Tuesday, May 12, 2015

સાર્થક જલસો - ૪'સાર્થક જલસો’નો ચોથો અંક વાંચવાનું શરૂ કર્યું ત્યારે આ પહેલાંના ત્રણ અંક્ની જેમ કંઇ નવી ભાતનું વાંચવા મળવાનું છે તે તો નક્કી જ હતું. ત્રણ બેઠકમાં જ આખો અંક પૂરો કરી જવામાં જે જલસો પડી ગયો તે વધારાનો ફાયદો હતો.

છ છ મહિના સુધી નવા અંકની રાહ જોવા તૈયાર હોય એવો એક ચોક્કસ વાચક વર્ગ કેમ બની ચૂક્યો હશે તે પણ ' સાર્થક જલસો -૪'ના લેખો વાંચવાથી સમજાઇ શકે તેમ છે.

ખેર, અંગત મંતવ્યોની આડ વાતે ઉતરી જતાં પહેલાં આપણે ' સાર્થક જલસો -૪'ની સામગ્રી પર એક સરસરી નજર કરી લઇએ. 

ઉર્વીશ કોઠારીએ લીધેલી 'મહેન્દ્ર મેઘાણીની મોકળાશભરી મુલાકાત'માં મહેન્દ્ર મેઘાણી ની અનેક દૃષ્ટિકોણથી જ ઓળખી શકાય એવી લાંબી ઓળખનાં બધાં જ ઘટકોને ખાસ્સી મોકળાશથી આવરી લેવાયાં છે. દરેક વિષયો પર મહેન્દ્રભાઇની બીજી ઓળખ સમી 'સંક્ષેપ' શૈલીની સફળતાનો પૂરેપૂરો પરિચય મળી રહે છે. તેમના અંગત અને વ્યાવસાયિક જીવનના તાણાવાણાની ભાત જોવા (વાંચવા)માં તેમની બાળકો માટે ખાસ વિકસાવેલી 'ફિલ્મમિલાપ' પ્રવૃત્તિ નજરઅંદાજ ન થઇ જાય એટલી તાકીદ કરી લઇએ.'

'પોળના અવશેષો'માં પ્રણવ અધ્યારુએ પોળની 'પથ્થર' યુગમાં પાંગરેલી નિરાંતની સંસ્કૃતિની સમી વાતો કરતાં કરતાં એ દરેક વાતે આજની પોળ આજે હવે 'ડામરના થર વચ્ચે' ક્યાં છે તેનો પરિચય પૂરી આત્મીયતાથી કરાવેલ છે.

(ડૉ.) હેમંત મોરપરિયાની મૂળ અંગ્રેજીમાં લખેલ ' ડૉક્ટર બનવા છતાં હું કાર્ટૂનિસ્ટ કેવી રીતે થયો ?' દાસ્તાનના બીરેન કોઠારીએ કરેલ અનુવાદમાં હેમંત મોરપરિયાની શૈલીની ફાઈડાલિટી સુપેરે જળવાઈ છે. ડૉ. મોરપરિયા લેખનાં અતે તેમના લેખના શીર્ષકના જવાબ રૂપે લખે છે કે, 'જિંદગી જિવાય છે આગળ જોઈને, પણ એને સમજવી હોય તો પાછળ નજર કરવી પડે....આપણે પ્રત્યેક ક્ષણે અડસટ્ટે કામ કરતાં બળોને આશરે હોઇએ છીએ... આ બળોના પ્રતાપે જ..કેટલાક સંગીતકાર બને છે, તો બાકીના શ્રોતા... કોઇ અદૃશ્ય સંગીતકાર આપણને 'નચાવે છે'...દુનિયા સાથે (બંધાતો) ઊંડો અને ઉત્કટ નાતો ..અજબગજબની ચીજને રસપ્રદ બનાવે છે.'

'પ્રખર અભ્યાસી, બૌદ્ધિક, કર્મશીલ અને સંસ્થાશિલ્પી રજની કોઠારી સાથેનાં અંતરંગ સંભારણાં- અને તેની સમાંતરે પૉલિટિકલ સાયન્સના અભ્યાસમાં વડોદરાની મ.સ. યુનિવર્સિટીના મહત્ત્વપૂર્ણ પ્રદાનની વિશિષ્ટ વિગતો ઘનશ્યામ શાહના 'રજની કોઠારી: મારા ફ્રેન્ડ, ફિલૉસૉફર અને ગાઇડ'માં અને સુરભિ શેઠના 'અમારા કોઠારી'માં આવરી લેવાઇ છે.

વિવેક દેસાઇ તેમની માર્મિક 'અનાવિલી' શૈલીથી 'અનાવિલોક : અનાવિલોની ચટાકેદાર સૃષ્ટિ'ની સૈર કરાવે છે.

લદ્દાખની ઉજ્જડતામાં છલકતાં કુદરતી સૌંદર્ય અને વેરાનીમાં સમાયેલાં વૈવિધ્યપૂર્ણ પાસાંઓની રોમાંચક સફર માટે ન વાંચવો હોય, તો હર્ષલ પુષ્કરણાનો લેખ 'લદ્દાખ : દુનિયાથી અલિપ્ત દુનિયામાં ખેડેલી 'રફ ટ્રિપ'નું સફરનામું' જીવનની ધારી અણધારી મુશ્કેલીઓમાં સુંદરતા, આનંદ અને મોજ કેમ માણી શકાય, અને તેમાંથી વિકસતી 'જીવન જોવાની નવી દૃષ્ટિ'ને શબ્દોમાં કેમ વર્ણવી શકાય તે માટે પણ વાંચવો રહ્યો.

આશિષ કક્કડનાં 'મરમિયાં : હસી લીધા પછી'માં માત્ર ખડખડાટ હાસ્ય પેદા કરતી જોક્સમાં પણ કેટલી ગૂઢ સમજ સમાવાયેલી છે તેનો વિચાર 'ખુલ્લા મને' રમતો મેલે છે.

હર્ષલ પુષ્કરણાના લેખમાં જો ઍડવેન્ચરની થ્રીલ છે તો દીપક સોલિયાના 'ડૉલર સામે જંગ : એક રુકા હુઆ ફૈસલા'માં અમેરિકી 'અંકલ સૅમ' અને રશિયન 'રીંછ'ની વચ્ચે રમાયેલી મેદાન પરની, અને મેદાનની બહારની, રસ્સાખેંચના ડર દેખાડવાના આશયનો નહિં, પણ કાનાફુસીથી થતીચર્ચાઓને જાહેરમાં ચર્ચવાનો ઇરાદો છે. દાયકાઓથી કૃત્રિમ સ્ટીરોઈડનાં જોરથી ચમકી રહેલ યુરોપ અને અમેરિકાનાં અર્થતંત્રોની નીચેથી જાજમ ખસેડી લેવાની પુતિનની 'ચૅકમૅઇટી' ચાલ બુમરેંગ થશે કે કેમ તેના જવાબમાં નક્કર સોનાની સામે કાગળનો ડૉલર હારી શકે છે તેવું તારણ ખેંચતા દીપક સોલિયા ખચકાયા નથી. કોણ અને શું સાચું એ જાણવા માટે બહુ લાંબી રાહ જોવી નહીં પડે એ તો નિશ્ચિત જ છે.

દિલધડક વાત હૈયાં સોંસરવી ઉતરી ગઇ હોય તો હળવાં કરવામાટે અશ્વિનકુમારનું 'ળ'ની સામૂહિક ધરપકડ અને ''ર'નરનો 'ર''ની વિનય કાનૂનભંગની હાજરીનું રસાળ વર્ણન આપણને જળલમળવત્‍ રહેવું હોય તો પણ જરકમરવત્‍ કરી મૂકે છે.

'રૅલવૅના પાટે જીવનના આટાપાટા'માં અમિત જોશી તેમનાં તલોદનાં કિશોરાવસ્થાના ટ્રેકની યાદોના, 'ત્રણે ત્રીજું, પાંચે બીજું, એક આવ્યુ, બે એ ગયું'ના રૅલવેમાં જ વપરાતી લોખંડની કોઇ ચીજમાંથી બનાવેલા દસ્તાના 'પાટા'ના ટુકડાના 'ઘંટ' પર ગૂંજતા સંકેતોને મમળાવે છે.

ભારત ભણી ત્રાંસી નજર કરીને કોઈ 'ગ્રેટ બ્રિટનમાંના 'ગ્રેટર'ને ગ્રેટ' સમજતું હોય એવી ટિપીકલ અંગ્રેજી સલૂકાઇ, રીતભાત અને શિષ્ટાચારને સમજવામાં લાગેલ એકાદ બે વર્ષને ઋતુલ જોશી 'ઇગ્લેન્ડમાં બધું ઑરરાઇટ છે' માં ત્રણ ઝૂમખાંઓની મદદથી સમજાવી રહ્યા છે. 'સમાજઃ લઘુમતીમાં હોવું કે 'એ લોકો' હોવું એટલે શું તે ભાતના જાતિભેદ જેવો મુદ્દો છે. 'વિજ્ઞાનઃ તર્ક અને વિવેકબુદ્ધિની લાંબી લીટી'એ ઇંગ્લૅન્ડમાના વ્યક્તિને બૌદ્ધિક રીતે પગભર થવા માટેના મોકાનો મુદ્દો છે.'ઇતિહાસ : સિપાઈ બળવો કે સ્વાતંત્ર્યસંગ્રામ'ન મુદ્દાને ત્યાં મૂકાયેલાં જવાહરલાલ નહેરુનાં એક અવતરણથી જોઇ શકવા જેટલી મોકળાશ અને વિચારશીલતાને ઉત્તેજન આપવાના પ્રયાસ ચાલુ જ છે.

'આનંદ', 'રજનીગંધા', 'છોટીસી બાત', 'મીલી', 'મંઝિલ'જેવી ફિલ્મોમાં મનના ઊંડા ભાવ વ્યકત કરતાં, કાવ્યતત્ત્વથી સમૃદ્ધ ગીતાના સર્જક યોગેશ (ગૌડ) સાથે ત્રણેક દાયકા જૂના, અંગત પરિચયના આધારે લખાયેલી હૃદયસ્પર્શી એવી સત્યકથા 'ગીતકાર યોગેશ'માં બકુલ ટેલર માત્ર ગીતકાર યોગેશનાં જીવનની તડકી છાંયડીની જ વાત નથી કહેતા, તે સાથે ફિલ્મ જગતની ચિત્રવિચિત્રતાઓના પડદા પણ ખોલી આપે છે.

'ધર્મ, ધર્માંતર અને મારું બાળપણ'ની શરૂઆત ચંદુભાઇ મહેરિયા મિત્રો વચ્ચે ઉમરના તફાવતના ફાયદા ગેરફાયદાની વિમાસણથી કરે છે. સમાજના વંચિત અંગમાં ઉછરતાં બાળપણની કેટલીક કારમી તો કેટલીક ભાવિ ઘડતરના પાયા જેવી યાદોને બહુ જ સ્વસ્થ ભાષામાં રજૂઆત લેખકે કરી છે.

સમગ્રપણે જોઇએ તો આ અંકમાં પણ વિષયોનાં વૈવિધ્ય અને તેમાં રજૂ થયેલા વિચારોનાં ઊંડાણની ગુણવત્તા રસપ્રદ સ્તરે જળવાઈ રહી છે.

પ્રકાશન સંસ્થાની વેબસાઈટ પર જણાવાયું છે કે એપ્રિલ ૨૦૧૪ના અંકની ૧૦૦૦ જેટલી નકલો જાહેર પુસ્તકાલયો સુધી પહોચાડી શકાયેલ. ગુજરાતની દરેક શાળા અને પુસ્તકાપયમાં આ સામયિક પહોંચે તેવી વ્યવસ્થા સુધી પહોંચી શકાય તેવી શુભેચ્છા પણ જરૂરથી પાઠવીએ અને તેમાં યથાશક્તિ સહભાગી બનીએ.

'સાર્થક જલસો'ના ત્રીજા અંક સમયે પ્રકાશકોએ એસ ટી બસ સ્ટેન્ડના પુસ્તકોના સ્ટૉલ પર પણ આ સમાયિક મળે તેવી વેંચાણ વ્યવસ્થા ગોઠવી હતી. આમાં જેટલો વાણિજ્યિક આશય છે તેનાથી વધારે 'ક્લાસ'માટે જ નહીં પણ 'માસ' માટે પણ આ સામયિક ઉપભોગ્ય છે તેવો વિશ્વાસ પણ જોઇ શકાતો હતો. એ પ્રયોગ વાણિજ્યિક રીતે સફળ રહ્યો હોય અને એ રીતે દરેક સામાન્ય વાચકને પણ આ સામયિક હાથવગું બન્યું હોય તો તે સામયિકની અને વાચકની તંદુરસ્તી માટે ઉપકારક પરવડશે. વેંચાણ માટેની જે કંઇ નવી ચૅનલ્સ પ્રકાશકોને સૂઝે અને તે પ્રયોગો સફળ થાય તે પણ સામયિક અને વાચક એમ બંને પક્ષે ફાયદાકારક જરૂર નીવડશે.

'સાર્થક જલસો'ના આ પહેલાના અંકો ઇ-સંસ્કરણ સ્વરૂપે પણ ઉપલબધ હતા. એ પરંપરા 'સાર્હક જલસો ૪'માં પણ ચાલુ જ રહે તે પણ સ્વાભાવિક છે. (અહીં ઇ-નકલ મેળવી શકાય છે.)

'સાર્થક જલસો' મેળવવા માટે પ્રકાશનની વેબસાઈટ પર પણ વીજાણુ વ્ય્વસ્થા છે. તદુપરાંત spguj2013@gmail.com કે + 91 98252 90796 કે બુકશેલ્ફ દ્વારા પણ સંપર્ક કરી શકાય છે.
Post a Comment