Sunday, November 6, 2016

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૮)



૧૬-૪-૨૦૧૬ના મણકાથી શરૂ થયેલ જાણીતાં ગીતોને પરદા પર રજૂ કરતાં ઓછાં જાણીતા કળાકારોની ઓળખ સફર ૬-૫-૨૦૧૬ના અંક આગળ વધાર્યા પછી હરીશભાઈ રઘુવંશીએ ૪-૬-૨૦૧૬ના રોજ આપણે માત્ર મુકેશના સ્વરમાં જ ગવાયેલાં ગીતોને રજૂ કરનારા કળાકારોનો પરિચય કરાવ્યો. એ જ દિશામાં ૧૬-૭-૨૦૧૬ અને ૬-૮-૨૦૧૬ના રોજ આપણે મન્ના ડે અને તે પછી જ ૩-૯-૨૦૧૬ અને ૧-૧૦-૨૦૧૬ ના રોજ મોહમ્મદ રફીના સ્વરમાં વિશિષ્ટ ગીતોને સાંભળ્યાં જેને રજૂ કરનાર કળાકારો બહુ જાણીતા નથી થયા.

આજે આપણે  વિવિધ નૃત્ય ગીતોને જોઈશું / સાંભળીશું.

સૌથી પહેલાં એવાં થોડાં ગીતો જોઈએ જે માત્ર ફિલ્મનાં દર્શકોને ખુશ કરવાની દૃષ્ટિથી જ ફિલ્મની પટકથામાં કોઈ ગીત કે નૃત્યમાટે ખાસ સીચ્યુએશન ઊભી કરવાની આપણી ફિલ્મોની એક બહુ જાણીતી પ્રથાના પરિપાક સમાં કહી શકાય. તેમાં નૃત્યકાર  ફિલ્મોમાં નૃત્યકારની જ ભૂમિકા ભજવવા માટે જાણીતાં હોય તેવું વધારે બનતું.

મૈં તો મુંબઈ સે દુલ્હન લાયા રે અય બાબુજી - ઝૂલા (૧૯૪૨) - ગાયક અરૂણ કુમાર, રેહમત બાનો - સંગીતકાર સરસ્વતી દેવી - ગીતકાર પ્રદીપ

'૪૦ અને '૫૦ના દાયકાનાં લગ્નોના વરઘોડાઓમાં આ ગીત વગાડવું લગભગ ફરજિયાત ગણાતું એટલી હદે તે લોકપ્રિય થયેલું.

પરદા પર તેને અદા કરતા પુરુષ નૃત્યકાર, મુમતાઝ અલી,ને પણ આ ગીતને કારણે એક આગવી નૃત્યકાર તરીકે આગવી ઓળખ મળી. હા, '૬૦ના દાયકામાં ફિલ્મોમાં બહુખ્યાત નૃત્યાંગના, મીનૂ મુમતાઝ, અને હાસ્ય કલાકારોમાં સર્વકાલિન મોખરાની હરોળમાં અગ્ર સ્થાન જેમનું રહ્યું છે તેવા મહેમૂદના તેઓ પિતા થાય.


આ ગીતનું એમ્બેડ્ડીંગ નિષિદ્ધ કરેલ છે એટાલે ગીત સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરશો.

https://www.youtube.com/watch?v=6xfjE89pGMc



ઓ ઓ અય અય કૌન ગલી કા છોરા પુકારે - સંજોગ (૧૯૪૩) - ગાયક હમીદા બાનો, શ્યામ -  સંગીતકાર: નૌશાદ ગીતકાર: ડી એન મધોક

નૌશાદે આ ફિલ્મમાં ફિલ્મનાં નાયિકા મહેતાબ માટે સુરૈયાનો પાર્શ્વ ગાયક તરીકે પ્રયોગ કર્યો હતો.

હિંદી સિનેમામાં યહુદી તારીકાઓનો એક જમાનો હતો. '૬૦ પછીના દાયકામાં જે સ્થાન હેલનનું હતું, એ પહેલાં જે સ્થાન કકૂનું હતું તે સ્થાન '૪૦ના દાયકામાં અઝુરી (મૂળ નામ - Anna Marie Gueizelor)નું કહી શકાય.  હિંદી ફિલ્મનાં પહેલાં સ્પેશ્યાલિસ્ટ સ્ત્રી નૃત્યકારનું સ્થાન તેમને બેશક આપી શકાય.

મધ્ય પૂર્વ એશિયાની શૈલીનું નૃત્ય - અનોખી અદા (૧૯૪૮) – સંગીતકાર: નૌશાદ

માત્ર સંગીત પર જ આખું નૃત્ય ગીત રચાયું હોય એવો પ્રયોગ.

'૪૦ના દાયકાના મધ્યમાં કકૂએ પણ સ્પેશ્યાલિસ્ટ નૃત્યાંગના તરીકે તેમનું એક આગવું સ્થાન બનાવી લીધું હતું. કકૂ (મૂળ નામ - Cuckoo Moray) જન્મે એંગ્લો-ઈન્ડિયન હતાં.

અખિયાં ગુલાબી જૈસે મધ કી હૈ પ્યાલિયાં - બેક઼સૂર (૧૯૫૦) – ગાયક: લતા મંગેશકર, મોહમ્મદ રફી – સંગીત: હંસરાજ બહલગીતકાર: એહસાન રીઝવી
ગીતમાં પરદા પર નૂત્ય કરતાં કળાકાર મધુબાલા છે તે ઓળખાણ આપવાની તો ભાગ્યેજ જરૂર હશે. સાથેના પુરુષ નૃત્યકાર કૃષ્ણકુમાર છે. વી. શાંતારામનાં 'જનક જનક પાયલ બાજે' માં ગોપીકૃષ્ણને નૃત્યકાર હોવાને દાવે મુખ્ય ભૂમિકા મળી. તે પહેલાં નૃત્ય ગીતોમાં આવું પુરુષ નૃત્યકાર તરીકેનું સ્પેશ્યાલિસ્ટ સ્થાન કૃષ્ણ કુમારનું હતું. તેઓ નૃત્ય દિગ્દર્શન પણ સંભાળતા. રાજક્પૂરનું 'આવારા' બની રહ્યું હતું એ સમયમાં કૃષ્ણ કુમારની રહસ્યમય સંજોગોમાં મ્રુત્યુ થયું હતું.

ઓ પિયા પી પી પિયા - નૌજવાન (૧૯૫૧) – ગાયક: શમશાદ બેગમ, કિશોર કુમાર – સંગીતકાર: એસ ડી બર્મન ગીતકાર: સાહિર લુધ્યાનવી

બૅલૅ શૈલીનું નૃત્ય - અફસાના (૧૯૫૧) – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ 

હની ઓ'બ્રાયન જન્મે એંગ્લો-ઇન્ડિયન હતાં તેમણે ૧૯૫૧ની 'શોખીયાં' અને 'આવારા' જેવી અન્ય  કેટલીક ફિલ્મોનાં નૃત્યો પણપરદા પર અદા કર્યાં હતાં.

પય્યામ- એ - ઇશ્કરા.....બેદાર હુઈ કલિયાં, ઔર હુસ્ન હુઆ રક઼્શા - શોખીયાં (૧૯૫૧) – ગાયક: રાજકુમારી – સંગીતકાર: જમાલ સેન ગીતકાર: હિમ્મત રાય શર્મા

'આવારા' (૧૯૫૧)નું એક બેવફા સે પ્યાર કિયા ગીત તરીકે બહુ લોકપ્રિય થયું હતું, પણ એ લોકપ્રિયતા હની ઓ'બ્રાયનને ફળી નહીં. ઇન્ટરનેટ પરની કેટલીક નોંધ અનુસાર તેમની પુત્રીઓના જન્મ પછી તેઓ જીનીવા જઇને રહ્યાં હતાં.

અપલમ ચપલમ ઓ દુનિયા કો છોડકર તેરી ગલી આયી રે - આઝાદ (૧૯૫૫)- સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

દક્ષિણ ભારતના નિર્માતાઓએ બનાવેલી ફિલ્મોમાં નૃત્ય ગીતોમાં મોટા ભાગે દક્ષિણનાં જ નૃત્યકારો પરદા પર નૃત્ય ભજવતાં જોવા મળતાં, જેમણે મોટા ભાગે એ જ ભાષામાં બનેલ વર્ઝનમાં પણ કામ કર્યું હોય.

દિલ હૈ તેરા યે દિલ તૂ લિયે જા - ગુલામ બેગમ બાદશાહ (૧૯૫૬) – ગાયક: ગીતા દત્ત - સંગીતકાર: સુદિપ્ત  ગીતકાર: ઈન્દીવર
મીનૂ મુમતાઝ એવાં નૃત્યકાર છે જેમની ફિલ્મની કારકીર્દી ખાસી લાંબી અને નોંધપાત્ર રહી.
કેટલીક બી ગ્રેડની ફિલ્મોમાં તેમને મુખ્ય ભુમિકાઓ મળી પણ ન્રુત્યકાર સિવાયની ભૂમિકાઓમાં સફળતા ન મળી.
આડવાત :
અહીં એક ખાસ અંગત વાત કહું તો મારી પસંદનાં ટોપ ગીતો પૈકી બે ગીત એવાં છે જેમાં મિનૂ મુમતાઝની ભૂમિકા અહમ છે.
મૈં તુમ્હીં સે પૂછતી હું મુઝે તુમસે પ્યાર કયું હૈ - બ્લેક કેટ (૧૯૫૮) -  ગાયક: લતા મંગેશકર અને સાખી પૂરતા મોહમ્મદ રફી – સંગીતકાર:  એન દત્તા ગીતકાર: જાં નિસ્સાર અખ્તર
આ ફિલ્મમાં તો તેમની ભૂમિકા બલરાજ સહાની જેવા અભિનેતા સામે હતી.
તેમનાં અન્ય બહુ ખ્યાત નૃત્ય ગીતોમાં મારી પસંદમાં સદા અગ્રેસર રહેતું સાહિબ બીબી ઔર ગુલામ (૧૯૬૨, આશા ભોસલે અને સાથીઓ, હેમંત કુમાર, શકીલ બદાયુની)નું સાકીયા....આજ નુઝે નીંદ ન આયેગી...સૂના હૈ તેરી મહેફિલમેં રસ જગા હૈ પણ છે.
'૬૦ અને '૭૦ના દાયકાનાં ફિલ્મનાં પરદા પરનાં એક એવાં જ બીજાં નૃત્યકાર હતાં હેલન (મૂળ નામ હેલન એન્ન રિચાર્ડસન.તેમને એક અદના નૃત્યકાર તરીકે રાજ કપૂરની ફિલ્મ 'આવારા' (૧૯૫૧)માં ઘર આયા મેરા પરદેસી'દ્વારા હિંદી ફિલ્મમાં પ્રવેશ કરવામાં કક્કૂએ જ તેમને મદદ કરી હતી. 
રાતેં પ્યાર કી બીતી જાયેગી (ગાયક આશા ભોસલે - સંગીત શ્યામ સુંદર - ગીતકાર સાહિર લુધ્યાનવી) અલિફ લૈલા (૧૯૫૨)માં હેલનનું નૃત્ય
ફિલ્મના પરદા પરનાં હેલન જ એક એવાં નૃત્ય કળાકાર છે જેમને ૧૯૯૯માં ફિલ્મફેરનો લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવૉર્ડ અને ૨૦૦૯માં 'પદ્મશ્રી'નો ખિતાબ મળ્યા છે. મીનૂ મુમતાઝ તેમનાં પુત્ર સાથે કેનેડામાં સ્થાયી થયાં. પરંતુ, કક્કૂ તો તેમના જીવનના આખરી દિવસોમાં બહુ દયનિય હાલતમાં આવી પડ્યાં હતાં.
હિંદી ફિલ્મના પરદા પર નૃત્યને રજૂ કરવાની એક અનોખી પરંપરાની આ ખટમીઠી દાસ્તાન આપણે હવે પછીના અંકમાં ચાલૂ રાખીશું...

૧-૧૦-૨૦૧૬ના અંકમાં આપણે સાંભળેલાં ગીતોનાં કળાકારોનો પરિચય કરતાં પહેલાં ૩-૯-૨૦૧૬ના અંકમાં મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ 'તુમ્હારે હૈ તુમ સે દયા માંગતે હૈ'ને પરદા પર રજૂ કરનાર કળાકાર વીતેલા જમાનાના મૂંગી ફિલ્મોના યુગના સૂપર સ્ટાર માસ્ટર નિસ્સાર હતા તેની જાણ આપને ભાઈશ્રી ભગવાન થાવરાણીના લેખ પરથી પડી છે તેની સાભાર નોંધ લ ઈએ. ફિલ્મ જગતની વિચિત્રતા માસ્ટર નિસ્સારને પણ આભડી ગઈ હતી. પાછલી વયે તેઓ પણ હાજીઅલી દરગાહ મુંબઇ પાસે ભીખ માંગતા દેખાયેલા !


No comments: