Sunday, December 12, 2021

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ડિસેમ્બર, ૨૦૨૧

 

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત : ૧૯૪૪-૧૯૪૮ [૨]
વર્ષ ૧૯૪૭-૧૯૪૮



મુંબઈ સ્થિત કલાકાર સજિદ શેખે મોહમ્મદ રફીના ૯૩મા જન્મ દિવસે (જન્મ ૨૪-૧૨-૧૯૨૪ । અવસાન ૩૧ -૭-૧૯૮૦) બનાવેલ આ ગુગલ ડુડલમાં મોહમ્મદ રફીને બોલીવુડનાં પાર્શ્વગાયન ક્ષેત્રના રાજા તરીકે બતાવાયા છે. અહીં તેમની રેકર્ડિંગ સ્ટુડિઓથી શરૂ થયેલી પાર્શ્વગાયનની સફરની રૂપેરી પડદા સુધીની અને તે પછી લોકોનાં દિલો પર છવાઈ જવા સુધીની સફળતા આલેખાઈ છે.

મોહમ્મદ રફીએ તેમની સુદીર્ઘ કારકિર્દી દરમ્યાન દરેક સંગીતકાર સાથે ગાયેલાં પહેલાં યુગલ ગીતની આપણી આ શ્રેણીના પ્રથમ પંચવર્ષીય સમયખંડ - ૧૯૪૪થી ૧૯૪૮ના ૧૯૪૭-૧૯૪૮ના આ બીજા ભાગમાં મોહમ્મદ રફીએ પોતાનાં જ ગીતને પરદા પર બે વાર ગાવાના નાના નાના ટુકડાઓ પરદા પર ભજવ્યા હોવા છતાં તેઓ હજુ રેકોર્ડિંગ સ્ટુડીઓમાં હોય એ તબક્કામાં જ કહી શકાય. હજુ સુધી તેમને ક્યાંક ક્યાંક સૉલો તો ક્યાંક વળી એકાદ યુગલ ગીત એમ મળી રહ્યાં હતા, એ દૃષ્ટિએ તો હજુ તેઓ અલગ અલગ સંગીતકારો દ્વારા 'ચકાસણીના ચકરડે જ હતા.

૧૯૪૭

૧૯૪૭નાં વર્ષમાં છ સંગીતકારો માટે, આઠ અલગ અલગ સહગાયકો સાથે સૌ પ્રથમ યુગલ ગીત ગાયું. આ આઠ સહગાયકોમાં ત્રણ પુરુષ ગાયકો હતા.

મોહમ્મદ રફીની કારકિર્દીનું એક મહત્ત્વનું પ્રકરણ જેમની સાથે લખાયું એવા એસ ડી બર્મન સાથે પહેલ વહેલાં (સૉલો) ગીતના - દુનિયામેં મેરી અંધેરા હી અંધેરા (દો ભાઈ - ગીતકાર રાજા મહેંદી અલી ખાન)ના રૂપે પહેલું પાનું પણ આ વર્ષમાં ઉઘડ્યું. આ પહેલાં ફિરોઝ નિઝામી માટે ગાયેલાં પહેલવહેલાં યુગલ ગીત પછી હવે ૧૯૪૭માં હવે ફિરોઝ નિઝામી મોહમ્મદ રફીનું નુરજહાં સાથેનું સૌ પ્રથમ, અને યોગાનુયોગે રફીની કારકિર્દીનું નુરજહાં સાથે્નું એક માત્ર, યુગલ ગીત યહાં બદલા વફાકા બેવફાઈકે સિવા ક્યા હૈ (ગીતકાર અઝહર સરહદી) યુગલ ગીત પણ રેકોર્ડ કરે છે. મોહમ્મદ રફીએ દિલીપ કુમાર માટે ગાયેલું પણ આ સૌ પ્રથમ ગીત હતું. ગીત ખુબ જ લોકપ્રિય રહ્યું.


૧૯૪૭

દત્તા દાવજેકર મરાઠી ફિલ્મ જગતમાં બહુ જાણીતું નામ હતું. તેમણે હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણ 'આપકી સેવામેં' થી કર્યું હતું. આ ફિલ્મના નામે પાર્શ્વ ગાયક તરીકે લતા મંગેશકરે ગાયેલાં પહેલવહેલાં  હિંદી ફિલ્મ ગીત પા લાગૂં કર જોરી રે નો રેકોર્ડ પણ બોલે છે. દત્તા દાવજેકરે ૫ હિંદી, ૫૧ મરાઠી અને પાંચસોએક જેટલી દસ્તાવેજી ફિલ્મો માટે સંગીત આપ્યું છે.

દેશમેં સંકટ આયા હૈ, અબ કુછ કર કે દીખાના હૈ - આપ કી સેવામેં - જી એમ સાજન સાથે - ગીતકાર મહિપાલ

આઝાદી -પૂર્વે પ્રવર્તતી રહેલ લોકલાગણીનું પ્રતિબિંબ  આ ગીતના અંતમાં છીન લો … છીન લો...ની પોકારમાં પડે છે. બાકીનાં ગીતમામ દેશમા પડતા રહેલા દુકાળોને કારણે અનાજની અછત પ્રવર્તતી હતી તેને માટે એક એક કોળીયો અન્ન બચાવીને ભુખ્યાંને પહોંચતું કરવાનું કરી બતાવવાની હાકલ સંભળાય છે...


ગીતમાં યુગલ ગીતોના નિયમિત પ્રકારનું એક સ્ત્રી-પુરુષ યુગલ ગીત પણ છે -

મૈં તેરી તુ મેરા. દોનોંકા સંગ સંગ બસેરા  - આપકી સેવામેં - મોહનતારા સાથે - ગીતકાર મહિપાલ

પોતાની પ્રેમિકા સાથે થનારાં મિલનની ઉત્કટતાને રફી નિયંત્રિત ઊંચા સ્વરમાં રજુ કરી રહે છે. આટલાં વર્ષો બાદ સાંભળીએ છીએ તો પણ ગીતની તાજગી એવી ને એવી જ અનુભવાય છે.


આડવાત:

દત્તા દાવજેકરે ૧૯૫૨થી ૧૯૬૧ સુધી સી રામચંદ્રના સહાયક તરીકે પણ કામ કર્યું. આ સંબંધની એક આડ નીપજ 'આશા' (૧૯૫૭)નું ગીત ઈના મીના ડીકા કહી શકાય, જે મૂળે દત્તા દાવજેકરે એક મરાઠી નાટકમાં 'ઈના મીના મોના બસા'ના બોલમાં લખ્યું અને સંગીતબધ્ધ કર્યું હતું.

માહિતી સ્રોત: શિશિર કૃષ્ણ શર્માનો દત્તા દાવજેકર પરનો લેખ

પ્રકાશ નાથ શર્મા પણ સંગીતકારોમાં બહુ જાણીતું નામ નથી જણાતું.  તેમણે 'એક કદમ' એ એક જ ફિલ્મમાં સંગીત આપ્યું હોય તેમ પણ જણાય છે. આ ફિલ્મમાં શમશાદ બેગમ સાથે મોહમ્મદ રફીની સાથે એક યુગલ ગીત - તુ ભી રહ મૈં ભી (ગીતકાર અવતાર વિશારદ- છે પણ તેનો નેટ પરથી કોઈ સંદર્ભ મળી નથી શક્યો.

સી (ચિતળકર નરહર) રામચંદ્ર (જન્મ ૧૨ જાન્યુઆરી ૧૯૧૮ - અવસાન ૫ જાન્યુઆરી ૧૯૮૨) પણ એ સંગીતકારોમાં છે જેઓ '૫૦ના દાયકાથી શરૂ થયેલા સુવર્ણકાળમાં પણ બહુ જ પ્રસ્તુત રહ્યા હતા. 

કિસકો સુનાઉં હાલ-એ-દિલ … હમ કો તુમ્હારા હી આશરા તુમ હમારે હો ન હો - સાજન - લલિતા દેઉલકર સાથે - ગીતકાર મોતી બી એ

આ યુગલ ગીત, અને મોહમ્મદ રફીનું સૉલો વર્ઝન, બન્ને ખુબ જ પ્રચલિત થયાં હતાં. બન્ને વર્ઝનમાં મુખડાની પંક્તિ જુદી જુદી રીતે ગાવી, અમુક ભાવોના બોલને ખાસ ઉઠાવભરી હરકતથી ગાવા જેવી રફીની ભવિષ્યમાં આગવી બની ગયેલી ગાયકી શૈલીનાં બીજ પણ અહી વવાયેલાં સાંભળવા મળે છે. ..

ફિલ્મમાં લલિતા દેઉલકર સાથે બીજું એક યુગલ ગીત - મૈં હું જયપુરકી બંજારન, ચંચલ મેરા નામ (ગીતકાર: ક઼મર જલાલાબાદી ) - અને લલિતા દેઉલકર અને ગીતા રોય (દત્ત) સાથેનાં બે ત્રિપુટી ગીતો - હમ બંજારે સંગ ધુમ મચા લે દુનિયા (ગીતકાર: મૉતી બી એ) અને સંભલ સંભલ કર જૈયો બંજારે દિલ્લી દૂર હૈ  (ગીતકાર રામ્મ્મૂર્તિ ચતુર્વેદી) - પણ છે.

ખેમચંદ પ્રકાશ, '૪૦ના દાયકાના બહુ મોટાં ગજાંના સંગીતકાર હતા. જેની ગુંજ '૫૦ પછીના સુવર્ણકાળ દરમ્યાન પણ પડતી રહી એવાં આ  દાયકાનાં તેમનાં બે યોગદાનો હિંદી ફિલ્મ સંગીતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં કંડારાયેલા રહેશે. એક છે 'ઝીદ્દી' (૧૯૪૮)માં કિશોર કુમારનો 'જિનેકી તમન્ના કૌન કરેં …… મરને કી દુઆએં ક્યોં માંગેં - હિંદી ફિલ્મ જગતમાં પ્રવેશ અને બીજું 'મહલ' (૧૯૪૯)નાં આયેગા આનેવાલા દ્વારા લતા મંગેશકરની ઓળખનું ભવિષ્યમાં જે વટવૃક્ષ ફાલવાનું હતું તેનાં મૂળિયાં સુદૃઢ કરવું.

અજી મત પુછો બાત કી કૉલેજ અલબેલી, ઇન્દ્રપુરી સાક્ષાત કૉલેજ અલબેલી - સમાજ કો બદલ ડાલો - અરૂણ કુમાર અને મન્ના ડે સાથે - ગીતકાર - ?

આપણી પાસે ગીતના બે ભાગમાં માત્ર ઓડીઓ સ્વરુપે જ મળે છે, પણ જાણકાર બ્લોગરોનું કહેવું છે કે આ ગીતમાં પોતાની પંક્તિઓ મોહમ્મદ રફીએ પર્દા પણ પોતે જ ગાઈ છે.

Part 1:

Part 2


પંડિત રમાકાંત પૈંગણકર- કર્નાડ
સી રામચંદ્રના વાદ્યવૃંદના સભ્ય હતા તે સિવાય બીજી કોઈ ખાસ માહિતી મળી નથી.

ચલો હો ગઈ તૈયાર.. જરા ઠહરોજી - શાદીસે પહલે - લતા મંગેશકર સાથે – ગીતકાર: પંડિત મુખરામ શર્મા

નાયિકા તૈયાર થતાં થતાં એક પછી એક વસ્તુઓની માંગણી મુકતી જાય અને નાયક તેને વધારી ચડાવીને સ્વીકારતો જાય તેમાં મશ્કરીનો ભાવ વધારે જણાય એવું મસ્તીભર્યું આ સીધું સરળ પ્રેમાનુરાગનું ગીત છે. ગીતનું ખરૂં મહત્ત્વ તો રફી-લતાનાં સૌપ્રથમ યુગલ ગીત તરીકેનું છે.

કે (કોરેગાંવકર) દત્તાને ફાળે લતા મંગેશકર અને આશા ભોસલેને નુરજહાં સા્થે ગાવાની તક આપયાનું શ્રેય ગણાય છે. તેમણે ૧૭ હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

નૈનો સે નૈના મિલાકે સોતા પ્રેમ જગાકે - શાહકાર - રાજકુમારી સાથે – ગીતકાર: આરઝૂ લખનવી 

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયકોની ઓળખ નથી થઈ. ગીતની રચના ઘોડાગાડીનાં ગીત મુજબ થઈ હોય એવું જણાય છે. મજાની વાત એ છે બન્ને ગાયકો પણ ઘોડાના ટપ્પાની લયમાં જ ગાય છે.

યે દુનિયા સબ પ્રેમ કી તુ પ્રેમ કિયે જા - શાહકાર - શમશાદ બેગમ – ગીતકાર: આરઝૂ લખનવી

હિંદી ફિલ્મ ગીત કોશ આ ગીતનો ઉલ્લેખ પેરોડી ગીત તરીકે કરે છે (રેકર્ડ નં.GE 3729 /31), જોકે હું ગીતનું એ તત્ત્વ શોધી નથી શકયો. તે સિવાય  જે વાત ધ્યાન ખેંચે તેવી છે તે ગીતની બાંધણીમાં એક ગાયકનાં ગાયની સાથે બીજાં ગાયકનો સ્વર અલગ સુરમાં - કાઉન્ટર મેલોડીની શૈલીમાં- મુકવાનો પ્રયોગ. આ કામ તે સમયની રેકોર્ડિંગ તકનીકના સંદર્ભમાં ગાયકો, મ્યુઝિક ઍરેન્જર  અને રેકોર્ડ કરનાર એમ બધાં માટે મોટો પડકાર બની રહ્યો હશે.

૧૯૪૮

ભારતને સ્વત્રંતા મળ્યાની પહેલી વાર્ષિક ઉજવણી નિમિત્તે મોહમ્મદ રફીએ ૪ ભાગમાં પથરાયેલ સુનો સુનો અય દુનિયાવાલોં બાપુ કી અમર કહાની (સંગીતકાર હુસ્નલાલ ભગતરામ ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ) ગાયું. તે સમયના પ્રધાન મંત્રી જવાહ્ર નેહરૂએ આ ગીત મટે મોહમ્મદ રફીને રૌપ્ય ચંદ્રક એનાયત કરેલો.

આપણા આજના લેખના સંદર્ભમાં ૧૯૪૮ ઘણું સમૃદ્ધ વર્ષ રહ્યું છે. મોહમ્મદ રફીને ૮ સંગીતકારો સાથે પહેલવહેલું યુગલ ગીત ગાવાની તક સાંપડી. જેમાં તેમણે દસ ગાયકોનો સંગાથ કર્યો. આ ગાયકો પૈકી સ્ત્રી ગાયકોમાં શમશાદ બેગમ અને અમીરબાઈ કર્ણાટકી, પુરુષ ગાયકોમાં જી એમ દુર્રાની અને ગીતા દ્ત્ત અને બીનાપાબી મુખર્જી સાથે એક ત્રિપુટી  ગીત પહેલાં પણ ગાઈ ચુક્યા છે..

રામ ગાંગુલી (૧૯૨૮- ૧૯૮૩) પૃથ્વી થિયેટર્સ ટીમના એક અગત્યના સભ્ય હતા, એટલે રાજ કપુરની પહેલી ફિલ્મ 'આગ'માં તેમને સંગીત સોંપવામાં આવે તે બહુ સહજ હતું. જો કે તે પછી 'બરસાત'ની તૈયારીઓ ચાલતી હતી ત્યારે તેમને રાજ કપૂર સાથે કંઈ ગેરસમજણ થઈ હતી એમ કહેવાય છે એટલે 'બરસાત' શંકર જયકિશનને ફાળે ગયું.

સોલહ બરસ કી ભયી ઉમરીંયાં - આગ - શમશાદ બેગમ સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

મોહમ્મદ રફીને રાજ કપૂરની સૌ પ્રથમ ફિલ્મથી જ તેમની ફિલ્મોમાં ગાવાની તક મળી. જોકે તે રાજ કપૂરના મુખ્ય ગાયક ન બની શક્યા તો પણ રાજ કપૂર નિર્મિત લગભગ દરેક ફિલ્મમાં તેમણે એકાદ ગીત તો જરૂર ગાયું.

ગીતનાં ચિત્રાંકનમાં રાજ કપૂરનો આગવો સ્પર્શ અનુભવાય છે.


હંસરાજ બહલે આ વર્ષે મોહમ્મદ રફીને  'ચુનરિયા' અને સત્યનારાયન' એમ બે ફિલ્મોમાં યુગલ ગીતો આપ્યાં છે.

ફૂલ કો ભુલ લે કે બૈઠા ખાર… તેરા કાંટોસે હૈ પ્યાર - ચુનરિયા- ગીતા દત્ત સાથે – ગીતકાર: મુલ્ક રાજ ભાકરી

હિંદી ફિલ્મોમાં ભિક્ષુક ગીત તરીકે જાણીતા પ્રકારનું આ ગીત છે. મોહમમ્દ રફીએ તેમની કારકિર્દીમાં આ પ્રકારનાં અનેક ગીતો ગાયાં છે.

દિલ્લીવાલે સાહબ ગજ઼બ કર ડાલા રે – સત્યનારાયન  બીનાપાની મુખર્જી સાથે – ગીતકાર: પંડિત ઇન્દ્ર

ખુબ જ હળવા મૂડનું, મજાક મસ્તીથી ભરેલું આ ગીત છે.


ફિલ્મમાં મોહમ્મદ રફી અને બીનાપાની મુખર્જીનાં બીજાં બે યુગલ ગીતો - ક્યા યાદ હૈ તુમકો વો દિન (ગીતકાર: સેવક) અને મેરા દિલ ઘાયલ કરકે બૈરી જગ સે ડર કે (ગીતકાર: સુરજીત સેઠી) - પણ છે.

ગુલામ મોહમ્મદ મોહમ્મદ રફી અને એ સમયનાં બહુ લોકપ્રિય ગાયિકા -અભિનેત્રી સુરૈયા સાથે યુગલ ગીત રચે છે, જે પછી આ બન્ને ગાયકોએ ૨૪ જેટલાં યુગલ ગીતો ગાયાં જે પોતે એક અલગ લેખ માટેનો વિષય બની રહે છે. 

તારોં ભરી રાત હૈ પર તુ નહી - કાજલ - સુરૈયા સાથે – ગીતકાર: ડી એન મધોક

ગીતના બોલ સાંભળતાં તો એમ લાગે છે બન્ને પાત્રો અલગ અલગ છે અને એકબીજાંને મળવા ઝંખી રહ્યાં છે. સામાન્ય રીતે આવાં કરૂણ રસનાં ગીત ધીમી લયમાં હોય છે, પરંતુ અહીં ગીત મધ્ય લયમાં છે. વિડીયો ક્લિપ ન મળી શકી તેથી આ ગીત કઈ સીચ્યુએશનમાં ફિલ્માવાયું હશે તે કલ્પી નથી શકાતું.

જોકે ગીત સાંભળવાની મજા રફીની ગાયન શૈલી સાંભળવામાં છે. એક તરફ તેઓ '૪૦ના દાયકાના શૈલીમાં ગાય છે તો બીજી તરફ ગાયનમાંથી છલકતો તેમનો વિશ્વાસ જાણે એક દાયકા પછીના રફી હોય તેવો જણાય છે.

જ્ઞાન દત્ત '૪૦ના દાયકાના બહુ ખ્યાતનામ સંગીતકારોની પંક્તિમાં સ્થાન ધરાવે છે. અહીં તેઓનાં રચેલ એક ત્રિપુટી ગીત, ચલો જમુનાકે પાર .. દિલકી દુકાનેં લગી જહાં પર નૈનોકે બાજાર (લાલ દુપટ્ટા - શમશાદ બેગમ, સુલોચના કદમ અને સાથીઓ સાથે – ગીતકાર: શેવાન રિઝ્વી)માં રફીને ફાળે પ્રમાણમાં ઓછું ગાવાનું આવ્યું છે, એટલે આપણે બીજું એક યુગલ ગીત પસંદ કર્યું છે.

અરી ઓ અલબેલી નાર ક્યું છુપકર કરે વાર - લાલ દુપટ્ટા - શમશાદ બેગમ અને કોરસ સાથે – ગીતકાર: મનોહર ખન્ના

ગીતમાં છેડછાડ અને મનામણાં બંનેનું સંમિશ્ર્ણ છે. શમશાદ બેગમે જે મશ્કરીભર્યા રમતિયાળ ભાવમાં ગીત ગાયું છે તેની સાથે મોહમ્મદ રફી બહુ સહજતાથી સુર મેળવે છે.


ધૂમી ખાન વિશે નોંધ તો 'ગાયક, સંગીતકાર અને ગીતકાર' એવી મળે છે પણ બહુ વધારે વિગતો સહેલાઈથી મળી શકતી નથી. થોડાં વધારે ખાંખાંખોળાં કરતાં યુ ટ્યૂબ પર એક બહુ રસપ્રદ ક્લિપ જોવા મળે છે જેમાં તેમના વિશે થોડી વધારે માહિતી મળે છે. '૩૦ના દાયકાનાં એક બહુ જાણીતાં યુગલ ગીત, અંબુવાકી ડાલી ડાલી જ઼ૂમ રહી હૈ આલી (વિદ્યાપતિ, ૧૯૩૭- સંગીતકાર: આર સી બોરાલ) માં કાનન દેવી સાથે સહગાયક તરીકે ધૂમી ખાન છે. એ ઘૂમી ખાન પણ આ જ હશે!?

એક અબ્ર-એ-સિયાહ છાયા આજા મેરે સાથી - રાહનુમા - શમશાદ બેગમ  સાથે - ગીતકાર અને સંગીતકાર: ધૂમી ખાન

પુરુષ પાત્ર પોતાનો પ્રેમ પુરેપુરી સહૃદયતાથી પ્રેમિકાના મિલનના પોકારનો સાનુકુળ પ્રતિભાવ કેમ નથી આપી શકતો તે ભાવને મોહમ્મદ રફી તાદૃશ કરે છે. 

  

એક ઐસા મહલ બનાયેંગે (રેખારાની સાથે – ગીતકાર: હબીબ સરહદી) નેટ પરથી નથી મળી શક્યું.

અમીરબાઈ કર્ણાટકી, '૪૦ના દાયકાનાં અગ્રગણ્ય સ્ત્રી પાર્શ્વ ગાયિકા છે 'શહનાઝ'માં તેઓ સંગીતકારની ભૂમિકામાં સાંભળવા મળે છે. આ ફિલ્મમાં મોહમ્મદ રફીને ફાળે બે સૉલો અને અમીરબાઈ કર્ણાટકીની જ સાથે ત્રણ યુગલ ગીતો આવ્યાં છે. 

મુજ઼ે તુમસે મુહબ્બ્ત હૈ, અય મેરી ચાક દામની – ગીતકાર: ફીઝા કૌસરી બેંગ્લોરી

ગીતની મધ્ય લયને મોહમ્મદ રફી બહુ જ સહજતાથી આત્મસાત કરી લે છે.


નઝારોંસે ખેલું બહારોંસે ખેલું, મેરા બસ ચલે તો ચાંદ તારોંસે ખેલું, યહી ચાહતા હૈ બહારોંસે ખેલું મચલતે હુએ આબસારોંસે ખેલું = ગીતકાર: અખ્તર પીલીભીતી

સ્ત્રી પાત્રની ઉત્કટતાને અનુરૂપ બોલને અમીરબાઈ કર્ણાટકી ઉંચા સુરમાં વ્યક્ત કરે છે તો તેનો પ્રતિભાવ પુરુષ પાત્ર થોડો 'રિઝર્વ્ડ' ભાવમાં આપતો હોય એવું જણાય છે, એટલે મોહમ્મદ રફી મધ્ય સુરમાં ગીત ગાય છે. જોકે ક્લિપ બહુ જ ટુંકી છે એટલે આખું ગીત કઈ રીતે રજુ થયું હશે તે ખ્યાલ નથી આવતો.


તેરે નઝદીક જાતે હૈં ના તુજ઼સે દૂર હોતે હૈં મોહબ્બત કરનેવાલે… ઈસ તરહ મજ઼બુર હોતે હૈં -  ગીતકાર: અખ્તર પીલીભીતી

અહીં મોહમમ્દ રફીને કવ્વાલીના ઢાળનું ગીત ગાવાની તક સાંપડી છે. 


રશીદ અત્રે એ સંગીતકારોમાંના છે જે પાકિસ્તાન ગયા પછી ત્યાં પણ બહુ જ સફળ રહ્યા. એ સમયમાં તેમણે ફૈઝ અહમદ ફૈઝની ગઝલની નુરજહાંનાં સ્વરમાં કરેલી ગેય રચના મુજ઼સે પહલે સી મુહબ્બત મેરે મહેબૂબ ન માંગ આજે પણ લોકોના હોઠ પર તાજી છે.

કોલતારમેં રંગ દે પિયા મેરી ચુનરિયા - શિકાયત - ખાન મસ્તાના, અસલમ અને સાથીઓ સાથે – ગીતકાર: ઈબ્રાહિમ ખાન 'મોમિન'

આ પુરુષ-પુરુષ ત્રિપુટી ગીતમાં મોહમ્મદ રફીને ગૌણ ફાળો મળ્યો હશે એમ જણાય છે.



એકંદરે ૧૯૪૪થી ૧૯૪૮ના મોહમ્મદ રફીની કારકિર્દીના પહેલા પંચવર્ષીય સમયખંડમાં મોહમ્મદ રફી નાં ૨૬ સંગીતકારો માટે સૌ પ્રથમ વાર યુગલ ગીત થયાં છે. બધાં ગીતો સફળ રહ્યાં હોય તેમ ન હોવા છતાં પણ મોહમ્મદ રફી માટે અલગ અલગ સંગીતકારો સાથે, અલગ અલગ ભાવનાં ગીતો જુદાંજુદાં ગાયકો સાથે ગાવાનો જે અનુભવ મળ્યો છે તે ભવિષ્ય માટે બહુમુલ્ય નીવડ્યો હતો, અને હાલ  પુરતું તેમની કારકિર્દીને પુરતો વેગ અને દિશા આપી શકેલ છે.

પ્રથમ પંચવર્ષીય સમયખંડની સમાપ્તિમાં મોહમ્મદ રફીનાં સૌથી વધારે યાદગાર ગીતોમાંનું અગ્રગણ્ય, અને હું તો જ્યારે પણ સાંભળું ત્યારે મારાં રૂવાંડાં ખડાં કરી દેતું, ગીત સાંભળીએ....

વતનકી રાહમેં વતન કે નૌજવાં શહીદ હો - શહીદ - ખાન મસ્તાના અને સાથીઓ સાથે – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

દેશપ્રેમના મનમાં ધધકી રહેલ ભાવને નિયંત્રિત રાખી રહેલા દિલીપ કુમારના અભિનયને મોહમ્મદ રફી પૂર્ણતઃ શબ્દદેહ આપે છે.

આ એક જ ગીતે મોહમ્મદ રફીને પુરુષ ગાયકોની હરોળમાં પહેલાં સ્થાને પહોંચવાનો માર્ગ ખુલ્લો કરી આપ્યો એમ કહેવામાં કદાચ કોઈ અતિશયોક્તિ નથી.



મોહમ્મ્દ રફીએ અલગ અલગ સંગીતકારો સાથે ગાયેલ પ્રથમ યુગલ ગીતની આપણી આ યાદ સફર આગળ પણ ચાલુ રહે છે…..


પ્રથમ પંચવર્ષીય સમયખંડ ના બન્ને ભાગ એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત : ૧૯૪૪-૧૯૪૮પર ક્લિક કરો.


. ૨૦૨૧ નાં જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીના 'વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો'ના બારેય અંકને એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો - ૨૦૨૧ પર ક્લિક કરો.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: