Saturday, February 11, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ફેબ્રુઆરી, ૨૦૧૭તલત મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો
 
તેમની કારકીર્દીના પ્રારંભના સમયે બધાં જ ગાયકો - તલત મહમૂદ, મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ, ગીતા દત્ત, જી એમ દુર્રાની, મીના કપૂર, કમલ બારોટ, મુબારક બેગમ અને અન્ય
તલત મહમૂદના જન્મ (૨૪-૨-૧૯૨૪)ના ફેબ્રુઆરી મહિનામાટે તેમનાં વિસારે પડેલાં યુગલ ગીતોની યાદી બનાવવાનું વિચાર્યું ત્યારે એક પૂરા અંક પૂરતાં ગીતો મળી શકે તેવી સંભાવના નહોતી જણાઈ. તેમ છતાં પહેલેથી જ નક્કી રાખ્યું હતું કે યુગલ ગીતનાં કોઈપણ સહગાયકોસાથેનું તેમ જ એક જ સંગીતકારનું એકથી વધારે ગીત આ યાદીમાં નથી લેવું. પરંતુ મજાની વાત એ છે કે તલત મહમુદનાં ગીતોના સમુદ્રમાં તમે ગમે તેટલી આકરી શરતો સાથે ડૂબકી મારો તો પણ તેમનાં ગીતોનાં મોતીઓથી તમારી ઝોળી તો કાયમ જ ભરાઈ જ રહેવાની એ તો નક્કી જ રહે.
ચાલો એ ગીતોની માળાનાં મોતીઓને યાદ કરીએ અને માણીએ - 
મુઝકો અપના બનાયા કિસને તુને સજના તુને - સમાપ્તિ (૧૯૪૯) - તલત મહમૂદ, સુપ્રોવા સરકાર - તિમિર બરન - પંડિત ભુષણ
બે પ્રેમીજનો વચ્ચે સહજ થતા પ્રેમાલાપમાટે ગીતની લય કદાચ થોડી ઝડપભરી લાગશે. જો કે તેથી કરીને ગીતનો ભાવ સમજવામાં અને માણવામાં ક્યાંય પણ ઓછપ નથી અનુભવાતી. 
પૂછ રહે વે યાર બીબી કૈસી હો - શાદી કી રાત (૧૯૫૦) - તલત મહમૂદ, જી એમ દુર્રાની, સુરીન્દર કૌર - પંડિત ગોવિંદરામ - સર્શાર સૈલાની 
પંજાબમાં લગ્ન પહેલાં વર અને કન્યાનાં મિત્રોમાં જે મૈત્રીભર્યાં ફટાણાં ગાવાની પ્રથાપર અધારિત ગીતમાં પણ તલત મહમૂદ તેમનાં સાથી ગાયકોની સાથે મજા લે છે.
તક઼દીર હસીં આંસૂ નિકલે, ઈક ઠેસ લગી દિલ તૂટ ગયા - પગલે (૧૯૫૦) - તલત મહમૂદ, રાજકુમારી - સ્નેહલ ભાટકર - કબીલ અમૃતસરી
એક બાજૂ નવા સવા નામ કમાયેલ ગાયક અને બીજી બાજૂ વીન્ટેજ એરાનાં પ્રર્તિષ્ઠિત ગાયિકાનાં સાયુજ્યથી યુગલ ગીતના દર્દના ભાવ ઘુંટાય છે.
જવાનીકે ઝમાને મેં જો દિલ ના લગાયા પીછે પછાયેગા - મધુબાલા (૧૯૫૦)- તલત મહ્મૂદ, શમશાદ બેગમ - લચ્છીરામ તોમર - રાજેન્દ્ર કૃષ્ણ 
ગીતના હળવા મૂડને અનુસાર તલત મહમૂદ શમશાદ બેગમની સાથે હળવાશથી સૂર મેળવે છે.
તુમ કૌન હો રાજકુમારી યે ચંદા સા મુખડા ઈધર તો કરો - રાજપુત (૧૯૫૧) તલત મહમૂદ, મધુબાલા ઝવેરી - હંસરાજ બહલ - ભરત વ્યાસ
પહેલાં રીલીઝ થવાની તકનીકી દૃષ્ટિએ મધુબાલા ઝવેરી માટે આ ફિલ્મ તેમની ફિલ્મ સંગીતની કારકીર્દીનું પહેલું પગથીયું હતી. ગીતના શબ્દો સાંભળતાં એમ લાગે છે કે ગીતની સીચ્યુએશન 'સ્વયંવર'ને લગતી હશે. 
યુધ્ધનાં પડઘમ વાગે ત્યારે રજપુતાણી તેના રજપૂતનાં મનોબળને પોરસતી વિદાય આપે છે. ગીતના અંતમાં મન્ના ડે પણ જોડાય છે.
જાઓ જાઓ આ ગયા બુલાવા જંગ કા
દમડી દમડી પૈસા પૈસા જોડ જોડ મર જાતે હૈં - હમારી શાન (૧૯૫૧) - તલત મહમૂદ, કિશોર કુમાર - ચિત્રગુપ્ત - (?)
કિશોર કુમારની તોફાન મસ્તીમાં તલત મહમૂદ પણ સાથ પૂરાવે છે. ગીતમાં એક ત્રીજો અવાજ સાંભળવા મળે છે તે કદાચ ચિત્રગુપ્તનો હોઈ શકે. જો કે આ તો મારો અંદાજ છે.
કહીં પ્રીત સે ભરા કોઈ ગીત ગા રહા - પાતાલ ભૈરવી (૧૯પ૨)- તલત મહમૂદ, ગીતા દત્ત - ઘંટશાલ - પંડીત ઈન્દ્ર ચંદ્ર
તેલુગુ ફિલ્મની હિંદી રીમેઈકમાં પણ સંગીત ઘંટશાલએ જ આપ્યું છે. (વેંકટશ્વેર રાવ) ઘંટશાલ બહુ સારા સંગીતકાર હોવાની સાથે એક સારા ગાયક પણ હતા. પ્રસ્તુત ગીતમાં તલત મહમૂદ યુવાન એનટીઆર માટે સ્વર આપે છે જ્યારે ગીતા દત્ત માલતી માટે સ્વર આપે છે. 
પ્યાર ભી આતા હૈ કભી ગુસ્સા ભી આતા હૈ - ગૂંજ (૧૯૫૨) - તલત મહમૂદ, આશા ભોસલે -સાર્દુલ ક્વાત્રા
પ્રેમીજનો વચ્ચે નાની મોટી બાબતે થતી મીઠી નોકઝોક અને મનામણાંનો ભાવ બહુ સ્વાભાવિકપણે ગીતમાં રજૂ થયો છે.
ચલો ચલે જમુના કે પાર - ઉષા કિરણ (૧૯૫૨) - તલત મહમુદ, ઝોહરાબાઈ અંબાલેવાલી, ઉમા દેવી, સ્વરૂપ લતા હનુમાન પ્રસાદ - અન્જુમ પીલીભીતી
ગીતની ઑડીયો ક્લિપ જ મળેલ છે એટલે ત્રણ ત્રણ બહુખ્યાત પાર્શ્વગાયિકાઓને ફાળે કેવાં કેવાં પાત્રનું ગાયન આવ્યું હશે કે ગીતનો નાયક કેમ 'આઓ કર લે કરાર' જેવો પ્રતિભાવ આપતો હશે તે સમજાતું નથી. જો કે આપણા માટે તો ગીતનું માધુર્ય પણ પૂરતું છે.
ચંદા તલે મુસ્કરાયેં જવાનીયાં....હોઠોં પે આ ગયી દિલકી કહાનિયાં - રાની (૧૯૫૩) - તલત મહમૂદ, ભાનુમતી -સી આર સુબ્રમણ્યન,એમ વિશ્વનાથન - વિશ્વામિત્ર આદિલ
આ પણ તેલુગુમાં બનેલી ફિલ્મની હિંદી રીમેઈક છે. એનટીઆર સાથે ગીતનાં ગાયિકા ભાનુમતી જ હીરોઈન પણ છે. તે ઉપરાંત નોંધપાત્ર બાબત એ છે કે ફિલ્મનું દિગ્દર્શન પણ ભાનુમતીએ કરેલ છે અને નિર્માણમાં પણ તેમનો હિસ્સો છે.
આ ગીતનું તેલુગુ વર્ઝન પણ સાંભળીએ 
તૂ ઉડ જા પંછી બાવરે જા દેસ બેગાને જા - આગ કા દરિયા (૧૯૫૩) - તલત મહમૂદ, સુલોચના કદમ - વિનોદ - અઝીઝ કશ્મીરી
ગીત ઠીક ઠીક મુશ્કેલ તાલ પર રચવામાં આવ્યું છે, તેમ છતાં ગીતનાં માધુર્યમાં ઓછપ નથી આવી.
એક દિલ ..દો હૈ તલબગાર બડી મુશ્કીલ હૈ, કશ્મકશમેં હૈ મેરા પ્યાર બડી મુશ્કીલ હૈ દરવાઝા (૧૯૫૪) - તલત મહમૂદ, સુમન કલ્યાણપુર - શૌકત દેહલવી 'નાશાદ' - ખુમાર બારાબંક્વી
સુમન કલ્યાણપુર  જ્યારે હજૂ સુમન હેમાડી તરીકે ઑલ ઈન્ડીયા રેડીયોનાં ઉભરી રહેલાં ગાયક હતાં ત્યારે હિંદી ફિલ્મો માટે ગાયેલું આ તેમનું પહેલું (યુગલ) ગીત છે.એક ઇન્ટરવ્યુમાં તેમણે આ ગીતને યાદ કરીને કહ્યું છે કે, 'ગીતનાં માધુર્ય અને સૌંદર્યની જેમને બક્ષિસ હતી એવા તલત મહમૂદ સાથે પહેલું ગીત ગાવાની તક મળી તેથી હું તો ખુશખુશ હતી. તેમના મખમલી અવાજથી તલત મહમૂદે ગીતને દિવ્ય ઉઠાવ આપ્યો હતો. મેં તેમની સાથે રહેવા પૂરા પ્રયાસો કર્યા હતા. તલત મહમૂદ મારાં ગાયનથી ઘણા ખુશ થયા હતા'.
આંખેં ભરી હુઈ હૈ ઔર દિલ ભરા હુઆ હૈ - મજબૂરી (૧૯૫૪) -તલત મહમૂદ, મીના કપૂર - રોબીન ચેટર્જી - ડી એન મધોક
ગીતના ભાવને અનુરૂપ ધુન અને તાલ બહુ જ માર્દવપૂર્ણ છે. તલત મહમૂદના સ્વર માટે તો આ બહુ જ સ્વાભાવિક રચના કહેવાય. મીના કપૂર પણ ક્યાંય ઊણાં નથી પડતાં. 
તેરા બચપન એક કહાની - સંગમ(૧૯૫૪)- તલત મહમૂદ, મુબારક બેગમ - રામ ગાંગુલી - એસ એચ બિહારી 
'સંગમ' નામથી બનેલી ત્રણ ફિલ્મોમાં આ ફિલ્મ બીજી ફિલ્મ હતી.ગીતની રચાનાથી એટલું તો જરૂર નક્કી થાય કે રામ ગાંગુલીને માત્ર 'આગ' (૧૯૪૮)માટે જ યાદ કરવામાં આવે એ તેમની પ્રતિભાને ધરાર અન્યાય હતો !
દૂર હોતે નહીં જો દિલમેં રહા કરતે હૈં - વારિસ (૧૯૫૪) તલત મહમૂદ, સુરૈયા - અનિલ બિશ્વાસ - મજરૂહ સુલ્તાનપુરી
તલત મહમૂદ-સુરૈયાનાં 'મિર્ઝા ગ઼ાલિબ'નું 'દિલ-એ-નાદાં તૂઝે હુઆ ક્યા હૈ કે આ જ ફિલ્મનું  રાહી મતવાલે એટલી હદે લોકપ્રિય થયાં કે પ્રસ્તુત ગીત જેવાં કેટલાંય રત્નો તે ચમક નીચે ઢંકાઈ ગયાં.  
ઠંડી હવાઓંમેં તારોંકી છાઓંમેં આજ બાલ ડોલે મોરા જિયા - બહુ (૧૯૫૫) - તલત મહમૂદ, ગીતા દત્ત -  હેમંત કુમાર - એસ એચ બિહારી
મારા પૂરતું તો આ ગીત વિસારે પડતું ગીત તો નથી, પરંતુ હેમંત કુમાર, તલત મહમૂદ અને ગીતા દત્તનું સંયોજન બહુ વિરલ ઘટના હોવાથી અહીં આ ગીતને સમાવતાં મને બહુ ખુશી થાય છે. 
નઝર આ નિગાહોં સે છૂપ જાનેવાલે - પિયા ('૫૦ના દાયકાનું રજૂ ન થયેલું ગીત) - તલત મહમૂદ, નિર્મલા - એસ બેનર્જી - મજનૂન લખનવી
આ ગીતનાં ગાયિકા નિર્મલા દેવી તરીકે જાણીતાં શાસ્ત્રીય ગાયિકા જ છે. નવી પેઢીને તેમની ઓળખાણ '૯૦ના દાયકાના ગોવિંદાના માતુશ્રી તરીકે કરાવીશું.
મૈં પઢ રહી હૂં તુમકો, મેરી ક઼િતાબ તુમ હો - કેપ્ટન ઈન્ડીયા (૧૯૬૦) - તલત મહમૂદ - સુધા મલ્હોત્રા - હેમંત કેદાર - રાજારામ સાકી 
એકબીજાંને ઓળખવા માટે એ વ્યક્તિને 'પુસ્તક'ની જેમ વાંચતાં રહેવું જોઈએ- કેટલો નવો વિચાર અને પાછો કહેવાયો છે આટલા પ્રેમથી !
જય જય ભારત દેશ હમારા જય જય ભારત દેશ - મતલબી દુનિયા (૧૯૬૧) - તલત મહમૂદ, અમીરબાઈ કર્ણાટકી  અને સાથીઓ- સુશાંત બેનર્જી - જયંતિ જોશી
એક સંગીતકારનું એક જ ગીત સમાવવાના નિયમને આ એક અપવાદ પૂરતો મુલતવી રાખવાનું કારણ છે તલત મહમૂદ અને અમીરબાઈ કર્ણાટકીનું સહગાન. 
તુમ પે ક઼ુરબાન દિલ શુક્રિઆ આપકે પ્યાર કા - સખી લુટેરા (૧૯૬૯) - તલત મહમૂદ, ઉષા બલસાવર - બી એન બાલી - અઝીઝ ઘાઝી
આ ગીતનાં ગાયિકા અને સંગીતકાર બન્ને ખાસ્સાં અજાણ્યાં છે. ગુગલ પર શોધ કરતાં પણ ઉષા બલસાવર વિષે બહુ માહિતી મળી નથી.આપની પાસે તેમને લગતી કઈ વધારે માહિતી હોય તો અહીં જરૂરથી જણાવશો.
મોહબ્બત કી કહાનિયાં સુનાને લગી હૈ જવાનિયાં - વોહ દિન યાદ કરો (૧૯૭૧) - તલત મહમૂદ, લતા મંગેશકર - લક્ષ્મીકાંત પ્યારેલાલ - આનંદ બક્ષી
લતા મંગેશકર અને તલત મહમૂદને પણ બહુ લાંબા સમયે સાથે ગાવાનું થયું હશે તેનાથી વધારે આ ગીતની ખાસ વાત એ છે કે લક્ષ્મીકાંત પ્યારેલાલે, સંજય ખાન માટે, તલત મહમૂદનો અવાજ લેવાનું પસંદ કર્યું છે. લક્ષ્મી-પ્યારેનું તલત મહમૂદનું આ એક માત્ર ગીત છે. ફિલ્મનાં બીજાં બધાં ગીતો મોહમ્મદ રફીના સ્વરમાં છે.
આ વિડીયો ક્લિપમાં પૂરૂં ગીત નથી સમાવાયું જે આ ઑડીયો ક્લિપમાં સાંભળવા મળે છે.
આજના આ તલત મહમૂદને સમર્પિત અંકના અંતમાં આપણે તેમનાં મોહમ્મદ રફી સાથે ગાયેલાં  ગીતો પૈકી બે ગીતો સાંભળીશું
એક નઝરમેં દિલ લે જાએ... સુરત હો તો ઐસી હો બારીશ (૧૯૫૭)તલત મહમૂદ, મોહમ્મદ રફી, ફ્રાંસીઝ વાઝ, ચીતળકર - સી. રામચંદ્ર - રાજેન્દ્ર કૃષ્ણ
આજના સમયમાં આ ગીતને કારણે નારી સન્માનનાંરક્ષકો રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડી બેસે ! તલત મહમૂદ જેવા સૂંવાળા ગાયક પણ જો જાહેર નળ પર પાણી ભરવા આવેલી, ફૂટડી, યુવતીને જોઈ તેની પ્રશસ્તિમાં છેડતી લાગે તેમ વર્તી બેસે તો પછી તેને જોઈને બીજા યુવાનીયાઓ ભૂરાંટા ન થાય તો જ નવાઈ!


કે. આસિફના એક બહુસ્વપ્નેલ પ્રકલ્પ 'લવ એન્ડ ગૉડ'નાં એક ગીતમાં નૌશાદે સાત સાત ગાયકોને એક કોરસમાં ગાવા માટે રાજી કર્યાં હતાં - તલત મહમૂદ, મોહમ્મદ રફી, મન્ના ડે, હેમંત કુમાર, સુમન કલ્યાણપુર, ખાન મસ્તાના, મૂકેશ અને બલબીર  (www.talatmahmood.net)
રહેગા જહાંમેં તેરા નામ - લવ એન્ડ ગૉડ (૧૯૮૬) - તલત મહમૂદ, મોહમ્મદ રફી, મન્ના ડે, બલબીર - નૌશાદ - ખુમાર બારાબંક્વી  
કે. આસિફની આ ફિલ્મ પણ તેનાં નિર્માણ દરમ્યાન અનેક ઘાંચમાં ફસાતી રહી હતી. તેના પહેલા હીરો ગુરુ દત્તના અવસાન પછી અધૂરી ફિલ્મ સંજીવ કુમારને લઈને પૂરી કરવામાં આવી. ફિલ્મ રજૂ થતાં સુધીમાં ગુરુ દત્તને બદલે આવેલા સંજીવકુમાર અને ખુદ કે. આસિફ પણ મૃત્યુ પામ્યા હતા. 
આજના આ અંકમાં રજૂ કરેલ ગીતો તલત મહમૂદનાં યુગલ ગીતોના બહુરંગી રંગપટનો એક જ રંગ કહી શકાય. હવે પછી જ્યારે ફરી તક મળશે ત્યારે બીજા રંગની મજા પણ માણીશું.


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

No comments: