Sunday, December 30, 2018

વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : વ્યંગ્યચિત્રોમાં વર્ષાન્ત સમીક્ષાઓ


દરેક (ગ્રેગેરીયન) વર્ષ પુરૂં થવામાં હોય એટલે એ વર્ષની મહત્ત્વની ઘટનાઓની જૂદા જૂદા દૃષ્ટિકોણથી સમીક્ષા કરવાનું ચલણ છેલ્લાં કેટલાંક વર્ષોથી એક બહુ નિયમિત ઘટના બની રહી છે. ઘણાં સામયિકો અને અખબારોમાં વ્યંગ્યચિત્રોના દૃષ્ટિકોણથી આવી સમીક્ષાઓ વાંચ્યાનું યાદ આવે છે. વેબ ગુર્જરી પરની આપણી 'વ્યંગ્ય ચિત્રોનાં વિશ્વમાં' શ્રેણીના પણ, નાંદી લેખ સહિત, ૧૧ હપ્તા પૂરા થઈ ચૂક્યા છે, અને મહિનો પણ ગ્રેગેરિયન તારીખીયાંનાં વર્ષ ૨૦૧૮નો છેલ્લો મહિનો ડીસેમ્બર છે. આથી આ મહિનાના મણકા માટે 'વર્ષાન્ત ઘટનાઓ' પરનાં વ્યંગ્યચિત્રોને પસંદ કરવાનું સૂઝ્યું.

૨૦૧૮ની સમીક્ષાઓ માટે તો હજુ થોડું વહેલું કહી શકાય , એટલે ૨૦૧૬ કે ૨૦૧૭ની જે સમીક્ષાઓ જોવા મળી તેમાંથી માહિતી લેવી તેમ વિચાર્યું. જેટલાં કંઈ વ્યંગ્ય ચિત્રો જોવા મળ્યાં તેમના મોટા ભાગના વિષયો એ દેશના સંદર્ભમાં એ સમયે આકર્ષીત કરે એવા રાજકારણને લગતા વિષયોનું પ્રમાણ વધારે જણાયું.

વીતેલું વર્ષ વૃદ્ધ તરીકે વિદાય લઈ રહ્યું હોય અને શિશુ જેવા નૂતન વર્ષનું આગમન થઈ રહેલું બતાવાયું હોય એ સૌથી સામાન્ય વિષય જોવા મળે છે.
++++++++
image
વર્ષાન્તે યોજાયેલા ડિનર અગાઉ આભાર માનવાની ઔપચારિક પ્રણાલિકા એવી છે કે વીતેલા વરસની ઘટનાઓ પર એક નજર કરીએ અને જે રીતે તે પસાર થયું એના માટે આભાર વ્યક્ત કરીએ. પણ વર્ષભરની ઘટનાઓ જે રીતે બનતી આવી છે એના પ્રતિભાવમાં એકસૂરમાં 'ના હો, કોઈ આભારબાભાર નથી માનવો'નો ધ્વનિ સામૂહિક રીતે ગુંજી ઊઠે છે એમ બતાવાયું છે. આ કાર્ટૂન કૉલિન સ્ટૉક્સ/Colin Stokes નું છે.
++++++++
image
એક દિશાની શોધખોળમાંથી પૂરતી માહિતી ન મળી એટલે હવે 'વર્ષાન્ત'નો વ્યાપ વધારવાનું વિચાર્યું. સૌથી પહેલી યાદ આવે નાણાકીય વર્ષ પુરૂં થવાની ધમાચકડી અને તાણ. કેરન બીસ્લી/Caron Beesley એ આ કાર્ટૂનમાં બતાવ્યું છે કે દર વર્ષે આવતો વર્ષાન્ત હમેશાં આટલો જ ગુંચવણભર્યો કોયડો રહેતો હોય છે.
++++++++
image


જે વીતી ગયું તેને ક્યાં તો યોગ્ય ઠરાવવા માટે, અથવા તો વીતેલા નિરાશાનાં વાદળમાંથી આશાનું કિરણ બતાડવા માટે, હવે પછી શું શોધીએ તો દૂઝતા ઘા પર મલમ લગાડી શકાય, એ ખેલ હંમેશાં એક ગૂઢ કોયડો જ રહ્યો છે. કાચના ગોળામાં જોઈને પણ એ ભાખીએ શકાય એમ નથી. અહીં એક વ્યવસાયિક આ મૂંઝવણને ઉકેલવાનો પ્રયત્ન કરતા બતાવાયા છે.

++++++++
image

આજના હિસાબનીશનું કામ હવે આવક જાવકના આંક્ડાના હિસાબ રાખવાનું ઓછું અને તેને આંખને જોવું ગમે, કાનને સાંભળવું ગમે અને ખીસાંને પોષાવું ગમે તેમ સજ્જ કરીને રજૂ કરવાનું વધારે ગણાય છે. હિસાબનીશને આથી જ તેના બૉસ ઠપકો આપે છે. માર્ટી બુચેલ્લા/ Marty Bucellaના આ કાર્ટૂનમાં બન્નેના હાવભાવ આબાદ ઝીલાયા છે. માર્ટીનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ http://www.martybucella.com/ પર માણી શકાશે.
++++++++
આ જ વાતને માર્ક એન્‍ડરસન/Mark Anderson ના કાર્ટૂનમાં જરા જુદી રીતે કહેવાઈ છે. થોડી વધારાની રેખાઓ અને રંગ ઉમેરતાં જ આ તળિયે જઈ બેઠેલી આવકનો આ આલેખ રમણીય પર્વતીય દૃશ્ય જેવો દેખાશે.
image
આંકડાના નિરાશ ભૂખરા રંગે રંગાયેલાં ચિત્રમાં પણ આશાના રંગો પૂરીને બે ઘડી મન બહેલાવી લેવામાં કંઈ ખોટું તો ન કહેવાય !
એન્‍ડરસનનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ www.andertoons.com પર જોઈ શકાશે.
++++++++
image
અવળા (કે સવળા) આંકડાઓની અસર બહુ લાંબા સમય સુધી પોતાનો ઓછાયો પાથરી રહે છે એ વાતને આ વ્યંગ્યચિત્રમાં બહુ ધારદાર સુક્ષ્મતાથી બતાવાઈ છે. અસર પામેલા સજ્જનની હૅટની જેમ તેમનો ચહેરો પણ ચાડી ખાવામાં સાથ પૂરાવે છે. નીચે મુકેલું કેપ્શન વ્યંગ્યચિત્રની પંચલાઈન સમજવામાં મદદ કરે છે. આ કાર્ટૂન વિલીયમ સ્ટીગ/ William Steig નું છે.
++++++++

વર્ષાન્ત 'સેલ' પણ વ્યંગ્યચિત્રો માટે એક અખૂટ વિષય રહ્યો છે. જે. ગ્રિવેલ/ J.Gravelle ની આ ચિત્રપટ્ટીમાં તેમાંનો એક જોઈએ.
image
'સેલ'માં અહીયાં ત્યાં, આમાં અને પેલામાં, આટલામાં અને વળી તેટલામા, આમ તેમ, અહીં આટલા ટકા અને તંઈ તેટલા ટકા બચાવતાં બચાવતાં ખરીદનારનાં ખીસાં ખાલી અને વેચનારનાં ચિક્કાર એવો તાલ દરેક સીઝનના ખેલમાં પડે છે અને તેમ છતાં બધી જ સીઝનના ખેલ એટલા જ જામતા રહે છે...
અહીં આર કે લક્ષ્મણે દોરેલું એક કાર્ટુન યાદ આવે છે જેમાં એક બહેનનાં ઘરનો એક આખો ઓરડો ‘અમુક નંગ સાબુ પર એક સાબુ મફત’ના સેલમાં થયેલી ખરીદીથી સાબુઓનાં ખોખાંથી ખડકાયેલો દેખાય છે !
++++++++
image
'સેલ' રાખવામાં હવે તો સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ પાછળ નથી રહેતી, ફરક માત્ર તેમાં અપાતાં આકર્ષણોના બાહ્ય સ્વરૂપનો જ હોય છે... તત્વત: પરિણામ એ આવે કે એ કાર્યક્ષેત્રનો મૂળભૂત આશય પણ 'સેલ'માં મુકાયેલ એક જણસ બની જાય છે. ઓસ્ટ્રેલિયન કાર્ટૂનિસ્ટ જહોન ડીચબર્ન/John Ditchburn ના આ કાર્ટૂનમાં ક્રોસ ઉંચકેલા ઈસુ ખ્રિસ્તની સમાંતરે નાનો ક્રોસ ઉંચકીને ચાલતી વ્યક્તિ બતાવાઈ છે. જાણીતા ગીત ‘એવરીથિંગ મસ્ટ ગો’ને અહીં સાવ જુદા સંદર્ભે ટાંકવામાં આવ્યું છે. ડીચબર્નનાં અનેકવિધ કાર્ટૂનો https://www.inkcinct.com.au/ પર જોવા મળી શકશે.
++++++++
image
અમુક તમુક ટકા બચાવવાને બદલે પૂરેપૂરા - સોએ સો ટકા - બચાવવાનો રામબાણ ઈલાજ તો આવો જ હોઈ શકે. કેલી કીનકેડ/Kelly Kincaid ના આ કાર્ટૂનમાં સૂચવાયેલો ઉપાય દરેક દેશમાં લાગુ પડી શકે એવો છે.
++++++++
વર્ષનાં અંતમાં નાણાંકીય (શેર)બજારોમાં વર્ષ કેવું ધાર્યું હતું અને કેવું ગયું એ પણ વ્યંગ્ય ચિત્રકારોને ગમતો વિષય છે.
image
(હસવું કે રડવું, પણ) લાગે છે એવું કે ૨૦૧૮માં બજારની ચાલ હેઠળ કચડાયેલા રોકાણકારને શેર બજારનો સુકાઈ ગયેલો આખલો નવું વર્ષ સારૂં જાય તેવી શુભેચ્છા પાઠવે છે. આ કાર્ટૂન બૉબ રીક/Bob Richનું બનાવેલું છે.
++++++++
દરેક અંતમાં શરૂઆત છૂપાઈ હોય છે અને દરેક શરૂઆતનો અંત નિશ્ચિત છે. ફોરેસ્ટ ટેબર/Forest Taber દ્વારા અમેરિકન કલાકાર/Garrison Keillor ના અવસાન નિમિત્તે તેમનું જ આ વાક્ય અંજલિરૂપે મૂકાયું છે, જે વ્યક્તિના અંતની જેમ વર્ષના કે કોઈ પણ ચીજના અંતને લાગુ પડે છે.
image
++++++++
૨૦૧૮નું વર્ષ અપેક્ષાએ ખરૂં ઉતર્યું હોય અને ૨૦૧૯નું વર્ષ નવી અપેક્ષાઓએ હજૂ વધારે ખરૂં ઉતરે, એવી વર્ષાન્ત શુભેચ્છાઓ.

Disclaimer: The cartoons in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.













































No comments: