Sunday, December 7, 2025

મારા પિતા - મહેશભાઈ પ્રાણલાલ વૈષ્ણવ :: પહેલો તબક્કો - ભુજ અને રાજકોટ : વર્ષ ૧૯૫૪ થી ૧૯૬૧

 


મારા પિતા, મહેશભાઈ (પ્રાણલાલ વૈષ્ણવ) - જન્મ: ૧૯૨૫ | મૃત્યુ: ૧૮-૧૨-૧૯૮૩ - પ્રાણલાલ અને રેવાકુંવર વૈષ્ણવના ત્રણ પુત્રોમાં બીજા હતા.


તેમણે ૧૯૪૭ ના કોઈક સમયે વાણિજ્ય વિદ્યાશાખામાં સ્નાતક થયા હતા. ૧૯૪૮ માં તેમના અને કિરણા (મારા મા, જેમને અમે બેન કહેતા) નાં લગ્ન થયાં.

ફાઇલ ફોટો: મહેશભાઈ સુશોભિત કારમાં વરઘોડામાં...

સ્નાતક થયા પછી, તેઓ ભુજ ખાતે સરકારી નોકરીમાં જોડાયા. મને યાદ છે ત્યાં સુધી, શરૂઆતમાં તેમણે થોડાં વર્ષ રેવન્યુ ખાતામાં નોકરી કરી. લગભગ ૧૯૫૨ માં કૃષિ વિભાગમાં જોડાયા. તેમના પિતા પણ રેવન્યુ ખાતામાંથી નિવૃત થયા તેને મહેશભાઈનાં રેવન્યુ ખાતાં જોડે જોડાવાનો સંબંધ છે કે કેમ તે તો મને ખબર નથી. તે જ રીતે રેવન્યુ ખાતું છોડવાને રેવન્યુ ખાતાંની બહુ બદનામ 'આડા હાથની કમાણી' સાથે તેમનો સ્વભાવગત સજ્જડ વિરોધ કારણભૂત હશે કે કેમ તે પણ મને ખબર નથી.

મહેશભાઈની મારી યાદો મારાં ચારેક વર્ષની ઉમર (૧૯૫૪)થી  શરૂ કરીને તેમના દેહાવસાનને કારણે તેમની જીવનમાંથી કાયમ માટેની નિવૃતિ (૧૯૮૩) સુધી સંકળાયેલી છે. આજે જ્યારે હું આ યાદોને મારાં મનની સુષુપ્ત યાદોમાંથી બહાર લાવતો જાઉં છું તેમ તેમ મને સમજાય છે કે મહેશભાઈનાં વ્યક્તિત્વ, સ્વભાવ અને તેમનાં મૂલ્યોની મારા પણ એક ચોક્કસ છાપ પડી છે. હા, તેમનાં મૂલ્યોને જીવનમાં સાકાર કરવાની તેમની પદ્ધતિ અને મારાં મૂલ્યો અને મારી પદ્ધતિમાં તાત્વિક સમાનતા છતાં દેખીતો ઘણો તફાવત પણ રહ્યો છે, તે પણ મને સમજાય છે. મારૂં એવું માનવું છે કે કોઈ પણ પિતા અને પુત્રએ પોતપોતાની ઝિંદગીઓ અલગ અલગ સંજોગોમાંથી પસાર થઈને જીવવાનું બને છે તેને કારણે હશે.

પશ્ચાતદૃષ્ટિ કરતાં મને એમ પણ જણાય છે કે મારી મહેશભાઈની યાદો અને તેની સાથે સંકળાતી અમારા સંબંધોની કડીઓને મહેશભાઈની નોકરીના તબક્કાઓ અને તેને કારણે અલગ અલગ શહેરોમાં / સ્થળોએ અમારે રહેવાનું થયું તેની સમયરેખા સાથે જોડવાથી રજૂઆતનો પ્રવાહ સહજ અને સરળ બનતો જાય છે. 

પહેલો તબક્કો - ભુજ અને રાજકોટ : વર્ષ ૧૯૫૪ થી ૧૯૬૧

મેં શાળાએ જવાનું શરૂ કર્યું ત્યારથી (૧૯૫૪) અમે રાજકોટ શિફ્ટ થયા (૧૯૫૮) સુધી, મહેશભાઈ મારા દરેક જન્મદિવસ પર મને એક પુસ્તક ભેટ આપતા.  તેનું એક સીધું પરિણમ એ આવ્યું કે મારી વાંચવાની આવડત બહુ વહેલેથી કેળવાવા લાગી, અને જે આગળ જતાં એક બહુ જ પ્રિય શોખનો વિષય બની રહી. પુસ્તકો ઉપરાંત તેમણે ગાંડિવ, રમકડું, ચાંદમામા વગેરે જેવા જાણીતા બાળ સામયિકોનાં લવાજમો પણ બંધાવ્યાં.  વાંચનની આદતનું આ બીજ મારામાં વવાયું તે, આગળ જતાં, ફક્ત મારા માટે માત્ર એક શોખની સાથે સાથે એક બહુ મહત્વનું સંસાધન તો બની જ રહ્યું, પરંતુ ઘરમાં વાંચવાનાં વાતાવરણે મારા પુત્ર (મહેશભાઈના પૌત્ર) તાદાત્મ્ય અને પછી તાદાત્મ્ય દ્વારા તેના પુત્ર તનય (મહેશભાઈના પ્રપૌત્ર) સુધી વાંચવાના  શોખનાં મૂળીયાં પ્રસારવામાં ઉદ્દીપકની પણ ભૂમિકા ભજવી.

મહેશભાઈ તાદાત્મ્ય સાથે (૧૯૮૩ ની આસપાસ)
મહેશભાઈના અવસાનના થોડા મહિના પહેલા

મહેશભાઈના રાજકોટ ટ્રાન્સફર થયા પહેલા મને યાદ આવતો એક સીમાચિહ્નરૂપ પ્રસંગ મારા યજ્ઞોપવિતનો પ્રસંગ (લગભગ મે ૧૯૫૮) હતો.

લગભગ બે કે ત્રણ મહિના પછી, મહેશભાઈની બદલી રાજકોટ થઈ.

રાજકોટ જતાં વેંત અમે મનહર પ્લોટના એક ઘરમાં રહ્યાં. એ ઘરનું ચોક્કસ સ્થળ મને યાદ નથી આવતું. થોડા મહિનામામ જ અમે એ ઘર બદલીને શેરી ન. ૮માં આવેલ તંતી નિવાસમાં સ્થાયી થયાં. તંતી નિવાસની એક બાજુ દૂર દૂર સુધી ખુલ્લુ મેદાન હતું, એ મેદાનમાં અમુક અમુક જગ્યાએ તો ઉંડી કોતરો પણ હતી. તે પછી ભક્તિનગર સ્ટેશન પાસેથી પસાર થતી રેલ્વે લાઈન હતી. એ રેલ્વે લાઇનની બાજુમાં જ વિરાણી વિવિધલક્ષી હાઈસ્કૂલ હતી. એ મેદાનની લગભગ વચ્ચે એક ઓઇલ મિલ હતી. તંતી નિવાસથી મહેશભાઈની ઑફિસ જતાં પણ એક મેદાન આવતું, એ મેદાન પાર કરો એટલે જાગનાથ પ્લૉટ આવે. વચ્ચે એક બાજુ રાજકુમાર કૉલેજ અને બીજી બાજુએ રેસ કોર્સ આવે એવો મુખ્ય માર્ગ હતો, જે હવે ડૉ. યાજ્ઞિક રોડ તરીકે ઓળખાય છે. રોડ પર પહોંચતાં એક તરફ ધર્મેન્દ્રસિંહજી કૉલેજ અને બીજી તરફ રામકૃષ્ણ આશ્રમ આવેલ હતા.

આશ્રમનું પુસ્તકાલય રામકૃષ્ણ મિશનનાં સાહિત્યથી ખુબ સમૃદ્ધ હતું. આશ્રમના પુસ્તકાલયને કારણે, મહેશભાઈ આશ્રમના તત્કાલીન વડા,- સ્વામી ભૂતેશાનંદજી,ના સંપર્કમાં આવ્યા. સાંજે મહેશભાઈ જ્યારે ઑફિસથી પાછા ફરે ત્યારે એ મેદાન પાર કરીને જ આવવાનું થાય.  ત્યારે સ્વામીજી સાંજના ફરવા નીકળ્યા હોય. આમ ઘણી વાર બન્ને સાથે થઈ જતા. તેમની આ મુલાકાતોને પરિણામે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા.  સ્વામીજીના સંસર્ગ અને આશ્રમના પુસ્તકાલયમાં આવેલ રામકૃષ્ણ મિશનનાં સાહિત્યના વાંચનની અસરના પરિપાકરૂપ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની વિચારધારાની મહેશભાઈ પર બહુ જ ઊંડી છાપ પડી હતી. એ વર્ષોમાં દર મહિને થોડી થોડી બચત કરીને મહેશભાઈ રામકૃષ્ણ પરમહંસ, મા શારદામણિ દેવી અને સ્વામી વિવિકાનંદનું પુષ્કળ સાહિત્ય ખરીદ્યું. એ બધું મેં હમણાં સુધી સાચવી રાખ્યું હતું, પરંતુ પછી તેની જાળવણી ન થઈ શકે એવી એક કક્ષા આવી પહોંચી એટલે એ બધું સાહિત્ય ભુજની લાયબ્રેરીમાં જમા કરવાવું પડ્યું.

રાજકોટ છોડ્યા પછી જ્યારે પણ રાજકોટ જવાનું થાય ત્યારે મહેશભાઈ આશ્રમની મુલાકાત લેવાનું ક્યારે પણ ચુકતા નહીં. મહેશભાઈના અવસાન પછી મેં પણ એ પ્રણાલિકા જાળવવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે.

મહેશભાઈના અવસાનની મેં સ્વામી ભૂતેશાનંદને જાણ કરી હતી. રાજકોટ છોડ્યાને ત્રેવીસ વર્ષનાં વહાણાં વીતી ગયાં હતાં. સ્વામીજી ત્યારે રામકૃષ્ણ મઠ, બેલુર (કોલકાતા),ના વડા હતા. (તેમ છતાં) સ્વામીજીએ પોતાના હસ્તાક્ષરમાં જવાબ આપ્યો હતો, જેમાં મહેશભાઈ સાથેના તેમના ગાઢ સંબંધોને તેમણે બહુ જ આત્મીયતાથી યાદ કર્યા હતા. મારાં કમનસીબે, હું તે પત્ર સાચવી શક્યો નથી.

મહેશભાઈએ મને પણ આશ્રમની લાયબ્રેરીનો પરિચય કરાવ્યો હતો. હું લાયબ્રેરીમાં નિયમિત મુલાકાતી હતો અને બાળકો માટે ખાસ પ્રકાશિત આશ્રમના પ્રકાશનો વાંચવામાં સારો સમય વિતાવતો હતો. ઘણી વાર પાછા ફરતી વખતે, મહેશભાઈ અને સ્વામીજી ચાલતા જતા હોય ત્યારે હું પણ સાથે થઈ જતો. ક્યારેક સ્વામીજી એકલા હોય અને હું સાથે થઈ જાઉં, તો તેઓ મારી સાથે પણ બહુ પ્રેમથી વાતો કરતા અને મેં શું વાંચ્યું તે વિશે પૂછતા. દેખીતી રીતે, આવા પ્રબુદ્ધ વ્યક્તિ સાથે વાત કરવાનું મહત્વ સમજવા માટે હું ખૂબ નાનો અને ખૂબ જ કાચો હતો. જોકે, જેમ જેમ હું પાછળ જોઉં છું, ત્યારે હવે હું સમજી શકું છું કે તે વાતચીતોએ મારા મનમાં ધર્મ એક આસ્થા નહીં પણ શું સાચું અને શું ખોટું એ સમજવાની વિવેકબુદ્ધિ વિકસાવવા માટે ગર્ભિત રીતે બીજ વાવ્યાં હશે.  

મનહર પ્લોટમાં લગભગ એક વર્ષ રહ્યા પછી, મહેશભાઈને એક સરકારી ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું. આ ક્વાર્ટર્સ રાજકોટ સિવિલ હોસ્પિટલ (સદર સર્કલ પાસે, જે હવે ડૉ. આંબેડકર સર્કલ તરીકે ઓળખાય છે) ના સ્ટાફ માટે હતા. આ ક્વાર્ટર્સમાં ઘર જોડાયેલ શૌચાલય નહોતું. અલગ શૌચાલય બ્લોકમાં જવા માટે લગભગ ૧૦૦ મીટર ચાલવું પડતું હતું. દરેકને કતારમાં પોતાનો વારો રાહ જોવી પડતી હતી.

અહીંના રહેવાસમાં મને મારાથી ઓછામાં ઓછા એક દાયકાથી મોટા 'મિત્રો'ના સંપર્કમાં આવવાની પહેલી તક મળી. હકીકતમાં, એવું કંઈ નહોતું જે મને એ લોકોના મિત્ર તરીકે સ્વીકૃતિ માટે લાયક બનાવે. તેમ છતાં ક્વાર્ટર્સમાં દર વર્ષે નવરાત્રીની ઉજવણી સમયે થતા દાંડિયા રાસમાં મને સાથે રખાતો. દાંડિયા રાસ રાત્રે આઠેક વાગ્યાથી બે ત્રણ કલાક, વણથંભ્યો, રમાતો. સાવ સહજપણે રમાતો એ દાંડિયા રાસને હું કેમ જીરવી શક્યો હોઈશ તે આજે પણ સમજાતું નથી, કેમકે એ લોકો કરતાં ઉમરમાં અને અનુભવમાં હું 'સાવ' બાળક જ હતો, અને મારી ઉમરને કારણે મને કોઈ જ દયાભાવની છૂટ પણ નહોતી મળતી.

રાજકોટના અમારા રહેવાસના હું અહીં એવા બે પ્રસંગ ટાંકવાનું પસંદ કરીશ જેમાં મહેશભાઈએ ભલે પિતા તરીકેની તેમની સ્વાભાવિક ભૂમિકા ભજવી હોય પણ તેમાં તેમની સાથે રહેવાને કારણે મારા વ્યક્તિત્વના ઘડતરમાં એ બન્ને પ્રસગોનું અનોખું મહત્વ બની રહ્યું છે. - 

જ્યારે અમે રાજકોટ પહોંચ્યા, ત્યારે મેં ભૂજની મિડલ સ્કૂલમાં મારા પાંચમા ધોરણનું પહેલો સત્ર પુરૂં કર્યું હતો, વિરાણી હાઇસ્કૂલ મનહર પ્લોટના તંતી નિવાસનાં અમારાં ઘરથી સૌથી નજીકની શાળા હતી. શૈક્ષણિક વર્ષની અધવચ્ચેથી પ્રવેશ માટે વિરાણી હાઇસ્કૂલમાં લેખિત પરીક્ષા પાસ કરવી જરૂરી હતી. મહેશભાઇએ તેમના મોસાળ પક્ષનાં બહેન મુક્તાફઇ (મોટા અમ્મા, મારાં  દાદી-નાં દીકરી) ના સાળા જનાર્દનભાઇ વૈદ્ય[1]ની મદદ લીધી. જનાર્દનભાઇ વિરાણીમાં અંગ્રેજીના શિક્ષક હતા. પ્રવેશ પરીક્ષા માટે મને તૈયાર આપવા માટે તેમની પાસે ભાગ્યે જ સમય હતો. જોકે મને વિરાણીમાં પ્રવેશ તો મળ્યો. મેં પરીક્ષામાં કંઈ સારૂં પ્રદર્શન કર્યું હોય એવું તો બહુ શક્ય નહોતું. પરંતુ જનાર્દનભાઇના પ્રયાસો અને તેમના વિશે શાળામાં જે માન હતું એ બે પરિબળોનો ફાળો જ રહ્યો હશે જેને કારણે મને પ્રવેશ મળ્યો હશે!

મારી શાળા, વિરાણી હાઇસ્કૂલ, અમે જે સરકારી ક્વાર્ટ્સમાં રહેવા ગયેલાં તેનાથી તે સમયના રાજકોટના લગભગ બીજા છેડા પર હતી. શાળા માટે મારી આવન જાવન ક્યાં તો સિટી બસ સેવા દ્વારા અથવા, મોટી ટાંકી થઈને અને નહીં તો  ચૌધરી હાઇસ્કૂલના રસ્તેથી થઈને આખા રસ્તે ચાલીને થતી. સ્વતંત્રપણે, કોઈ પણ નવા રસ્તા શીખવાનો મારાં જીવનનો એ પહેલ વહેલો પાઠ !

મને ખબર નથી કે કેવી રીતે અને કેમ, પણ હું આ કસોટીઓમાંથી પાર તો ઉતરી ગયો. જોકે એ સમયે પણ હું ખૂબ જ કાચો અને શિખાઉ હતો,. એટલે આ બધ અનુભવોમાંથી ભવિષ્યની આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કોઈ આત્મવિશ્વાસ કેળવી શક્યો એમ તો ન કહી શકાય, સિવાય કે ચોક્કસપણે એટલું તો કહી શકાય કે ભવિષ્યનાં મારાં ઘડતરમાં આ અનુભવો મહદ્ અંશે મહત્વપૂર્ણ પરિબળો તો જરૂર બની રહ્યાં કહેવાય. 

ત્યારબાદ, મહેશભાઈની બદલી જૂનાગઢ કૃષિ કોલેજમાં થઈ. ત્યાં તેઓ કદાચ નવેક મહિનાથી વધારે નહીં રહ્યા હોય. ભવિષ્યમાં તેમને નવસારી કૃષિ કોલેજ અને પછી ગુજરાત કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા, જિલ્લો, બનાસકાંઠા, ગુજરાત કામ કરવાનું હશે એટલે નિયતિએ આવી કોઈ યોજના કરી હશે કે કેમ તે તો નિયતિ જ જાણે ! પરંતુ અમને પણ એક સમયના રાજાશાહી બાગની લ્હાણ લેવાની અને ગિરનાર ચડવાની  તક મળી. જોકે, જૂનાગઢના એ બાગની જવિક સમૃદ્ધિની ખરી સમજ તો ૧૯૭૦ થી ૧૯૭૩ દરમિયાન મહેશભા નવસારી જતા ત્યારે નવસારી કૃષિ કોલેજનાં ફાર્મ્સ ખેતરોની મુલાકાત લીધા પછી પડી.

આજે પાછળ નજર કરતાં બહુ જ ચોક્કસપણે જોઈ શકાય છે કે મહેશભાઈની રાજકોટ બદલી થઈ એ મારા વ્યક્તિત્વને ઘડવામાં ગેમ ચેન્જર ઘટના હતી.

હવે પછીઃ બીજો તબક્કો - અમદાવાદઃ લાલ મિલ કોલોની અને એચ કોલોનીઃ ૧૯૬૧ થી ૧૯૬૬

[1] જનાર્દનભાઈ વૈદ્યએ રામકૃષ્ણ મિશનનાં અંગ્રેજી સાહિત્યનું ગુજરાતીમાં અનુવાદ કરવામાં બહુ મોટું યોગદાન આપેલું. તેમનું અવસાન થયું ત્યારે, તેમનાં યોગદાનને અંજલિ આપવા, આશ્રમનાં મૅનેજમૅન્ટે તેમની અંતિમ યાત્રાના માર્ગમાં રામકૃષ્ણ આશ્રમ આવે તેવી વિનંતિ કરી હતી અને આશ્રમના મુખ્ય દ્વાર પાસે તેમને વિદાય અંજલિ આપવામાં આવી હતી.

No comments: