ફિલ્મ સંગીત માટે લોકધુનો એક બહુ સારો, અને અખૂટ, સ્ત્રોત ગણાતો આવ્યો છે. લોક ધુન પર ગીતની રચના
કરવા માટે સામાન્યતઃ લોકગીતને અનુરૂપ સિચ્યુએશન હોય તે તો સ્વાભાવિક જ છે, પરંતુ કેટલાક સંગીતકારોએ લોક ધુનનો બહુ જ
રચનાત્મક ઉપયોગ કરીને બહુ જ સંવેદનશીલ ગીતો પણ બનાવ્યાં છે.
કદાચ સૌથી વધારે જાણીતી અને પ્રચલિત ગુજરાતી લોકધુન
તરીકેની હરીફાઈમાં કોઈ અન્ય ગુજરાતી લોકગીત પ્રકાર ગરબાની તોલે ન આવે. ગુજરાતી
ફિલ્મોમાં આમ તો ગરબો એ ફિલ્મની સફળતા માટે સૌથી મહત્ત્વનો મસાલો માનવામાં આવેલ
છે. એક સમયે તો ભાગ્યે જ કોઈ એવી ગુજરાતી ફિલ્મ બનતી જેમાં કમ સે કમ, ભલે સાવ બીંબા ઢાળ પણ, ગરબો ન હોય. ગુજરાતી ફિલ્મોમાં તો તેનો ઉપયોગ
એટલી હદે થયો છે કે ગરબા એક ઠઠ્ઠાચિત્ર તરીકે ગુજરાતી ફિલ્મોની પહેચાન સમાન બની રહેલ
છે. હિંદી ફિલ્મ નિર્માણ સાથે પણ ગુજરાતીઓનો ઘરોબો ખાસો એવો ઘનિષ્ઠ કહી શકાય તે
કક્ષાનો રહ્યો છે. એટલે ગરબાની અસર હિંદી ફિલ્મ સંગીત પર પણ પડે એ અપેક્ષિત કહી
શકાય. જો કે ગુજરાતીઓનું જે હદે
અને કક્ષાએ હિંદી ફિલ્મ નિર્માણમાં યોગદાન રહ્યું છે તેના પ્રમાણમાં ગરબાની હાજરી
અન્ય પ્રદેશોની લોકધુનોની સરખામણીમાં કંઇક અંશે ઓછી પણ કહી શકાય.
હમણાં ચારે તરફ (આધુનિક) નવરાત્રિનો માહોલ છે.
એટલે આજે 'ફિલ્મ સંગીતની
સફર'માં આપણે હિંદી ફિલ્મનાં ગીતોમાં ગરબા અને તેના જૂદા જૂદા
પ્રયોગોને માણીશું. પહેલાં આપણે ગુજરાતી ફિલ્મોમાં ગરબાના એવા કેટલાક
પ્રયોગો જોઈશું જેની અસર ક્યાં તો હિંદી ફિલ્મોમાં ગરબાના પ્રયોગો પણ ઘણી ઊંડી પડી
એમ કહી શકાય કે પછી બીનગુજરાતી સંગીતકારો પર ગરબાની અસરના માપદંડ સ્વરૂપે જોઈ
શકાય.
તાલીયોના તાલે ગોરી ગરબે
રમતી જાય રે - મંગળ ફેરા
(૧૯૪૯) – ગાયક: ગીતા રોય (દત્ત) - ગીતકાર- સંગીતકાર: અવિનાશ વ્યાસ
આ રચના અવિનાશ વ્યાસની છે એટલે તેમાં ગરબાની
ધુનનો પ્રયોગ બહુ જ યોગ્ય સ્વરૂપે જ થયો હોય એ સ્વાભાવિક છે. પરંતુ ધ્યાનાકર્ષક
વાત એ છે કે ગીતા રોયે જ્યારે આ રચના ગાઈ હશે ત્યારે તેમને ગીત બંગાળી લિપીમાં લખી
અપાયું હશે, અને તેમ છતાં,
ગીત અને ઘુનના ભાવને
કેટલી સરળતાથી તેમને રજૂ કરેલ છે.
અમારે આંગણે અવસર - ઘર સંસાર (૧૯૮૧) - ગાયક: આશા ભોસલે - સંગીતકાર: સલીલ ચૌધરી
સલીલ ચૌધરીએ બંગાળી અને હિંદી ઉપરાંત મલયાલમ
જેવી અન્ય ભાષાની ફિલ્મો માટે પણ સંગીત આપ્યું છે. અહીં તેમની સંગીતના ભાવ પરની
દિલી નિપુણતા ગરબાના અક્ષુણ્ણ નિરૂપણમાં છલકાય છે.
હવે આપણે એવી હિંદી ફિલ્મોની
વાત કરીએ જેનું કથાવસ્તુ મૂળતઃ ગુજરાતી છે. એટલે ફિલ્મના દિગ્દર્શકે ગરબાનો પ્રયોગ
કરવાની ફોર્મ્યુલા વાપરવાની તક ઝડપી લીધી હોય.
મૈં તો ભૂલ ચલી બાબુલકા
દેશ
- સરસ્વતીચંદ્ર (૧૯૬૮) – ગાયક: લતા મંગેશકર - સંગીતકાર: કલ્યાણજી આણંદજી
કુમુદ પરણીને સાસરે આવી ચૂકી
છે. સાસરામાં લગ્નની ઉજવણી પેટે ગરબાનું આયોજન કરી નાખવામાં આવ્યું છે !
મારો ગાંવ કથા પારે - મંથન (૧૯૭૬) – ગાયક: પ્રીતી સાગર – સંગીતકાર: વનરાજ ભાટિયા
'મંથન' વર્ગીસ કુરિયનની દૂધની સહકારી
મડળીઓ દ્વારા લાવવામાં આવેલ 'શ્વેત ક્રાંતિ'ની ઘટનાઓ પર આધારિત ફિલ્મ હતી.
વનરાજ ભાટિયાએ ગરબાની ધુનનો બહુ અનોખી લયમાં
ટાઈટલ્સમાં પ્રયોગ કર્યો છે.
આખું ગીત -
તે પછીથી "અમુલ"એ
સુનિધિ ચૌહાણના સ્વરમાં ગીતને ફરીથી રેકર્ડ કરીને તેમાંથી 'અમુલ'ની એક પ્રમોશનલ ફિલ્મ પણ બનાવી
છે.
એ ઢોલી રે બજાવ - મિર્ચ મસાલા (૧૯૮૭) – ગાયક: બાબુભાઈ રાણપુરી,તેજલ ભર્થરી – સંગીતકાર: રજત ધોળકિયા
ફિલ્મના દિગ્દર્શક કેતન મહેતાએ
મરચાનાં ભૂકાનાં રૂપક વડે ગ્રામ્ય ભારતની સ્ત્રી શક્તિની ખુમારીની વાત રજૂ કરવા
માટે, સ્વાભાવિક જ રીતે,
ગુજરાતનાં
ગ્રામ્યજીવનનનાં વાતાવરણ પર પસંદગી ઉતારી છે. ફિલ્મના સંગીતકાર પણ તળ ગુજરાતી છે.
એટલે ગરબાની સીચ્યુએશન તો ફિલ્મમાં આવે તેમાં નવાઈ નથી. ખૂબી છે અનોખી
રજૂઆતની.
રાજાકી કહાની પુરાની હો
ગઈ - ગોડમધર (૧૯૯૯) – ગાયક: ઉષા ઉથુપ, કવિતા કૃષ્ણમુર્તિ, રેખા -સંગીતકાર: વિશાલ ભારદ્વાજ – ગીતકાર: જાવેદ અખ્તર
ગીત માટેનું વાતાવરણ ગરબાનું
છે પણ તેનો સામાજિક સંદર્ભ એ સમાજની પરંપરાઓ સાથે સંકળાયેલ છે.
'ગોડમધર' પોરબંદરનાં 'માફીઆરાણી' સંતોકબેન જાડેજાનાં જીવન પરથી
પ્રેરિત હોવાનું કહેવાય છે.
ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ,શ્રેષ્ઠ સંગીતકાર અને શ્રેષ્ઠ
ગીતકાર માટે એ વર્ષના ભારત સરકારના રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત થયેલ.
ગુંજે ગગન ગુંજે લલકારેં..અર્જુન
ભી તુમ હો તુમ હી શિવમ - ગોડમધર (૧૯૯૯) – ગાયક: રૂપ કુમાર રાઠોડ – સંગીતકાર: વિશાલ ભારદ્વાજ – ગીતકાર: જાવેદ અખ્તર
અહીં ગરબીનાં મૂળ રૂપ
દાંડિયાની જગ્યાએ મેર સમાજની લડાયક તાસીરને પ્રતિબિંબીત કરતી તરવારનો પ્રયોગ કરાયો છે. આમ ગરબીનાં એક
બહુ મહત્ત્વનાં ઐતિહાસિક સ્વરૂપને પણ અહીં
ઝીલી લેવામાં આવેલ છે.
ઢોલી તારો ઢોલ બાજે - તાલ (૧૯૯૯) – ગાયક: વિનોદ રાઠોડ, કવિતા કૃષ્ણમુર્તિ, કરસન સંગાઠીઆ – સંગીતકાર: ઈસ્માઈલ દરબાર
ઇસ્માઈલ દરબાર પણ પોતાનાં ગુજરાતીપણાંનો આસ્વાદ
કરાવવાનો અવસર ચુક્યા નથી.
રાધા કૈસે ન જલે - લગાન (૨૦૦૧) - ગાયક: આશા ભોસલે, ઉદિત
નારાયણ, વૈશાલી – સંગીતકાર: એ આર રહેમાન
પુરુષ અને સ્ત્રીઓ સાથે મળીને ગરબી
ખેલે તે સ્વરૂપને દાંડિયા રાસ કહેવામાં આવે છે. ગરબી કરતાં દાંડિયા
રાસની લય પણ અલગ હોય છે. 'લગાન'ની પણ પૃષ્ઠભૂમિ ગુજરાતી
વાતાવરણ હતી એટલે ગરબો તો અહીં પણ મુકાવો તો જોઈએ જ. અહીં આપણને એ દાંડિયા રાસનો
આસ્વાદ માણવા મળે છે.
નગાડા સંગ ઢોલ - ગોલીયોંકી રાસલીલા રામ-લીલા
(૨૦૧૩) – ગાયક:
શ્રેયા ઘોષાલ, ઓસ્માન મીર – સંગીતકાર: સંજય લીલા ભણશાળી
શેક્સપિયરની 'રોમિયો જુલિયેટ'ને સંજય લીલા ભણશાળીએ ગુજરાતના
મેર સમાજનાં સાંસ્કૃતિક પરિવેશમાં રજૂ કરી છે. આ નૃત્ય ગીત રચનાનો મૂળ આધાર ગરબાની
ધુન છે, પણ સંજય ભણશાળી તેમની આગવી
શૈલીના મુક્ત વિહારથી તેને ભવ્ય મંચ પર રજૂ કરી રહ્યા છે.
છેક ૧૯૫૦ના દાયકાથી અત્યાર
સુધીની હિંદી ફિલ્મોમાં ગરબાની ધુનની હિંદી ફિલ્મી સંગીત પરની સફરમાં ગરબાની જ
સીચ્યુએશનમાં ગરબાનાં અવનવાં સ્વરૂપોનો પ્રયોગ થતો આપણે જોયો. હવે આપણે ગરબાની ધુન
પર સજ્જ થયેલાં અન્ય હિંદી ગીતોની વાત કરીશું.
બાદલકી પાલકી ઉઠાકે સવાર આનેવાલી હૈ આજ બરસાત - ચક્રધારી (૧૯૫૪) – ગાયક: હેમંત કુમાર, આશા ભોસલે – સંગીતકાર: અવિનાશ વ્યાસ
અવિનાશ વ્યાસ હવે ગરબાની ધુનનો
છેક પૂર્વાલાપથી માંડીને સમગ્ર ગીતની બાંધણીમાં બહુ રચનાત્મક પ્રયોગ આ
ગીતમાં કરે છે.
કાન્હા બજાયે બંસરી ઔર
ગ્વાલે બજાયે મજીરે ગોપીયાં નાચે થમકથમ - નાસ્તીક (૧૯૫૪) – ગાયક: લતા મંગેશકર અને સાથીયો –
સંગીતકાર:
સી રામચંદ્ર – ગીતકાર: પ્રદીપજી
જોગાનુજોગ જ હશે, પણ ગરબાની ધુનનો એક ઔર પ્રયોગ
એક જ વર્ષમાં થઈ રહ્યો છે.
સી. રામચંદ્ર ગરબાની ધુનનો
બહુ બખુબી ઉપયોગ કરતા રહ્યા છે
ના બોલે ના બોલે રાધા ના
બોલે રે ઘુંઘટકે પટ ના ખોલે રે
- આઝાદ (૧૯૫૫) – ગાયક: લતા મંગેશકર – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
ગીતની ધુનમાં તો ગરબાનું
માર્દવ વણી જ લેવાયું છે પણ મીના કુમારી પણ પોતાની ભાવભંગીને ગરબાનાં સ્ટેપ્સના
પ્રયોગમાં રજૂ કરતાં જોઈ શકાય છે.
આધા
હૈ ચંદ્રમા રાત આધી, રહ
ન જાયે તેરી મેરી બાત આધી - નવરંગ (૧૯૫૯) – ગાયક: મહેન્દ્ર કપૂર- સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: ભરત વ્યાસ
ગરબાની
ધુનનાં પોતને માલકૌંસના રંગની સજાવટ ચડાવી છે.
છોડ બાબુલકા ઘર - બાબુલ (૧૯૫૦) – ગાયક: શમશાદ બેગમ અને સાથીઓ –
સંગીતકાર:
નૌશાદ – ગીતકાર:
શકીલ બદાયુની
મૂળતઃ તો આ ગીત કન્યા વિદાયના પ્રસંગનું
છે અને આપણે તેને રેકર્ડ
પર એ જ સ્વરૂપે જ વધારે સાંભળતાં આવ્યાં છીએ.
ફિલ્મનાં કથાવસ્તુમાં જ 'બાબુલ' છે તેથી આ ગીત ફિલ્મમાં જૂદા
જૂદા પ્રસંગે લય કે વાદ્ય સજ્જા કે ગાયકોના ફેરફારો સાથે અલગ અલગ - થીમ સોંગ -
સ્વરૂપે રજૂ થતું રહ્યું છે. આ પૈકી એક રજૂઆત છે જેમાં નરગીસ અને તેની સખીઓ
પોતાનાં શ્વસુરગૃહે જવાની કલ્પનાના આનંદને સમુહ નૃત્યનાં સ્વરૂપે વ્યક્ત કરે છે. આ
પ્રસંગે ગીતની લય અને પર્દા પર રજૂઆત ગરબાનાં સ્વરૂપમાં જોવા મળે છે.
આશા કરૂં છું કે હિંદી
ફિલ્મોમાં ગરબાના આ અવનવાં સ્વરૂપો તમને પણ યાદ કરવાં ગમ્યાં હશે. ગુજરાતી
ફિલ્મોમાંની તકિયા કલમ સિવાયના ફિલ્મોમાં ગરબાના અનૂઠા પ્રયોગો આપને પણ જાણમાં
હોય તો અમને જણાવવાનું હાર્દિક આમંત્રણ છે.
No comments:
Post a Comment