Saturday, March 26, 2016

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો :૯:




 

પરદેસી (૧૯૫૭), ચાર દિલ ચાર રાહેં (૧૯૬૦), અંગુલીમાલ (૧૯૬૦),સૌતેલા ભાઈ (૧૯૬૨), છોટી છોટી બાતેં (૧૯૬૫)


અનિલ બિશ્વાસનાં સંગીતબદ્ધ કરેલ લતા મંગેશકરનાં ગીતોની શ્રેણીનો આ છેલ્લો મણકો છે. સંજોગવશાત આ મણકાનો સમયકાળ ૧૯૫૭થી ૧૯૬૫, એમ લગભગ આઠ વર્ષમાં પથરાયેલ છે. આટાઅટલાં વર્ષો, ચાર ચાર ફિલ્મો અને લતા મંગેશકરનાં નવ ગીતો કે આ ફિલ્મોમાં અનિલ બિશ્વાસે મીના કપૂર પાસે પણ ગવડાવેલાં સદાબહાર ગીતો, જેવાં કોઈ પણ પરિમાણ, આ બંને કળાકારોની સહ-સર્જકતાને ખરા અર્થમાં નથી રજૂ કરી રહ્યાં. એ સમયે પણ નિષ્ણાતો વચ્ચે આ બાબતની ચર્ચાઓ અનિર્ણિત રહી હતી, જ્યારે આજે તો આપણા માટે એ ગીતોને માણવાનો અને યાદ કરવાનો જ આપણો આશય છે.

પરદેસી (૧૯૫૭) રશિયન વેપારી-પ્રવાસી, ઍફનૅસીય નિકિતિન,નાં ભારતનાં૧૪૬૬થી ૧૪૭૨
દરમ્યાનના પ્રવાસ વર્ણનો  A Journey Beyond the Three Seas પરથી બનેલ હિંદી-રશિયન સંયુક્ત સ્તરે બનેલી ફિલ્મ છે. આમ સ્વાભાવિક જ છે કે ફિલ્મનું કથાવસ્તુ તે સમયનાં ભારતમાં પ્રવર્તતા રશિયામાટેના એક લગાવની ભાવનાનું પૂરક હોય. ફિલ્મનાં હિંદી સંસ્કરણનું દિગ્દર્શન ખ્વાજા અહમદ અબ્બાસે કર્યું હતું, જ્યારે રશિયન સંસ્કરણનું દિગ્દર્શન વાસિલી પ્રોનિને સંભાયું હતું. તે જ રીતે હિંદી સંસ્કરણનું સંગીત અનિલ બિશ્વાસે આપ્યું હતું તો રશિયન સંસ્કરણનું સંગીત દિગ્દર્શન બૉરિસ ચૈકૉવસ્કીએ સંભાળ્યું હતું. ફિલ્મમાં નરગીસ, બલરાજ સાહની અને પદ્મિની જેવાં નામી ભારતીય કળાકારોની સાથે ઑલેગ સ્ટ્રીઝ્હેનૉવ જેવા રશિયન કલાકારોએ ફિલ્મમાં અલગ અલગ ભૂમિકાઓ ભજવી છે.
ચાર દિલ ચાર રાહેં (૧૯૫૯) પણ ખ્વાજા અહમદ અબ્બાસની સામ્યવાદી વિચારસરણીનાં મૂળ પર બનેલી ફિલ્મ છે. ફિલ્મ ત્રણ અલગ અલગ પાત્રોનાં જીવનમાં બનેલી ઘટનાઓમાંથી રચાતી રીલે રૅસની જેમ રજૂ થાય છે. પહેલી વાતનાં મુખ્ય પાત્રો રાજ કપૂર અને મીના કુમારી છે. તેઓ દ્વારા સમાજમાં ઊંડે સુધી પેસી ગયેલી છુતાછૂત, જાતપાતની માનસિકતાને ઉઘાડી પાડવામાં આવી છે. તેની સાથે સંકળાતી બીજી વાતમાં જેનાં સાલિયાણાં જવાનાં છે એવા અય્યાશ નવાબ, તેને મનોરંજન પૂરૂં પાડતી એક નૃત્યાંગના અને નવાબના ડ્રાઈવરની કથા દ્વારા સમાજનાં એક જૂદાં પાસાં પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરાયો છે. જેને સાંકળે છે ત્રીજી કહાની. શમ્મી કપુર બેકાર યુવાન છે જે સંજોગવશાત કુમકુમના સંપર્કમાં આવે છે. સમય જતાં બંને પ્રેમમાં પણ પડે છે. શમ્મી કપૂર વ્યાજખાઉ બૂટ્લેગર નાના પળશીકરને ત્યાં નોકરીએ રહે છે. વાર્તાના વળાંકોમાં બાપનાં કરજમાં ડૂબેલી કુમકુમ સાથે વ્યાજખાઉ બુટલેગર નાના પળશીકર પરણી ને પોતાનું લેણું વસુલ કરે છે અને શમ્મી કપૂરને ત્રણ મહિનાની જેલ થાય તેવા ગુનામાં ફસાવી દે છે…… આ ત્રણ કથાનકો એક ત્રિભેટે આવીને મળે છે જ્યાં તેમને કામદાર યુનિયનનો નેતા સમાજવાદની એક નવી, ચોથી, રાહનું બાંધકામ કરી નવાં ભારતનાં નિર્માણની દિશા બતાવે છે. આપણે લતા મંગેશકરનાં જે ગીતો આજે અહીં સાંભળીશું તે બીજી કહાનીનો ભાગ છે.
અંગુલીમાલ (૧૯૬૦) મુખ્ય કળાકારો : ભારત ભૂષણ, નિમ્મી, અનિતા ગુહા વિજય ભટ્ટ દ્વારા નિદર્શિત થાઈ સરકારના સહયોગથી બનેલ બૌદ્ધ સમયની એક બહુ પ્રખ્યાત કથા પરથી બનેલી ફિલ્મ છે. અંગુલીમાલ પૂર્વ જન્મમાં અહિંસક નામનો બ્રાહ્મણ યુવક છે જે એક શ્રાપની અસર હેઠળ ૧૦૦૦ માનવ-આંગળીઓની માળા બનાવવાને કારણે અંગુલિમાલ (આંગળીઓની માળા ધારણ કરનાર) તરીકે પંકાય છે. તેનો ૧૦૦૦મો શિકાર ભગવાન બુદ્ધ હોય છે, જે અંગુલિમાલમાં પશ્ચાતાપનું ઝરણું વહેતું કરી તેને બૌદ્ધ સંન્યાસી થવા તરફ વાળે છે.
સૌતેલા ભાઈ (૧૯૬૨) – મુખ્ય કળાકારો ગુરુદત્ત, પ્રણોતિ ભટ્ટાચાર્ય – મહેશ કૌલ દ્વારા નિદર્શિત બંગાળી સમાજની પરિસ્થિતિને રજૂ કરતી ફિલ્મ છે.
ભગવાન થાવરાણીએ ૧૮-૩-૨૦૧૬ના લેખમાં આપણનેસ્વાન સોંગશબ્દસમૂહથી પરિચિત કરાવેલ. છોટી છોટી બાતેં (૧૯૬૫) એ ફિલ્મના પ્રોડ્યુસર, દિગ્દર્શક અને મુખ્ય કળાકાર મોતીલાલ (રાજવંશી) અને ફિલ્મના સંગીત નિદર્શક અનિલ બિશ્વાસનું,સ્વાન સોંગછે. મોતીલાલે પ્રોડ્યુસ અને દિગ્દર્શન કરેલી પહેલી જ ફિલ્મ રજૂ થાય તે પહેલાં જ મોતીલાલનું અવસાન થઈ ગયું. જ્યારે, આજના આ અંકનું કોઈ પણ ગીત સાંભળ્યા પછી અનિલ બિશ્વાસની સર્જનાત્મકતા અસ્તાચળ પર જઈ રહી છે તેમ માનવાને કોઈ જ કારણ ન જણાય. છેલ્લી બે ફિલ્મોને વરેલ સરિયામ (વાણિજ્યિક) નિષ્ફળતાને કારણે હવે અનિલ બિશ્વાસે હિંદી ફિલ્મ સાથેનો સંબંધ પૂરો કરી નાખ્યો. આમ, હિંદી ફિલ્મ જગતનાં મોતીઓની ફટકિયાગીરીની આનાથી વધારે પ્રતિનિધિ કથા કદાચ કોઈ બીજી ન હોઈ શકે.
                      પરદેસી (૧૯૫૭) ગીતકાર : પ્રેમધવન + સરદાર જાફરી
ના દિર દેરે ના ના દિર દેરે ના, ના જા નાજા બલમ દેરેના
સાજન સરકરે જાયેંગે…..’ જેવા શબ્દોથી સાખીના રૂપમાં પદ્મિની ઓલેગ સ્ટ્રીઝ્હેનૉવને રોકાઈ જવાની વિનંતિ કરે છે. પણ તે અસરકારક ન થતી જણાતાં હવે પોતાનાં નૃત્યના તાલથી આજીજીને હવે પ્રેમાગ્રહમાં પરિવર્તિત કરે છે.
                        ચાર દિલ ચાર રાહેં (૧૯૫૯) ગીતકાર : સાહિર લુધ્યાનવી
ઈન્તઝાર ઔર અભી ઔર અભી, ઇન્તઝાર ઔર
નવાબનું ફરમાન છે કે નાયિકા કંઇ એવી ચીજ પેશ કરે જેથી દિવસોથી વેરણ થયેલ તેની ઉંઘને તે શરણ થઇ શકે. સાખી અને મુખડામાં નજાકતથી પેશ થતાં મુજરા શેલીનાં નૃત્યથી નવાબની આંખો ઘેરાય છે, અંતરાનાં સંગીતમાં ઘડિયાળના ડંકા નાયિકાને પણ પોતાનાં જીવનની એકલતાની યાદ કરાવી જાય છે. અંતરામાં ગીત તાલ બદલે છે અને વધારે કરૂણ રસની મીઠાશ રેલાવા લાગે છે.



કોઈ માને યા ન માને, મગર જાનેમન



પહેલી રાતે ઘેરી ઉંઘ માણ્યા પછી નવાબને હવે દરરોજ નાયિકાનાં નૃત્યની આદત પડી ગઈ છે. પણ હવે તેની ફર્માયશમાં ઇશ્કની મિલાવટ છે એટલે નાયિકા તેના પેશાને અનુરૂપ મુઝરો પેશ કરે છે.


કોઈ દિલકી ચાહત સે…..કોઈ માને યા ના માને

હવે નિત્યક્ર્મ બની ચૂકેલ રાતની મહેફિલ, ગીતનો બીજો ભાગ રજૂ કરે છે.


આ બધાં જ ગીતોમાં અનિલ બિશ્વાસે, પરિસ્થિતિની માગ અનુસાર મુજરા નૃત્યને તર્જમાં વણી લેવાની સાથે ગીતની બાંધણી અને લતા મંગેશકરની ગાયકીમાં મુજરાનાં ક્લાસિક તત્ત્વને બખૂબી જાળવી રાખ્યું છે.

                        અંગુલીમાલ (૧૯૬૦) ગીતકાર : ભરત વ્યાસ

આઈ આઈ બસંતી બેલા….. લગા રે ફૂલોકા બન બનમેં મેલા

વસંત ઋતુનાં આગમનને વધાવતું સમુહ નૃત્ય, મન્ના ડે અને મીના કપૂર સાથે સાથીઓના સ્વરોમાં, રાગ વસંતમાં ગૂંથી લેવાયું છે.


તે પછી, “छुम छनानननन बाजे पग …..[@ 2.08]થી શરૂ થતો પહેલો અંતરો ખમાજ રાગમાં સંગીતબદ્ધ થયેલ રાજ દરબારમાં પેશ થયેલ નૃત્ય છે, જેને લતા મંગેશકરના સ્વરમાં વણી લેવાયેલ છે.


પછી બીજો અંતરો હવે હોળીના તહેવારની ઉજવણીને, ફરીથી મન્ના ડે, મીના કપૂર અને સાથીઓના સમૂહ સ્વરમાં વસંત રાગમાં, વાતાવરણમાં ફેલાતા ઉલ્લાસના સૂરોમાં વ્યક્ત કરે છે.


ગીતની સીચ્યુએશનની માંગને અનુસાર ધુન, ગીતની બાંધણી અને વાદ્યસજ્જાની ગોઠવણીમાં અનિલ બિશ્વાસની અનોખી સૂજ અને કાબેલિયત ફરી એક વાર છતી થાય છે. અહીં જે વાદ્યોનો પ્રયોગ કરાયો છે તે ગીતના સમયકાળને અનુરૂપ જ પસંદ કરાયાં છે.



                                                  સૌતેલા ભાઈ (૧૯૬૨) – ગીતકાર શૈલેન્દ્ર

જા રે જા બાલમા……જા મૈં તો નહીં બોલૂં

ફરી એક વાર કોઠાનું દૃશ્ય, પણ શૈલેન્દ્ર ગીતને એક અજબ અનૂભૂતિનાં સ્તરે લઈ જવામાં અનિલ બિશ્વાસ સાથે દરેક કદમ પર સાથ આપે છે.

  આડ વાતઃ

એક ગીત, કે એક બંદીશનાં, અનેક સ્વરૂપની આપણી જે શ્રેણીઓ ચાલે છે તેમાં એક બંદીશના મુખડાના અમુક શબ્દોનો જ ઉપયોગ કરીને બનેલી અલગ અલગ રચનાઓ એક અલગ જ શ્રેણીનો વિષય છે.


જા મૈં તો નહીં બોલુપર કેટલાં, અને કેવાં કેવાં ગીતો યાદ આવે છે?

તે જ રીતે જા રે જાપર પણ બહુ વિવિધતાપૂર્ણ ગીતો મળી આવશે !


આ શ્રેણી પણ ટૂંક સમયમાં આપ સમક્ષ મૂકવાનું આયોજન સક્રિય વિચારણા હેઠળ છે.


આવી શ્રેણી પસંદ આવશે કે કેમ તે વિષે આપના અભિપ્રાય જરૂરથી જણાવશો.


પ્રીત ગયી ધન ધરમ ગયા…….અબ લાગી નહીં છૂટે મીના કપૂર સાથે

આ ગીતની વિડીયો ક્લિપ નથી મળી તેથી ગીતનાં ફિલ્માંકરણ વિષે બહુ કહી શકાય તેમ નથી. પણ ગીત સાંભળવું ખૂબ જ ગમશે તેમાં તો શંકાને સ્થાન નથી.



આડ વાતઃ

લાગી નાહી છૂટે રામાપરથી ૧૯૬૩માં એક ભોજપુરી ફિલ્મ પણ બની છે. ફિલ્મનાં શીર્ષકને ગીતના મુખડામાં સમાવી લેતું એ ફિલ્મનું લતા મંગેશકર અને તલત મહમૂદનું યુગલ ગીતપણ બહુ જ પ્રચલિત થયું હતું.


ફિલ્મનાં શીર્ષકને મુખડામાં સમાવી લેતાં, ટાઈટલ ગીતો, પણ ફિલ્મોનાં ગીતોનો એક બહુ પ્રચલિત પ્રકાર રહ્યો છે.


                            છોટી છોટી બાતેં (૧૯૬૫) – ગીતકાર શૈલેન્દ્ર

લકડી જલ કોયલા ભઈ, કોયલા ભઈ બની રાખ..

મૈં પાપન ઐસી જલી ન કોયલા ભઈ ન રાખ

મોરી બાલી રે ઉમરિયા કૈસે બીતે રામ

વ્યક્તિ પોતે જે અનુભવે છે તેને મનમાં છૂપાવીને સાવ અલગ જ ભાવનો ચહેરો સમાજ સામે રાખવો પડતો હોય તેવા ભાવનાં રૂપકને આ નૃત્યનાટિકામાં રજૂ કરાયો છે. સમાજ સામે આવતા ચહેરા સમી નૃત્યની નાયિકાના મોઢે સાખીની પહેલી પંક્તિ અને પછી મનના ખરા ભાવ સમી સફેદ વસ્ત્રોમાં સજ્જ દુઃખમાં ઘેરાયેલી તેનાં પ્રતિબિંબ સમી નાયિકાના મોઢે સાખીની બીજી પંક્તિ ગીતના ભાવ માટે વાતાવરણ ખડું કરે છે.

ઝીંદગીકા અજબ ફસાના હૈ રોતે રોતે ભી મુસ્કુરાના હૈ મુકેશ સાથે


કામ કરતાં કરતાં પડેલ લંચ-બ્રેકમાં જેમના વચ્ચે આનંદની સરવાણીઓ ફૂટતી દેખાતી હતી તે બંને પ્રેમીઓ જેવાં છૂટાં પડે એટલે ફૂટી નીકળતા ગીતના સ્વરની કરૂણાના અજબ ફસાના પાછળ કંઈ અગમ્ય ઘટના છૂપાઈ હશે?



આ ફિલ્મનાં અનુક્રમે મુકેશ અને મીના કપૂરના અવાજમાં સ્વરબદ્ધ થયેલ બે અન્ય ગીતો ઝીંદગી ખ્વાબ હૈ થા હમે ભી પતા.. અલવિદાઅનેકુછ ઔર ઝમાના કહેતા હૈનો રસાસ્વાદ આપણને ભાઈશ્રી ભગવાન થાવરાણીએ કરાવ્યો છે.


કેટલાક ફિલ્મ-ઇતિહાસકારો નોંધે છે કે અનિલ બિશ્વાસ ૧૯૬૦ પછી જ ઑલ ઈન્ડિયા રેડીયો, દિલ્હીમાં જતા રહ્યા હતા. કદાચ તે પછી તેમણે કરેલી ફિલ્મો – ‘સૌતેલા ભાઈકે છોટી છોટી બાતેં’-ને જે રીતે વાણિજ્યિક સફળતા ન મળી તેને કારણે તેઓએ તે પછીથી ફિલ્મોમાં સંગીત ન આપવાનું મુનાસિબ માન્યું.


ખેર, આજે હવે તે વાતનું મહત્ત્વ નથી. મહત્ત્વનું માત્ર છે અનિલ બિશ્વાસ આપણા માટે જે અદ્‍ભૂત ખજાનો મુકી ગયા છે. એ ખજાનાનાં વિવિધ રત્નોને આપ સૌ સાથે માણવાનો અનેરો અવસર આપવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.


             – અશોક વૈષ્ણવ

No comments: