Sunday, January 8, 2017

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૧૦)



૧૬-૪-૨૦૧૬ના મણકાથી શરૂ થયેલ જાણીતાં ગીતોને પરદા પર રજૂ કરતાં ઓછાં જાણીતા કળાકારોની ઓળખ સફર ૬-૫-૨૦૧૬ના અંક આગળ વધાર્યા પછી હરીશભાઈ રઘુવંશીએ ૪-૬-૨૦૧૬ના રોજ આપણે માત્ર મુકેશના સ્વરમાં જ ગવાયેલાં ગીતોને રજૂ કરનારા કળાકારોનો પરિચય કરાવ્યો. એ જ દિશામાં ૧૬-૭-૨૦૧૬ અને ૬-૮-૨૦૧૬ના રોજ આપણે મન્ના ડે અને તે પછી જ ૩-૯-૨૦૧૬ અને ૧-૧૦-૨૦૧૬ ના રોજ મોહમ્મદ રફીના સ્વરમાં વિશિષ્ટ ગીતોને સાંભળ્યાં જેને રજૂ કરનાર કળાકારો બહુ જાણીતા નથી થયા. ૫-૧૧ અને ૩-૧૨-૨૦૧૬ના અંકોમાં આપણે નૃત્ય ગીતોને પરદા પર ભજવતાં નામી અનામી કળાકારોની વાત કરી હતી.

આજના અંકમાં આપણે એવાં ગીતો સાંભળીશું જેને પરદા પર પણ ગીતના ગાયકે જ ગાયાં હોય. અહીં આપણે એવાં ગીતોને યાદ નહીં કરીએ જે એવાં ગાયકો એ ગાયાં છે જેઓ મુખ્યત્ત્વે અભિનેતા કે અભિનેત્રી પહેલાં હતાં અને એ સમયની માગ મુજબ સારું ગાઈ પણ લેતાં હતાં. જેમ કે કે એલ સાયગલ, નુરજહાં, સુરેન્દ્ર, કાનન દેવી, સુરૈયા, વગેરે. આપણે એ ગીતો પણ નહીં લઈએ જેન પર્દા પર ભજવનાર કળાકાર અભિનેતા કે અભિનેત્રી તરીકે જ વધારે ઓળખાયેલ હોય અને ક્વચિત તેમણે પોતાનું જ ગીત ગાયું હોય.

તેરા જલવા જિસને દેખ વો તેરા હો ગયા - લૈલા મજનુ (૧૯૪૫) – ગાયકો: મોહમ્મદ રફી, નાઝીર અને અન્ય – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ - ગીતકાર: તન્વીર નક઼્વી

આ ગીતમાં મોહમ્મદ રફીએ પોતે ગાયેલી પંક્તિઓ પર્દા પર પણ પોતે જ ગાઈ છે.

વો અપની યાદ દિલાને કો એક ઈશ્ક઼કી દુનિયા છોડ ગયે - જુગનુ (૧૯૪૭) – ગાયકો: મોહમ્મદ રફી અને અન્ય- સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: અસગ઼ર સરહદી  
મિત્રોની ટોળી મટરગસ્તીના મૂડમાં છે, જે સાંભળીને નાયક્ને પોતાને ઘરે બેઠે પણ આ મસ્તીભર્યું ગીત લલકારી કાઢવાનું મન થઈ જાય છે.
દિલ્લી સે આયા ભાઈ ટીંગૂ - એક થી લડકી (૧૯૪૯)- ગાયક : બિનોતા ચક્રવર્તી (અથવા વિનિતા અલ્માડી)- સંગીતકાર: વિનોદ ગીતકાર: અઝીઝ કશ્મીરી
બહુ જ રમતિયાળ નૃત્ય ગીત. નૃત્યગીત ફિલ્માવાયું છે તો આપણે જેમની ઓળખ (૮)મા અંકમાં કરી ગયાં છીએ તે હની ઓ'બ્રાયન પર પરંતુ આજે આપણું ધ્યાન છે ગીત સાથે વાદ્યવૃંદને નિદર્શન આપી રહ્યા છે તે અભિનેતા પર. હા જી, તેઓ આ ગીતના રચયિતા વિનોદ જ છે.
છોટી સી યે જિંદગાની ચાર દિનકી કહાની તેરી હાય ગમકી કહાની તેરી - આહ (૧૯૫૩) – ગાયક: મુકેશ- સંગીતકાર : શંકર જયકિશન - ગીતકાર: શૈલેન્દ્ર
મુકેશે બકાયદા અભિનેતા તરીકે પોતાનું સ્થાન બનાવવા માટે એક સમયે તેમની ગાયનની કારકીર્દીને દાવ લગાવી દીધી હતી. આ ગીતમાં તો તેઓ ગાડીના કોચવાનની નાનકડી ભૂમિકામાં છે.
ચલી કૌન સે દેશ ગુજરીયા તૂ સજ ધજ કર - બુટ પોલીશ (૧૯૫૪) – ગાયકો: તલત મહમૂદ, આશા ભોસલે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર
ગીત મુખ્યત્ત્વે તો બેબી નાઝ પર ફિલ્માવાયું છે, પણ તલત મહમૂદના અવાજમાં જે અભિનેતા પરદા પર ગીત ગાઈ રહ્યા છે તે આ ગીતના કવિ શૈલેન્દ્ર છે.

શૈલેન્દ્રએ આ સિવાય પણ બીજાં બે એક ગીતો પરદા પર જાતે ગાયાં છે, પરંતુ મને હાલમાં તેની વિગતો યાદ નથી. આપ કોઈમાંથી જો તેની માહિતી આપશે તો આપણી આ નોંધયાત્રા વધારે સમૃધ્ધ થશે.


મુડ મુડ કે ન દેખ મુડ મુડ કે - શ્રી ૪૨૦ (૧૯૫૫) – ગાયકો: આશા ભોસલે, મન્ના ડે, સાથીઓ – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

ગીતનું ફિલ્માંકન મુખ્યત્તવે નાદીરા અને રાજ કપૂર થયું છે. ગીતના અંત ભાગમાં, @૫.૦૬થી ૫.૧૭માં, આ ગીતની સંગીતકાર બેલડીમાંના જયકિશન પણ અન્ય મહેમાનો સાથે સમૂહ નૃત્યમાં જોડાયા છે.


મૈં ભૂખા હૂં - ભૂત બંગલા (૧૯૬૫) - ગાયકો: મહેમૂદ, રાહુલ દેવ બર્મન –સંગીતકાર: રાહુલ દેવ બર્મન – ગીતકાર: હસરત જયપુરી

રાહુલ દેવ બર્મનને સૌથી પહેલી વાર આખી ફિલ્મ - છોટે નવાબ, ૧૯૬૧-નું સંગીત નિદર્શન કરવાની તક આપવાનું શ્રેય મહેમૂદને ફાળે બોલે છે. તે પછી તેમણે 'ભૂત બંગલા'માં રાહુલ દેવ બર્મનને બહુ જ અનોખી રીતે પર્દા પર પણ રજૂ કર્યા.
ઋત જવાં જવાં રાત મહેરબાં છેડો કોઈ દાસ્તાં - આખરી ખત (૧૯૬૬)- ગાયક: ભૂપિન્દર – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: કૈફી આઝમી
આપને યાદ હશે કે જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૧) માં આપણે જોયું હતું કે 'હક઼ીકત'(૧૯૬૬)માં 'હો કે મજબૂર હમેં ભુલાયા હોગા'માં ભૂપિન્દરે જ પોતાની પંક્તિઓ પરદા પર પણ ભજવી હતી. એ જ વર્ષે રજૂ થયેલી 'આખરી ખત'નું આ ગીત પણ તેમણે પોતે જ પર્દા પર ગાયું.


ઉનકે ખયાલ આયે તો આકર ચલે ગયે - લાલ પથ્થર (૧૯૭૧) – ગાયક: મોહમ્મદ રફી – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી
પરદા પર ગીતને અભિનિત કરી રહેલ કલાકારને ઓળખવા કદાચ અઘરૂં પડશે. તેઓ '૪૦ના દાયકાના એક બહુ ખ્યાત પાર્શ્વગાયક છે, જેમને આ ગીતના ગાયક મોહમ્મદ રફી પણ આદર્શ માનતા હતા.
પ્રસ્તુત ગીતના પર્દા પરના ગાયક છે જી એમ દુર્રાની, જેમને પરદા પર તબલાં પર સંગત ફિલ્મના મુખ્ય કલાકાર રાજકુમાર આપી રહ્યા છે.

દીવાને હૈ દીવાનોંકો ઘર ચાહિયે - ઝંઝીર ૯૧૯૭૩) – ગાયકો: મોહમ્મદ રફી, લતા મંગેશકર- સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: ગુલશન બાવરા

આ શેરી ગીતમાં હાર્મોનિયમ વગાડતાં વગાડતાં ગાવાની ભૂમિકા ગીતના ગીતકાર ગુલશન બાવરાએ ભજવી છે.

એક તૂ હી ભરોસા, એક તૂ હી સહારા - પુકાર (૨૦૦૦) – ગાયક: લતા મંગેશકર સંગીતકા: એ આર રહેમાન
લતા મંગેશકર બાળકોની સાથે લાઈવ સમૂહ ગાન રજૂ કરે છે. 

આડવાતઃ

પોતાની ફિલ્મમાં થોડી વાર અલપ ઝલપ દેખા દેવી એ માટે સૌથી વધારે કદાચ જાણીતા છે રહસ્ય ફિલ્મોના મહાન દિગ્દર્શક આલ્ફ્રેડ હિચકૉક. તે કયાં દૃશ્યમાં આવશે તેના માટે પણ તેમના દર્શકોને તેમનાં રહસ્ય જેટલો જ ઈંતેજાર રહેતો. તેમણે ભજવેલા આવા કીરદારની યાદી હવે તો મહત્ત્વનો સંદર્ભ દસ્તાવેજ બની ગયેલ છે. તેમના કેટલાક ચાહકોએ તેમનાં આ દૃશ્યોની રજૂઆત કરતી વિડીયો ક્લિપ્સ પણ બનાવી છે. 

આપણે ત્યાં હિંદી ફિલ્મોના સફળ દિગ્દર્શક, સુભાષ ઘાઈ પણ આ જ રીતે પોતાની ફિલ્મોમાં ટહુકો કરી જતા રહ્યા છે.

આ સિવાય બીજા પણ કેટલાક દિગ્દર્શકો પણ પોતપોતાની હિંદી ફિલ્મોમાં દેખા દેતા રહ્યા છે.

આજના અંકને અહીં વિરામ આપીએ. આપને આવાં કોઈ યાદગાર ગીતો ધ્યાનમાં હોય તો અમને જરૂરથી જણાવજો.

૫-૧૧-૨૦૧૬ના રોજ આપણે જે ગીતો સાંભળ્યાં હતાં તે ગીતોને પર્દા પર રજૂ કરનાર કળાકારોની ઓળખાણ કરીએ. અપલમ ચપલમ ઓ દુનિયા કો છોડકર તેરી ગલી આયી રે ને પરદા પર ભજવનાર કલાકારો, દક્ષિણ ભારતનાં બહુખ્યાત ભારતનાટ્યમ કલાકારો - સાઇ અને સુબ્બલક્ષ્મી,ની પહેચાન શ્રી હરીશભાઈ રઘુવંશીએ કરાવી છે.

૩-૧૨-૨૦૧૬ના અંકમાં સાંભળેલાં ગીતોને પરદા પર ભજવનાર કલાકારોની ઓળખાણ કરીએ.

  • નાગ નૃત્ય - તમિળ ફિલ્મ - જગતલા પ્રતાપન (૧૯૪૪) - પરદા પર કળાકાર - કુમારી કમલા

  • નાગ નૃત્ય - દાસ્તાન (૧૯૫૦) - સંગીતકાર નૌશાદ - પરદા પર કળાકાર - પુરુષ કળાકાર એ સમયના બહુ જાણીતા નૃત્ય નિર્દેશક કૃષ્ણ કુમાર છે. નૃત્યાંગના કકૂ છે એવું જણાય છે.
  • નાગ નૃત્ય - ગાઈડ (૧૯૬૫) - સંગીતકાર એસ ડી બર્મન - પરદા પર કળાકાર - વહીદા રહેમાન સિવાયનાં મૂળ મુદ્દે નૃત્ય શરૂ કરનાર કળાકાર આ પ્રકારનાં નૃત્ય માટે નિપુણ હશે પણ આપણા માટે અજ્ઞાત છે.
આડવાત :
હજૂ એક નાગ નૃત્ય વિષે જાણવા મળ્યું તેની વાત કરી લઈએ.
૧૯૬૫નાં 'ગાઈડ'નાં નાગ નૃત્યની સાથે આ ગીતમાં ઘણી બાબતે સરખામણી કરી લેવાનું મન થઈ આવે!
'ગાઈડ'ના દિગ્દર્શક આનંદ ભાઈઓની ત્રિપુટીના સૌથી નાના ભાઈ વિજય આનંદ, 'અંજલિ'ના દિગ્દર્શક સૌથી મોટા ભાઈ ચેતન આનંદ.
ગાઈડના સંગીત નિર્દેશક એસ ડી બર્મન તો 'અંજલિ'ના છે તેમના એક સમયના મદદનીશ જયદેવ.
નાગ નૃત્ય છે ૧૯૫૭ની ફિલ્મ અંજલિનું, જેને પરદા પર રજૂ કર્યું છે વિશ્વવિખ્યાત સિતારાદેવીએ

હવે પછીના અંકમાં બહુ જાણીતાં / ઓછાં જાણીતાં ગીતોના સાવ જ અજાણ બની રહેલ કળાકરો સાથેની સફર ચાલુ રાખીશું.

No comments: