Wednesday, May 7, 2025

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૦મું સંસ્કરણ – એપ્રિલ, ૨૦૨૫

 હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૬૩ - ૧

હસરત જયપુરી (મૂળ નામ - ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) બહુ સહજ કવિ હતા.


હસરત જયપુરીએ રચેલાં ઓછાં સાંભળવા મળતાં ગીતો આપણે ખાસ કરીને આપણે દર એપ્રિલ મહિનામાં વર્ષ ૨૦૧૭થી શરૂ કરીને સાંભળતાં રહ્યાં છીએ. અત્યાર સુધી આપણે

૨૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,

૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,

૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં,

૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં, ,

૨૦૨૧માં ૧૯૫૯નાં વર્ષનાં,

૨૦૨૨માં ૧૯૬૦નાં વર્ષનાં

૨૦૨૩માં ૧૯૬૧નાં વર્ષનો ભાગ , અને

૨૦૨૪માં ૧૯૬૧ના વર્ષનો ભાગ ૨

સાંભળ્યાં.

૧૯૬૨ના વર્ષમાં હસરત જયપુરીએ માત્ર શંકર જયકિશન માટેજ ગીતો લખ્યાં. પણ મજાની વાત એ છે કે ૧૯૬૩નાં હસરત જયપુરીએ અન્ય સંગીતકારો સાથે લખેલાં ગીતોના આજના મણકામાં પણ સરદાર મલિકે સંગીતબદ્ધ કરેલાં ગીતો છે.

સરદાર મલિક

બચપન (૧૯૬૩)

'બચપન'ને રજુઆત થયે ૬૦થી વધુ વર્ષો થઈ ગયાં. આટલાં વર્ષ પછી આ ફિલ્મ વિશે થોડું વધારે જાણવાની કોશિશ કરતાં મોંમાં પતાસું આવી પડ્યું હોય એવી માહિતી મળી આવી. ફિલ્મનાં મુખ્ય પાત્રો પૈકી હીરોઈન મેનકા ઈરાની છે. તે ફીલ્મનાં નિર્માતા શ્રીમતી પી એન ઈરાનીનાં મોટાં દીકરી, અને ડેઈઝી ઈરાની અને હની ઈરાનીનાં મોટાં બહેન છે તે તો સાવ ફીક્કું લાગે એવી માહિતી એ છે કે ગઈ સદીના અંતમાં ખુબ ખ્યાતી મેળવેલ દિગ્દર્શિકા અને નૃત્ય દિગ્દર્શિકા ફરાહ ખાન અને દિગ્દર્શક સાજિદ ખાનનાં મા છે. આટલેથી અચરજ પુરૂં નથી થતું. ફિલ્મનો નાયક, સલીમ, સલીમ-જાવેદની જોડીમાંના સલીમ ખાન છે. 

'બચપન'માં સાત ગીતો છે, જેમાં થી ત્રણ ત્રણ સૉલો ગીતો અનુક્રમે મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરોમાં છે અને એક યુગલ ગીત છે જે મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં છે. 

મુઝે તુમસે મોહબ્બત હૈ મગર મૈં કહ નહીં શકતા - મોહમ્મદ રફી 

મોહમ્મદ રફીના સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં આ ગીતનું સ્થાન માનપૂર્વકનું ગણાય છે.



નઝરીયા ન મારો નજર લગ જાયેગી - મોહમ્મદ રફી 

સામાન્યપણે આ પ્રકારનાં ગીતો ફિલ્મોમાં સ્ત્રી પાત્રો પર ફિલ્માવાતાં હોય છે. પણ અહીં પુરુષ પાત્ર પર ગીત ફિલ્માવાયું છે. રફીએ ગીતના ભાવની નજ઼ાકતને અદલોઅદલ બરકરાર રાખી છે !


 

મોહમ્મદ રફીના સ્વરનું ત્રીજું સૉલો ગીત અચ્છા ગાના ભી જાદુ હૈ યુ ટ્યુબ પર જોવા નથી મળતું.


અબ મૈં જાઉં કહાં કહાં જાઉં ખડી હૈ દુનિયા મૈં હું અકેલા - સુમન કલ્યાણ્પુર 

ગીતના બોલ પરથી સમજી શકાય છે કે ફિલ્મમાં આ ગીત ડેઈઝી ઈરાની પરદા પર ગાયું હશે. ડેઈઝી ઈરાનીએ બાળ કલાકાર તરીકેની બધી જ ભૂમિકાઓ છોકરા તરીકે કરી છે. 



છન છન છનકે ઘુંઘર પિયા મેરા - સુમન કલ્યાણપુર 

આમ તો આ નિયમિત નૃત્ય ગીત જ છે, પરંતુ સરદાર મલિકે તેની બાંધણીમાં નવીનતા પુરી છે.



મેરે નૈના મદ કે પ્યાલે .... કોઈ આજ દિલ સંભાલે - સુમન કલ્યાણપુર 

આમ તો આ ગીત પણ ખુશીના ભાવોનું ગીત છે. પરંતુ અંતરાના સંગીતને કારણે ગીત કદાચ ક્લબમાં ગવાતું હોય એવું પણ બની શકે ! 



તેરે હમ ઓ સનમ તુ જહાં મૈં વહાં - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર 

આ યુગલ ગીત આજે પણ હિંદી ફિલ્મના રસીકોને યાદ આવી જ જાય છે.



હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે લખેલાં ૧૯૬૩નાં ગીતોનો હજુ એક મણકો હવે પછી.......


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: