Sunday, January 14, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી, ૨૦૧૮




જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું :
કારકીર્દીનાં ૧૯૫૫થી ૧૯૬૩ સુધીનાં વર્ષોની ફિલ્મોનાં ગીતો પર એક નજર

જયદેવ (મૂળ નામ જયદેવ વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ - અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭) એક તરફ
તેમનાં સંગીત માટે ત્રણ ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનીત થાય છે તો બીજી તરફ હિંદી ફિલ્મ જગતના કાવાદાવાના દાવેપેચ,લોકધુનો અને શાસ્ત્રીય સંગીતને તેમની ધુનોમાં પળોટવાનું જણાતાં તેમનાં સાંગીતિક વલણ જેવાં કારણોને પરિણામે વાણિજ્યિક સફળતા તેમના દ્વારેથી પાછી ઠેલાતી રહી. આંકડાઓની દૃષ્ટિએ જયદેવની સમગ્ર કારકીર્દી માંડ ૩૦ કે ૪૦ ફિલ્મોનાં સોએક ગીતો અને કેટલાંક ગૈરફિલ્મો ગીતો જેટલી જ કહી શકાય. પણ તેઓ બહુ ઘણાં વર્ષો સુધી સક્રિય રહ્યા, જે જૂદા જૂદા સમય કાળના નિર્માતાઓ અને ચોક્કસ ચાહક વર્ગની તેમની સ્વીકૃતિનું સૂચક ગણી શકાય.
જેમ  અટકી અટકીને રીમઝીમ રીમઝીમ વરસતાં વાદળો દાવાનળે સુલઝતાં જંગલને આંશિક શાતા કરે તેમ તેમની સાથે જિંદગી અને ફિલ્મ જગતે કરેલા વ્યવહારથી સ્વાભાવિકપણે તપતપી ગયેલાં હૃદય પર તેમને મળેલા અનેક ખિતાબો અને ચાહક વર્ગની એક નિશ્ચિત સ્વીકૃતિએ ઝાકળનાં બિંદુથી મળી શકે તેવી રાહતનું કામ કર્યું હશે.
तपते दिल पर यूं गीरती हौ
तेरी नझर से प्यारकी शबनम
.....
जलते हुए जंगलपर जैसे
....
बरखा बरसे रूक-रूक थम थम  
સાહિરના આ શબ્દોએ જયદેવે હાર્મોનિયમના અનોખા ટૂકડાઓ, ક્લેરીનેટના રેલાતા સૂર અને વેદનાભરી આશાનો ઠેકો કરતી તબલાંની થાપ સાથે જ્યારે સ્વરબધ્ધ કર્યું હશે ત્યારે તેમને ખબર નહીં હો ય કે નિયતિ તેમના જ હાથે તેમનું ભાગ્ય લખી રહી છે.
ચેતન આનંદની ફિલ્મ 'આંધીયાં' (૧૯૫૨)માં  ઉસ્તાદ અલી અકબર ખાનના સહાયક તરીકે હિંદી ફિલ્મ સંગીત જગતમાં જયદેવનાં સૌથી પહેલાં પગલાં થયાં..વાદ્ય સજાવટ અને સંગીતનાં વ્યાકરણની ગુંથણીમાંથી સુગેય કાવ્ય રચના સર્જવાની તેમની કળાને તરાસવા માટે તેમને અહીં તક મળી. ફિલ્મના પાર્શ્વ સંગીતમાં સુરમંડળના કલાકાર તરીકે 'આંધીયાં'નાં ક્રેડીટ ટાઈટલ્સમાં તો બીજા ઉસ્તાદોની હરોળમાં તેમને પણ સ્થાન મળ્યું..
ફિલ્મ જગતની નસીબગત વિચિત્રતા જેમણે સહન કરવાની આવી એવા અન્ય સંગીતકારોમાં તેમને સજ્જાદ હુસૈન કે મદન મોહનને સમાંતર મૂકી શકાય.
આજે આપણે તેમની સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકીર્દીની સૌ પહેલી ફિલ્મથી તેમની કારકીર્દીમાં વાણિજ્યિક માપદંડથી સૌથી વધારે સફળ ગણી શકાય એવી બે ફિલ્મ સુધી વર્ષવાર સફર કરતાં કરતાં આપણી યાદનાં ઊડાં પડોમાં વિસારે પડેલાં ગીતો દ્વારા જયદેવની પ્રતિભાની તેજસ્વીતાનો સાક્ષાત્કાર કરીશું..
જોરૂ કા ભાઈ (૧૯૫૫)
કભી ભૂલા કે કભી યાદ આ કે પૂછ લિયા, યે ક્યા કિયા મુઝે અપના બનાકે લૂટ લિયા -કિશોર કુમાર, બલબીર અને શમશાદ બેગમ, કોરસ સાથે - ગીતકાર વિશ્વામિત્ર આદિલ
જયદેવે કિશોર કુમાર, અને શમશાદ બેગમ, આ સાથે ફરી વાર કદી કામ કર્યું નહોતું.
યુ ટ્યુબ પર આ ગીતનું એક બીજું વર્ઝન પણ છે, જેમાં કિશોર કુમાર, શમશાદ બેગમની સાથે બલબીર નથી !
નૈના કાહેકો લગાયે... હમ સંગ નૈના કાહે કો લગાયે - આશા ભોસલે – ગીતકાર: વિશ્વામિત્ર આદિલ
જયદેવ રચિત લતા મંગેશકરનાં ગીતોને જે કક્ષાની પ્રસિધ્ધિ મળી છે તેટલી સરાહના તેમણે રચેલાં આશા ભોસલેના ગીતોને નથી મળી. - જેમકે, આ ફિલ્મનું  , સાવ અલગ શબ્દો હોવા છતાં લતા મંગેશકરના સ્વરમાં સુબહ કા ઈંતઝાર કૌન કરે અને તલત મહમૂદના સ્વરમાં ગવાયેલું તેરી ઝુલ્ફોંસે પ્યાર કૌન કરે જોડીયું ગીત.
સમુન્દરી ડાકુ (૧૯૫૬)
દિલ જવાં હૈ આરઝૂ જવાં, એક નઝર ઈધર ભી મહેરબાં, કબ તલક હમસે બેરૂખી, કબ તલક ચુપ રહેગી જુબાં તલત મહમૂદ, આશા ભોસલે - ગીતકાર વિશ્વામિત્ર આદિલ
જયદેવે પાશ્ચાત્ય ધૂન અને વાદ્ય સજ્જાનો પ્રયોગ કર્યો હોય એવું જવલ્લે સાંભળવા મળતું આ એક યુગલ ગીત છે.અહીં તલત મહમૂદ પણ તેમના ફાળે મોટા ભાગે આવતાં કરૂણ ભાવનાં ગીતને બદલે મસ્તીનું એક ગીત એટલી જ અસરકારક રીતે પેશ કરે છે. 
આ ગીતનું એક જોડીયું વર્ઝન તલત મહમૂદના સૉલો સ્વરમાં છે.
સમા પ્યારા હૈ...દિન હૈ બડે કામ કે, આના ઐસે મેં દિલ કો તેરે  થામ કે - અશા ભોસલે, એસ બલબીર – ગીતકાર: વિશ્વામિત્ર આદિલ  
પંજાબની લોકધુનના તાલની અસર પરથી આ ગીત રચાયું જણાય છે.
અંજલિ (૧૯૫૭)
કુંજ કુંજ ગુંજન ભંવરે કા....બુધ્ધમ શરણમ ગચ્છામિ - મોહમ્મદ રફી – ગીતકાર: ન્યાય શર્મા
ગીતની શરૂઆતમાં સાંભળવા મળતા આલાપમાં જયદેવે લતા મમ્ગેશકરના સ્વરનો પ્રયોગ બહુ એ સિવાય ગીતની રચના મૂળ સિંહાલી રચનાને સમાંતર રહીને પણ માર્મિક ફેરફારોની ઝલક જોવા મળતી રહે છે..

આડવાત:
'બુધ્ધમ શરણમ ગચ્છામિ'જેવા શબ્દો કાને પડતાં મોટા ભાગે અનિલ બિશ્વાસે ફિલ્મ 'અંગુલિમાલ' (૧૯૬૦)માટે મીના કપૂર અને મન્ના ડેના સ્વરમાં રચેલ ગીત યાદ આવવાની શક્યતા કદાચ વધારે હોઈ શકે છે.

[ખાસ નોંધ : આ બને ગીતની વાત કરવાનો આશય બન્ને વચ્ચે સરખામણી કરવાનો જરા સરખો પણ નથી.]

લો ચોરી પકડી ગયી - આશા ભોસલે, સુધા મલ્હોત્રા, ઉષા મંગેશકર, મીના મંગેશકર – ગીતકાર: ન્યાય શર્મા  
બન્ને અંતરામાં મુખડાની રજૂઆત કરતાં ફરક કરવા છતાં ચાર સખીઓ ઘરકામ કરતાં કરતાં જે વાર્તાલાપ કરે તેની સહજતા એક્દમ સરળ ધુનમાં બરકરાર રહે છે. 
રાત કે રાહી (૧૯૫૯)
ફિલ્મનાં પાંચમાંથી બે ગીત જયદેવે સ્વરબધ્ધ કર્યાં હતાં જ્યારે બીજાં ત્રણ બિપિન બાબુલનાં છે.
પૌ બારાહ પૌ બારાહ પ્યાર મેં પૌ બારાહ - આશા ભોસલે – ગીતકાર: વિશ્વામિત્ર આદિલ
ચોપાટમાં બન્ને પાસામાં છનો આંકડો પડે અને કુકરીની ચાલમાં એ પો બારાને કારણે જે જોમ આવે એવું જ જોશ પ્રેમમાં પડ્યા પછી રાખવું એવા અર્થના ગીતના શબ્દો છે. આખાં ગીત દરમ્યાન એ મૂડ અને એ ટેમ્પો જળવાયેલો રહેલો છે.
હમ દોનો (૧૯૬૧)
સંગીત રચના, શબ્દો, ફિલ્માંકન કે ફિલ્મની પોતાની ટિકિટબારી પર સફળતા જેવાં કોઈ પણ આયામ પર આદર્શ કહી શકાય તેવું માધ્યમ આ ફિલ્મ હતી. સંગીતકારની કારકીર્દીને આ પ્રકારનાં મંચ પરથી પ્રવેગ મળવાનું શરૂ થાય તો તેને અંતરિક્ષમાં ક્યાંય પણ મહાલવા જેટલી ઍસ્કેપ વૅલોસિટી મળી જ રહે. જયદેવની સંગીત કારકિર્દી પણ હવે તેની ક્ષમતાની ઊંચાઈઓ આંબશે તેવું જણાતું હતું. નવકેતનની પછીની ફિલ્મ 'ગાઈડ' માટે તેમણે બે ગીતો કંપોઝ પણ કરી  નાખ્યાં હતાં. તેવામાં અંદરખાને કંઈક એવું રંધાયું કે નવકેતન સાથે જયદેવે પછીથી ક્યારે પણ કામ ન કર્યું.
પ્રભુ તેરો નામ, જો ધ્યાએ ફલ પાયે , સુખ દાયે તેરો નામ - લતા મંગેશકર – ગીતકાર: સાહિર લુધ્યાનવી
ફિલ્મમાં લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું બીજું ભજન 'અલ્લાહ તેરો નામ  ઈશ્વર તેરો નામ' પ્રમાણમાં વધારે સાંભળવા મળે છે.
કિનારે કિનારે (૧૯૬૩)
ફિલ્મનાં નિર્માણની શરૂઆતથી રજૂ થવામાં જ સાવ ન કલ્પી શકાય એવાં કારણોસર છ વર્ષ લાગી ગયાં. ફિલ્મમાં વિચારાઈ અગિયારેક ગીતોની સીચ્યુએશન, બધાં ગીતો બની પણ ગયાં, એકબીજાંથી ચડે એવાં ગીતો પણ બન્યાં, પણ એડિટીંગ ટેબલ પર છેલ્લે માંડ પાંચ છ ગીતો જ ફિલ્મમાં જોવા મળ્યાં. અને નસીબ વાંકું તો ખરું જ કે ફિલ્મ ન ચાલી. જયદેવે સંપોષિત સફળતા માટે હજૂ વધારે સમય રાહ જોવાનું નિયતિએ માંડી રખ્યું હશે!
ઓ મસ્ત નઝર તૂ ચાહે અગર - વિનોદ દેસાઈ – ગીતકાર: ન્યાય શર્મા
ફિલ્મનાં ગીતોની યાદી કરીએ તો જોવા મળે છે કે જયદેવે એ સમયના બધા જ પુરુષ ગાયકોને અજમાવી લીધા છે. પણ ગાયકની પસંદગી, ગીતની સંરચના અને રજૂઆત જેવાં કોઈ પણ અંગની દૃષ્ટિએ જોઇએ, પ્રસ્તુત ગીત તો સાવ જ અપરંપરાગત છે.
અને જયદેવે જાણીતા ગીતોન સ્વરમાં રચેલાં ગીતો પૈકી થોડાં ઓછાં સાંભળવા મળે છે એવાં ગીતો પણ સાંભળી લઈએ :
ચલે જા રહે હૈ મોહબ્બત કે મારે કિનારે કિનારે - મન્ના ડે – ગીતકાર: ન્યાય શર્મા
મન્ના ડેનાં શ્રેષ્ઠ ગીતોમાં પ્રથમ હરોળમાં સ્થાન પામતાં ગીતોમાંનું આ એક ગીત ગણી શકાય.
તેરી તસવીર ભી તુઝ જૈસી હૈ લેકિન, ઈસ પે કુરબાન મેરી જાન-એ-હઝીં  હૈ લેકિન,યે તેરી ઝખ્મ-એ-ઉમંગોકા મદાવા તો નહી - મોહમ્મદ રફી – ગીતકાર: ન્યાય શર્મા
ન્યાય શર્માનાં કાવ્યો ભારેખમ ઉર્દુ શબ્દપ્રયોગો માટે જાણીતાં હતાં. અહીં તેમણે પોતાની એ ખાસીયત છુટ્ટે હાથે કામે લીધી છે, પરંતુ જયદેવે તેને કારણે ગીતની રચનાને જરા પણ ભારે થવા નથી દીધી.
ચેતન આનંદને પરદા પર અભિનય કરતા જોવા મળવા એ આપણા માટે બોનસ છે.
મુઝે જીને દો (૧૯૬૩)
સુનીલ દત્તનાં નિર્માણ ગૃહ 'અજંતા આર્ટ્સ'ની આ ફિલ્મમાં જયદેવ અને સાહિર ફરી એક વાર સાથે થયા. ગીતોની સફળતા પર આ સાયુજ્યની જબરી અસર પણ જરુર થઈ. પણ નસીબ બે ડગલાં આગળ જ ચાલતું હતું. સાહિર અને જયદેવ વચ્ચે ગીતકાર મહત્ત્વનો કે સંગીતકાર એ વિષે થોડો મતભેદ થયો અને એ એટલો મોટો મનભેદ બની ગયો કે એ બન્ને ફરી ક્યારે પણ સાથે કામ ન કર્યું.  
માંગ મેં ભર લે રગ સખી રી આંચલમેં ભર લે તારે મિલન ઋતુ આ ગયી- આશા ભોસલે – ગીતકાર: સાહિર લુધ્યાનવી
આ ફિલ્મનાં ગીતોમાં ગીતના મૂડ અનુસાર જયદેવે બહુ ખૂબીથી લતા મંગેશકરના કે આશા ભોસલેના સ્વરની સ્વાભાવિક ખુબીઓનો ઉપયોગ કર્યો છે.
મોહે ન યૂં ઘૂર ઘૂર કે દેખ નઝર લગ જાયેગી - લતા મંગેશકર – ગીતકાર: સાહિર લુધ્યાનવી
ઠુમરી-અંગની સ્વર બાંધણીમાં રચાયેલ મસ્તીખોર ગીતને લતા મંગેશકરે બહુ જ સહજતાથી ન્યાય કર્યો છે.
ફિલ્મમાં ગીતને ટુંકાવી નંખાયું છે. આખું ગીત આ ક્લિપમાં સાંભળવા મળે છે. 

વર્ષોનો હિસાબ માંડીએ તો જયદેવ ઘણાં વર્ષો સુધી સક્રિય રહ્યા. વાણિજ્યિક સફળતાનો મોહ તેમને કદાચ ક્યારે પણ નહોતો. પણ ન તો તેમણે તેના ચોક્કસ ચાહક વર્ગને ક્દી નિરાશ કર્યા કે ન તો તેમના ચાહક વર્ગનો તેમનાં સંગીત માટેનો પ્રેમ ક્યારે પણ ઓછો થયો.
'હમ દોનો'નાં 'કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા'  ગીતની આ  ક્લિપની શરૂઆતમાં દેવ આનંદના મેજર વર્માનાં પાત્રના મોઢે સંવાદમાં કહ્યું છે કે જો કેપ્ટન આનંદની પ્રેમિકા તેને પ્રેમ કરતી જ હશે તો રાહ જોતી હશે અને અને જો રાહ ન જોઈ હોય તો પછી તેને યાદ કરવી વ્યર્થ છે. વ્યક્તિનાં નસીબનું પણ કંઈક આવું જ કહી શકાય..
આજના અંકનો અંત આપણે આ  ભાવને વિચારાર્થે રમતો મૂકીને કરીએ.
कौन रोता है किसी औरकी खातिर अय दोस्त
सब को अपनी ही किसी बात पे रोना आया..
कभी खुद पर कभी हालात पे रोना आया ......


આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ રહેલી સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.

No comments: