Thursday, April 21, 2022

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પહેલું વર્ષ - ૪ - દિશાસૂચક કે દિશા નક્કી કરનારું … …. !?

 પહેલાં વર્ષના અત્યાર સુધીના આપણે જે અલગ અલગ ભાતના અનુભવો જોયા તેમાં સહજ આશ્ચર્ય, અણગમાના છુપા ઝરા જેવી વેદના કે પરાણે કરવી પડેલી પસંદગી જેવાં ભિન્ન ભિન્ન પ્રકારનાં ચિત્રો આપણી સામે ઊભરી રહ્યાં. જોકે આવાં કોઈ કારણોસર કોઇએ એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી દીધો હોય એવા કોઈ દાખલા ધ્યાનમાં નથી.

મારી આ સ્મૃતિકથાની શરૂઆતમાં જ હું તો કહી ચુક્યો છું કે હું એન્જિનિયરિંગમાં એટલે આવ્યો કે મારે મેડિકલમાં નહોતું જવું. સાચાં યા ખોટાં પણ કોઈ કારણે એક ગામ નહોતું જ જવું એટલે જે બીજું જે ગામ દેખાયું ત્યાં  જ વસી પડવું એ નિર્ણય સાચો હતો કે ખોટો તે ન તો ત્યારે ખબર હતી કે ન તો આજે નક્કી કરી કરવાની જરૂર.

મને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ શાખામાં પવેશ મળ્યો હતો. એ સમયે, આમ તો એ મિકેનિકલ એન્જિનિયરિંગ પછીની પસંદગીની શાખા ગણાતી. મને યાદ છે ત્યાં સુધી ભવિષ્યની કારકિર્દીની તકોની દૄષ્ટિ આવી પસંદગી માટે મહત્ત્વની ભૂમિકા ભજવતી હતી. પરંતુ મારા માટે તો ઇલેક્ટ્રિકલ હો કે મિકેનિકલ હો કે આ કે પેલી શાખા હો, ખાસ કોઈ ન ફરક નહોતો, કારણકે એ  શાખામાં શું ભણવાનું આવશે, આગળની કારકિર્દીમાં તે અંગે શું કામ કરવાનાં આવશે અને મારી પોતાની પસંદ કે ક્ષમતા કઈ શાખામાં હોઈ શકે એ વિશે હું તો સાવ જ અજાણ હતો. મારા બે માસાઓ સિવિલ એન્જિનિયર હતા પણ ન તો મને તેમનાં કામ વિશે કંઈ પણ જાણવાની ક્યારે જિજ્ઞાસા થયેલી કે ન તો તેમને  આ વિષયમાં મારી સાથે વાત કરવી જોઈએ એવું ક્યારેય જરૂરી જણાયું.

પહેલાં વર્ષમાં મિકેનીકલ એન્જિનિયરિંગમાં સ્ટ્રેન્થ ઑફ મટીરીયલ, અપ્પ્લાઈડ મિકૅનિક્સ કે એન્જિનિયરિંગ ડ્રોઈગ જેવા બહુ જ પાયાની બાબાતોનું સૈદ્ધાંતિક જ્ઞાન આપતા વિષયો હતા.  બીજી તરફ ફરસી, કરવત, રંધો, અર્ધો રતલની હથોડી વગેરે જેવાં સુતારીકામનાં સાધનો કે રફ ફાઈલ, સ્મુધ ફાઈલ, ત્રિકોણી ફાઈલ, એન્જિનિયરનો કાટખૂણો જેવાં 'ફિટીગ'નાં ઓજારો કે લેથ, શેપીંગ મશીન જેવાં અને તેમના પર કામ કરવા માટેનાં કોઇક પ્રકારનાં કટિંગ ટુલ્સ વડે કામ કરવા માટે વર્કશૉપ્સ અને ડ્રોઈંગ બોર્ડ, ટી-સ્ક્વેર વગેરે સાધનોની સાથે 2H કે 4H જેવા આંકડાઓ લખેલી (મને એકાદ વર્ષ પછી ખબર પડી હતી કે આ આંકડા તો પેન્સિલમાંનાં ગ્રેફાઈટની હાર્ડનેસ સુચક અંકો હતા), ચિઝલ ધાર કાઢેલી કે સીધી સાદી અણીવાળી પેન્સિલોના ઉપયોગ કરવાનો હતો એવા એન્જિયરિંગ ડ્રોઈંગ જેવાં પ્રાયોગિક આવડત વિકસાવનારા 'પ્રેક્ટિકલ્સ' હતા.  અમને શું કરવાનું છે તે તો સમજાવાતું અને જો અમે પૂછીએ તો કેમ કરવાનું છે તે પણ સમજાવાતું (જોકે શા માટે કરવાનુ છે એ ન તો અમે પૂછ્યું હતું કે ન તો અમને સમજાવાયું હતું).

ઈલેક્ટ્રીકલ એન્જિયરિંગમાં એક તરફ અમે રેઝિસ્ટર, ઈન્ડક્ટર અને કેપેસિટરને સરકિટમાં 'પેરેલલ' અને સિરીઝ'માં જોડવા વિશે શીખતા હતા તો બીજી તરફ ઈલેક્ટ્રીકલ લૅબમાં એ જ બાબત પ્રયોગાત્મક રીતે કરી જોતા હતા. અમને રેઝિસ્ટરને રેઝિસ્ટર શા માટે કહેવાય કે ઇન્ડક્ટરને ઈન્ડકટર અને કેપેસિટરને કેપેસિટર શા માટે કહેવાય એ કદાચ શીખવાડ્યું હશે તો હું સમજ્યો નહીં હોઉં એટલે  મને આ બાબતની સમજણ પણ જ્યારે એ વિશે આગળનું ભણવાનું આવ્યું ત્યારે જ પડી હતી.  ઈલેક્ટ્રીકલ લૅબમાં અલગ અલગ ડબ્બાઓમાં જુદી જુદી ક્ષમતાના વીજળીના ગોળાઓને તારો વડે જોડ્યા હતા એટલે એ રેઝિસ્ટર છે અને અવાહક નળીની ઉપર તાર વીટાળેલ ઉપકરણ ઈન્ડક્ટર છે એમ સમજી જવાનું હતું. કૅપેસિટર તો કેવાં હતાં તે મને આજે સાવ યાદ જ નથી! આશ્ચર્યોનો આટલેથી જ અંત નહોતો આવ્યો. કાગળ ઉપર દોરેલી સર્કિટમાં આ બધાં સાધનો તો સાવ બાજુ બાજુમાં હતાં ત્યારે લેબમાં તો એક અહીઆં તો બીજું લેબને બીજે છેડે પણ હતું.

આટલા જ અનુભવથી એટલું તો સમજાઇ ગયું કે મેડિકલમાં મારી સ્મરણ શક્તિ ઓછી ડશે એવો ભય હતો તો આ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જે વસ્તુ સૈદ્ધાંતિક રીતે સમજાતી હતી તેની વાસ્તવિક સ્થિતિ સમજવા માટે મારી કલ્પનાશક્તિ પુરી પડશે કે કેમ એ  વિશે મારા મનમાં શંકા પેદા થતાંની સાથે જ દૃઢ પણ થઈ ગઈ.

તે સાથે મને એવું પણ જણાવા લાગ્યું કે ઉદ્યોગના પિરિયડમાં રૂની પુણીમાંથી  તકલી ચલાવીને તાર કાઢવામાં મને ભલે સાત જનમ લાગવા જેટલો સમય લાગ્યો હો કે ચિત્રકામના પિરિઅડમાં ભલે 'પતંગ ઉડાડતો છોકરો' દોરવામાં હું છોકરો તો ઠીક પણ પતંગ અને દોરી પણ કાગળ પર ન પાડી શક્યો હોઉં, પણ મિકેનિકલ એન્જિનિયરિંગમાં મારી નિષ્ફળતા પણ મારી આંખ સામે જ હશે, એટલે મારી સમજણ શક્તિ અને કલ્પનાશક્તિની વચ્ચે બહુ અંતર નહીં પડે. એટલે મેડિકલની ખાઈ કે ઇલેક્ટ્રિકલ એન્જિયરિંગની ખીણ કરતાં મિકેનિકલ એન્જિનિયરિંગના પથરાળ અને કાંટાળા રસ્તે ઉઘાડા પગે પણ ચાલી તો શકાશે!

પહેલે વર્ષે કૉલેજની બહાર પણ એક બહુ મહત્ત્વની ઘટના બની.

એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું એટલે (અ)મને જે કંઈ શક્ય બને તે મદદ કરવાની ભાવનાથી મારા માસાએ મને એમના ઘરેથી એમના સિવિલ એન્જિનિયર થઈ ચુકેલા મોટા પુત્રનાં ડ્રોઈંગનાં સાધનો વગેરે લઈ જવા કહ્યું. મારા માસા તે સમયે પશ્ચિમ રેલ્વેમાં વડોદરા ખાતે ચીફ એન્જિનિયર હતા. એમની સાથે અલક મલકની વાતો ચાલી રહી હતી તેમાં તેમણે ઓચિંતું જ મને કહ્યું કે  તેઓ પોતાના સાવ અભણ મજૂરને તેનાં કામને લગતી ખાસી અઘરી કહી શકાય એવી એન્જિયરિંગની વાત એવી રીતે સમજાવી શકે છે કે પેલો એ કામ જરા પણ ભૂલ કર્યા વિના, ધાર્યા કરતાં પણ સારી રીતે, કરતો રહી શકે છે. એ જ રીતે જ્યારે હું ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ ઠીકઠાક સમજતો થઈ જાઉં ત્યારે તેમને સમજાવું કે જે રેઝિસ્ટર દ્વારા વીજળીનો પ્રવાહ પ્રકાશ પેદા કરે છે એ જ રેઝિસ્ટર વગેરેથી વીજળી પ્રવાહ રેડિયો કેમ વગાડી શકે છે.

ત્યારે તો મને એમ જ લાગ્યું કે આટલી અનુભવી વ્યક્તિ મારી સમજશક્તિ ચકાસી રહેલ છે. પરંતુ વર્કશૉપ્સ, એન્જિનિયરિંગ ડ્રોંઈંગ કે ઈલેક્ટ્રીકલ લૅબના પ્રાયોગિક વિશ્વની વાસતવિકતા જોયા પછી મારાં દિલ અને દિમાગને કોઈ ખૂણે એટલી વાત ઉતરી ગઈ કે જિંદગીમાં સફળ થવું હોય તો તમારાં જ્ઞાનને સામી વ્યક્તિ સમજી શકે એવી રીતે વ્યક્ત કરી શકવાનું કૌશલ્ય (કે કળા)તો હાંસલ કરવું જ જોઈએ. દિલ અને દિમાગને કોઈ એક ખુણે ઢબુરાયેલી રહેલી આ સમજ મને આગળ જતાં અનેક પ્રસંગોએ દિશા નિર્દેશ કરતી રહી .

આમ પહેલાં વર્ષમાં મને અજાણ્યે જ ભલે પણ બે મહત્ત્વની સૂઝ પ્રાપ્ત થઈ - એક તો એ કે સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રાયોગિક કામમાં પરિવર્તીત કરવું આવશ્યક છે (તેમજ પ્રાયોગિક આવડતની પાછળના સિદ્ધાંતને પણ જાણવો જરૂરી છે). અને બીજી એ કે તમારૂં જ્ઞાન સામે રહેલી કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિને સમજાવી શકવાની (અને તે જે જણાવી રહેલ છે તેને સમજીને તેમાંથી જ્ઞાન પેદા કરવાની) ક્ષમતા પણ)  ક્ષમતા વિના જ્ઞાન (અને સમજ) અધુરાં છે.

મારૂં મન ઉંડેં ઊંડે એ પણ જાણતું હતું કે પહેલી બાબતમાં હું કુદરતી રીતે જ કાચો છું અને બીજી બાબત વિશે મારે સભાનપણે ગાંઠ બાંધીને જીવનની હવે પછીની દરેક પરિસ્થિતિ સાથે કામ લેવું જ પડશે.

આમ જીવન જીવવા માટેની દિશા(ઓ), ભલે અજાણપણે, તો નક્કી થઈ ગઈ હતી, હવે મારે દિશા સુચવી શકે તેવાં સાધનો મેળવવાનાં છે અને એ દિશા જે માર્ગ બતાવે તેના પર આગળ વધવા માટેનો માર્ગ ખોળવાનો છે.

આ પરિસ્થિતિમાં હું શું શીખી રહ્યો છું તે જોઈ શકવાનું અને જે નથી શીખી શકાતું એ સ્પષ્ટપણે સમજી શકવાનું મને એક કિરણ તો દેખાતું જ હતું.

કુદરતે પણ સહાયભુત થવાનું વિચાર્યું હશે એમ લાગે છે. પહેલાં વર્ષને અંતે અમને અમારી 'વિદ્યાશાખા' બદલવા માટેની એક પસંદગી જણાવવાની તક મળી. મેં તો એ તકને બે હાથોથી ઝડપી જ લીધી અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં જવા માટેની અરજી કરી દીધી.

બસ, પછી તો કહે છે કે ને બાકીનો તો બધો ઇતિહાસ છે.  બીજાં વર્ષથી હું મિકેનિકલ એન્જિનિયરિંગ નો વિધિસરનો વિદ્યાર્થી બની ચુક્યો અને સમયની સાથે 'મિકેનિકલ એન્જિનિયર'ની પદવી સાથે ઉત્તીર્ણ પણ થઈ ગયો.

એન્જિનિયરિંગના અભ્યાસનાં પાંચ વર્ષો દરમ્યાન 'પ્રેક્ટિકલ્સ' તો એક અલગ જ, બહુ જ રસપ્રદ, પ્રકરણ છે, એટલે તેની તો માંડીને વાત  થોડાં આગળ જતાં કરીશું. એવી જ રસપ્રદ વાત છે મારી અભ્યાસની અને કારકિર્દીની દિશા એલ ડીના અભ્યાસનાં છેલ્લાં વર્ષમાં કેમ બદલી......

ત્યાં સુધી, હવે પછીના અંક માટે હું 'કૉલેજ તરફ અને કૉલેજથી આવનજાવન'ને લગતી યાદો અને અનુભવો એકઠા કરી રહ્યો છું.  


No comments: