Thursday, November 10, 2016

‘સાર્થક જલસો–૭’: નવેમ્બર, ૨૦૧૬રસપ્રદ તેમજ વૈવિધ્યપૂર્ણ અનુભવો અને વિચારો ધરાવતી નવી-જૂની પેઢીની મનોસૃષ્ટિ અને મૂંઝવણો, સંઘર્ષો તેમજ સજ્જતા રજૂ કરતું પુસ્તક’:
સાર્થક જલસો’: નવેમ્બર, ૨૦૧૬
'
સાર્થક જલસો'નો અંક હાથમાં લઈએ એટલે પહેલી તો નજર તેના મુખપૃષ્ઠની તસવીર પર ચોંટે. અત્યાર સુધી એક સિવાયના દરેક અંકની તસવીર જાણીતા તસવીરકાર વિવેક દેસાઈની રહી છે. આ અંકની તેમની તસવીર  બધી તસવીરોમાં પણ કદાચ વધારે અનોખી જણાશે. બે અલગ અલગ ભાવો સાથેના લોકપ્રિય કળાના નમૂના જેવા ફિલ્મસ્ટારોના ચહેરાની પૃષ્ઠભૂમિમાંહાસ્યથી જાણે જિંદગીની મજા છલકાવતી હોય એવી અનોખી ખુમારી સાથેની (ગ્રામિણ)યુવતી આજના સમાજને પ્રતિબિંબિત કરી રહી છે એમ કહેવું કદાચ અતિશયોક્તિભર્યું ન કહી શકાય.
આ પહેલાં 'સાર્થક જલસો'ના છ અંકો વાંચ્યા છે, એટલે મુખપૃષ્ઠ પરથી નજર ખસે કે સૌથી પહેલાં તો 'સંપાદકીય' વાંચી લેવાની વૃત્તિ રહે, કેમ કે 'સંપાદકીય'  જે તેઅંકની સામગ્રી માટે આપણી અપેક્ષાઓને ચોક્કસ દિશા આપવાનું કામ કરે છે.
'સાર્થક જલસો'ના ૭મા અંકનાં સંપાદકીયમાં સામગ્રીની પસંદગી વિષેના અભિગમ અંગે કહેવાયું છે કે - '...ગુજરાતીમાં સામાન્ય રીતે જોવા-વાંચવા ન મળે એવાં લખાણ અને લખનારાંને શોધવાની અને 'સાર્થક જલસો' સાથે સાંકળવાની ભરપૂર કોશીશ કરવામાં આવે છે.તેનો આશય રસપ્રદ અનુભવો અને વિચારો ધરાવતી નવી પેઢીની મનોસૃષ્ટિ અને મૂંઝવણો, સંઘર્ષો અને સજ્જતા વાચકો સમક્ષ મૂકવાનો છે....'
જલસો-૭ના લેખોના 'અનુક્રમ' પર નજર કરવાની તલપ જગાડવા માટે આટલી સામગ્રી પૂરતી થઈ રહે, એટલે આપણે બધા લેખોનો પરિચય કરવા લાગી જઈએ -
આધ્યાત્મિક અંધારની આલમમાં - બીરેન કોઠારી
'લે, આ વાંચ.' એ વાક્ય સાથે જે છાપું હાથમાં પકડાવાયું તેના પહેલા પાનાની તમામ કૉલમોને આવરી લેતું હેડિંગ હતું 'મુક્તાનંદ ગૉડ ઓર ફ્રૉડ?'. બસ, આધ્યાત્મિક અંધારની આલમની રૂંવાડાં ઊભી કરી દેતી સનસનીખેજ વર્ણનસફર માટે આપણે ઊંચા જીવે તૈયાર થઈ જઈએ. બીરેન કોઠારી આપણને ગણેશપુરીસ્થિત શ્રી ગુરુદેવ સિદ્ધપીઠ આશ્રમમાં  ચાલતી ગતિવિધિઓની સફર તેમની સોળસત્તર વર્ષની વયના સમયની આસપાસની યાદોને સહારે કરાવે છે. અંધારની આલમને કિનારે રહીને એ સમયે તેમને જોવા મળેલી ઘટનાઓના જાતઅનુભવ અને કિશોર વયનાં મુગ્ધ અવલોકનો તેમજ પછી તેનો ઉઘડતો સંદર્ભ આપણા માટે આજે પણ રોમાંચક નીવડે છે. તેમને આશ્રમના ભગવા રંગની વિવિધ રંગછટાઓઆશ્રમના અતિ ઉચ્ચ પદાધારી સ્વામી ગોવિંદાનંદ ઉર્ફે 'દેસાઈ'  ઉર્ફે તેમના સગા મામા રસિકભાઇ દેસાઇને કારણે જોવા મળી હતી. એટલે જે જોવા મળ્યું તેમાં અંધારના સાગરની ઉજળી સતહ જ હતી.જોકે 'અધ્યાત્મિક આલમનું અનુસંધાન' જોડીને તેઓ આપણને આધ્યાત્મિક આલમનાં અંધારાંઓમાં ડૂબકી પણ મરાવી લે છે. સમગ્ર લેખની વિશેષતા એ કહી શકાય કે લેખમાં ચટપટી બાબતોનાં રસાળ વર્ણનોને મસાલા છાપ વિગતોથી ઠાંસવાને બદલે શક્ય એટલી હેતુલક્ષિતા જાળવીને મૂળ વાતને કેન્‍દ્રમાં રાખવામાં આવી છે.
જીતની નહીં, સંઘર્ષની કથાઓ - પ્રીતિ છત્રે– અનુવાદ: સંજય ભાવે
દર ચાર વર્ષે ઑલિમ્પિકની સીઝન આવે તેમાં ખેલાડીઓને મળેલી સફળતા કે નિષ્ફળતાઓની ચર્ચાના બિલાડીના ટોપ ફૂટી નીકળે છે. પ્રીતી છત્રે આ ચર્ચાઓથી હટીને ખેલાડીઓએ કરવી પડતી તૈયારીઓ, તેમણે આપવા પડતા ભોગ અને તેમને સહન કરવી પડતી 'ન કહેવાય , ન સહેવાય એવી' પરિસ્થિતિઓ સાથેના તેમના મુકાબલાઓથી આપણને પરિચિત કરાવે છે. ૧૯૬૮ની મેક્સિકો ઑલિમ્પિક્સની આફ્રો-અમેરિકન ખેલાડીઓ ટૉમી સ્મિથ અને જોન કાર્લોસ અને ઑસ્ટ્ર્લિયાના પીટર નોર્મનની બહુ જાણીતી ઘટનાની મદદથી ઑલિમ્પિક્સની સાથે વણાતી રહેતી અન્ય ઘટનાઓના પણ ખેલાડીઓના અનુભવો પર થતી અસરોને તેઓ ખેલાડીઓના મનોબળ પરના પરિબળોના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે.
ડેટિંગ ઍપ્સ અને'આધુનિક' ભારતીય લગ્ન - આરતી નાયર
આજના સમયનાં યુવાનોમાં 'ડેટિંગ'માટે જે ઍપ્સનું ચલણ છે (અથવા તો થઈ શકે છે) એવી ઍપ્સનાં જમા તેમ જ ઉધાર પાસાંની વહી બહુ રસાળ રીતે રજૂ કરી છે. આ ઉપરાંત લગ્ન માટે જોડાં ગોઠવી આપવાની સાઈટ્સના ઉપયોગનાં ભયસ્થાનો પણ તેમણે સચોટપણે રજૂ કરેલ છે.લગ્ન - પછી તે ઍરેન્જ્ડ મૅરેજ હોય કે લવ મૅરેજ - વિષેના તેમણે રજૂ કરેલા વિચારો પણ આજની પેઢીની વિચારસરણીના આ વિષય પરત્વેના દૃષ્ટિકોણ પર પ્રકાશ પાડે છે. જેમ કે, "મોટે ભાગે કોઈ કહેતું નથી કે લગ્ન એટલે સ્રરખે સરખી ભાગીદારી છે, જિંદગીને સરસ રીતે જીવવાની એક રીત છે,ગમે તે થાય તો પણ એક વ્યક્તિ તમારે પડખે રહે છે, અને એકલવાયાં મૃત્યુ નહીં પામવાનો એ માર્ગ છે - જોકે એની ગૅરન્ટી નથી."

લગ્ન પછીનો 'અટક'ચાળો - દ્વિજા બક્ષી-દોશી
છોકરી માટે લગ્ન પછી થતી અનેક મૂંઝવણોની સાથે હવે આવતી એક નવી અડચણ - પોતાની લગ્ન પહેલાંની અટક બદલવી કે નહીં - પણ ઉમેરાઈ છે.કાયદાની જોગવાઈઓ અને તેની સામે વ્યાવહારિક સરળતાઓની સામે સામાજિક, કૌટુંબીક , વહીવટી કેટલાય દાખલાઓ રજૂ કરીને લેખિકા છોકરીઓના પક્ષે હસતાં હસતાં જડબેસલાક કેસ રજૂ કરે છે. પરંતુ લેખને અંતે દલીલો કરવાની તેમની ધીરજનો અંત આવ્યો જણાય છે. હવે તેઓ "અટક બાબતે છોકરી સ્વતંત્રતા ભોગવે, તે સ્વીકારવાનું સમાજને આટલું અઘ્રું કેમ પડે છે?"થી માંડીને "પસંદગીના હકને ભણતરના હકની સમકક્ષ ન ગણવો જોઈએ?" સુધીના સવાલો ધાણી ફૂટે એમ ખડકી દે છે..... 
અજંપાગ્રસ્ત રશિયામાં સાત વર્ષ - રાજીવ શાહ - અનુવાદ આનંદ આશરા
૧૯૯૧ના ઑગસ્ટમાં રશિયાની શાસન વ્યવસ્થામાં થઈ  રહેલી ઉથલપાથલથી લેખની શરૂઆત થાય છે.જેમ જેમ લેખ વાંચતાં જઈએ છીએ તેમ તેમ લોખંડી પડદાના ઓથારમાં લોકો કેમ કરીને જીવનને બરદાસ્ત કરતાં હતાં તેની વિગતોનો સારો એવો ચિતાર આપણી સમક્ષ ખડો થાય છે. લેખના અંતમાં તેમના નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્ય પ્રધાનપદના સમયના કેટલાક પ્રવાહો અને એ પરથી તેમનાં તારણો આ લેખ સાથે મૂકવાનો મોહ ટાળવા જેવો હતો.
સભાપર્વ રાજપુરથી રાજસભા સુધી -ચંદુ મહેરિયા
ચંદુભાઈ મહેરિયાના લેખો 'સાર્થક જલસો'નું એક અવિભાજ્ય અંગ બની રહેલ છે. આત્મકથાનક સમા તેમના લેખો એ સમયના સમાજનું આબેહૂબ ચિત્રણ ખડું કરે છે. આવા અનુભવોને કારણે જીવનમાં જે કડવાશ પેદા થાય તેનો અહેસાસ ભૂલ્યો ભૂલાય તેમ નથી હોતો, પરંતુ ખૂબીની વાત એ છે કે શ્રી મહેરિયાની રજૂઆતમાં ક્યાંય પણ કડવાશ અનુભવાતી નથી. તેમનાં ચિત્રણ બહુ જ નિરપેક્ષ હોવા છતાં સંવદેનાના ગ્રે રંગના અનેકવિધ શૅડ્સ આવરી લેવામાં ક્યાંય ઊણાં નથી ઉતરતા. પ્રસ્તુત લેખમાં 'ચાલીમાં રહીને જુદી જુદી સભાઓમાં શ્રોતા અને વક્તા તરીકે થયેલ (તેમના) ઘડતરનો, અને એ નિમિત્તે અમદાવાદના રાજકીય-સામાજિક જાહેર જીવનનો હૈયેઝીલ્યો ધબકાર' સુપેરે ઝીલાયો છે.
એક દિવસ આ રીતે વીતાવી જુઓ - ભાવિન પટેલ
આજે હવે જે કંઈ ઘસારો લાગ્યો હોય તો પણ સમાજની માનસિકતાના જાતિભેદના  સિક્કાની 'બીજી' બાજૂએ ઊંડે સુધી ઉતરી ગયેલ છાપમાંથી જન્મતી આજની પેઢીની વિટંબણાઓનો પૂરેપૂરો કયાસ અહીં રજૂ કરેલ બહુ થોડા પ્રસંગોમાં જ આવી જાય છે. એ સમાજના '' પક્ષમાં રહેવાને કારણે 'અમારી વાત ત્યાં જ અટકેલી છે' એ એક જ વાક્ય ગમે એટલી બૂઠ્ઠી થઈ ગયેલ સંવેદનાને હલબલાવી કાઢે છે. આનો ઉકેલ કેમ અને ક્યારે આવશે તે પ્રશ્નનો જવાબ મળે તો'' સમાજનું "નવું જીવન શરૂ થાય."
તુમ એક ગોરખધંધા હો - દીપક સોલિયા
કોઈ એક વિષયની જૂદી જૂદી બાજૂઓને જૂદા જૂદા દૃષ્ટિકોણની બારીકાઈથી વિગતે તરાશવી દીપક સોલિયાની શૈલીનું આગવાપણું  છે એમ કહેવું કદાચ અતિશયોક્તિ નહીં કહેવાય.પાકિસ્તાની શાયર નાઝ ખિયાલવીની બહુખ્યાત કવ્વાલીનો રસાસ્વાદ કરાવવા માટે પોતે એકલો જ બોલ્યા કરે છે અને પેલો ઉપરવાળો તો ધરાર ચૂપ જ રહે છે એવા  વિચારશીલ ભક્તની ભૂમિકામાં દીપક સોલિયા પરકાયા પ્રવેશ કરે છે.ઉપરવાળા સર્વેસર્વા ખુદાને ઉશ્કેરીને,'ચંદ લમ્હેં મિલન, દો ઘડી ગુફ્તગૂ..'ની ભકતની આરઝૂને વધારે ધાર બક્ષીને હવે આ પરિપ્રેક્ષ્યમાં, કવ્વાલીને 'સાંભળવા'ની સીધી સાદી માગણી દીપક સોલિયા આપણી સમક્ષ મૂકે છે.આ માટે તેમણે જે બે વિડીયો લિંક સૂચવી છે બન્ને વિડિયો અહીં રજૂ કરેલ છે 
Tum EkGorakh Dhanda Ho -  Full Qawwali -NusratFateh Ali Khan
Ghorak Dhanda By Naaz Khialvi
ન્યૂ યૉર્ક ફક્ત એક જ શરત છે, ગતિમાન રહેવું- ઋતુલ જોષી
આડેધડ પાર્કિંગ, સફાઈ કર્મચારીઓની રાહ જોતો કચરો, હોર્ન અને સાયકલોનો ઘોંધાટમાં લંડનના જેવી ઘણી ગડમથલો  ઉમેરો તો સીધે સીધું આપણા દેશનું કોઇ (મહા)નગર હશે એમ જ માની લેવાનું મન થાય. પરંતુ અહીં વાત છે આવનારા સમયનાં શહેર સમા ન્યૂ યૉર્કની. એક એવું મહાનગર જે મહાનગરની વ્યાખ્યા કહી શકાય. એ વિશ્વનાં અન્ય મહાનગરોથી જૂદું પડે છે તેની રોજિંદી ઘટમાળથી,
ચિત્ર : મારિઓ મિરાન્ડા
જે શહેરના
અનુભવો અને આપણી કલ્પનાઓનાં દ્વંદ્વમાંથી ઉડતી ધૂળને ધોઈ નાખતું સંગીત પણ પેદા કરી શકે છે.'વિવિધ પ્રકારના લોકો, તેમની જરૂરિયાતો અને જીવનશૈલીઓ વચ્ચે સંધાન સાધવાની ક્ષમતા' આ શહેરને'પોતની કાંચળી ઉતારીને નવી પહેરવાનોપ્રાણવાયુ પૂરો પાડે છે. ૯/૧૧ની દુર્ઘટનાવાળા  ૨૦૦૧ના વર્ષ સુધીમાં તો જાણે ન્યૂ યૉર્ક કોમામાં સરી પડવાની હાલતે પહોંચી ગયેલું. ૨૦૦૨ની સાલની વિધિવત ચુંટણીમાં માઈકલ બ્લૂમબર્ગ ન્યૂ યૉર્ક શહેરના મેયર તરીકે ચુંટાયા. તેમની સાથે આવેલી ટેકનીકલ તજજ્ઞોની ટીમે એ પછીના દાયકામાં ન્યૂ યૉર્કની શકલ બદલી નાખી છે. તેમનો સમયકાળ પૂરો થયા સુધીમાં ન્યૂ યૉર્કમાં ઘણી ખામીઓ રહી ગઈ છે. પણ એ ખામીઓની જ આરતી ઉતારતા રહેવાને બદલે ન્યૂ યૉર્કની વિકાસ ગાથા અટકી નથી.૨૦૧૬માં જેમની જન્મ શતાબ્દિ ઉજવાઈ રહી છે એવાં ન્યૂ યૉર્કના એક પત્રકાર-કર્મશીલ-ગૃહિણી એવાં જેઇન જેકબનાં કથન - શહેરો નવા લોકો અને નવા આઇડિયાને આકર્ષિત કરવાની જગ્યાઓ છે. કોઈ પણ શહેર લોકોને કંઈક પાછું આપવાની ક્ષમતા ત્યારે જ અને એટલા માટે જ ધરાવે છે જ્યારે તે લોકો દ્વારા, લોકો માટે બન્યાં હોય  -ને ન્યૂ યૉર્ક જીવવાનો પ્રયત્ન કરે છે. લેખક કહે છે કે "મહાન શહેરો સહિયારાં અને સતત પ્રયત્નોથી બનતાં હોય છે અને આ પ્રયત્નો થાય તેની કરામત સરકાર પાસે છે." અહીં માત્ર એટલું જ ઉમેરવાનું મન થાય કે કોઈ પણ સરકાર એવી જ ચુંટાય છે જેવી તેને ચુંટનારી પ્રજા હોય.તાળી બે હાથે જ વાગે.
યે નથી હમારી કિસ્મત... - રજનીકુમાર પંડ્યા
'નબળાસબળા લેખક... તરીકે હું ભલે સૌની સમક્ષ થયો હોઉં, પણ મારા ગદ્યમાં થોડો ઘણો પણ લય ક્યાંય વરતાતો હોય એ મારી અસલી મૅટલ...સંગીતને.. કરીને હશે" [આપણે વેબ ગુર્જરીના વાચકો તો તેમના આ કથનને દરેક અઠવાડિયે એરણે ચડાવીએ છીએ અને તેમનાં લખાણને માણીએ છીએ].......આગ લાગી ત્યારે બુઝાવવા માટે સાહિત્ય બહુ કામમાં નથી આવ્યું. બસ, માત્ર ફરી સમુંનમું કરવામાં કામ આવ્યું છે. મારા જીવનમાં સંગીતની બરોબરી સાહિત્યથી નહી થાય તે નહીં જ થાય.' 'સરગમના 'સા'થી આગળ ન વધી શકેલા 'ગાયક'ના આત્મકથન' માટે આનાથી વધારે સંગીતમય શરૂઆત બીજી કોઈ હોઈ શકે ખરી?
મેડિક્લેમના ભરોસે માંદા ન પડવું - બિનીત મોદી
'જીવવા માટે ઈન્ટરનેટ અને માંદા પડો ત્યારે મેડિક્લેઇમ (મેડિક્લેમ / મેડિક્લેઇમએ બન્ને જોડણીઓ મૂળ લેખમાં છે તેમ જ વાપરી છે) જરૂરી લાગતું હોય, એવા વાતાવરણ વચ્ચે એ જાણી લેવું જરૂરી છે કે બન્નેનો ખપ પડે ત્યારે કામમાં આવે છે ખરાં?' પ્રસ્તુત લેખ મેડિક્લેઈમ અણીના સમયે કામ આવે એ માટે શું શું કરવું તેની બહુ સ્પષ્ટ સૂચનાઓ આપે છે. જેમણે હજૂ સુધી મેડિક્લેઈમ મૂકવાનો વારો નથી આવ્યો તેમણે જ નહીં પણ જેમને એની ચૂકવણી કરાવવા માટે વળી બીજો કોઈ વિમો ઉતરાવવો પડશે એવી જરૂર જણાઈ એમના માટે પણ અહી જણાવેલ સૂચનાઓ હાથવગી રાખવા યોગ્ય છે.
ઘેરું ધુમ્મસ અને જાંબલી જૂતાં - કથક મહેતા– અનુવાદ: કેયુર કોટક
ગોવાના એક પ્રવાસથી શરૂઆત થતા લેખમાં એકલી સ્ત્રીને એકલપંડે પ્રવાસ ખેડવાથીસંભવતઃ મળશે એવી આઝાદીની વાતને કારણે સ્ત્રીસશક્તિકરણ અંગેનો લેખ ગણવો કે પ્રવાસનનો ગણાવો એ દ્વિધા સાથે લેખ આગળ વાંચવાનું ચાલુ તો રાખ્યું.લેખિકાએ ખેડેલાં એકલપ્રવાસોનાં દુઃસાહસોમાં દાર્જિલિંગની સફરની એક વાત આવતાં જ મનોમન શીર્ષકમાંનાં ઘેરાં ધુમ્મસને તો સાંકળી લેવાયું. હવે ઉત્સુકતા હતી જાંબલી જૂતાંને એ ધુમ્મસ સાથે સાંકળવાની. આગળ વાંચતાં વાંચતાં એ ઉત્સુકતાની સાથે એ અનુભવન વર્ણન પણ જકડી રાખનારું બની રહ્યું. જાંબલી જૂતાંની વાત અહીં કહી દઈને કથાનકનાં રહસ્યનાં ધુમ્મસને વિખેરી નાખવાનું દુઃસાહસ હું તો નહીં જ કરૂં!
હિન્દી સિનેમા, ગુજરાતી મહિમા - હરીશ રઘુવંશી
હિન્દી સિનેમા સાથે ગુજરાતીઓનો સંબંધ ઘણો જૂનો અને ઘણો વ્યાપક છે એટલી જાણ તો લગભગ બધા હિંદી ફિલ્મના ચાહકોને હશે. પરંતુ આ સંબંધનો વ્યાપ કેટલો ફેલાયેલો છે તે ભાગ્યેજ કોઈને જાણ હોય. તેમનાં અનેક આયામી સંશોધન વડે શ્રી હરીશ રઘુવંશી અહીં તે ખોટ પૂરી પાડે છે. સિનેમાના વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કરનારા ગુજરાતીઓની યાદીની સાથોસાથ બહુ જ અપ્રાપ્ય એવાં પૉસ્ટરો અને તસવીરો પણ સામેલ છે. આ યાદી સંપૂર્ણ નથી, છતાં વેપારી પ્રજા ગણાતા ગુજરાતીઓના પ્રદાનનો વ્યાપ કેટલો બહોળો છે તેનો અંદાજ બરાબર મળી રહે છે.
બ્લેકકોમેડી - ચેતન પગી
લેખકનાં વનલાઈનરો તેમના નિરીક્ષણની સાથોસાથ સૂક્ષ્મ, માર્મિક હાસ્ય નીપજાવે છે: કેટલાક નમૂના:  
·         જનહિતમાં જારીઃ
અમારી પાસે કબજિયાતની દવાછે,
ઉજળીયાતની નહીં.
·         એક સ્કુલની દિવાલ પર વાંચ્યું,
'બારી ખોલવાની મનાઈ છે.'
·         તાપમાનનો 'પારો' જોઈને દેવદાસ બબડ્યો,
'સાલું, ચંદ્રમુખી જ બરાબર હતી.'
કોમવાદના 'સત્ય'ની શોધ માટે... - ઉર્વીશ કોઠારી
'સાર્થક જલસો ૭'ની (ટીમ પસંદગીકાર) સંપાદકીય ટીમે આ વખતે વ્યૂહાત્મક સ્થાન સંભાળ્યાં હોય એમ લાગે છે. અંકની શરૂઆત બીરેન કોઠારીએ કરી, મિડલ ઑર્ડરનો મોરચો સંભાળ્યો દીપક સૉલિયાએ તો છેલ્લે સ્લૉગ ઑવરમાં ઉર્વીશ કોઠારીએ આવીને હલ્લો બોલાવી દીધો. જૂઓ કેટલીક ફટકાબાજી-
"ઇતિહાસ લખવાનું કામ મોટે ભાગે ઇતિહાસકારોના હાથમાં હોવાથી વિષયને જેમ તેમની શિસ્તનો લાભ મળે છે ,તેમ તેમની મર્યાદાઓ નો-પૂર્વગ્રહોનો ભરપૂર ગેરલાભ મળે છે."
"વાત ભારતના હિંદુ-મુસ્લ્મિ સંબંધો અને તેના રાજકારણની હોય ત્યારે સચ્ચાઈની સૌથી નજીક હોય એવો ઇતિહાસ તપાસવાનું વધારે અઘરું છે."
"ઇતિહાસ કદી ભૂતકાળ બનીને પેટીમાં પુરાઈ જતો હોતો નથી. તેમાંથી બોધપાઠ લેવામાં ન આવે તો તેના છેડા વર્તમાનમાં પણ લંબાય છે....અંગ્રેજોની વિદાય પછી ભારતમાં થતાં રહેલાં કોમી હુલ્લડો એ હકીકતનાં સાક્ષી છે."
'સચ્ચાઈથી સૌથી નજ્દીક લાગે તેવાં બિપિન ચંદ્રએ લખેલાં ઇતિહાસનાં પુસ્તક 'ઇન્ડિયાઝ સ્ટ્રગલ ફૉર ઈન્ડીપેન્ડન્સ'(પેંગ્વીન, ૧૯૮૯)નાં ૩૧થી ૩૩ એમ  ત્રણ પ્રકરણમાં આલેખ્યો છે. ઉર્વીશ કોઠારીનો તળ લેખ આમ તો એ પ્રકરણોના સંકલિત અંશોના મુક્ત અનુવાદ માટેની પૂર્વભૂમિકાનો પાળો બાંધવા માટે રચાયો છે.
અને બોનસમાં ઉર્વીશ કોઠારીએ ૧૮૫૭ના સંગ્રામથી માડીને ૧૯૪૨-૧૯૪૬ સુધીનો 'ભારતમાં કોમવાદી રાજકારણનો ઘટનાક્રમ' આલેખ્યો છે. અહીં પણ બહુ અપ્રાપ્ય સામગ્રીની તસવીરો પણ મૂકાઈ છે.
એકંદરે, સંપાદકોએ 'સાર્થક જલસો -૭' માટે ગુજરાતીમાં સામાન્ય રીતે જોવા-વાંચવા ન મળે એવાં લખાણ અને લખનારાંને શોધવાની અને 'સાર્થક જલસો' સાથે સાંકળવાની જે નેમ રાખી છે તે સુપેરે સિદ્ધ થતી જણાય છે.
પરિચયકર્તાની નોંધ:
'ન્યૂ યૉર્ક ફક્ત એક જ શરત છે, ગતિમાન રહેવું" અને 'કોમવાદના 'સત્ય'ની શોધ માટે... ' એ બે લેખો સાથે મુકેલી તસવીરો નેટ પરથી લીધેલ છે, જ્યારે બાકીની તસવીરો 'સાથક જલસો -૭'માંથી લીધેલ છે.
/\/\/\/\/\/\

સાર્થક જલસોપ્રાપ્તિ સ્રોત:
ü  બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ ।www.gujaratibookshelf.com), અથવા
ü  ઓનલાઈન મેળવવા માટેની વધારે વિગતો સાર્થક જલસો [SaarthakJalso]પર જોઈ શકાય છે.
Post a Comment