Sunday, September 1, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - બિઆઈટીસના વિદ્યાર્થી જીવનનો આરંભ : શૈક્ષણિક પ્રવૃતિઓના ધમધમાટના દિવસોનો સંકેત આપતા પ્રસંગો

 પહેલો સમેસ્ટર શરૂ થવાનાં પહેલાં બે અઠવાડીયામાં એવી બે ઘટનાઓ બને જે સિનિયરોનાં વેકેશનની મજા વાગોળવાની અને નવા દાખલ થનારાઓની સંસ્થાનાં વાતાવરણ સાથે પરિચિત થવાની પ્રક્રિયાને સમેટીને ચોટલી બાંધીને શક્ષણિક પ્રવૃતિમાં ખુંપી જવાની વચ્ચેના સંક્રાંતિકાળની આલબેલ પોકારે. દર વર્ષે નિયમિતપણે થતી એ બે ઘટનાઓ એટલે ફ્રેશર માટેની વેલકમ પર્ટી અને વિદ્યાર્થી પરિષદની ચુંટણી.

ફ્રેશર વેલકમ 

પહેલું અઠવાડીયું પુરૂં થાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદની ચુંટણીની તૈયારીઓ જોર પકડવા લાગે. એટલે રેગિંગની પ્રવૃતિમાં પહેલાં અઠવાડીયાંની ગરમી શમવા લાગે. વિધિપૂરઃસરની ફ્રેશર પાર્ટી થાય એટલે ફ્રેશર તરીકેની ઓળખ મટી જાય અને એ લોકો પણ સંસ્થાના વિદ્યાથી સમુહના મુખ્ય પ્રવાહમાં બધાં સમાન બની જાય.

સામાન્યણે બીજાં અઠવાડીયાનાં રવિવારના બપોરનાં જમણમાં મેસનાં રવિવારનાં પ્રણાલિકાગત ભોજનને  બદલે બડા ખાના હોય. રવિવારનાં બપોરનાં ભોજનમાં સામાન્યપણે પુરી, લીલા વટાણાનું શાક, મસાલાવાળી બટકાની ફ્રેંચ ફ્રાય અને સોજીનો શીરો કે ગુબાબજાંબુ હોય. બડા ખાના માટે તેમાં સમોસા કે કચોરી કે બેડ પકોડાં જેવાં ફરસાણને, વટાણાનાં શાકમાં માવો (ખોયા) કે પનીર જેવી સમૃદ્ધ સામગ્રીને અને મિષ્ટાન્નમાં ખીરને સ્થાન મળે.

આવાં સત્તાવાર જમણ ઉપરાંત અમુક સિનિયર વિદ્યાર્થીઓ ફ્રેશરને  કેમ્પસની બહાર આવેલાં બજારમાં જે ઢાબાંઓ હતાં ત્યાં પણ પાર્ટી આપે. આ પાર્ટીઓનું મુખ્ય આકર્ષણ મસાલેદાર માંસાહારી વાનગીઓ અને મદ્યપાન હોય. આવી પાર્ટીઓની વધારે વિગત સ્મરણયાત્રામાં શિક્ષણેતર પ્રવૃતિઓની વાત કરતી વખતે કરીશું .

વિદ્યાર્થી પરિષદ ચુંટણી 

પ્રમુખ પદ, જુદી જુદી ક્લબના મુખ્ય કર્તાહર્તાની પસંદગી જેવી ચુંટણી માટેની બહુ જ કાચી રૂપરેખા આમ તો આગલાં વર્ષના અંતમાં જ અવિધિસર રીતે તો વિચારાઈ ગઈ હોય. સમેસ્ટર ચાલુ થતાંવેંત એ આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવે.બીજાં અઠવાડીયામાં ચુંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત થાય એટલે પ્રમુખપદના ઉમેદવારની આગેવાની હેઠળ પ્રચારનાં કામને ગતિ મળે. પહેલાં અઠવાડીયાનાં રેગિંગ દરમ્યાન ફ્રેશર વિદ્યાર્થીઓ જોડે થતા સંપર્કને ઉમેદવારો પોતાના મતદારો તરીકે તેમના પ્ક્ષમાં કરવાનો લાભ પણ ઉઠાવે. એમાંથી જે આ વર્ષે પ્રચારમાં કે ભવિષ્યની ચુંટણીઓ માટે ઉપયોગી નીવડે એવી પ્રતિભાઓ પણ ચુંટી લેવામાં મદદ મળે.

એ સમયની વિદ્યાથી પરિષદની ચુંટણીમાં બહુ ધાંધલ ધમાલ કે મસમોટા ખર્ચાઓ ન થતા. હોસ્ટેલમાં ગ્રુપ સભાઓ કે વ્યક્તિગત સંપર્ક જ પ્રચારનાં મુખ્ય સાધનો રહેતાં. કૉનોટ પ્લેસ બજાર પણ આ માટે બહુ મહત્ત્વનો મંચ બની રહેતો, પ્રચાર સાહિત્ય કે પોસ્ટર વગેરે તો કદાચ સત્તાવાર રીતે જ નિષેધ હતાં. જોકે, તેમ છતાં, ચુંટણી પ્રચાર બહુ જ કલ્પનાશીલ, સર્વાગપણે વ્યાપક અને જોશમય પણ રહેતો.

ચુંટણીનાં પરિણમો જાહેર થાય એટલે કેમ્પસની વિધિસરની અભ્યાસેતર પ્રવૃત્તિઓ પણ કાર્યરત થઈ જાય. આ વિશે વધારે વિગતવાર વાત આ સ્મરણકથામાં અભ્યાસેતર પ્રવૃતિઓની અન્ય યાદો મમળાવતાં મમળાવતાં કરીશું.

No comments: