Sunday, March 13, 2016

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : માર્ચ, ૨૦૧૬



માર્ચ મહિનામાં ઉત્તર ભારત વસંતના આગમનની વધામણી સમો લોકોત્સવ હોળી આવે છે. હિંદી ફિલ્મોમાં હોળી પરનાં ગીતો એમ બહુ જ ખાસ પ્રકાર રહ્યો છે. ફિલ્મ સંગીતને લગતા દરેક બ્લૉગ કે લેખોમાં આ પ્રકારનાં ગીતોને ખાસ સ્થાન પણ મળતું જ રહ્યું છે.
ભગવાન થાવરાણી'બિરાદરી' (૧૯૬૬)નું મોહમ્મદ રફી અને મન્ના ડેનું યુગલ ગીત તુમ જો હો સો ખુદા નહીં હો યાદ કર્યું.

તેના પરથી મને આ ફિલ્મનું ચિત્રગુપ્ત - મોહમ્મદ રફીનું બહુ જાણીતું  ગીત 'અભી ન ફેરો નઝર કે ઝિંદગી સંવાર તો લે  યાદ આવ્યું.
આટલી વાત કર્યા પછી આપણે લેખની શરૂઆતમાં હોળીના ગીતની વાત કરી હતી તેને જોડી લઈએ. આ ફિલ્મમાં મોહમ્મદ રફી, મન્ના ડે અને સુમન કલ્યાણપુરનું ત્રિપુટી સમૂહ ગીત - અ...ર..ર..રંગ દો સભીકો એક રંગ મેં - હોળીનાં ગીત તરીકે ઠીક ઠીક જાણીતું છે.
રંગોની મેળવણીનાં ગીતને યાદ કર્યા પછી આપણે હરીશ રઘુવંશીની સાથે Very Old Songsof ‘30s and 40’sમાં ૧૯૩૦-'૪૦ના દાયકાઓનાં ગીતોની મજા માણીએ.
સમીર ધોળકિયા  'અતુલ'સ સોંગ અ ડે' પરની એવી પૉસ્ટ્સને યાદ કરી છે જેમાં મૂળ વાત વિસારે પડી રહેલાં ગીતોની છે. અહીં એ પૉસ્ટ્સની લિંક પણ જાળવી છે, જેથી એ ગીત સાંભળવાની સાથે  તેની આસપાસની અન્ય માહિતી અને ગીતના શબ્દો જેવી સામગ્રીનો પણ લાભ પણ લઈ શકાશે.
Mujhe dard toone ye kyaa diyaa 'સલોની' (૧૯૫૨) માટે બસંત પ્રકાશે રચેલું લતા મંગેશકરનું સૉલો ગીત છે.

Phir milne ke zamaana aa gaya re saanwariya 'ડંકા'(૧૯૫૪)માટે અઝીઝ હિંદી એ શમશાદ બેગમ અને આશા ભોસલેનું રચેલું બહુ અનોખું યુગલ ગીત છે
Tu maane ya na maane balam anjaane 'કિસ્મતકા ખેલ' (૧૯૫૬) માટે શંકર જયકિશને રચેલું શૈલેન્દ્રનું લતા મંગેશકરનું સૉલો ગીત છે. 

Bezubaan DilShor Na Machaa પણ શંકર જયકિશને 'દૂર નહીં મંઝિલ' (૧૯૭૩)માટે રચેલું સુમન કલ્યાણપુરનું સૉલો ગીત છે. ગીત અનજાને લખેલ છે એટલે એમ માની શકાય કે શંકરે આ ફિલ્મનાં ગીતો જયકિશન અને શૈલેન્દ્રની આ દુનિયા પરની કાયમી વિદાય પછી બનાવેલાં હશે.

નરેશ માંકડે ' ડૉ. વિદ્યા' (૧૯૬૨)ની એસ ડી બર્મનની આગવી તર્જ - ખનકે કંગના બીંદિયા હંસે - ને યાદ કરે છે. બહુ જ મધુર એવી આ રચનામાં લતા મંગેશકરના સ્વરની મીઠાશને સીતારના રમતિયાળ સૂરોની 'હરકતો'ની બહુ જ ચાતુર્યપૂર્ણ મીંડ સાથ આપે છે. બાંસરીની હાજરી વાતાવરણની જમાવટ કરી રહે છે.

ભગવાન થાવરાણીને લતા મંગેશકરનાં એવાં ત્રણ ગીતોની યાદ આવે છે જેમાં પ્રીતમને પોતાની પાસે બોલાવી લેવાની તડપ એ ગીતોની આપણી યાદને ધુંધળી નથી પડવા દેતી.
૧. 'બ્લૅક કૅટ (૧૯૫૯)નું એન દત્તાએ રચેલું લતા મંગેશકરનું સોલો - કે પછી મોહમ્મદ રફીની સાખીના પૂર્વાલાપ સાથેનું યુગલ ગીત (!) - મૈં તુમ્હીંસે પૂછતી હું મુઝે તુમસે પ્યાર કયું હૈ, મુઝે તુમ દગા ન દોગે યે ઐતબાર કયું હૈ - તો બધાંને જ યાદ હોય. પણ જાનનિસાર અખ્તરના બોલને ભીમપલાસીમાં ઘુંટાતી વિરહની વેદના આપતું સિતારે રાહ તકતે હૈં, ચલે આઓ ચલે આઓ કદાચ વિસારે પડતું હશે. ફિલ્મમાં મીનુ મુમતાઝ નાયિકાની ભૂમિકામાં 'ચલે આઓ, ચલે આઓ'ના અલગ અલગ આરોહ - અવરોહ અને અલગ અલગ ભાવના સૂરની લતા મંગેશકરની ગાયકીને પૂરો ન્યાય આપી રહે છે.

૨. આશા ભોસલે રવિ માટે પ્રથમ પસંદગીનાં પાર્શ્વગાયિકા હતાં તે બાબતે રવિએ ક્યારે પણ ઢાંકપિછોડો નથી કર્યો. પરંતુ, લો આ ગઈ ઉનકી યાદ, વો દિલ કહાં સે લાઉં, બદલે બદલે મેરે સરકાર નજ઼ર આતે હૈ,અય મેરે દિલ-એ-નાદાન તુ ગમસે ન ગભરાના જેવાં  લતા મંગેશકર સાથે તેમણે રચેલાં સૉલો ગીતો પણ એટલાં જ સદાબહાર રહ્યાં છે. 'એક સાલ' (૧૯૫૭)માં પણ તેમણે આપેલ અદ઼્ભૂત જોડીદાર વર્ઝન સૉલો ગીત - સબ કુછ લૂટાકે હોશમે આયે તો ક્યા કિયા- પણ પ્રથમ હરોળનાં ગીતોમાં જ સ્થાન પામતું રહ્યું છે. પણ,કંઈક અંશે વિસારે પડતું , ચલે ભી આઓ, ચલે ભી આઓ, તુમ્હેં ક઼સમ હૈ ચલે ભી આઓ તો  આ બધાં પર શિરમોર જ કહી શકાય.પ્રેમ ધવનના બોલને પહાડિની ધુનમાં સ્વરબદ્ધ કરાયેલ છે. ફિલમાં ગીત હિંદી ફિલ્મની એક માત્ર અહર્નિશ સૌંદર્યાજ્ઞી (નામ તો આપણે સમજી જ જઈએ!!). 'ચલે આઓ'ને બદલે 'ચલે ભી આઓ'નો પ્રયોગ આવવાનાં ઈજનને ધૂંટે છે - 

3. અને આજનાં આ થીમ પરનાં ગીતોમાં આમ સૌથી જૂનું, ત્રીજું, ગીત છે - બહાર આયી ખીલી કલિયાં, હંસે તારે ચલે આઓ, હમેં જિને નહીં દેતે યે નઝારે ચલે આઓ. 'અલિફ લૈલા' (૧૯૫૩)નાં આ ગીતના બોલમાં પીડાને વણી છે સાહિર લુધ્યાનવી અને તેને ઉત્કટ બનાવી છે {'લાહોર' ખ્યાત) શ્યામ સુંદરે. નિમ્મી પર ફિલ્મવાયેલું આ ગીત શિવરંજનીમાં સ્વરબદ્ધ કરાયેલ છે. 'जुबां पर आह बन-बन के तुम्हारा नाम आता है, मुहब्बत में तुम्हीं जीते हमीं हारे चले आओ "થી તો કવિએ ઇન્તઝારની તડપને કોઈ એક પ્રેમીજનનાં સમર્પણનાં સ્વરૂપમાં રજૂ કરીને પ્રેમની ઊંચાઈને ચાર ચાંદ લગાડી દીધેલ છે.
લતા મંગેશકરના સ્વરમાં રાજા મહેંદી અલી ખાનના બોલને કે દત્તાની સ્વરબાંધણીના બહુ અલગ અંદાજમાં ગાવયેલ દામન (૧૯૫૧)નાં ગીત તિરુ લીલ્લા તિરુ લીલ્લા તિરુ લીલ્લા લા, ગાયે લતા ગાયે લતા ગા હૌલે હૌલે રેને  'દાદુ'સુમન્તભાઈએ યાદ કરેલ છે. આ ગીતના શબ્દદેહને હિંદી ગીતમાલા પર જોઈ શકાય છે.
આપણી હવે નિયમિત બની ચાલેલી પ્રથા મુજબ, આ અંકની પૂર્ણાહુતિમાં, મોહમ્મદ રફીનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોને સાંભળીએ-
સમીર ધોળકિયાએ ખય્યામ જ્યારે હજૂ 'શર્માજી' તરીકે જાણીતા હતા તે સમયનું, ફિલ્મ 'પર્દા' (૧૯૪૯)નું ગીત - એક દિલને કહા એક દિલને સુના -  યાદ કર્યું છે.
તે ઉપરાંત આજના અંકમાં જે ફિલ્મોનાં અન્ય ગીતો યાદ કરાયાં છે  તે ફિલ્મોનાં જ મોહમ્મદ રફીનાં વિસારે પડતાં ગીતોને ખોળીને  મૂક્યાં છે -
ખામોશ ક્યોં હો  તારો - લતા મંગેશકર સાથે અલિફ લૈલા (૧૯૫૩) શ્યામ સુંદર આ ફિલ્મમાં પુરુષ ગાયકનાં સૉલો ગીતો તલત મહમૂદના સ્વરમાં હતાં.
અજીબ જિંદગી હૈ યે - દૂર નહીં મંઝિલ (૧૯૭૩)- ગીત સંજીવ કુમાર પર ફિલ્માવાયું છે, પણ એ વર્ષોમાં જે બીજી ફિલ્મો આવી તેના કરતાં સંજીવ કુમાર થોડા યુવાન જણાય છે, એટલે ફિલ્મની રજૂઆત મોડેથી થઈ શકી હોય તેવું પણ બન્યું હોઈ શકે.
મોહમ્મદ રફીએ ગાયેલાં અને જ્હોની વૉકરે અભિનય કરેલાં ગીતો આમ તો એક સ્વતંત્ર પૉસ્ટનો વિષય પણ બની શકે. પરંતુ, આજે આપણે જે ગીતો સાંભળ્યાં તેમાં દુઃખ અને દર્દની જ લાગણીઓ બહુ વધારે પ્રાધાન્ય ધરાવતી રહી છે, એટલે હવે છેલ્લે મોહમ્મદ રફી - જ્હોની વૉકરનાં સંયોજનમાંથી નીપજતા  હળવા મુડનાં બે ગીતો સાંભળીએ. 
દિલ તો કિસીકો દેંગે એક સાલ (૧૯૫૭)રવિ. આ ફિલ્મમાં મોહમ્મદ રફીના સ્વરનો ઉપયોગ  તેમની આગવી લાક્ષણિકતા સમાન, બેકગ્રાઉંડ ગીત - કિસકે લિયે રુકા હૈ કિસકે લિયે રુકેગા, કરના હૈ જો ભી કર લે યે વક્ત જા રહા હૈ - માટે પણ કરાયો છે, જે ફિલ્મમાં ત્રણ અલગ અલગ પરિસ્થિતિઓમાં સાંભળવા મળે છે.
 'બ્લૅક કેટ' (૧૯૫૯)માં પણ એન દત્તાએ મોહમ્મદ રફીના સ્વરમાં જ્હોની વૉકર માટે કૌન તુઝે રોકે કૌન તુઝે ટોકે - ધ્વનિમુદ્રિત કર્યું હતું.
આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

Tuesday, March 8, 2016

મહા આર્થિકસત્તાઓ/ Super Economies : આ યાત્રાના મનોરથ સિદ્ધ થશે?



મહાઆર્થિકસત્તાઓ/ Super Economies
અમેરિકા, ભારત, ચીન અને વિશ્વનું ભાવિ
ISIN: 978-06-7008-812-6 ǁ પ્રકાશક: રૅન્ડમ હાઉસ ǁ કિંમત: રૂ. ૬૦૦/-

૧૮મી જાન્યુઆરી, ૨૦૧૬ના પ્રકાશિત થયેલ પહેલા ભાગમાં  આપણે રાઘવ બહ્‍લની ભારતની મહાઆર્થિકસત્તાપદ તરફની મંજિલ માટેની પૂર્વભૂમિકાથી અવગત થયાં હતાં. તે પછીથી બીજા ભાગમાં ૨-૨-૨૦૧૬ના રોજ, ૨૧મી સદી દરમ્યાન ભારત મહાઆર્થિકસત્તા બની શકશે કે નહીં તે માટે આંતરરાષ્ટ્રીય તખ્તાનાં પરિબળોના ૨૦મી સદીના સાનુકુળ પ્રવાહોનાં વિશ્લેષણની આપણે વાત કરી હતી.  તે પછીના ત્રીજા હપ્તામાં અમેરિકા અને ભારત વચ્ચે વ્યૂહાત્મક હિતોના સંબંધોને સ્વાભાવિકપણે સબળ કરી શકે તેવા સકારાત્મક પરિબળોની રાઘવ બહ્‍લે કરી છણાવટની સમીક્ષા કરી હતી.
પ્રસ્તુત પરિચયના આજના સમાપન હપ્તામાં આપણે રાઘવ બહ્‍લે હવે ભારતની ભવિષ્ય સંભાવનોનો તખ્તો કેવો રહી શકે તેનાં કરેલ તારણોની વાત કરીશું.

૨૦મી સદીની મૂખ્ય રાજનૈતિક અને આર્થિક ગતિવિધિઓનાં ચાલકબળ ભૂરાજનૈતિક પરિબળો હતાં. બર્લિનની દિવાલ ખસી જવા બાદ ૧૯૮૯ પછી આ પરિસ્થિતિમાં બહુ નાટકીય વળાંક આવ્યા. સદીના અંતના દાયકા સુધીમાં તો બીજાં વિશ્વ યુદ્ધ પછી જાપાને જે જાદુઈ હરણફાળ ભરી હતી તેનો પન્નો ટુંકો પડતો હોય તેમ જોવા મળતું હતું. યુરોપનાં રાષ્ટ્રોને યુરોપિયન યુનિયનની ધરીની જાદુઈ છડી કારગત નીવડતી નહોતી. એ સમયમાં ચીનમાં, અને કંઈક અંશે ભારતમાં, અમલ કરાયેલા આર્થિક સુધારાઓની ચર્ચા ચારેતરફ હતી.
૨૧મી સદીના પ્રારંભમાં જ થયેલ ૯/૧૧ના હુમલાએ ધીમે ધીમે થતા ફેરફારોની દિશા એક જ ઝાટકે જાણે ફેરવી નાખી....એ ધડાકાઓની ગુંજ પૂરી શમે તે પહેલાં તો વૈશ્વિકરણના પવનોએ પ્રભાવકારી ભૂરાજનૈતિક પરિબળોની પહેચાન બદલી નાખી હતી. એક સમયે દેશની સત્તા પર તેની લશ્કરી તાકાતની આણ પ્રવર્તતી. તેને બદલ હવે નાગરિક ચળવળો, વ્યાપારી સંસ્થાઓનાં આંતરરાષ્ટ્રીય હિતો કે બીનસરકારી સંસ્થાઓની આર્થિક, સાંસ્કૃતિક કે માનવીય પ્રવૃત્તિઓના પ્રભાવ મહત્ત્વના થતા જણાવા લાગ્યા હતા.
મહાસત્તાઓના સમયના શીતયુદ્ધના અણબનાવો અને લાગણીશૂન્યતાના તણાવને બદલે મહાઆર્થિકસત્તાના દૌરમાં, સંઘર્ષના સમયે પણ, એક અજબ પ્રકારનાં હુંફાળા પારસ્પારિક પગલાંઓ હવે પ્રતિભાશાળી 'શસ્ત્રો' બનતાં ગયાં છે. મહાઆર્થિકસત્તાના દૌરમાં, એક નાગરિકથી બીજા નાગરિક વચ્ચેના વ્યવહારો પણ મહાસત્તાના સમયના વ્યવહારો કરતાં સાવ જ જૂદા પ્રકારના થવા લાગ્યા હતા.
આ અસામાન્ય કક્ષાનું એકીકરણ મહાઆર્થિકસત્તાના યુગને મહાસત્તાના સમયથી અલગ પાડે છે. ….અને તેમ છતાં, આજની વ્યવસ્થા એક મહત્ત્વની બાબતમાં મહાસત્તાના યુગની એક મહત્ત્વની લાક્ષણિકતાનું પ્રતિબિંબ પાડે છે : રશિયા કે ચીન જેવા કેટલાક દેશો આ નવા સમયમાં પણ એક પક્ષની એકહથ્થુ સત્તાનાં જડબેસલાક નિયંત્રણો હેઠળ પણ નોંધપાત્ર વિકાસ કરતા રહ્યા છે.
વૈશ્વિક વ્યાપાર અને મહત્ત્વાકાંક્ષાઓ અને રાજકીય વિચારધારાના સંધર્ષોનું મૂળ સ્થાનક જેમ વીસમી સદીમાં યુરોપ હતું તેમ એકવીસમી સદીમાં તે સ્થાન એશિયાનું થશે. છેલ્લાં પાંચસો વર્ષમાં પહેલી વાર, વૈશ્વિક સત્તા યુરોપ કે અમેરિકામાં નહીં પણ એશિયામાંથી ઉદ્‍ભવશે.
વૈશ્વીકરણે 'શીત યુદ્ધ'ને નિરર્થક બનાવી મૂકેલ છે; લગભગ બધા જ દેશો એકબીજા સાથે આર્થિક રીતે એટલી હદ સુધી નિર્ભર છે કે કોઈ પણ વ્યાપાર ભાગીદારને અવગણવા, કે એકલો પાડી દેવા કે નિર્મૂલ કરી દેવાથી, એક યા બીજી રીતે, સમગ્ર વૈશ્વિક વ્યવસ્થાના પાયા જ હચમચાવી લેવાનું જોખમ જ સામે દેખાય. 
શીત યુદ્ધના બચ્યાખુચ્યા ટુકડાઓ મહાઅર્થિકસત્તાઓના સમયના દ્યોતક હતા તે જેમ કોઈ કલ્પી નહોતું શક્યું, તે જ રીતે આવનારાં વર્ષોમાં ભૂરાજનૈતિક ચિત્ર કેમ ખીલતું જશે તે કહેવું પણ અતિમુશ્કેલ જ છે. એકવીસમી સદીમાં વિશ્વ વ્યવસ્થાને ઊંડે સુધી અસર કરે તેવાં અનેક પરિબળોમાંથી આ પાંચ વાસ્તવમાં થશે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી જણાતી :
૧. NATO અને NAFTA જેવી પ્રશાંત મહાસાગરને સ્પર્શતા દેશોની વ્યવસ્થા એશિયાને પણ સ્થિર કરવામાં મદદરૂપ બનશે. એશિયાના લોકશાહી દેશોનું સંકલન ચીનનાં વર્ચસ્વ સામે સંતુલિત કરનારૂં પરિબળ બની રહે.
૨. ભારતનાં અર્થતંત્રનો જોમદાર વિકાસ અને પોતાની અર્થવ્યવસ્થાને સવળે પાટે ચડાવવામાં અમેરિકાની સફળતામાંથી પરિણમતા કુલ આર્થિક પ્રવાહ ચીનના અર્થતંત્રને વામણું બનાવવા માટે સક્ષમ બની શકે છે.
3. ચીન તાઈવાનને ફરીથી પોતામાં ભેળવી દેશે અને દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનું આધિપત્ય વધારે સુદૃઢ કરી શકશે
૪. અમેરિકા, ચીન અને ભારત સંયુક્તપણે ઇસ્લામ આતંકવાદ સામે એક થઇને તેને મ્હાત કરશે.
૫. ચીન લોકશાહીની નજદીક ઢળશે અને તેનાં પરિણામે વધારે ખુલ્લો સમાજ બની રહેશે.
પ્રસ્તુત પુસ્તક જ્યારે પ્રકાશિત થયું હતું ત્યારે જેટલી  પણ અભ્યાસુ સમીક્ષાઓ લખાઈ હતી તેમાં કાચબા સમાં ભારતની સામે ચીન જેવાં સસલાંની હરિફાઈ વિષે રાઘવ બહલનાં વિશ્લેષણ અને તારણોને શેખચલ્લીના ખ્યાલો ગણી કાઢવામાં પણ આવ્યા હતા. પરંતુ, સવાલ અત્યારે હવે એ નથી કે મહાઆર્થિકસત્તાની દોડમાં ભારત ક્યાં કાચું પડશે.  એ ચર્ચા તો હંમેશાં થતી જ રહી છે! થોડા ઘણા શબ્દો કે પ્રાથમિકતાઓના ફરક સિવાય, એ શિખરો સર કરવા માટે ભારતની નબળાઈઓ વિષે ચર્ચા કરવાને બદલે તેને દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની અલગ વિચારધારા ભલે ધરાવતો હોય પણ પોતે ભારતનો નાગરીક હોવાને કારણે, માત્ર એટલાં જ કારણસર પણ, એ નબળાઈઓને દુર કરી, આર્થિક, અને તેને પરિણામે સર્જાતાં સામાજિક કે માનવીય પરિણામોની સંભવિત હરણફાળ સિદ્ધ કરવામાં  પોતે જેટલું યોગદાન આપી શકે તે આપવા માટે કર્મબદ્ધ બને તે વધારે મહત્ત્વનું છે.
પુસ્તકપ્રકાશિત થયું ત્યારથી માંડીને આજ સુધીના બે વર્ષ જેટલા ગાળામાં પણ અમેરિકા કે ભારત કે ચીનના આર્થિક-રાજકીય-સામાજિક મચ પરના ખેલની ભજવણીમાં બહુ જ અણધાર્યા અને અવનવાં તત્ત્વો ભળી ચૂક્યાં છે, જેને કારણે મૂળ સ્ક્રિપ્ટને ઓળખવી પણ મુશ્કેલ થવા લાગ્યું છે. આ પ્રકારની ગતિશીલ, સંકુલ સંભાવનાઓને પહેલેથી જ પારખવાની, તેનો પડકાર બીજા દેશો કરતાં વધારે સારી રીતે ઝીલવાની પોતાની મંઝિલ ભારતે સિદ્ધ કરવાની છે. મંઝિલનો માર્ગ ખરેખર ટળવળાનારો છે. પણ જીવનમાં એક જ વાર આવી તક મળતી હોય છે તે પણ એટલું જ સાચું છે. ભારતની વર્તમાન પેઢી માટે આ કરો યા મરોની સ્થિતિ છે. જે કંઇ પ્રયાસો તે કરશે તેનાં પરિણામોથી ભારત મહાઆર્થિકસત્તા બને કે ન બને,પોતાના જ સમયમાં તેનાં ફળ ચાખવા મળે કે ન મળે, કમ સે કમ આવનારી પેઢીઓ માટે તેમણે આ મંઝિલ સિદ્ધ તો કરવી જ રહી. પોતાના ખભા પર એ જવાબદારીની ધુંસરી નંખાઈ જ ચૂકી છે, હવે તો મંઝિલને પામવી એ  જ એક, અને એક માત્ર, ધ્યેય જ આપણો જીવનમંત્ર બની રહેવો જોઈશે.