હમણાં સમાંતરે ચાલી રહેલ ૧૯૪૯નાં જાણીતાં અને ઓછાં જાણીતાં
ગીતોની સફર દરમ્યાન સુરીન્દર
કૌરનાં સૉલો ગીતોને પહેલી વાર ધ્યાનથી
સાંભળવાની તક મળી.તેમનાં મુકેશ સાથેનાં યુગલ ગીતોને પણ માણ્યાં, અને તેમ છતાં તેમનું મોહમ્મદ રફી સાથેનું
યુગલ ગીત તો ધ્યાન બહાર જ નીકળી ગયું.તેમના અવાજમાં આગવો પંજાબી લહેકો તો હતો,
વીન્ટેજ એરાનાં સ્ત્રી ગાયકો જેવી ઘેરી ગુંજ પણ હતી અને એ સિવાય પણ
કંઇક એવું અનોખું તત્ત્વ અનુભવાયું જે દિલોદિમાગ પર છવાયેલું રહે.એટલે તેમનાં વિષે
વધારે શોધખોળ કરવાનું ચાલુ કર્યું. Cineplot.com અને Wikipedia પર તેમને લગતી પૂરક માહિતી મળી આવી. એમાંથી ખબર પડી કે
નવેમ્બર મહિનો તો તેમના જન્મનો (૨૫ નવેમ્બર, ૧૯૨૯) મહિનો છે. બસ, એટલે આપણા આ મહિનાના અંકમાં
તેમનાં જ ગીતો રજૂ કરવાં એ નક્કી થઈ જવું તો સ્વાભાવિક જ હતું.
ઈન્ટરનેટ પરથી જે માહિતી મળી તેમાં તેમનાં
૧૯૪૮થી ૧૯૫૨ સુધીનાં હિંદી ફિલ્મો ગીતોની યાદી મળી. એટલાં જ ગીતોમાંથી સુરીન્દર
કૌરના અવાજનાં વિવિધ પાસાંઓની ઓળખાણ કરવા જેટલી સામગ્રી તો મળી રહી. આજે અહીં
તેમનાં સૉલો ગીતો જ લીધાં છે. જે ફિલ્મમાં એકથી વધારે સૉલૉ ગીતો છે તેમાંથી મને
પસંદ પડેલ એક ગીત અહીં લીધેલ છે. બાકીનાં મોટા ભાગનાં ગીતો યુ ટ્યુબ પરથી મળી
શકશે.
અખીયાં મિલાકે અખીયાં. રોવેં દિન રતિયાં - નદીયા કે પાર (૧૯૪૮) - સી રામચંદ્ર - મોતી બી.એ.
આ ફિલ્મનું આ એક જ સૉલો ગીત છે. ગીત
ફિલ્માવાયું પણ છે ફિલ્મની નાયિકા, કામિની કૌશલ, પર. સુરીન્દર કોર માટે આ બહુ મોટો
બ્રેક ગણી શકાય. અને તેઓ પણ કોઈ વાતે ઊણાં પડ્યાં નથી જણાતાં.
એક નઝર વો યાદ હૈ ઉનકી, જિસને દિલ પર વાર કિયા -
નાવ (૧૯૪૮) - જ્ઞાન દત્ત - ડી એન મધોક
આપણને એ તો ખબર નથી કે નાવ પર બેસીને નદીયા પાર
પહેલાં કરી કે નદીયાં પાર કર્યા પછી નાવની સફર સાંપડી ! ફિલ્મમાં સુરીન્દર કૌરને ફાળવાયેલાં ત્રણ
સૉલો ગીતો અને એક યુગલ ગીતના સંદર્ભમાં નાવની સફર ફળી છે એમાં કોઈ શંકા નથી.
ગીતની રચનામાં પંજાબી શૈલી તો સીધે સીધી વરતાય
છે, પણ સુરીન્દર કૌરના સ્વરમાં
ગીતની એ પંજાબીયતને પાર કરતી ધાર તો જરૂર અનુભવાય છે.
કિતને દૂર હૈ હૂઝૂર કૈસે મુલાક઼ાત હો - પ્યાર કી જીત (૧૯૪૮) - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી
તાલ પંજાબી ધુનનાં ઢોલકનો છે પણ સુરીન્દર કૌર
ગાયકીના નવા જ રંગમાં નીખર્યાં છે.
બદનામ ના હો જાયે મોહબ્બત કા અફસાના ઓ દર્દ ભરે આંસુઓં
આંખોંમેં ન આના - શહીદ (૧૯૪૮) - ગ઼ુલામ
હૈદર - રાજા મહેંદી અલી ખાન
સુરીન્દર કૌરનાં ગાયેલાં 'શહીદ'નાં બધાં જ
ગીતોને ઘણી વ્યાપક લોકચાહના મળી હતી. પણ આ ગીત તો તેમનાં સૌથી જાણીતાં ગીતોમાં
મોખરે છે એટલું જ નહીં પણ હિંદી ફિલ્મના ખૂબ જાણીતાં ગીતોમાં પણ આગળનું સ્થાન રાખે
છે. બીજી નોંધનીય બાબત એ છે કે ફિલ્મ ધોરીધરાર દિલીપ કુમારની ફિલ્મ કહી શકાય તેવી
વાર્તા હતી. પરંતુ કામિની કૌશલે દેશપ્રેમીની પ્રેમિકા તરીકે તેનાં પાત્રને જે
બખૂબી અંડરપ્લે કરીને અદા કર્યું છે. આ પ્રકારનાં પાત્રને જે
ગીતો ગાવાનાં આવે તેના માટે સુરીન્દર કૌરની પાર્શ્વ ગાયન માટે પસંદગી કરવી એ પણ
ઓછું સરાહનીય પગલું નહોતું.સુરીન્દર કૌરે પણ કામિની કૌશલ જેટલો જ પોતાની ભૂમિકાને
ન્યાય પણ કર્યો છે.
અય ચાંદ તેરે સાથ તો રેહતે હૈ સિતારે - દાદા (૧૯૪૯) - શૌકત હૌસૈન દહલવી (ઉર્ફ નાશાદ)
- રફીક઼ અજમેરી
ફિલ્મમાં સુરીદર કૌરનાં મુકેશ સાથે બે અને
શમશાદ બેગમ સાથે એક યુગલ ગીત પણ છે. પ્રસ્તુત સૉલો ગીતમાં સુરીન્દર કૌર તેમનાં
પોતાનાં જ 'શહીદ'નાં
સ્તરને જાળવી રહ્યાં છે.
ઉમ્મીદો પર ઉદાસી છા ગયી, ક્યા તુમ આઓગે- કનીઝ
(૧૯૪૯)- ગ઼ુલામ હૈદર - હરિશચંદ્ર 'અખ્તર'
ગ઼ુલામ હૈદર ફરી એક વાર સુરીન્દર કૌરને પસંદ
કરે છે અને કરૂણ રસનાં આ ગીતમાં સુરીન્દર કૌર એ કસોટીમાં નખશીખ પૂર્ણપણે સફળ પણ
ઉતરે છે.
દિલ કે માલિક સુન, મેરા
દિલ તૂટ ગયા હૈ - રૂપલેખા
(૧૯૪૯) - સજ્જદ હુસૈન - ખુમાર બારાબંક્વી
હિંદી ફિલ્મ ગીત કોશ આ ગીતના સંગીતકાર તરીકે
ખાન મસ્તાનાને નોંધે છે. ખેર, આપણા
માટે તો આટલી ધીમી લયમાં, નીચા સૂરમાં સુરીન્દર કૌરના
અવાજનાં માધુર્યને માણવાની જ મજા છે.
યે લાખોં હસરતેં.. અબ જિયેં બતાઓ કિસકે લિયે - સાંવરિયા (૧૯૪૯) - સી રામચંદ્ર - પી એલ સંતોષી
ફિલ્મમાં બે સૉલો શમશાદ બેગમે તો એક બીજું
લલિતા દેઉલકરે પણ ગાયું છે. મારા અંગત અભિપ્રાય મુજબ સી રામચંદ્રએ સુરીન્દર કૌરને
ભારી સૂરનાં શમશાદ બેગમની શૈલીમાં રજૂ કરેલ છે. જો કે ગીત તો સુરીન્દર કૌરના
અવાજને કારણે પણ અલગ તો પડી જ રહે છે.
ચંદા રે મૈં તેરી ગવાહી લેને આયી - સિંગાર (૧૯૪૯)- ખુર્શીદ અન્વર - ડી એન મધોક
આ ફિલ્મમાં પણ સુરીન્દર કૌરનાં બે સૉલો અને
સુરૈયા સાથેનું એક યુગલ ગીત છે. મુધુબાલા પર ફિલ્માવાયેલાં ફિલમનાં દરેક સૉલો ગીત
સાવ અલગ જ ભાવનાં છે. પ્રસ્તુત ગીતમાં નાવની હળવી હળવી ચાલની સાથે ચંદ્રની મુલાયમ
ચાંદનીમાં નાયિકા પોતાના પ્રિયજન સાથે જે ઈકરાર કરે છે તેની ગવાહીમાં ચાંદને રાખે
છે. ગીત બહુ જ મધુર ભાવમાં રચાયું છે, અને સુરીન્દર કૌર ભાવને પૂર્ણપણે જીવંત કરી રહે છે.
તુમ સંગ અખિયાં મિલાકે નેહા લગા કે મૈં હાર ગયી - સુનેહરે દિન (૧૯૪૯) - જ્ઞાન દત્ત - ડી એન મધોક
ફરી એક વાર જ્ઞાન દત્ત સુરીન્દર કૌરને ગીતોનો સિંહ
ફાળો આપે છે. સ્વાભાવિક જ છે કે દરેક ગીત અલગ અલગ મિજાજનું જ હોય. પ્રતુત ગીત જેટલું
રમતિયાળ શૈલીમાં રજૂ થયું છે,
ઠંડી ઠંડી હવા જો આયે એટલું જ કરૂણ રસથી ભરેલ છે, અને સુરીન્દર કૌર બન્ને ગીતના ભાવોની દરેક સૂક્ષ્મ ભાવનાઓને ન્યાય આપી રહે
છે.
દગાબાઝ કૌન ભરોસા તેરા - ખામોશ સિપાહી (૧૯૫૦) - હંસરાજ બહલ - ડી એન મધોક
હંસરાજ બહલ પણ સુરીન્દર કૌર પાસે નીચેના સૂરમાં
ગવડાવી, ગીતના કરૂણ ભાવને ઘૂંટે છે.
ફિલ્મમાં સુરીન્દર કૌરનાં અન્ય ગીતોમાં એક સૉલો
ગીત અને મોહમ્મદ રફી તેમ ગીતા દત્ત સાથે એક એક યુગલ ગીત છે.
મોરે નૈન બાવરે, છમ છમ નીર બહાયે - સબક
(૧૯૫૦ - એ આર ક઼ુરેશી - ડી એન મધોક
પોતાના પ્રિયતમથી દૂર દૂર બેઠી પ્રિયતમા એકલી
અટૂલી આંસુઓ સારે છે..
મારા ધ્યાનમાં આવેલી ફિલ્મોમાં 'સબક'માં સુરીન્દર કૌરનાં
ત્રણ સૉલો, મોહમ્મદ રફી સાથે ત્રણ યુગલ ગીતો અને આશા ભોસલે
સાથે એક કોરસ ગીત મળીને એમ સૌથી વધારે ગીતો છે.
દુનિયા સે ન્યારી તેરી સસુરાલ હૈ, ઘરમેં ન આટા હૈ ન ઘી હૈ -
બડી બહુ (૧૯૫૧)- અનિલ બિશ્વાસ - ??
લગ્ન પહેલાં સખીઓ ભેગી થઈને લગ્નોત્સુક કોડભરી
કન્યાને ચીડવવામાટેનાં ખાસ ગીતો ગાય એ પ્રથા ભારતના લગભગ દરેક પ્રાંતમાં છે.
ઢોલકના સાથ પર બધી બહેનપણીઓ ગાતી જાય અને નાચતી જાય એ પંજાબની પ્રથા હિંદી
ફિલ્મોમાં સૌથી વધારે અપનાવાઈ છે. એટલે આવી સીચ્યુએશન માટે અનિલ બિશ્વાસની પણ પસંદ
સુરીન્દર કૌર ઉપર ઉતરે તે સ્વાભાવિક કહી શકાય.
મઝધાર મેં કશ્તી ડૂબ ગઈ - બુઝદિલ (૧૯૫૧) - એસ ડી બર્મન - કૈફી આઝમી
એસ ડી બર્મન પણ સુરીન્દર કૌરને શમશાદ બેગમના
ઢાળમાં સફળતાપૂર્વક રજૂ કરે છે.
મૈં મુબારકબાદ દેને આઈ હૂં - આંધીયાં (૧૯૫૨) - ઉસ્તાદ અલી અકબર ખાન - પંડિત નરેન્દ્ર
શર્મા
તીખી ધારના અવાજનાં ગાયિકાને ફાળે ક્યારેક તો
મુઝરાનું ગીત આવે જ. પ્રસ્તુત ગીતની સાથે સુરીન્દર કૌરના સ્વરના રંગપટમાં પણ બધા જ
રંગ પૂરાઈ ગયા કહી શકાય.
સુરીન્દર કૌરના અવાજની ખૂબીનો એક સાવ જ અનોખો
પ્રયોગ પણ 'આંધિયાં'ના
આ ટુક્ડામાં કરાયો છે.
આપણા દરેક અંકની પૂર્ણાહુતિ આપણે મોહમ્મદ
રફીનાં એક ગીતથી કરવાની કોશીશ કરીએ છીએ. સુરીન્દર કૌરના આ ખાસ અંક માટે આપણે મોહમ્મદ
રફી અને સુરીન્દર કૌરનું સૌથી પહેલી ફિલ્મમાં સાંભળવા મળતું યુગલ ગીત લઈશું.
તૂમ જો હો જાઓ હમારે હમ જો હો જાએ તુમ્હારે .. કભી ચાંદની
રાતોંમે - રૂપલેખા (૧૯૪૯) - ખાન મસ્તાના - ખુમાર
બારાબંક્વી
સુરીન્દર કૌરે હિંદી ફિલ્મોમાટે ભલે બહુ ગીતો
નથી ગાયાં, પણ પંજાબી સંગીતમાં તેઓ બહુ
સમૃદ્ધ વારસો મૂકી ગયાં છે.
આપણે તેમની યાદને ફરી કોઈવાર જરૂર તાજી કરીશું, તેમનાં યુગલ ગીતો દ્વારા...
આવતા મહિનાના બીજા રવિવારે આપણી
યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો
યાદ આવે તો જરૂરથી જણાવશો……
No comments:
Post a Comment