Sunday, February 23, 2020

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો - મેહમૂદ [ ૩ ]


મન્ના ડેનાં મેહમૂદ માટે ગવાયેલાં ગીતોની સાંકળના પહેલા મણકામાં આપણે મેહમૂદની કારકીર્દીના સીતારાને ચડતો જોયો હતો. બીજા ભાગમાં એ સીતારો તેની પૂર્ણ કળાએ પહોંચી ચૂક્યો હતો. હવે આ ત્રીજા ભાગમાં બીજા ભાગમાં ૧૯૬૬થી અટકેલ પ્રવાહ આગળ વધે છે. આ ભાગમાં જેમ જેમ આગળ વધતાં જઈશું તેમ તેમ મેહમૂદની કારકીર્દીનો સીતારાની અસ્તાચળ ભણી સફરની શરૂઆતનાં મંડાણ કળાવા લાગે છે. મન્ના ડેની હિંદી ફિલ્મનાં ગીતોની કારકીર્દી માટે આપણે '૬૦ના દાયકાના અંતની સીમારેખા નક્કી કરી છે, એટલે તેમનાં ગીતોમાં પણ, તેમના સ્વરને પૂરતો ન્યાય આપી ન શકે તેવાં, પ્રમાણમાં  સામાન્ય ગીતો કહી શકાય તેવાં ગીતો સાંભળવાની આપણે તૈયારી કરવી રહી.
અલ્લાહ જાને મૈં હૂં કૌન ક્યા હૈ મેરા નામ - પતિ પત્ની (૧૯૬૬) – સંગીતકાર:  આર ડી બર્મન – ગીતકાર:  આનંદ બક્ષી 
પતિ પત્ની મહેમૂદનાં નિર્માણ ગૃહ મુમતાઝ પ્રોડકસન્સ દ્વારા નિર્મિત ફિલ્મ હતી. આર ડી બર્મનની કારકીર્દીની એ પાંચમી ફિલ્મ હતી. મહેમૂદનાં કૉમેડી ટાયલાંની હવે નિશ્ચિત થતી જતી શેલીમાં આ ગીતની બાંધણી થઈ છે. જોકે મન્ના ડે તેમના સ્વરની ખૂબીઓ વડે ગીતને સાંભળવા લાયક બનાવવામાં સફળ થતા જણાય છે.

મેરી પત્ની મુઝે સતાતી હૈ - - પતિ પત્ની (૧૯૬૬) - સુરેન્દ્ર અને ખુદ જ્હોની વૉકર સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી
ઓમ પ્રકાશ, મેહમૂદ અને જ્હોની વૉકર સાથે ગીત ગાતા હોય તેવી બહુ અનોખી સિચ્યુએશન અહીં જોવા મળે છે. સુરેન્દ્ર (જેમના વિષે કંઈ અન્ય માહિતી નથી) ઓમ પ્રકાશ માટે  અને જ્હોની વૉકર પોતા માટે જ સ્વર આપે છે, જે પણ એક આગવી ઘટના કહી શકાય.

કૈસે દેખા હૈ મુઝે જી ઓ તા તા થીયો તા તા થિયો - પતિ પત્ની (૧૯૬૬) - આશા ભોસલે સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી 
હિંદી ફિલ્મનાં છેડછાડનાં ગીતો બાદ પણ પ્રેમ અચુક પરિણમતો હોય છે, તેમાં આટલી કૉમેડી ભળી હોય તો પણ. 
નિર તા તા - ચંદન કા પાલના (૧૯૬૭) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી
આ ગીત પણ શાસ્ત્રીય સંગીતની ગાયન શૈલીની પૅરોડી છે. મોહમ્મદ રફી સંન્નિષ્ઠ પધ્ધતિથી શાસ્ત્રીય ગાયન શીખવાડવા મથતા (પર્દા પર) સંગીત શિક્ષક (ધુમલ) અને બંગાળી ઉચ્ચારો સાથે પોતાના સ્વાભાવિક અડઘણપણાંને વળગી રહેતા મન્ના ડે શિષ્ય તરીકે (પર્દા પર મેહમૂદ)ની જુગલબંધી છે.

બાત કરતે હો બાત કરના નહીં આતા - ચંદન કા પાલના (૧૯૬૭) - આશા ભોસલે સાથે - સંગીતકાર આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી
આશા ભોસલે (પર્દા પર મુમતાઝ) આધુનિક યુવતી અદામાં પોતાના સુર છેડે છે તો સામે મન્ના ડે (પર્દા પર મેહમૂદ)પોતાની દેશી બંગાળી ઢબમાં ચલાવ્યે રાખે છે. જોકે તેને કારણે તેમના પ્રેમમાં કંઈ ઓછપ આવી જણાતી નથી.
આઓ આઓ સાંવરિયા - પડોસન (૧૯૬૮) - સંગીતકાર આર ડી બર્મન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી 
'પડોસન' એવી ફિલ્મ હતી જેમાં સુનીલ દત્ત અને સાયરા બાનુ જેવાં મોટાં ગજાનાં ગણાય એવાં હીરો અને હીરોઈન હોવા છતા, સુનીલ દત્તના નૌટંકી ગાયક મિત્રના પાત્રમાં કિશોર કુમાર અને તમિળ સંગીત શિક્ષકના પાત્રમાં મેહમૂદ ફિલ્મનાં કથાવસ્તુના કેન્દ્રમાં રહે છે. ગીતની બાંધણી અનુસાર, મન્ના ડે કર્ણાટકી શૈલીની ગાયકીને જાળવીને મેહમૂદની  તમિળ લઢણમાં બોલાતી હિંદીની અદાઓસાથે કદમ મેળવી રહે છે.

એક ચતુર નાર બડી હોશીયાર - પડોસન (૧૯૬૮) - કિશોર કુમાર સાથે  - સંગીતકાર આર ડી બર્મન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
પ્રસ્તુત ગીતનો પ્રેરણાસ્રોત સરસ્વતી દેવીએ રચેલ કવિ પ્રદીપની ફિલ્મ ઝૂલા (૧૯૪૧)ની રચના છે જેને અશોક કુમારે પર્દા પર અને પર્દા પાછળ જીવંત કર્યું  હતું.
એમ પણ કહી શકાય કે 'બસંત બહાર' (૧૯૫૬)નાં શાસ્ત્રીય ગીત કેતકી ગુલાબ જુઈ ચંપક બન ફૂલેમાં (સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર શૈલેન્દ્ર) પંડિત ભીમસેન જોષી સામે થયેલા ફિલ્મી વિજયનું પ્રાયશ્ચિત અહીં મન્ના ડે કિશોર કુમારનાં ટાયલાંઓ સામે હારી જઈને કરી રહ્યા છે.

મુથુ કોડી કવારી હડા - દો ફૂલ (૧૯૭૩) - આશા ભોસલે સાથે - સંગીતકાર આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી
ગીત આમ તો મૂળ તમિળ આવૃતિ પરથી જ પ્રેરિત છે. તેમાં પણ મુખડાના શરૂઆતના શબ્દો તો પૂરેપુરા મૂળ ગીતના જ છે, જેનો અર્થ છે - મને ચુમી લે.
હવે મેહમૂદ કૉમેડી ભાવ પેદા કરવા વધારેને વધારે સ્થુળ ટાયલાંનો સહારો લેતા ભળાય છે. જોક એ અહીં પણ સંગીતકાર, અને વધારે તો મન્ના ડે, શાસ્ત્રીય અને પ્રાદેશિક લઢ્ણને જાળવી રાખવામાં મહદ અંશે સફળતા મેળવી છે.

મન્ના ડેનાં મહેમૂદનાં ગીતોની આર ડી બર્મનની આ રચનાઓ સાથે આજના અંકને સમાપ્ત કરીશું. હવે પછીના અંકમાં '૫૦ના દાયકામાં પદાર્પણ કરેલા બે સંગીતકારો અને '૬૦ના દાયકામાં પદાર્પણ કરેલા એક સંગીતકાર દ્વારા રચિત મન્ના ડે એ મેહમૂદ માટે ગાયેલાં ગીતો સાથે આ સાંકળ પૂરી કરીશું.

No comments: