Monday, July 6, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે – પ્રવેશક


સોંગ્સ ઑફ યોર પર કોઈ એક વર્ષનાં ગીતોની સમીક્ષા તેનાં ચોથાં વર્ષમાં પહોંચતાં પહોંચતાં એક બહુ જ સ્થાયી, બહુઆયામી, બહુચર્ચિત, બહુ આતુરતાપૂર્વક રાહ જોવાતી સમૂહ પ્રવૃત્તિ બની ચૂકી છે. આ પહેલાં અહીં ૧૯૫૫, ૧૯૫૩ અને ૧૯૫૧નાં વર્ષોનાં ગીતોની બહુ જ રસપ્રદ ચર્ચાઓ થઈ ચૂકી છે.

આ વર્ષે હવે, ‘Best songs of 1950: And the winners are? દ્વારા, ૧૯૫૦નાં ગીતો ચર્ચાની એરણે લેવાયાં છે. દર વર્ષની જેમ ચર્ચાને ખુલ્લી મુકતો લેખ ઘણી જહેમતથી લખાયો છે.

સહુથી પહેલાં Musical Land Marksમાં ફિલ્મ સંગીતની દૃષ્ટિએ મહત્ત્વના પ્રસંગો, એ વર્ષને ફિલ્મ સંગીતની તવારીખના પરિપ્રેક્ષ્યમાં યાદ કરાવડાવી આપે છે. આ વર્ષે અહીં નૌશાદની 'બાબુલ'નો ખાસ ઉલ્લેખ કરાયો છે. એ સમયે ફિલ્મની જાહેરાતોમાં 'ચાલીસ કરોડમાં એક નૌશાદ'ની શીર્ષપંક્તિ તરીકે ધ્યાન આકર્ષતી. એ સમયે 'બાબુલ'નાં બારે બાર ગીતોએ દેશને ખૂણે ખૂણે મચાવેલી ધૂમ સિવાય હવે ઐતિહાસિક દૃષ્ટિએ તેનું બીજું પણ એક મહત્ત્વ બની રહ્યું છે. તલત મહમૂદ પહેલી વાર નૌશાદ સાથે આ ફિલ્મમાં આવ્યા અને પછીથી એક અપવાદ# સિવાય તેઓએ કદી પણ સાથે કામ ન કર્યું.
[આડ વાત : એ અપવાદ# છે ૧૯૬૮ની ફિલ્મ 'આદમી'નું રફી-તલતનું યુગલ ગીત - કૈસી હસીં આજ બહારોં કી રાત હૈ. વિધિની વક્રતા કેવી કે આ ગીતની રેકર્ડ્સ પણ બહાર પડી ગઈ અને પછીથી ફિલ્મમાં ગીત ફરીથી રફીની સાથે મહેન્દ્ર કપુરના સ્વરમાં ફિલ્માવાયું.]
આ વર્ષ સી રામચંદ્ર માટે પણ બહુ ફળદાયી રહ્યું. તેમની 'નિરાલા', 'સરગમ', 'સમાધિ','સંગીતા'અને 'સંગ્રામ'નાં ગીતો પણ બહુ જ લોકપ્રિય રહ્યાં. આપણે જેમ આગળ જતાં જોશું તેમ અમુક ગીતો તો સીમાચિહ્નો પણ બની ગયાં.

આ બે ઉત્તુંગ શિખરો જેવી આ ઘટનાઓની વચ્ચે રોશનનાં 'બાવરે નયન'નાં ગીતો પણ પોતાની અલગ, અમીટ છાપ કંડારી લીધી.

અનિલ બિશ્વાસ - તલત મહમૂદનું 'અય મુઝે ઐસી જગહ લે ચલ' પણ આ વર્ષનું નજરાણું છે.

સચિન દેવ બર્મનની નવકેતન સાથેની પહેલી ફિલ્મ 'અફસર' અને અશોક કુમારની મુખ્ય ભૂમિકાવાળી 'મશાલ' પણ તેનાં ગીતોને કારણે યાદગાર બની ગઈ.

બુલો સી રાનીની 'જોગન' ગીતા દત્તને,તેની અત્યાર સુધી ચુલબુલાં ગીતોની ગાયિકામાંથી, મીરાંબાઈના અવાજ તરીકે અદકેરૂં સ્થાન આપી ગઈ.

Other important musical compositions બીજી હરોળની કહી શકાય તેવાં ગીતોની યાદ કરાવી આપે છે. હુસ્નલાલ - ભગતરામ પણ આ વર્ષે 'આધી રાત', બિરહા કી રાત', 'છોટી ભાભી', 'મીના બાઝાર', 'ગૌના' અને 'સરતાજ' જેવી ફિલ્મોનાં ગીતોથી છવાયેલા રહ્યા. સંગીતકાર વિનોદની 'અનમોલ રતન'નાં તલત - લતાનાં બે યુગલ ગીતો ‘શિક઼વા તેરા મૈં ગાઉં’ અને ‘યાદ આનેવાલે ફિર યાદ આ રહે હૈં’ બધાં જ યુગલ ગીતોની અગ્રપંક્તિમાં બની રહેનારાં બની રહ્યાં છે. ગુલામ મોહમ્મદ અને વસંત દેસાઇની હાજરી નોંધપાત્ર રહી.

Debut, Fact-file and Triviaમાં આ વર્ષ દરમ્યાન નોંધપાત્ર રહેલા નવપ્રવેશ કે અન્ય ઘટનાઓ કે કેટલી ખાટી મીઠી વાતો યાદ કરાતી હોય છે. ૧૯૫૦માં મદન મોહન 'આંખેં' દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ્યા. બહુ મજાની વાત એ છે કે આ ફિલ્મમાં તેમણે લતા મંગેશકર સ્વરમાં એક પણ ગીત નહોતું લીધું.'હમારી બેટી'દ્વારા નુતન પણ આ વર્ષે ફિલ્મ જગતમાં દાખલ થયાં. આ વર્ષમાં રાજ ક્પુરની બાવરે નયન (રોશન), પ્યાર (એસ ડી બર્મન), દાસ્તાન (નૌશાદ), સરગમ (સી રામચંદ્ર) અને જાન પહેચાન (ખેમચંદ પ્રકાશ)માં આવી. બાવરે નયન સિવાય બીજી બધી ફિલ્મોમાં રાજ ક્પુર માટે અલગ અલગ ગાયકોએ ગીતો ગાયાં હતાં. '૪૯માં 'બરસાત'ની પહેલી ઝડીની ધડબડાટી બોલાવ્યા બાદ ૧૯૫૦નું વર્ષ શંકર જયકિશન માટે કોરૂં રહ્યું. મોહમ્મદ રફી પણ (ખય્યામ) શર્માજીની 'બીવી'નાં અકેલે મેં વો ગભરાતે તો હોંગે સિવાય હજૂ બહુ નોંધપાત્ર સ્થાન બનાવી ન શક્યા હોય તેમ જણાય છે.

LIST OF MEMORABLE SONGSમાં આ વર્ષનાં ૧૫૨ યાદગાર ગીતોની યાદી આવરી લેવાઈ છે,જેમાં માત્ર મહેનત જ નહીં પણ ગીતોની ગુણવત્તા અને તે સ્મયની લોકપ્રિયતાને પણ ધ્યાનમાં લેવાની ચીવટ રખાયેલી જણાય છે. એટલે આ યાદી ૧૯૫૦નાં ગીતોને પહેલે ગરણે ગાળ્યા પછી રેહેલો નિચોડ કહી શકાય.

દર વર્ષની જેમ આ વર્ષે પણ Special songsમાં રજૂ થયેલાં ૧૫ ગીતો તેની વિડીયો ક્લિપની લિંકને કારણે જ આકર્ષણ જમાવે છે તેમ નથી બનતું. ગીતોની તેમની કંઈ ને કંઈ વિશિષ્ટતાને કારણે અહીં પસંદ કરાતાં હોય છે, તેને કારણે પણ સાંભળવાં ગમે છે.

આ બંને યાદીઓને અલગથી Best Songs of 1950 - Memorable Songs and Special Songsમાં ગ્રંથસ્થ કરેલ છે.

આપણે આ બ્લૉગ પર ૧૯૫૧નાં વર્ષની ચર્ચાને Songs -1951 ટેગ હેઠળ ગ્રંથસ્થ કરેલ હતી. આ વર્ષે પણ આપણી ચર્ચા મુખ્યત્વે ચાર પાસાંઓના હજૂ વધારે ઊંડાણમાં લઇ જતાં વર્ગીકરણ વડે કરીશું :

શ્રેષ્ઠ સ્રી-પાર્શ્વગાયિકા

શ્રેષ્ઠ પુરુષ-પાર્શ્વગાયક

શ્રેષ્ઠ યુગલ ગીત
, અને

શ્રેષ્ઠ સંગીતકાર

અહીં થતી ચર્ચા માત્ર ચર્ચા ન રહેતાં એ સમયનાં ગીતોની વિગતે ફેરમુલાકાત લેવાનો અવસર પણ બની રહે છે. આમાનાં ઘણાં ગીતો આપણી સ્મૃતિમાં બહુ ધુંધળાં બની ગયાં હશે, કેટલાંક કદાચ સાંભળ્યાં હશે કે કેમ પણ યાદ નહીં હોય. આથી આપણે અહીં હવે પછીની ક્રમવાર પ્રકાશિત થનાર પૉસ્ટોમાં આપણે જૂદાં જુદાં પાસાંઓના વર્ગીકરણની મદદથી તેમાં આવરી લેવાયેલ ગીતોની વિડીયો લિંક પણ સાથે મૂકીશું.ક્રમશઃ............... || ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૧) : સી. રામચંદ્રનાં લતા મંગેશકરનાં ગીતો
Post a Comment