Sunday, June 12, 2016

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જુન, ૨૦૧૬'વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો'ના જુન, ૨૦૧૬ અંકમાં આપ સૌનું સ્વાગત છે.
આજના અંકમાં કેટલાંક સાવ જ અજાણ્યાં ગીત સાંભળવાની સાથે બહુ જ જાણીતાં પણ ભૂલાવે ચડેલાં ગીતોની સાથે કેટલાંક હજૂ યાદ હોય તેવાં ગીતોને આપણે અલગ સંદર્ભમાં યાદ કરીશું.
શરૂઆત કરીએ (દાદુ) સુમન્તભાઈએ મોકલેલાં  ૧૯૪૦ના દાયકાનાં ગીતોથી
સૌતન કે ઘર ન જૈયો - આબરૂ (૧૯૪૩) - સિતારા દેવી - પંડિત ગોવિંદ રામ
એકદમ મારકણી ભૂમિકામાં યુવાન સિતારા દેવી અહીં જોવા મળે છે. કોઠાવાલીનાં ગીતોની યાદ અપાવી દે એવા મુખડાના શબ્દો, સિતારા દેવીની કથક નૃત્યની નિપુણતા અને આવાં મસ્તીખોર ગીતની સીચ્યુએશન - એ સમયમાં પણ આવા 'બૉલ્ડ' પ્રયોગો તો થતા જ હતા
પુણે સે લાયી પાન  - આબરૂ (૧૯૪૩)સિતારા દેવી, નઝીર - પંડિત ગોવિંદ રામ
યુ ટ્યુબ પર ઘણીવાર ખજાનાની ચાવી મળતી હોય છે. સ્ટેજ શૉની રજૂઆતનું આ ગીત દેશી ભાત કંડારે છે.......

ઘુંઘટ પટ નહીં ખોલું, મુખ સે કૂછ ન બોલું - ભરથરી (૧૯૪૪) - કજ્જન બાઈ - ખેમચંદ પ્રકાશ
કૂકટ કોયલિયાં કુંજનમેં - ભરથરી (૧૯૪૪) - કજ્જન બાઈ - ખેમચંદ પ્રકાશ
યુટ્યુબ કજ્જન બાઈનાં બે  ગીતોની લિંક ખોળતાં 'ભરથરી'નું અમીરબાઈ કર્ણાટકીના સ્વરમાં ગવાયેલું ચાંદ દેસ પિયા કે જા સાંભળવા મળી ગયું. જૂનાં ગીતોનાં ચાહકોને આ ગીત ભલે હોઠે નહીં હોય, પણ હૈયે તો જરૂર હશે જ. અમીરબાઈના સ્વરની કેટલીય  અમર રચનાઓમાંની બહુ જ આગળની હરોળમાં આ ગીતનું સ્થાન રહ્યું છે.

માના કે તુમ હસીન હો - મૂર્તિ (૧૯૪૫)- મુકેશ - બુલો સી રાની - પંડિત ઈંન્દ્ર
મુકેશનાં કેટલાંય એવાં બહુ જ 'મધુર' ગીતો છે જેમને લોકખ્યાતિની ટ્રેનોમાં જગ્યા કેમ ન મળી એ ન સમજાય. આવાં ગીતોમાંનું એક આ પણ ગીત કહી શકાય. આવાં આવાં ગીતોની રચના કરવા છતાં બુલો સી રાની જેવા સંગીતકારો પણ "કમનસીબ" પ્લેટફોર્મ પર જ કેમ રાહ જોતા રહી ગયા હશે તે પણ ન સમજાય એવું છે ને !

યુ ટ્યુબ પની શોધખોળ દરમ્યાન હજૂ બીજું એક એવું ગીત મળી ગયું જે મને અંગત રીતે પણ કેટલાંય વર્ષો પાછળ લઈ ગયું.
તૈલપકી નગરીમેં ગાના નહીં બજાના નહીં - પૃથ્વી વલ્લભ (૧૯૪૩) - મેનકા બાઈ, નઝીર - સરસ્વતી દેવી
૧૯૬૦ના દાયકામાં અમારી કૉલોનીના બાગમાં અમે, એ સમયની યુવા બ્રિગેડ, ઘર દીઠ એક એક રૂપિયો ઉઘરાવી મહિને બે ફિલ્મો બતાવતા. અમે તે સમયે 'પૃથ્વી વલ્લભ' પણ લઇ આવ્યા હતા. 


આ ફિલ્મ જોયા પછી મેં ક. મા. મુન્શીએ લખેલ 'પૃથિવી વલ્લભ' અને 'ગુજરાતનો નાથની શ્રેણીની ચારે ચાર નવલકથાઓ પહેલી જ વાર વાંચી કાઢી હતી. ગુજરાતી સાહિત્યના એક બહુ ઊંચા દરજ્જાના સર્જક તરીકે ખ્યાત ક.મા. મુન્શીની બીજી બહુ મહત્ત્વની ઓળખાણો છે સ્વાતંત્ર્ય પછી દેશી રાજ્યોનાં એકત્રીકરણમાં તેમને સરદાર પટેલે સોંપેલી વિશિષ્ઠ ભૂમિકા, સરદાર પટેલ સાથે સોમનાથનાં મદિરનાં પુનઃનિર્માણમાં તેમની અહમ ભૂમિકા. ભારતીય વિદ્યા ભવનની સ્થાપના અને વિકાસમાં તેમનું આગવું યોગદાન પણ ઈતિહાસના પાને ઉજ્જવળ અક્ષરે નોંધ પામે છે.
આ ગીતને પર્દા પર પૃથીવલ્લભ તરીકે ભજવી રહેલા સોહરાબ મોદીને પણ હિંદી ફિલ્મના ઇતિહાસમાં ઐતિહાસિક ફિલ્મોની બહુ જ અસરકારક રજૂઆતની શૈલીના પ્રણેતા તરીકે હંમેશાં યાદ કરાશે. યુ ટ્યુબપરની શોધખોળમાં તેમના વિષે યશ ચૌધરીએ ફિલ્માવેલ એક બહુ જ સ-રસ દસ્તાવેજી ચિત્ર જોવા મળ્યું.

હવે આપણે ફરી એક વાર એપ્રિલ, ૨૦૧૬ના અંકમાં શરૂ કરેલ  Ode to the Great Indian Familyમાંના સંબંધોનાં ગીતો ભણી વળીશું. આજે એ ગીતો પૈકી એક ગીત સાંભળીશું. આ ગીત આપણને આજના અંકના બીજા વિષય તરફ પણ દોરી જાય છે.-
મેરી છોટી સી બહન દેખો ગહને પહન ચલી બન ઠન કે - તૂફાન ઔર દિયા (૧૯૫૬) - લતા મંગેશકર, ગીતા દત્ત - વસંત દેસાઈ - ભરત વ્યાસ 
પોતાના પિયરથી સાસરે જતી કોડ ભરી કન્યાની વાતને આ ગીતમાં ભાઈ બહેનના મીઠી નોકઝોકના સંવાદમાં વણી લેવાયેલ છે. પરંપરાગત રીતે કન્યાવિદાય આપણા સમાજમાં બહુ કરૂણ પ્રસંગ રહ્યો છે. 
આજે ભગવાન થાવરાણીએ આ પ્રસંગની સંગીતને સ્પર્શતું પાસું આપણી સમક્ષ રજૂ કરેલ છે.

૧૯૭૧ની ફિલ્મ 'હીર રાંઝા'નું લતા મંગેશકરના સ્વરમાં મદન મોહને રચેલું ડોલી ચડકે હીરને બૈન કિયે યાદ આવે છે? દીકરી વિદાયની કરૂણતાથી લથપથ આ ગીત સમયે હીર માત્ર તેનાં માતાપિતાનું જ ઘર નથી છોડી રહી, તેણે તો પોતાના પ્રિયતમ રાંઝણાની પણ વિદાય લેવાની છે.

બૈન (વિલાપ)ને રજૂ કરતી આ ગીત શૈલી પંજાબી લોક ગીતની હીર તરીકે જાણીતી છે. આ ગાયન શૈલીમાં સામાન્યતઃ કોઈ થાપથી તાલ આપતાં વાદ્યનો સાથ નથી હોતો. 
'હીર'ના બહુ જાણીતાં ગાયકોમાં આસા સિંગ 'મસ્તાના'નું નામ અગ્ર સ્થાને છે. 'દૂજકા ચાંદ' (૧૯૬૪, રોશન, સાહિર લુધ્યાનવી)ની તેમની ગાયેલી હીર - લો અપના જહાં દુનિયાવાલોં, હમ ઈસ દુનિયા કો છોડ ચલેં - આપણે સાંભળી છે, સરાહી છે. 

હીર રાંઝા મૂળે ૧૮મી સદીના મહાન સૂફી કવિ વારિસ શાહનું પંજાબીમાં  લખાયેલ મહાકાવ્ય છે. એ રચનાના ઘણા અંશોને આસા સિંગ સહીતના કેટલાય ગાયકો હીરની શૈલીમાં રજૂ કરતાં રહ્યાં છે. આ કહાનીને સ્વાતંત્ર્ય પહેલાં ત્રણ ફિલ્મોમાં રજૂ કરાઈ હતી. ૧૯૪૮માં બનેલ તેનાં ફિલ્મ સંસ્કરણમાં લતા મંગેશકર અને ગીતા દત્તે ગાયેલાં ગીતો યુ ટ્યુબ પર સાંભળવા મળે છે. આપણને બધાંને જે ફિલ્મ વધારે યાદ હશે તે ૧૯૭૧ની 'હીર રાંઝા'માં ચેતન આનંદે ફિલ્મની રજૂઆતનો એક અનોખો જ પ્રયોગ કર્યો હતો. આખી ફિલ્મના સંવાદ પોતે જ કાવ્યપંક્તિઓ રૂપે પદ્યમાં ભજવાયા છે. આ ભગીરથ કાર્ય સંપન્ન કર્યું હતું જાણીતા ગીતકાર અને ઉર્દુ કવિ કૈફી આઝ઼મીએ. આ પ્રેમ કહાની પર પાકિસ્તાનમાં તેમજ પંજાબી ભાષામાં પણ ફિલ્મો બની છે. 'મિર્ઝા સાહિબાન' અને 'સોહની મહિવાલ' પણ પંજાબની મશહૂર લોક પ્રેમકથાઓ છે.
૧૯૫૬માં પણ 'હીર' બની હતી, જેમાં નુતન અને પ્રદીપ કુમારની મુખ્ય ભૂમિકાઓ હતી. ફિલ્મનું સંગીત અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલ. જો કે આ ફિલ્મમાં કોઈ હીર ગીત નહોતું.
હિંદી ફિલ્મના અઠંગ ચાહકોને મેરા નામ જોકરની મોહમ્મદ રફીએ ગાયેલ હીર - સદકે હીર તુઝ પે ફક઼ીર સદકે - યાદ ન જ કરાવવાની હોય. મારા અંગત અભિપ્રાય મુજબ આ હીર લતાએ ગાયેલ હીર કરતાં વધારે સારી રહી છે. એ માટે આપણે રફીના અવાજની દૈવી ખૂબીને તો દાદ આપવી જ પડે, પણ સાથે સાથે એ રાજ કપૂરની સંગીતની પરખને પણ દાદ આપવી જોઇએ કે તેમણે આ ગીત માટે રફીને જ પસંદ કર્યા.

આપણે પણ આ ઉપરાંત હીરની અનેક ક્લાસિક્લ શૈલીની રજૂઆતો પૈકી આ બે રજૂઆતોને યાદ કરી લઈએ -
હીર (વારિસ શાહ) - હીર રાંઝા (૧૯૭૦) (પાકીસ્તાની ફિલ્મ) - નૂર જહાં, ગુલામ અલી, નસીમ બેગમ


ગુલામ અલીએ પેશ કરેલ વારિસ શાહની હીર

આજના અંકનાં સમાપનમાં આપણે હંમેશ મુજબ મોહમ્મદ રફીનાં વિસરાતાં  ગીતને યાદ કરીશું.

પહેલું ગીત પંડિત ગોવિંદ રામ અને મોહમ્મદ રફીનાં સંયોજન રૂપ ગીતની શોધ કરતાં મળી આવ્યું.

તેરા જલવા જિસને દેખા વો દીવાના હો ગયા - લયલા મજ઼નુ (૧૯૪૫) - એસ ડી બાતિશ સાથે - પંડિત ગોવિંદરામ - તન્વીર નક઼્વી

યુ ટ્યુબના નિયમિત વપરાશકારો માટે આ ગીત બહુ અજાણ નહીં હોય કારણકે મોહમ્મદ રફીએ જેમાં ખુદ નાની ભૂમિકા કરી હોય તેવાં ગીત તરીકે આ ક્લિપ બહુ જ જોવાતી રહી છે.


જો કે વધારે મજા તો આ ગીતની  આ ક્લિપમાં છે. ઉપરની ક્લિપમાં રફી સા'બને શોધવા થોડા અઘરા જણાતા હોય તો આ ક્લિપમાં @૦.૩૬ તેમને દિલ ભરીને જોઈ શકાય છે.


આ ગીતના મુખડાના શબ્દો સાંભળીને તમને એ જ મુખડા પરથી ૧૯૫૯ની ફિલ્મ 'ઉજાલા'નું લતા મંગેશકરે ગાયેલું તેરા જલવા જિસને દેખા વો તેરા હો ગયા, મૈં હો ગયી કિસીકી કોઈ મેરા હો ગયા (શંકર જયકિશન, હસરત જયપુરી)પણ યાદ આવી જ ગયું હશે.


તો વળી ખય્યામ - મન્ના ડેનાં સંયોજનનાં ગીતો શોધતાં શોધતાં મળી આવ્યું 'શોલા ઔર શબનમ'(૧૯૬૧)નું મોહબ્બત ઐસી હોતી હૈ (મોહમ્મદ રફી સાથે મન્ના ડે અને જગજિત કૌર).

ક્લિપનાં દૃશ્યો જોઈને ગીતની સિચ્યુએશન કલ્પવી મુશ્કેલ લાગશે, પણ આપણને તો રસ છે તેમની લાક્ષણિક અદાથી રફી અને મન્ના ડે એ ગીત ગાયું છે તેમાં.


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……
Post a Comment