨૧મી સદીની શરૂઆતનો નકશો - નાં બારમા પ્રકરણ - India’s Geopolitical Dilemma \ ભારતની ભૂરાજનૈતિક દ્વિધા - માં હિદ ઉપખંડના ભૌગોલિક ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં ભારતની વર્તમાન ભૂરાજનૈતિક દ્વિધા અને તેના માટેના ભાવિ માર્ગની સંભાવનાઓની વાત લેખક કરે છે.

પશ્ચિમ અને નૈઋત્ય તરફ અરબી સમુદ્ર. પૂર્વ અને ઈશાન તરફ બંગાળનો ઉપસાગર, પૂર્વ તરફ બર્માનાં પહાડી જંગલો અને ઉત્તર અને વાયવ્ય તરફ હિમાલય અને કારાકોરમ અને હિંદુ કુશની પર્વતમાળા ભારતને બહારથી પોતાનું નૈસર્ગિક ભૂરાજનૈતિક તર્કબધ્ધ અસ્તિત્વ બક્ષે છે. અંદરની બાજૂએ પણ ભારત ખાસો વિશાળ પ્રદેશ છે. તેના અને ચીનમાં એક માત્ર ફરક છે ચીનની વાઈ ખીણ કે હુઆંગ હે (પીળી નદી)ની ખીણની વસ્તીનાં સાંસ્કૃતિક ઘડતર કરતી ધરુવાડીનો. ગંગાના વિશાળ પટમાં ભારતના દક્ષિણ દ્વીપકલ્પની સાથે એક સંસ્કૃતિને તાંતણે બાંધતો મંચ રચાઈ નથી શક્યો. ગંગા, બ્રહ્મપુત્ર, નર્મદા, તુંગભદ્રા, કાવેરી, ગોદાવરી અને એવી અનેક નદીઓ વચ્ચે દેશના સમાજની સંસ્કૃતિઓ વહેંચાઈ ગયેલ છે.

ભારતની આબોહવા અતિગરમ અને વિષમ છે. પ્રાદેશિક રીતે સમગ્ર યુરેશિયામાં આ અતિસમૃદ્ધ જમીન અને ઘટાટોપ વનરાશી તેની કુદરતી બક્ષિસ છે. આ કારણે તેમાં વસતાં લોકોને સંસાધનોના વિકાસ અને વહેંચણી માટે ચીન કે યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશ જેવી રાજકીય વ્યવસ્થા ઊભી કરવાની કોઈ ખાસ જરૂર જ ન પડી.

એક ઉપખંડ તરીકે હિંદ ઉપખંડની ભૌગોલિક પરિસ્થિતિ જેટલી સ્પષ્ટ છે તેટલી જ અસ્પષ્ટ અને નબળી આજનાં ભારતની વર્તમાન રાજકીય સીમાઓ છે. એક સ્વતંત્ર દેશ તરીકે વર્તમાન ભારત રાજ્યની સીમાઓ તેની ઉપખંડીય કુદરતી સીમાઓ સાથે સુસંગત નથી. ભારતની દ્વિધાનું મૂળ આ હકીકતમાં સમાયેલ છે.

ઇસવી સનની સાતમીથી સોળમી સદીમાં વાયવ્ય ભૂમાર્ગે આવતા રહેતા આક્રમણકારો માટે દિલ્હી એક સ્વાભાવિક ભૌગોલિક પરિબળ હતું. દિલ્હીની પીઠ તરફ ઇસ્લામિક વિશ્વ છે તો તેની સામે છે હિંદુ વિશ્વ. મોગલ સામ્રાજય આ સાંસ્કૃતિક અને રાજકીય હકીકતનું વિસ્તરણ છે. લગભગ ખરા અર્થમાં છેલ્લા કહી શકાય એવા મોગલ શાસક ઔરંગઝેબની સ્થિતિ દિલ્હી-સ્થિત શાસકોની સદીઓથી ચાલી આવતી સ્થિતિનું જ પ્રતિબિંબ બની રહી - (ભૌગોલિક) ઉત્તર અને વાયવ્ય પ્રદેશો એક શાસકીય વ્યવસ્થાના તાબામાં રહેતા આવ્યા પણ દક્ષિણ હિંદુસ્તાન પર તેનું સાર્વભૌમત્વ હંમેશાં શંકાના દાયરામાં જ રહેતું આવ્યું છે.

ભારત પરના પહેલાંના વિદેશી શાસકો જમીન માર્ગની સત્તાઓ હતી, પણ બ્રિટિશરો તો પોતાનો પગદંડો સમુદ્ર માર્ગે જમાવ્યો. દિલ્હીને રાજધાની બનાવી તે પહેલાં બોમ્બે, મદ્રાસ કે કલકત્તા પ્રેસીડન્સીઓની શાસન વ્યવસ્થા બ્રિટિશ શાસકોની સમુદ્ર પરની પકડ બતાવતી હતી. પરંતુ તે પછીથી ઉત્તરે અફઘાનિસ્તાનથી દક્ષિણે પૉલ્ક સામુદ્રધુની સુધી અને પશ્ચિમે કરાચીથી પૂર્વમાં ચિત્તાગોંગ (હવે ચટગાંવ) સુધી રેલ્વેની જાળ વડે તેમણે સમગ્ર ભારત પર પોતાનું શાસન જમાવ્યું. મૂળ હિંદુ પ્રજા અને આક્રમણકારી મુસ્લિમોની વચ્ચે પરાપૂર્વથી ચાલતી આવેલી દુશ્મનાવટનાં વાતાવરણમાં બ્રિટિશરોનું સમુદ્ર માર્ગે થયેલું આગમન બંને પ્રજાઓને સમાંતરે તટસ્થ લાગ્યું.

ભારત જ્યારે ઉપખંડના નકશાને જૂએ ત્યારે વાયવ્યમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન, ઉત્તર અને ઈશાનમાં નેપાલ અને ભુતાન કે પૂર્વમાં બાંગ્લાદેશને પોતાનાં પ્રભાવનાં ક્ષેત્ર તરીકે જૂએ છે. પર્શિયન અખાતમાં ઈરાન કે પૂર્વ-સોવિયેત રશિયાનાં મધ્ય એશિયાનાં રાજ્યો કે બર્માને ભૂરાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં ભારતના પડછાયાના વિસ્તાર ગણી શકાય. આ ક્ષેત્રોને આ દૃષ્ટિએ ન જોવા એ ઇતિહાસ કે ભૂગોળના બોધપાઠ સામે આંખ બંધ કરી દેવા બરાબર જ કહી શકાય.

સંસ્કૃતિ કે વ્યાપારના ઐતિહાસિક ભૂરાજનૈતિક પરિપ્રેક્ષ્યની દૃષ્ટિએ પાકિસ્તાન ઉપખંડને મધ્ય એશિયા સાથે જોડતી કડી છે....સ્થિર અને ઠીક ઠીક અંશે મધ્યવિચારસરણીને અનુસરતું અફઘાનિસ્તાન દક્ષિણ મધ્ય એશિયા માટે જ નહીં પણ યુરેશિયા માટે પણ જુદા જુદા પરિબળોને કેન્દ્રિત કરી રેલ અને રોડ માર્ગ તેમ જ પાઈપલાઈન વડે એક તાંતણે જોડતા પ્રદેશ તરીકે પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે. શાંત અફઘાનિસ્તાન આ પ્રક્રિયામાં પોતાના જ પ્રદેશ ઉપરાંત પાકિસ્તાનને પણ આવરી લઈ શકે છે. કુદરતી ભૌગોલિક અસ્થિરતામાં જન્મતી રહેતી પાકિસ્તાનની સામાજિક અને રાજકીય ઉથલપાથલોની અસ્થિરતાનો કદાચ આ જ એક નિર્ણાયક ઉપાય કહી શકાય !

જો કે હાલની સ્થિતિ આ ચિત્રથી સાવ જ જુદી છે.... લગભગ બધા જ સંદર્ભમાં ધર્મનિરપેક્ષ પણ ઐતિહાસિક કે સામાજિક દૃષ્ટિએ હિંદુ બહુમતીવાળાં ભારતને એક ૨૧મી સદીનાં એક પ્રગતિશીલ રાજ્ય તરીકે મુસ્લિમ ઇતિહાસ અને ભૂગોળની પકડમાંથી મુક્ત થવાની અકથિત, પણ ખૂબજ પ્રબળ લાગણી, હોય તે પણ સ્વાભાવિક જ ગણી શકાય. આ હરિફાઈ કે નજદીકના ઈતિહાસની કડવાશ માટે કોઈ નક્કર ઇતિહાસ તો કારણભૂત તો છે જ નહીં એટલે તેની ચીન સાથેની હરિફાઈને પણ આ પકડમાંથી છૂટવાની એક પ્રતિક્રિયાત્મક ભાવના કહી શકાય,

આંતરખંડીય પ્રક્ષેપાત્રો, મહાકાય વિમાનવાહક જહાજો કે અવકાશમાં મોકલાતા કૃત્રિમ ઉપગ્રહો જેવી આધુનિક ટેક્નૉલોજી એક બાજુ ભૂગોળનું મહત્ત્વ ઘટાડી રહી છે તો બીજી બાજૂએ ભૂરાજનીતિના નવા સંદર્ભો ભૂગોળને નવા પરિપ્રેક્ષ્યોમાં રજૂ કરી રહેલ છે.

જૂના સમયનાં ચીનની રાજસત્તાઓની સીમાઓ આજનાં ચીનની રાજકીય સીમાઓને બહુ જ સમાંતર રહી છે, પણ ભારતના કિસ્સામાં આવું નથી થયું. ચીનની સીમાઓ દૂર પૂર્વનાં રશિયાથી લઈને મધ્ય અને આગ્નેય એશિયા સુધી તેનો પ્રભાવ વિસ્તારે છે. તેની સરખામણીમાં ભારત અફઘાનિસ્તાન અને તેના જેવા અન્ય પડછાયાનાં ક્ષેત્રોમાં ચાલી રહેલી આંતરિક અને આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓને બહુ સ્વસ્થતાથી જોઈ ન શકે તે સમજી શકાવું જોઈએ. ચીન માટે સંભાવ્ય ચિંતાની બાબત તેની અંદર વસતી તુર્ક, મોંગોલ કે તિબેટી લઘુમતીઓની પોતાની ઓળખ જાળવી રાખવા માટેનો ભારેલો ધુંધવાટ છે. આ કારણે ચીન પોતાનાં અથતંત્રના હવે પછીના વિકાસના સંદર્ભમાં જે કંઈ નીતિઓ ઘડશે તેમાં તેની સામાજિક પરિસ્થિતિઓનાં પરિબળોનાં એકબીજાં સાથે સંકળાયેલ સમીકરણોને પણ આવરી લેવાં પડશે. આ પરિવર્તન માટે જે કંઈ પગલાં લેવાશે તેની અસરો ચીનના પડછાયાના પ્રદેશોનાં સામાજિક અને રાજકીય જીવન પર તો પડશે જ, પણ સાથે સાથે સમગ્ર વિશ્વનાં સંતુલન પર પણ તેનો પ્રભાવ પડશે.

પોતાની ભૌગોલિક મર્યાદાઓમાં જ્યાં સુધી ભારત ઘેરાયેલું રહેશે ત્યાં સુધી તેના પ્રભાવનું ક્ષેત્ર પોતાના પ્રદેશ સુધી જ મર્યાદિત રહેશે; એ જેટલું આ ભૂરાજનૈતિક સીમાઓને અતિક્રમતું રહેશે તેટલું તે આંતરરાષ્ટ્રીય ખેલમાં પોતાની ભૂમિકાનું મહત્ત્વ વધારતું રહી શકશે.

તા. ૪ જાન્યુઆરી, ૨૦૧૬ના પ્રકાશિત થનાર આ પરિચયના ત્રીજા અંકમાં આપણે પુસ્તકના ત્રીજા ભાગ - America’s Destiny \ અમેરિકાની નિયતિ - નાં પંદરમા પ્રકરણ Draudel, Mexico and Grand Strategy \ ડ્રૌડેલ,મેક્ષિકો અને મહા ચક્રવ્યૂહ - ની વાત કરીશું.
Post a Comment