સંગીતકાર
સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત – ૧૯૫૦
- ૧૯૫૧
૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના
જન્મદીવસ અને મૃત્યુતિથિની યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ
વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે. ૧૯૪૪થી ૧૯૪૮નાં પાંચ વર્ષના તેમના
કારકીર્દીના સૌપ્રથમ સમયખંડમાં રેકર્ડ થયેલાં આ પ્રકારનાં ૧૯૪૪થી ૧૯૪૬ વર્ષનાં ગીતો
આપણે ભાગ ǁ૧ǁમાં અને ૧૯૪૭ અને ૧૯૪૮નાં ગીતો ભાગ ǁ૨ǁમાં ડીસેમ્બર ૨૦૧૬માં સાંભળ્યાં હતાં. ૨૦૧૭નાં વર્ષમાં
આપણે ૧૯૪૯થી ૧૯૫૩નાં હવે પછીનાં પાંચ વર્ષના સમયખંડમાં મોહમ્મદ રફીએ પહેલી વાર જે
સંગીતકારો સાથે સૉલો ગીત ગાયું તેને યાદ કરી રહ્યાં છીએ. ૧૯૪૯નાં આ ગીતો સાંભળ્યા પછી આજે આપણે ૧૯૫૦ અને ૧૯૫૧નાં
ગીતોને યાદ કરીશું.
[દસ્તાવેજીકરણની સરળતા માટે આપણે ફિલ્મોનાં
નામની અંગ્રેજી બારાખડી મુજબ ગીતો રજૂ કર્યાં છે]
૧૯૫૦
૧૯૫૦નાં વર્ષમાં મોહમ્મદ રફીને ફાળે ૧૦૮ જેટલાં ગીતો આવ્યાં હતાં
જેમાંથી ૨૯ સૉલો ગીતો હતાં. તેમની સાથે વધારે નિયમિતપણે કામ કરતા જણાતા સંગીતકારો
પૈકી હંસરાજ બહલે ૩ હિંદી અને બે પંજાબી ફિલ્મોમાં, હુસ્નલાલ ભગતરામે
૫ ફિલ્મોમાં રફીના સ્વરનો ઉપયોગ કર્યો. આજે પણ યાદ
કરાતું હોય એવું સૉલો ગીત તો અકેલેમેં વો ગબરાતે તો હોંગે છે, જે શર્માજી(ખય્યામ)ની કે આ વર્ષની એક
માત્ર ફિલ્મ 'બીવી'નું છે. નૌશાદે જે એક માત્ર ફિલ્મમાં રફીના સ્વરનો ઉપયોગ કર્યો એ ફિલ્મ 'મેલા'માં નાયક દિલીપ કુમાર માટે મૂકેશના
સ્વરને ઉપયોગમાં લીધો હતો.
હમ ઈશ્ક઼મેં બરબાદ હૈ - આંખેં – સંગીતકાર: મદન મોહન - ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
આવતાં વર્ષોમાં મદન મોહન અને રફી તેમ જ આ
ત્રણે કલાકારોનાં અનેક યાદ્ગાર ગીતો સાંભળવા મળવાનાં છે.
સાહિલ જો ડૂબો દે કશ્તિ કો...સાહિલકી તમન્ના
કૌન કરે -બાવરા – સંગીતકાર: કૃષ્ણ દયાલ – ગીતકાર: અમર એન ખન્ના
રાજ કપૂર માટે મૂકેશ સિવાય ગીત ગાનારા
ગાયકોમાં મોહમ્મદ રફીનું સ્થાન પણ મહત્ત્વનું રહ્યું છે.
જલતે દીપ બુઝ ગયે છા ગયા અન્ધેરા - જલતે દીપ - સંગીતકાર : શાર્દુલ ક્વાત્રા + ટી કે દાસ - ગીતકાર: એમ એ તાજ
કરૂણ ભાવનું ગીત હોવા છતાં ગીત ઘણું કર્ણપ્રિય
છે.
ઝમાના જો આંખેં દીખાતા હૈ ઝમાને કો આંખેં
દીખાતા ચલ - મન કા મીત –
સંગીતકાર: શાર્દુલ ક્વાત્રા – ગીતકાર: સર્શાર શૈલાની
આ ફિલ્મમાં માત્ર શાર્દુલ ક્વાત્રા સંગીતકાર
તરીકે દસ્તાવેજ થયા છે, એટલે આ ગીતને પણ અહીં સમાવ્યું છે.
ગીતના
શબ્દો પરથી એમ માની શકાય કે ગીત ક્યાં તો બેકગ્રાઉન્ડ ગીત તરીકે પણ ફિલ્માવાયું
હોય.
દેખો દેખો પાંવમેં પહેન કે પાયલિયા - જન્માષ્ટમી – સંગીતકાર: શ્યામ બાબુ પાઠક – ગીતકાર: ભરત વ્યાસ
ફિલ્મનું શીર્ષક સૂચવે છે કે ફિલ્મ ધાર્મિક
વિષય પરથી બની હશે. જો કે ગીતના શબ્દો ખાસા રમતિયાળ છે. ફિલ્મમાં ગીત કઈ
સીચ્યુએશનમાં ફિલ્માવાયું હશે એ જોવું રસપ્રદ બની રહે.
નારી તેરે જીવનકી કરૂણ કહાની - વીર બબ્રુવાહન – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: અન્જુમ જયપુરી
આ પહેલાંના વર્ષોમાં ચિત્રગુપ્ત અને મોહમ્મદ
રફીનાં ગીતો તો આવ્યાં હતાં, પણ સૉલો ગીત તરીકે આ ગીત પહેલું છે.મોહમ્મદ
રફીએ બેકગ્રાઉન્ડમાં ગવાતાં ગીતોના પ્રકાર માટે એક આગવી શૈલી વિકસાવી હતી.
ચિત્રગુપ્ત- રફીનું 'ચલ ઊડ જા રે પંછી' એ આ શ્રેણીનું એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. આ અને 'ભાભી' ફિલ્મનાં ગીતોની
સફળતાને કારણે ચિત્રગુપ્ત 'એ' ફિલ્મોના સંગીતકાર
તરીકે પોતાનું સ્થાન જમાવી શક્યા.
આમ ૧૯૫૦નાં વર્ષમાં મોહમ્મદ રફીનાં સૉલો
ગીતોનું ખાતું અન્ય પાંચ સંગીતકારો સાથે પણ ખૂલ્યું, જેમાંથી બે ખાતામાં તો
ભવિષ્યમાં બહુ સમૃધ્ધ વહેવારો થવાના છે.
૧૯૫૧
૧૯૫૧માં મોહમ્મદ રફીને ફાળે આવેલાં કુલ ૭૨
ગીતોમાં ૨૬ સૉલો ગીતો હતાં. આ વર્ષે નૌશાદે દિલીપ કુમાર માટે પાર્શ્વસ્વર તરીકે
(ફિલ્મ 'દીદાર'માં) મોહમ્મદ રફીને લીધા અને એ બધાં જ ગીતો
બેહદ લોકપ્રિય સાબિત થયાં.આ ઉપરાંત હુસ્નલાલ ભગતરામે મોહમ્મદ રફીના સ્વરમાં રચેલું, 'અફસાના'નું, જોડીયું ગીત દુનિયા એક કહાની રે ભૈયા પણ બહુ જ લોકપ્રિય રહ્યું હતું. શંકર જયકિશને
'આવારા'માં બે ગીતો માટે રફીના સ્વરનો ઉપયોગ કર્યો. 'મેરા નામ જોકર' સુધીની ફિલ્મોમાંથી 'આહ' અને ‘જિસ દેશમેં ગાંગા
બહેતી હૈ' એ અપવાદોને બાદ કરતાં આરકે ફિલ્મ્સમાં કમ સે
કમ એક ગીત રફીના સ્વરમાં સાંભળવા મળે એ ચલણની કેડી પણ આ વર્ષે મજબૂત બનતી જોવા
મળી.
ધનવાનોકી ધન નગરી કી સુન લો એક કહાની - દશાવતાર – સંગીતકાર: અવિનાશ વ્યાસ – ગીતકાર: સાગર હુસૈન
અવિનાશ વ્યાસે મોહમ્મદ રફીના સ્વરનો ઉપયોગ
તેમની હિંદી કે ગુજરાતી ફિલ્મોમાં બહુ ખાસ સંદર્ભમાં જ કર્યો હતો.
હે શંકર હે પ્રલયંકર રાખો મોહે અપની શરન - હનુમાન પાતાલ વિજય – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: બી ડી મિશ્ર
એસ એન ત્રિપાઠીનાં નસીબે તેમને ધાર્મિક કે એવી
બી ગ્રેડની ગણાતી ફિલ્મોમાં કેદ કરી લીધા હતા, પણ એવી પરિસ્થિતિઓમાં
પણ તેમણે મોહમ્મદ રફી સાથે 'લાલ કિલ્લા'ની બે બહુ ખ્યાત ગઝલો
કે યે હે જનમ જનમ કે ફેરે કે બિનાકા ગીતમાલાનું સરતાજ જરા સામને તો આ છલિયે કે હાતીમતાઈનાં પરવર દિગાર-એ-આલમ જેવાં અવિસ્મરણીય રત્નો આપ્યાં છે.
સૂરજ ઘૂમે ચંદા ઘૂમે ઘૂમે ગગન સારા - ઈશ્વર ભક્તિ – સંગીતકાર: સોનિક-ગિરધર – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા j
૧૯૫૧નાં વર્ષમાં મોહમ્મદ રફીને ફાળે આવેલું
સંગીતકારનું પહેલ વહેલું સૉલો ગીત ધાર્મિક ફિલ્મોનું છે એ વાતનો આપણને ફાયદો એ થયો
કે પછીથી રફીના સ્વરમાં કેટલીક ઉત્કૃષ્ટ ભજન રચનાઓ આપણને સાંભળવા મળી.
કિસીકો ઈસકા પતા હો ન હો - જૌહરી - સંગીતકાર પંડિત હરબંસ લાલ - ગીતકાર તાજનાથ ઝાર
ધાર્મિક ભાવનાં ગીતોમાંથી હલકાં ફુલકાં ગીત
તરફ વહેણ હવે ચાલી નીકળ્યું લાગે છે.
આ ગીતનું બીજું જોડીયું વર્ઝન ભારે રસપ્રદ
લાગે છે.
પૂછીયે ન હાલ જી, પલ્લે નહીં માલ જી - મુખડા - સંગીતકાર વિનોદ - ગીતકાર અઝીઝ
કાશ્મીરી
વિનોદ અને મોહમ્મદ રફીની યુગલ ગીત ભાગીદારીના
બહુપ્રસંગો પછી આ એક સૉલો (જો કે થોડો કોરસનો હિસ્સો છે) ગીત સાંભળવા મળે છે. આ
ગીત પણ હાસ્યધમાલનું જ છે.
આમ ૧૯૫૧માં પણ પાંચ સંગીતકારો સાથે મોહમ્મદ
રફીનાં સૉલો ગીતનાં ખાતાં ખૂલ્યાં છે. તે ઉઅપરાંત ૧૯પ૧નું વર્ષ મોહમ્મદ રફીની
કારકીર્દીની સીડીમાં બહુ મહત્ત્વનું પગથિયું બની રહે તેમ નિશ્ચિત જણાય છે.
મોહમ્મદ રફીની સમગ્ર કારકીર્દીનાં ૧૯૪૯-૧૯૫૩નાં બીજાં પાંચ વર્ષનાં છેલ્લાં બે વર્ષ - ૧૯૫૨ અને ૧૯૫૩-માં તેમણે કોઈ પણ સંગીતકાર સાથે ગાયું હોય એવું પહેલું સૉલો ગીત આપણે હવે પછીના અંકમાં સાંભળીશું.
No comments:
Post a Comment