Sunday, April 17, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - એપ્રિલ ૨૦૨૨

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  એપ્રિલ ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

આ મહિને પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી સ્વામી સત્યમયાનંદના લેખ, ઉપનિષદ અનુસાર ગાઢ નિદ્રાની સમજણ / Understanding deep sleep according to Upanishads, પસંદ કરેલ છે.

અહીં પ્રસ્તુત છે એ લેખનો સંક્ષિપ્ત અંશ:

આપણી ઊંઘ અને જાગતા રહેવાનાં ચક્ર સામાન્યપણે જૈવિક ઘડિયાળ તરીકે કે તકનીકી રીતે સિર્કેડિયન રિધમ તરીકે ઓળખાતી બહુ જટિલ શારીરિક અને ચેતાકીય પ્રક્રિયા દ્વારા નિયમન થાય છે. જૂના સમયમાં ઊંઘી જવું એ નિદ્રા મંદિરમાં જવા બરાબર ગણાતું.પરંતુ રોજબરોજની પ્રવૃત્તિઓનાં ડિજિટલાઈઝેશનના અતિરેકને કારણે માનવ જાત અને તેની સાથે સંકળાયેલ દરેક સજીવ પ્રાણીઓની સિર્કેડિયન રિધમ ખોરવાઈ ગઈ છે.

ઊંઘની ઊણપને કારણે આ પ્રકારના રોગો /સ્થિતિઓ પેદા થાય છે :

     i.      ધ્યાન, પ્રજ્ઞા, લાગણીઓ, સમજશક્તિ અને યાદોનું નકારાત્મકતા તરફ વળવું.

    ii.      ઉદાસીનતા અને ચિંતા

   iii.      પાચક રસોની લય ખોરવાઈ જવાથી વધતી મેદસ્વિતા

   iv.       હૃદય રોગો

    v.      મધુપ્રમેહ

   vi.       ઘટતી જતિ રોગ પ્રતિકાર શક્તિ

  vii.      સ્વયંપ્રતિરક્ષા રોગોમાં વધારો

 viii.      ત્વચાનું કવયે વૃદ્ધ થવું

જેમ જેમ અંધારૂં થવા લાગે છે તેમ તેમ શરીરમાં પીનીલ ગ્રંથિમાં મેલાટોનિન ઝરવા લાગે છે, જે ઊંઘના ચક્રની શરૂઆત બતાવે છે. કોઈ પણ સરેરાશ તંદુરસ્તી ધરાવતી વ્યક્તિ, વધતી ઘટતી રહેતી સમય મર્યાદાનાં,  નિદ્રાના છ ચક્રમાંથી પસાર થાય છે.



ડેલ્ટા સ્લીપ, કે મંદ-તરંગ નિદ્રા તરીકે ઓળખાતાં ત્રીજાં ચક્ર દરમ્યાન આંખની અંદરની, પોપચાંની, સ્વયંસંચાલિતત હલચલ ધીમી પડે છે (Non-Rapid Eye Movement, NREM), જે ગાઢ નિદ્રામાં પરિણમે છે. નિદ્રાનો આ તબક્કો આરોગ્ય સંવર્ધક બની રહે છે. ઊંઘના આ તબક્કામાંથી કોઈને પણ જગાડવું ખુબ મુશ્કેલ બની રહેતું હોય છે.



આ સ્થિતિમાં, માનસિક રીતે આપણો અહં પણ સુષુપ્ત બની જાય છે, જણે કે આપણે આપણી ઓળખ જ બાજુએ મુકી દીધી હોય. જ્યારે વ્યક્તિની ઓળખ ઓગળી જાય છે ત્યારે નિર્ભેળ આનંદની સ્થિતિ પ્રવર્તે છે. આપણાં પુરાણોમાં આ સ્થિતિને નિત્ય પ્રલય, દરરોજનું વિલયન - ભાવકાર્યોનો વિલોપ - કહે છે.

આપણે જેટલું વધારે શાંતિમય સ્થિતિમાં ઊંઘશું, એટલી વધારે શક્યતા  આપણી અજ્ઞાન અવસ્થાની નિદ્રામાંથી જાગૃત થવાની રહે છે, જે આપણને આપણા શાશ્વતપણે મુક્ત સ્વભાવની ઓળખ કરાવે છે. 

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • The Rise of Remote Audits - શેરોંદા જેફ્રીસ આજના વૃતાંતમાં રિમોટ અને સ્થળ પરનાં ઑડીટ વચ્ચેની સમાનતાઓ અને તફાવતો દર્શાવે છે.
    • The Changing Role of Remote Audits and Additional Resources - શેરોંદા જેફ્રીસ હવે ૨૦૧૯માં રિમોટ ઑડીટની ભૂમિકા કેમ વિકસી, તે માટે શું સંસાધનો જોઈએ અને તેમનો શી રીતે ઉપયોગ કરવો તેમજ રિમોટ ઑડિટનાં ભવિષ્યની ચર્ચા કરે છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ

  • Regrets આપણે આપણા નિર્ણયો બીજી રીતે કરી શક્યાં હોત એવી લાગણીઓને આપણે દિલગીરી તરીકેઓળખીએ છીએ.…નિર્ણયનાં પરિણામ ક્યાંક અવળી રીતે જણાય કે કોઈ નકારાત્મ્ક પરિસ્થિતિ સર્જી શકે. એટલે ઓળખીએ છીએ.…નિર્ણયનાં પરિણામ ક્યાંક અવળી રીતે જણાય કે કોઈ નકારાત્મ્ક પરિસ્થિતિ સર્જી શકે. એટલે , દિલગીરી આપણી ભૂલો માટેનો ખેદ છે. …. દિલગીરીગ્રસ્ત લાગણીઓ અત્યંત નકારાત્મક ઉર્જા પેદા કરે છે. જો આપણે ધારીએ તો એ ઉર્જાને આપણે વધારે ઉત્પાદક દિશામાં પણ વાળી શકીએ.… એટલે કે, ભૂલ તો થઈ ગઈ, હવે આપણે તેમાંથી પાઠ શીખવાનો છે. એમ કરવાથી આપણી એ દિલગીરી હવે પછી એ ભૂલ ન દોહરાવવાતી સ્મૃતિસુચનામાં ફેરવી નાખી શકીએ.… દીલગીરીઓ એવી અફર હકીકતો છે  જેને અવગણી કે નકારી ન શકાય. એ હકીકતોનો આપણે નવી સિદ્ધિઓ સર કરવામાં સદુપયોગ કરવો જોઈએ. 

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • From Every Theory in Moderation? – or Firing the Silver Bullet? – વાસ્તવિક જિંદગી એટલે દરેક બાબતનો એક જવાબની ખોજ, રૂપેરી ગોળી તાકવાની ખરેખરી તક. ખરો મુદ્દો એ છે કે જે જવાબની આપણને તલાશ છે એવી કોઈ પણ પરિસ્થિતિને સમજવા આપણે કયાં સુચકો પસંદ કરી છીએ …. સમધોરણતા કે અસામાન્યતાથી પાર, સવાલનાં મૂળમાં 'સૂચકો' - અને તેમનો અસરકારક અને સાચો ઉપયોગ - રહેલ છે. ગુણવત્તાની બાબતમાં પણ આ જ લાગુ પડે છે. લેખકો ઈવ્સ વન નોલાન અને ગ્રેસ ડફ્ફી લખે છે તેમ, “ઘણાં લોકો વ્યાપારઉદ્યોગો કે પ્રક્રિયા સંચાલન માટેનાં મહત્ત્વનાં સાધન તરીકે KPIs (key performance indicators)નું મહત્ત્વ ઓછું આંકે છે. પરંતુ KPI વાપરવાથી સંચાલકોને યથોચિત નિર્ણયો લેવામાં મદદ જરૂર મળે છે. જોકે  જે રીતે KPIનો ઉપયોગ થતો રહ્યો છે તેમાં બહુ જ કચાશ રહી જતી હોય છે.”


'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, April 10, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : એપ્રિલ, ૨૦૨૨

 હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો :: ૧૯૬૦


હસરત જયપુરી
(મૂળ નામ - ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) ને સાહિર લુધિયાનવીની સમકક્ષ કદાચ એટલે નથી મુકાતા કે તેમની શાયરીમાં સાહિર જેવી વિદ્રોહની ધાર નહોતી, કૈફી આઝમીની હરોળમાં પણ તેમને કદાચ એટલે ન મુકાતા કે તેમની રચનાઓમાં કેફીની રચના જેવું સંવેદનોનું ઊંડાણ ન અનુભવાતું. તેમને તો તેમના વ્યાવસાયિક જીવનપર્યંતના હમસફર શૈલેન્દ્ર સાથે પણ નથી મુકાતા કેમકે તેમના બોલની સાદગીમાં શૈલેન્દ્રના શબ્દો જેવી ધરતીની ફોરમ ન મહેકતી. હસરત જયપુરી દ્વારા લખાયેલાં મોટા ભાગનાં ગીતોમાં સામાન્ય માનવીને સમજાય એવી જુબાનમાં વ્યકત થતી ભાવનાઓ જ તેમનાં પદ્યની ખરી ખુબી હતી. જોકે પ્રસંગની માંગ હોય ત્યારે હસરત જયપુરીનાં ગીતોમાં પણ એ સમયના અન્ય કોઈ પણ  ગીતકાર જેટલી જ વેધકતા, ઊંડાણ કે સહજતા એમની સ્વાભાવિક સરળતામાં જ વ્યક્ત થતી રહી છે.

જોકે તેમણે રચેલાં ગીતોની દેખીતી સરળતાની પાછળ દૃષ્ટિ કરીશું તો જણાશે કે તેમનાં પદ્યની સરળતામાં એ સમયનાં સ્પર્ધાત્મક પ્રવાહોમાંથી અલગ તરી આવતી તાજગી હતી, જે તેમણે પોતાની શરતો અને એ સમયનાં સરેરાશ ધોરણથી ખાસ્સાં ઊંચાં એવાં પોતાનાં આગવાં ધોરણોથી જાળવી રાખી હતી.

હસરત જયપુરીની વૈવિધ્યસભર પ્રતિભાને જો કોઈ પુરાવાની જરૂર પડે તો શંકર જયકિશન તેમજ અન્ય કેટલાક સંગીતકારો સાથે તેમણે લગભગ દરેક પ્રકારની સીચ્યુએશનો માટે લખેલાં ગીતોમાં મળશે. તે જ રીતે તેમનાં પદ્યની લવચીક માતબરતા એવાં કેટલાંય  ગીતોના વિશિષ્ટપણે અલગ તરી આવતા બોલમાં છે જે જો ગીતકારનું નામ ખબર ન હોય તો કદાચ હસરત જયપુરીની જ આ રચના છે એમ ન લાગે એવી પ્રભાવત્મક અસરમાં છે.

તેમણે અન્ય સંગીતકારો માટે રચેલાં ગીતો પૈકી ઓછાં સાંભળવા મળતાં ગીતોને આપણે વર્ષ ૨૦૧૭થી દર એપ્રિલ મહિનાના આપણી આ શ્રેણીના અંકમાં યાદ કરીએ છીએ.

૨૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,

૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,

૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં,

૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં, અને,

૨૦૨૧માં ૧૯૫૯નાં વર્ષનાં

હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં  કેટલાંક ગીતો આપણે યાદ કર્યાં હતાં.

હસરત જયપુરીએ શંકર જયકિશન સિવાય અન્ય સંગીતકારો માટે રચેલાં વર્ષ ૧૯૬૦નાં ગીતોના આજના મણકાં ખય્યામ, દત્તારામ, ઓ પી નય્યર અને સરદાર મલ્લિક જેવા અલગ અલગ શૈલીના સંગીતકારો સાથે રચેલાં, અને હવે વિસારે પડતાં જતાં, એ સમયે પણ કદાચ બહુ સાંભળવા ન મળેલ ગીતોની યાદ તાજી કરીશું. એટલા માટે કરીને આપણે લિખોગો પઢોગે તો આગે બઢોગેબનોગે નવાબ (મોહમ્મદ રફી, લતા મંગેશકર, શેખ મુખ્તાર, હની ઈરાની) અને રંગ રંગીલા સાંવરા મોહે મિલ ગયા જમના પાર (લતા મંગેશકર, સાથીઓ - બન્ને 'બારૂદ' ૧૯૬૦ ; સંગીતકાર ખય્યામ);  દિલ ઢૂંઢતા હૈ સહારે સહારે (મુકેશ); કાલા આદમી, ૧૯૬૦; સંગીતકાર દત્તારામ); ચંદા કે દેશમેં રહતી થી એક રાની (મુકેશ) અને બહારોંસે પૂછો મેરે પ્યાર હો તુમ તુમ્હારે તરાને હમ ગાયે જા રહેં હૈ (મુકેશ, સુમન કલ્યાણપુર; બન્ને 'મેરા ઘર મેરે બચ્ચે ,૧૯૬૦; સંગીતકાર સરદાર મલ્લિક); હાલ-એ-દિલ હમારા જાને ના જાને યે જમાના અને  અય દિલ, દેખે હૈ હમને બડે બડે સંગદિલ (બન્ને મુકેશ, શ્રીમાન સત્યવાદી, ૧૯૬૦ઃ સંગીતકાર - દત્તારામ) જેવાં ખુબ લોકપ્રિય થયેલાં ગીતોને આપણે પસંદગીમાં લીધાં નથી.

એક રસપ્રદ આડવાત - આજના મણકામાં જે ફિલ્મોને આવરી લેવાઈ છે તે દરેકનાં શીર્ષક પરથી એકથી વધારે ફિલ્મો બની છે - 'કાલા આદમીઅને 'શ્રીમાન સત્યવાદી'.સિવાય..

સંગીતકાર: ખય્યામ

બંબઈકી બિલ્લી

આ શીર્ષક પરની આ ત્રઈ ફિલ્મ છે. સૌ પહેલી ફિલ્મ તો છેક મુંગી ફિલ્મોના જમાનામાં બનેલી ૧૯૨૭બી ફિલ્મ ધ વાઈલ્ડ કૅટ ઑફ બોમ્બે યાને બમ્બઈકી બિલ્લી હતી. તે પછી ફરીથી ૧૯૩૬માં પણ ફિલ્મ બની. બન્ને ફિલ્મોમાં મુખ્ય સ્ત્રી પાત્ર સુલોચના (મૂળ નામ રૂબી મેયેર) હતાં!

દિલબર તુ હૈ મેરા પ્યાર તુ હૈ એકરાર કર લો - ગીતા દત્ત

ફિલ્મમાં ત્રણ પાર્શ્વગાયિકાઓનાં બબ્બે ગીતો છે. ગીતા દત્તના સ્વરનું બીજું ગીત દિલ કે પાર હો ગયી એક નઝર હતું. આ ગીત દ્રુત વૉલ્ત્ઝ ધુન પર સંગીતબદ્ધ થયેલું  છે. જે ધુન પર ખય્યામે આ પહેલાં બહુ જ લોકપ્રિય થયેલ આસમાં પર હૈ ખુદા ઔર જમીં પર હમ (ફિર સુબહ હોગી, ૧૯૫૮) પણ બનાવેલ છે.

આ બન્ને ક્લબ ગીતો હોય એમ જણાય છે.


ઝાલિમ ઝુલ્મ ન કર અભી ઝિંદગી હૈ કમ -  આશા ભોસલે

આશા ભોસલેના સ્વરનું બીજું ગીત મેરી અદાયેં બીજલી ગીરાએં, જિસકો ભી ચાહે ઉસકો મારે એકદમ ઝડપમાં ગવાતું ગીત છે. આ બન્ને ગીતો પણ ક્લબ ગીતો જ જણાય છે.


મૈં તિહારી નઝર ભર કે દેખ લો - લતા મંગેશકર

લતા મંગેશકરના સ્વરનું બીજું ગીત, હસરત જયપુરીની હવે આપણને જાણીતી શૈલી – સાખી-થી શરૂઆત થતું મૈં બાગોંકી મોરની જબ નાચું તા થા થૈયા છે, જે આમ તો પંજાબી લોકનૃત્ય ગીતના ઢાળ પર છે.


બારૂદ

પ્રસ્તુત ફિલ્મ ઉપરાંત ૧૯૭૬ (સંગીતકાર: એસ ડી બર્મન), ૧૯૯૬ (સાથે 'એ લવ સ્ટોરી' એવાં પુછડાં સાથે) અને ૧૯૯૮ એમ બારૂદ શીર્ષક પર ચાર ફિલ્મો બની છે.

મુસીબત એક ખિલૌના હૈ તેરી માસુમ રાહોંમેં, ગુઝર જા હાં ગુઝર જા ખેલતા હુઆ ધરતીકી બાહોંમેં….ચલા ચલ ગર હૈ અંધેરા તેરા ભગવાન સહારા -  મોહમ્મદ રફી

બેકગ્રાઉન્ડમાંથી સંભળતાં પ્રેરણાદાયક ગીતોના પ્રકાર પર હસરત જયપુરી તેમની સાખી શૈલીનો ઢોળ ચડાવે છે.


ઐસે ન મુંહ છીપાઓ … . મર જાયેંગે યુંહી હમ …. તુમ જૈસે આદમીકો તડાપાયેંગે યુંહી હમ … - મોહમ્મદ રફી
, લતા મંગેશકર

ગીતના ઉપાડની સાથે જ આપણને આ રચના નખશીખ ખય્યામની રચના જણાવા મંડી જાય છે… પહેલો અંતરો શરૂ થતાં જ મને તો મનમાં ઈતને કરીબ આ કે ભી ના જાને કિસલિયે (શગૂન ૧૯૬૪)ના અંતરાની યાદ આવવા લાગી જાય છે. તર્જની કશેક સામ્યતા હશે, પણ હકીકત તો એ જ છે કે પ્રતુત ગીત તો પહેલી જ વાર સાંભળ્યું, જ્યારે બીજું ગીત તો કાયમ ગણગણાયા કરાતું રહ્યું છે… કયું ગીત ઉપડશે અને કયું ગીત રહી જશે એના માપદંડ તો ક્યારેય પણ કામ ક્યાં આવ્યા જ છે….


અટકન બટકન દહી ચટોકન રાજા ગયે દિલ્લી, સાત કટોરી લાયે, એક કટોરી ટૂટ ગયી, મુન્નેકા દિલ લુટ ગઈ - લતા મંગેશકર, હની ઈરાની

બાળ ગીત તરીકે ગાવામાં કંઈક અંશે મુશ્કેલ પડે એવી ધુન છે, પણ ગીતમાં વપરાયેલ બોલ તો વિષયસહજ સરળ જ છે.



સંગીતકાર:  દત્તારામ

૧૯૬૦ના સમયકાળ સુધી દત્તારામની રચનાઓ  પોતાની આગવી કેડી કોતરતી ન હોવાનું અનુભવાયા છતાં પણ લોકચાહના જરૂર મેળવી જતી હતી.

કાલા આદમી

કથાવસ્તુમાં પરાણે થોડું રહસ્ય તત્ત્વ મેળવી દઈને બનતી એ સમયની ફિલ્મો પૈકી આ પણ એક ફિલ્મ હતી. આવી ફિલ્મો લોકો થિયૅટરમાં એક વાર પણ આખી જોઈ શકતા હશે તો એમાં ફિલ્મનાં ગીતોનો ફાળો પણ ઘણો રહેતો હશે. અહીં પણ દત્તારામ-હસરત જયપુરીના આ મોરચાને સંભાળવાની જવાબદારી આવી છે.

આંખ મિલાકર વાર કરૂંગી ….. દિલકો બચાના બચાના દેખો - સુમન કલ્યાણપુર

પૂર્ણતઃ ક્લબમાં ગવાતું ગીત હોય તો પણ તેની શબ્દ રચના મુજરા પ્રકારના નૃત્ય ગીત તરીકે ઠાઠથી કરી લેવાતી... જોકે આ ગીતની નોંધપાત્ર બા્બત છે કે સુમન કલ્યાણપુરના સ્વરનો પ્રયોગ, જે આશા ભોસલે કે ગીતા દત્ત જેટલો સહજ નથી લાગતો પણ ગીતને યથોચિત ન્યાય તો કરી જ રહે છે.


બાબુ ઇન્સ્યોરન્સ કરા લો…. જિતના પૈસા ડાલોગે ઉસસે દોગુના પાઓગે - મોહમમ્દ રફી

જ્હોની વૉકરનાં પાત્રને અનુરૂપ એક ગીત તો મુકવું જે પડે એટલો જ્હોની વૉકરનો એ સમયનો વટ હતો.

આજનો સમય હોત તા આ ગીત કોઈ જીવન વીમા કંપનીએ જાહેરાત માટે જ હોંશે હોંશે સ્પોન્સર કરી આપ્યું હોત


મેરા તો દિલ દિલ ઘબરાયે મેરી જાન જાન ચલી જાયે
, જાયે રે જાયે રે - લતા મંગેશકર, મોહમ્મદ રફી

અહીં હવે ક્લબ ગીત અને જ્હોની વૉકર ગીતનું સંમિશ્રણ કરાયું છે.



સંગીતકાર:  ઓ પી નય્યર

ઓ પી નય્યર અને હસરત જયપુરી ફરી એક વાર સાથે થાય છે, જોકે આ વર્ષે આ સંગાથ એક જ ફિલ્મમાં એક જ ગીત પુરતો હતો.

કલ્પના

૧૯૪૮માં સુખ્યાત નૃત્યકલાકાર ઉદય શંકરે પણ 'કલ્પના' બનાવી હતી, જેનું સંગીત વિષ્ણુદાસ સિરાલીએ આપ્યું હતું.

પ્રસ્તુત 'કલ્પના'માં  ચાર ચાર ગીતો ક઼મર જલાલાબાદી અને રાજા મહેંદી અલી ખાને લખ્યાં હતાં અને એક એક ગીત જાં  નિસ્સાર અખ્તર અને હસરત જયપુરીનાં છે.

ઓ જી સાવનમેં હું બેક઼રાર મોરે ઘુંઘટ પે ઝાંકે બહાર સજનવાસે કેહ દીજો - આશા ભોસલે

આ ગીત આમ તો ટાઈટલ ગીત છે, જોકે ફિલ્મ જોયેલ નથી એટલે આ ગીતને ટાઈટલ ગીત તરીકે શા માટે મુક્યું હશે તે સમજાતું નથી, સિવાય કે પદ્મિનીનો એક કાશ્મીરી યુવતી તરીકે પાત્ર પરિચય કરાવવો હોય !



સંગીતકાર:  સરદાર મલ્લિક

સરદાર મલ્લિકનાં પત્ની બિલ્ક઼ીસ હસરત જયપુરીનાં બહેન થાય., પણ તેમણે માત્ર ચાર જ ફિલ્મો સાથે કરી હતી, જોકે સરદાર મલ્લિકના દીકરા અનુ મલ્લિક સાથે હસરત જયપુરીએ છ સાત ફિલ્મો કરી હતી !

મેરા ઘર મેરે બચ્ચે

આ શીર્ષક હેઠળ બીજી એક ફિલ્મ ૧૯૮૫માં પણ બની હતી.

પ્રસ્તુત ફિલ્મ સોહરાબ મોદી દ્વારા નિર્મિત કરાયેલી છે, જે સામાન્યતઃ ઐતિહાસિક વિષયો પર ફિલ્મો બનાવવા માટે વધારે જાણીતા હતા.

ઝુલ્મ ભી કરતે હૈં ઔર કહતે હૈં કે ફરિયાદ ના કર, એક બુલબુલ પર  સૈયાદ મેરે સિતમ ના કર - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર

મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરનાં શ્રેષ્ઠ યુગલ ગીતોમાં સ્થાન પામી શકે એવાં યુગલ ગીતની ખાસ નોંધ કેમ ન લેવાઈ હોય એ નવાઈ પમાડે તેવી બાબત છે!


ગલીયાં હૈ ગુલઝાર યાર આયા કરો …. આયા કરો જાયા કરો દિલ ના દુખાયા ન કરો …. તુમસે હૈ હમેં પ્યાર યાર આયા કરો - આશા ભોસલે

આજના મણકાનું આ કદાચ સૌથી સાદું ગીત આ ગીતને કહી શકાય ! ફિલ્મમાં પણ તેનું સ્થાન 'આઈટેમ સોંગ'થી વધારે હોય તેવું જણાતું નથી


દિલ મેરા નાચે ટુનક ટુનક .... દિલકી ઉમંગેં જમકે ગાયેં, આજ ખુશી ભી સાથ ક્યા બાત હૈ .... - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર, સાથીઓ

આપણે માત્ર ઓડીઓ જ સાંભળી જ રહ્યાં છીએ પણ એટલું જ સ્પષ્ટ થાય તો થાય છે કે આ બાળકો માટેનું પાર્ટી ગીત છે.


પીના હરામ હૈ તો નિગાહેં મિલાકે પીના હરામ હૈ…. મેરી નઝરકે જામ કો દિલસે લગાકે પી... - આશા ભોસલે

સ્ત્રી સ્વરમાં બહુ ઓછાં 'શરાબી' પ્રકારનાં ગીતો હિંદી ફિલ્મોમાં જોવા મળશે. વૉલ્ત્ઝની ધુન પર સજાવાયેલું આ ગીત ખરેખર બહુ કર્ણપ્રિય રચના છે.


વોહી ઊડી ઊડી ઘટાયેં હૈ … એક તુમ નહીં હો તો કુછ  હી…. વોહી ભીગી ભીગી હવાયેં હૈ….એક તુમ નહીં હો તો કુછ  નહી -  મુકેશ

દરેક સામાજિક ફિલ્મમાં લગભગ ફરજિયાતપણે મુકાતાં એક કરૂણ ગીત તરીકે આ સંગીત રચનાની બાંધણી અલગ સ્તરે કરાઈ છે. ખુબ નીચા સુરમાં શરૂ થતા અંતરામાં કરૂણ ભાવને ઘુંટવાની સાથે એ વેદનાની તીવ્રતાને ઊંચા સુરમાં લઈ જઈને પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે તેના કારણે ગીત સામાન્ય શ્રોતાને ગણગણવામાં મુશ્કેલ જરૂર પડે, એટલે આવાં ગીતો જલદી લોકજીભે ન ચડે તે તો સ્વાભાવિક છે.



એકંદરે આજના મણકામાં સાંભળવા મલેલાં ગીતોથી હસરત જયપુરીની પ્રતિભાનું સર્વતોમુખીત્વ તો નિર્વિવાદપણે પ્રસ્થાપિત થાય છે. હસરત જયપુરીએ શંકર જયકિશન સિવાય અન્ય સંગીતકારો માટે રચેલાં ગીતોની સફર '૬૦ના દશકામાં પણ આટલી જ રસપ્રદ રહે છે કે નહીં હવે તો એટલું જ જોવાનું બાકી રહે !