Sunday, February 11, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ફેબ્રુઆરી, ૨૦૧૮



તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો
હિંદી ફિલ્મ સંગીતનાં સુજ્ઞ રસિકજનો માટે તલત મહમૂદને યાદ કરવા માટે કોઈ ખાસ કારણ કે પ્રસંગની જરૂર ન હોય. તેમનાં ફિલ્મનાં અને ફિલ્મ સિવાયનાં મળીને ૮૦૦થી વધારે ગીતોમાંનાં મોટા ભાગનાં ગીતો તો ચાહકોના હોઠે રમ્યાં જ કરતાં રહ્યાં છે. એટલે તેમની જન્મતિથિ (૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪)ના મહિનામાં તમને ખાસ યાદ કરવા માટે માધ્યમ પણ ખાસ જ પસંદ કરવું જોઈએ.
ગયાં વર્ષથી આપણે આપણી આ શ્રેણીમાં દર ફેબ્રુઆરીમાં તેમનાં ઓછાં સાંભળવા મળતાં યુગલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં આપણે તલત મહમૂદનાં, જૂદાં જૂદાં સહગાયકો સાથેનાં, વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો સાંભળ્યાં હતાં. એ યુગલ ગીતો પૈકી તેમનાં રાજકુમારી, સુરિન્દર કૌર, સુલોચના કદમ, મીના કપૂર કે નિર્મલા દેવી સાથે તો એક એક જ યુગલ ગીત રેકોર્ડ થયાં છે. તો સામે છેડે તેમનાં યુગલ ગીતોમાં લતા મંગેશકર સાથેનાં ગીતોની સંખ્યાનો સિહફાળો રહ્યો છે. આશા ભોસલે સાથેનાં યુગલ ગીતોની સંખ્યા પણ પ્રમાણમાં ઠીક ગણાય  એટલી છે.પછી ગીતા દત્ત, શમશાદ બેગમ, સુરૈયા, મધુબાલા ઝવેરી, મુબારક બેગમ, સુધા મલ્હોત્રા જેવાં સહગાયકો સાથેનાં યુગલ ગીતોની સંખ્યા ઘટતી જાય છે. પુરુષ સહગાયકો સાથે પણ તેમનાં યુગલ ગીતો રેકોર્ડ થયેલ છે. આ ઉપરાંત તેમનાં કેટલાંક બહુ ખ્યાત તો કેટલાંક સાવ ઓછાં સાંભળવા મળતાં ત્રિપુટી કે ત્રિપુટી+ ગીતો પણ છે. આમ ઓછાં સાભળવા મળતં તલત મહમૂદનાં યુગલ ગીતોની સફર પણ ઘણી જ રસમય છે.
(ડાબેથી) મીના કપૂર, ગીતા દત્ત, તલત મહમૂદ અને વાન શિપ્લે
આજના અંકમાં આપણે તલત મહમૂદનાં એવાં યુગલ ગીતો પર કેન્દ્રીત કરીશું જેમાં તેમનો સંગાથ એ  સહકલાકારો સાથે  ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં થયેલો છે.
પુરવાઈ પવન લહરાયે - તુમ ઔર મૈં (૧૯૪૭) - સુપ્રવા સરકાર સાથે – સંગીતકાર: રોબિન બેનર્જી – ગીતકાર: ઝાકીર હુસૈન
સુપ્રવા સરકાર સાથે તલત મહમૂદનાં યુગલ ગીતો ૧૯૪૯ સુધી બીજી એક બે ફિલ્મોમાં પણ જોવા મળ્યાં છે. આ બધી ફિલ્મોના સંગીતકાર કોઈને કોઈ બંગાળી સંગીતકાર જ હતા. આમ થવા પાછળનું કારણ તલત મહમૂદના કલકત્તાના તાજા રહેવાસની અસર હોઈ શકે
દિલ મેરા તેરા દિવાના - અપની ઇઝ્ઝત (૧૯૫૨) - મધુબાલા ઝવેરી સાથે – સંગીતકાર: હંસરા બહલ – ગીતકાર: પંડિત ફણિ 
૧૯૫૧થી ૧૯૫૮ સુધીની સક્રિય કારકીર્દીમાં મધુબાલા ઝવેરીએ ૫૫ હિંદી, ૨૭ મરાઠી અને ૩ ગુજરાતી ફિલ્મોમાં ૧૧૦ જેટલાં ગીતો ગાયાં છે. તેમનું પહેલવહેલું ગીત પણ તલત મહમૂદ સાથેનું જ યુગલ ગીત - તુમ કૌન હો રાજકુમારી યે ચંદા સા મુખડા ઈધર તો કરો (રાજપૂત, ૧૯૫૧)- પણ હંસરાજ બહલનું જ રચેલું હતું. એ સમયે મધુબાલા ઝવેરી ૧૬ જ વર્ષનાં હતાં.

ઘિર ઘિર આયે બદરવા કારે - ડાક બાબુ (૧૯૫૪)- મુબારક બેગમ સાથે – સંગીતકાર: ધનીરામ – ગીતકાર: પ્રેમ ધવન
સ્વરની કુદરતી કક્ષાના બે અંતિમ કહી શકાય એવા આ બે સ્વરો પણ યુગલ ગીતમાં હંમેશાં કમાલની હદે એકસ્વર બની રહેતા આવ્યા હતા. આ બેલડીને નામે સંખ્યામાં 'ઘણાં' ગીતો ભલે નથી, પણ તેમનાં 'ઘણાં' યુગલ ગીતો ખૂબ જ લોકપ્રિય પણ થયાં હતાં એ વાત બેશક છે. જો કે આ વાત એક અલગ પૉસ્ટનો વિષય છે, જે ભવિષ્યના આ શ્રેણીના અંકોમાં ચર્ચીશું.
ગીતને પર્દા પર પણ તલત મહમૂદે જ અભિનિત કર્યું હશે.
યુટ્યુબ પર ગીતનાં બે વર્ઝન સાંભળવા મળે છે. એક વર્ઝન તો પધ્ધતિસરનું યુગલ ગીત જ છે, જેમાં મુબારક બેગમ તલત મહમૂદની બરાબ્બર સંગત કરે છે. 
પરંતુ આ બીજું વર્ઝન છે જેમાં તલત મહમૂદ લગભગ સૉલો જ ગાતા જણાય છે!

જબ યહાં સે જાઉંગા મૈં ઔર ક્યા લે જાઉંગા - હાતિમતાઈકી બેટી - એસ બલબીર સાથે – સંગીતકાર: અલા રખા (એ આર) ક઼ુરેશી ગીતકાર: શેવાન રિઝ્વી
તલત મહમૂદને ફાળે નિર્ભેળ હળવાં ગીતો બહુ ઓછાં આવ્યાં સાંભળ્યાં છે. તળ પંજાબી લહેકાનાં આ ગીતમાં તલત મહમૂદ પણ બલબીર સાથે ખીલે છે.
એક બાર તો મિલ લો ગલે બીછડ હમ ચલે ન કોઈ ફરિયાદ રહે  -અંધેરી નગરી ચૌપટ રાજા (૧૯૫૫)- સુધા મલ્હોત્રા સાથે – સંગીતકાર: અવિનાશ વ્યાસ – ગીતકાર: ભરત વ્યાસ
લતા મંગેશકર બહેનોના ઝળહળતા ચંદ્રપ્રકાશમાં જે સિતારાઓના પ્રકાશ ઝંખવાઈ ગયાં તેમાં સુધા મલ્હોત્રા પણ હતાં. તલત મહમૂદના સ્વરની માર્દવતાને પૂરેપૂરી રીતે સંગત કરે એવો સુધા મલ્હોત્રાનો સ્વર પણ આ યુગલ ગીતને એક અનેરી મધુરપ બક્ષે છે.
મૈં હૂં અલીબાબા - ચાર ચાંદ (૧૯૫૩) - આશા પ્રેમલતા સાથે – સંગીતકાર: (શૌકત દહેલ્વી) નાશાદ – ગીતકાર: એ કરીમ
એકદમ હળવા મૂડનાં નૂત્ય ગીતમાં પણ તલત મહમૂદ પાછા નથી પડ્યા. તલત મહમૂદના ગીતોના જાણકાર ચાહક શ્રોતા મિત્રોને આ ગીત યાદ કરવું મુશ્કેલ ન લાગવું જોઈએ. હા, સહગાયકની ખબર ન હોય એ બનવાજોગ છે. 

તૂમ પે ક઼ુરબાન દિલ તૂમ પે સદકે નઝર - સખી લૂટેરા (૧૯૫) - ઉષા બલસાવર સાથે - સંગીતકાર: બી એન બાલી  ગીતકાર: અઝીઝ ઘાઝી
સાવ 'અજાણ' સહગાયક, 'અજાણ' સંગીતકાર 'સી' વર્ગની 'અજાણ ફિલ્મ પરંતુ હળવા મિજાજનું સાંભળવું ગમે એવું ગીત ! 
મેરે શરીક-એ-સહર - વલી-એ-આઝમ (૧૯૬૫)- હેમલતા સાથે – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: અહમદ વાસી 
કેટલાક સંદર્ભોમાં આ ગીત તલત મહમૂદે ગાયેલં અંતિમ ફિલ્મી ગીત દર્શાવાયું છે.  'જહાંઆરા'નાં ગીતો બાદ તેમને મળેલી પુનઃલોકપ્રિયતા છતાં પણ તાણાતાણ નાણાંની ફાળવણીવાળી આવી ફિલ્મ માટે પણ આવું ધર્મભાવનું ગીત ગાવાનું તલત મહમૂદે કોઈ જ ખચકાટ વગર સ્વીકાર્યું હશે.  

એક રસપ્રદ આડવાત
તલત મહમૂદની તેમના પુત્ર દ્વારા સંચાલિત વેબસાઈટ પર તલત મહમૂદના હસ્તાક્ષરમાં લખાયેલ આ ગીતની તેમણે ઉર્દૂમાં લખેલ નોંધ છે. ગીતનાં રેકોર્ડીંગ સમયે તેમણે સંગીતકાર ચિત્રગુપ્તનાં લેટરહેડ પર ગીતના શબ્દો લખી રાખ્યા છે.


તલત મહમૂદનાં ગીતો પરનો કોઈ પણ ઉલ્લેખ તેમનાં ગૈર-ફિલ્મી ગીતોના ઉલ્લેખ વગર અધૂરો જ ગણાય. જોકે આ વિષય આમ એક પૂરા લેખનો જ વિષય છે, પરંતુ આજના વિષય પૂરતો એટલો જ પ્રસ્તુત પણ છે.
વો જો રૂઠે તો મનાના ચાહિયે - ગૈરફિલ્મી (૧૯૬૯) - મૂકેશ સાથે – સંગીતકાર: મુરલી મનોહર સ્વરૂપ = ગીતકાર: જીગર મુરાદાવાદી / મિર્ઝા ગ઼ાલિબ
તલત મહમૂદ અને મૂકે ફિલ્મ ગીતોની સંગત બાબતે 'પગલે' બિવી ઔર મકાન, લવ એન્ડ ગૉડ' જેવી ફિલ્મોમાં ત્રિપુટી+ ગીતોમાં સંગાથે થયા હોય એવા જ પુરાવા જોવા મળે છે. તેમની યુગલ સંગત તો આવાં થોડા ગૈરફિલ્મી ગીતોમાં જ થઇ લાગે છે.

ઉપર જેનો સંદર્ભ ટાંક્યો છે તલત મહમૂદ પરની સાઈટ પર અહી રજૂ કરેલ ગીતો સિવાય, આજના વિષયને અનુરૂપ,  અન્ય બે ગીતો પણ જણાવે છે. કમનસીબે એ ગીતોની ઑડીયો સૉફ્ટ લિંક નથી મળી. એ ગીતો છે:

  • અબ મુશ્કિલ હો ફિર સે મિલના ભૂલ જાઓ તો અચ્છા હૈ - સાયા - આશિમા બેનર્જી સાથે - સંગીતકાર: રામ ગાંગુલી - ગીતકાર: વર્મા મલિક
  • ઔરોંકે લિયે - ટેક્ષી ૫૫૫ - અજાણ સ્ત્રી સ્વર સાથે – સંગીતકાર: સરદાર મલિક

આપણે આ શ્રેણીના દરેક અંકનો અંત મોહમ્મદ રફીનાં વિસારે પડતાં ગીતથી કરતાં હોઈએ છીએ. આજના અંક માટે એ માટે આપણે તલત મહમૂદ અને મોહમ્મદ રફીનું યુગલ ગીત પસંદ કરીએ તો જ તે શક્ય છે. મજાની વાત એ છે કે આ બંનેએ ગાયેલાં મોટા ભાગનાં યુગલ ગીતો તો બહુ જ જાણીતાં થયાં હતાં અને હજૂ આજે પણ તાજાં જ ગણી શકાય એવાં છે. દરેક નિયમને અપવાદ હોય એમ એક એવું યુગલ ગીત મળી આવ્યું છે, જે (કમસે કમ મેં) સાંભળેલું નથી.
ભર ભી દે જોલી અલ્લાહ નામ - લૈલા મજનૂ (૧૯૫૩) - મોહમ્મદ રફી સાથે સંગીતકાર: ગુલામ મોહમ્મદ – ગીતકાર: શકીલ બદાયુની
આ ફિલ્મમાં હીરો શમ્મી કપૂર છે, પણ ફિલ્મ 'તુમસા નહીં દેખા' પહેલાનાં સમય કાળની છે, જ્યારે શમ્મી કપૂરનો પાર્શ્વ અવાજ હજૂ તલત મહમૂ હતા. પ્ર્સ્તુત ગીતનો મુખડો અને પહેલો અંતરો ફકીરોનાં પાત્રો પાસે પર્દા પર ગવડાવાયો છે. બીજો અંતરો 'જામ-એ-તમન્ના જલવા દિખા દે' પરદા પર શરૂ કરે છે શમ્મી કપૂર અને તેમના અવાજ તરીકે તલત મહમૂ સ્વર સંભાળી લે છે.

 આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.

Thursday, February 8, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: મને સૌથી વધારે પસંદ પડેલા સંગીતકારો

૧૯૫૫થી વર્તમાન ચર્ચાનાં ૧૯૪૮નાં વર્ષ સુધી ગીતોની છ વર્ષ દરમ્યાન ચર્ચામાં ભાગ લેવામાં જ્યારે સંગીતકારની પસંદગીની વાત આવી છે ત્યારે દરેક ઉતરતાં વર્ષમાં મને એ કામ કઠીન થતું જણાતું ગયું છે. આમ થવાનું એક મુખ્ય કારણ મને એ લાગ્યું છે કે જેમ જેમ વર્ષ પાછળ જવા લાગ્યાં તેમ તેમ એ સમયની મોટા ભાગની ફિલ્મો સાથેનો મારો સીધો પરિચય પાતળો થતો ગયો. તે કારણે ફિલ્મનાં ગીતોની રચના વાર્તાના કયા સંદર્ભમાં થઈ છે, એ સંદર્ભ અને ગીતની ધુનની રચના કેટલી હદે સુસંગત છે, ફિલ્મ કેટલી પ્રચલિત થઈ તેમ જ તેનાં કયાં ગીતો કેટલાં પ્રચલિત થયાં હશે એ બધી બાબતો વિષે મારી જાણકારી પણ ઘટતી ગઈ. ઇન્ટરનેટ પર મોટા ભાગનાં ગીતોની ઉપલ્બધિને કારણે અહીં ચર્ચાની એરણે લીધેલાં ગીતોને ધારીએ એટલી વાર સાંભળીને તે ગીત આજે પણ પસંદ છે કે કેમ તે નક્કી કરવું મુશ્કેલ નહોતું પડતું. પરંતુ માત્ર મને કોઈ ગીત ગમ્યું કે ન ગમ્યું એટલાં જ કારણસર કોઈ સંગીતકારનું એ ફિલ્મમાં સંગીત કેટલું સારૂ છે કે નહીં એ નક્કી કરવું ઊચિત તો ન જ ગણી શકાય.


મને ગમતા સંગીતકારો વિષે શક્ય એટલાં જૂદાં પાસાંઓને આવરી લેવાના પ્રયાસો કરવા છતાં મારી પસંદગી ખૂબ જ મર્યાદીત માપદંડો પર જ આધારીત રહી છે એ વાતનો ફરી એક વાર હું સ્વીકાર કરીશ.


છેલ્લી કેટલાંક વર્ષોની ચર્ચામાં આપણે સૌથી પ્રથમ વિચાર સોંગ્સ ઑફ યોર પર જે તે વર્ષની ચર્ચાના ઉપાડની શરૂઆતમાં જે છ ફિલ્મોને રજૂ કરવામાં આવી છે તેનાથી શરૂ કરેલ છે. ૧૦૪૮નાં વર્ષની આ છ ફિલ્મોમાં 'મેલા' અને 'અનોખી અદા'ના સંગીતકાર નૌશાદ છે જ્યારે અનિલ બિશ્વાસ (અનોખા પ્યાર), સી રામચંદ્ર (નદીયાકે પાર), ગુલામ હૈદર (શહીદ) અને રામ ગાંગુલી (આગ) એક એક ફિલ્મોનાં સંગીતકાર તરીકે આગળ તરી આવે છે.

એ પછી ૧૯૪૮નાં ગીતોની ચર્ચામાં આવરી લીધેલાં પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતો પર સંગીતકારની દૃષ્ટિએ એક વધારે નજર કરી. એમાંથી એવું ફલિત થતું જણાય કે નૌશાદનાં 'મેલા' અને 'અનોખી અદા'નાં ગીતો, અનિલ બિશ્વાસનાં 'અનોખા પ્યાર', 'ગજરે' અને 'વીણા'નાં ગીતો, સી રામંચંદ્રનાં 'નદીયાકે પાર' અને 'ખીડકી'નાં ગીતો, હુસ્નલાલ ભગતરામનાં 'પ્યારકી જીત'નાં ગીતો, ગુલામ હૈદરનાં 'શહીદ'નાં ગીતો, ઘણે અંશે રામ ગાંગુલીનાં 'આગ' કે ખેમચંદ પ્રકાશનાં 'ઝીદ્દી'નાં ગીતો બીજાં ઘણાં ગીતોમાં જૂદાં તરી આવતાં હતાં. આ ઉપરાંત 'ગૃહસ્થી' કે 'પઘડી'માં ગુલામ મોહમ્મદનાં કે 'એક્ટ્રેસ'માં શ્યામ સુંદરનાં ગીતો પણ ધ્યાન ખેંચે છે. આ બધાં ગીતોની સમ્ગીત રચના '૫૦ પછીના દાયકામાં પ્રચલિત થયેલ સંગીત રચના સાથે વધારે નજદીક હતી કે મોટા ભાગે એ ગીતો પણ '૫૦ અને તે પછીના ના દાયકામાં વધારે સાંભળવા મળેલ ગાયકોએ ગાયેલાં હતાં એ અસરની અહીં નોંધ લેવી ઘટે.

આટલી વિહંગાલોકન વિચારણાને વધારે તાર્કીક નજરે નજદીકથી જોવા આપણે પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતોના વિભાગમાં મને ગમેલાં ગીતોમાં આ સંગીતકારોનો ફાળો કેટલો રહ્યો તેની ગણત્રી કરીએ:
સંગીતકાર
પુરુષ સૉલો ગીતો 
સ્ત્રી સૉલો ગીતો
યુગલ ગીતો
કુલ ગીતો 
  SoYની ચર્ચાઓમાંનાં કુલ ગીતો
હંસરાજ બહલ



હુસ્નલાલ ભગતરામ

નૌશાદ
૧૦
રામ ગાંગુલી
2
અનિલ બિશ્વાસ
3
1
એસ ડી બર્મન
1
ખેમચંદ પ્રકાશ
ગુલામ હૈદર

અવિનાશ વ્યાસ



સી રામચંદ્ર

સ્નેહલ ભાટકર


1
આ આંકડાઓ પૈકી કુલ ગીતોની સંખ્યાને ઉતરતા ક્રમમાં મૂકીને જોઈએ તો અનિલ બિશ્વાસને ફાળે સૌથી વધુ જણાય છે. તે પછી નૌશાદ અને તે પછીનાં સ્થાન પર હુસ્નલાલ ભગતરામ, એસ ડી બર્મન, ખેમચંદ પ્રકાશ અને રામ ગાંગુલી એક સરખા ઉતરે છે, જે પછી ગુલામ હૈદર અને સી રામચંદ્ર એક સરખા ઉતર્યા છે.
આંકડાઓની આ સાદી સરખામણીની પાર જોઈશું તો એક વાત ખાસ ધ્યાન પર આવશે કે 'શહીદ"માં ગુલામ હૈદરે કે 'નદીયાકે પાર'માં સી રામચંદ્રએ એ સમયની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી કામીની કૌશલ માટે પ્રમાણમાં ઓછાં જાણીતા કહી શકાયે એવાં પાર્શ્વગાયકો સુરિન્દર કૌર કે લલિતા દેઉલકરના સ્વરને અજમાવ્યા છે. અને, તેમ છતાં, એ ગીતો પણ એટલાં જ અસરકારક રહ્યાં હતાં અને વિવેચકો તેમ જ સામાન્ય શ્રોતામાં એટલાં જ પ્રચલિત થયાં હતાં.
સોંગ્સ ઑફ યોરના તારણ લેખ Best songs of 1948: Final Wrap Up 4  પર આવી જ કસોટીને અખત્યાર કરવામાં આવી છે. તેમાં નક્કી થયેલ કુલ ગીતોની સંખ્યા ઉપરનાં કોષ્ટકનાં છેલ્લાં કોલમમાં રજૂ કરેલ છે. એ આંકડાઓ અનુસાર સોંગ્સ ઑફ યોર નૌશાદને ૧૯૪૮નાં વર્ષના શ્રેષ્ઠ સંગીતકાર તરીકે બીરદાવે છે.

હવે પછી - મોટા ભાગે ૧૯૪૭નાં વર્ષનાં ગીતો -ની ચર્ચા સોંગ્સ ઑફ યોર પર શરૂ થાય ત્યારે આપણી ચર્ચાને એરણે ગીતોને ચડાવવા માટે આપની હાજરી પણ હશે એ અપેક્ષા સાથે.....૧૯૪૮નાં ગીતોની ચર્ચા પૂરી કરીએ છીએ.
પાદ નોંધઃ
૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફરને એક સાથે માણવા માટે ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો   પર ક્લિક કરશો
 

Sunday, February 4, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: મને સૌથી વધુ ગમેલાં યુગલ ગીતો



હિંદી ફિલ્મનાં ગીતોમાં મારો લગાવ કંઈક અંશે યુગલ ગીતો તરફ વધારે રહ્યો છે. હિંદી ફિલ્મનાં ગીતોમાં મારો લગાવ કંઈક અંશે યુગલ ગીતો તરફ વધારે રહ્યો છે. તેથી ૧૯૪૮નાં યુગલ ગીતોમાંથી અત્યાર સુધી રેડિઓ કે રેકોર્ડ્સ કે કેસેટ્સ કે સીડી કે ઈન્ટરનેટ જેવાં માધ્યમો થકી જે ગીતો વધારે સાંભળવા મળતાં રહ્યાં છે તેવાં ગીતો પૂરતી જ મારી પસંદગી મર્યાદિત ન રાખવા માટે બને તેટલાં વધારે ગીતોની પહેલે તબક્કે પસંદગી કરી અને તેમને બે ત્રણ વાર સાંભળીને તેમાંથી ખરેખર કોઈ ગીત વધારે ગમી જાય એવું જણાય તો આ યાદીમાં સમાવવું તેવો મેં સભાન પ્રયાસ પણ કર્યો છે.
જે ગીતોને પહેલવહેલી વખત સાંભાળવાની તક મળી છે એ પૈકી કેટલાંક ગીતો ખરેખર ફરી ફરી સાંભળવા ગમે એવાં પણ લાગ્યાં, પણ આ યાદીમાં તો એમાનું એક જ ગીત સ્થાન મેળવી શક્યું. ગીતની યાદી જોતાંવેંત એ ગીત અલગ જ પડી આવશે એમ મને ચોક્કસ લાગે છે એટલે અહીં તેનો અલગથી ઉલ્લેખ નથી કર્યો.
પસંદગીની મારી મર્યાદાઓને આધીન, ૧૯૪૮નાં મને વધારે ગમેલાં યુગલ ગીતો, કોઈ નિશ્ચિત ક્રમમાં ગોઠવ્યા વિના, સાદર રજૂ કરું છું:
મૂકેશ + લતા મંગેશકર - અબ યાદ ન કર ભૂલ જા અય દિલ વો ફસાના - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - શમ્સ અઝીમાબાદી
તેમ જ તેનું મીના કપૂર સાથે બીજું વર્ઝન - અબ યાદ ના કર ભૂલ જા દિલ વો ફસાના -પણ
મૂકેશ + શમશાદ બેગમ - ધરતી કો આકાશ પુકારે આજા આજા પ્રેમ દ્વારે - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
મૂકેશ + સુરૈયા - લાયી ખુશીયોંકી દુનિયા હંસતી હુઈ જવાની - વિદ્યા - એસ ડી બર્મન - અન્જુમ પીલીભીતી
મોહમ્મદ રફી + લલિતા દેઉલકર - મોરે રાજા હો લે ચલ નદીયા કે પાર  - નદીયા કે પાર - સી રામચંદ્ર  - મોતી બી એ
શમશાદ બેગમ + સુરેન્દ્ર - ક્યું તુમ્હેં દિલ દિયા, હાયે યે ક્યા કિયા - અનોખી અદા - નૌશાદ - શકીલ બદાયુની
શમશાદ બેગમ + શૈલેશ - કહીં કા દીપક કહીં કી બાતી આજ બને હૈ જીવનસાથી - આગ -રામ ગાંગુલી - સરસ્વતી કુમાર દીપક
શમશાદ બેગમ + ગીતા રોય - મેરી ધડકનોમેં સખી કૌન સમાયા - સુહાગ રાત - સ્નેહલ - કેદાર શર્મા
મોહમ્મદ રફી, ખાન મસ્તાના, સાથીઓ - વતનકી રાહમેં વતનકે નૌજવાં શહીદ હો -શહીદ - ગુલામ હૈદર - રાજા મહેંદી અલી ખાન 
જો બહું સીધાં જ દેખીતાં ગીતથી આગળ મારે પસંદગી કરવાની હોય, કે અન્ય કોઈ પણ માપદંડ લગાડવા કોશીશ કરવાની હોય, ૧૯૪૮નું મને સૌથી વધારે પસંદ પડેલ યુગલ ગીત તરીકે મારી મહોર તો વતનકી રાહમેં વતનકે નૌજવાં શહીદ હો (શહીદ - મોહમ્મદ રફી, ખાન મસ્તાના, સાથીઓ - ગુલામ હૈદર - રાજા મહેંદી અલી ખાન)  પર જ લાગે.
પરંપરાગત પુરુષ-સ્ત્રી યુગલ ગીતને પસંદ કરવાની જ શરત લાગુ કરીએ તો હું ક્યું તુમ્હેં દિલ દિયા, હાયે યે ક્યા કિયા (અનોખી અદા - શમશાદ બેગમ + સુરેન્દ્ર - નૌશાદ - શકીલ બદાયુની) ને પણ ઉમેરૂં.
Best songs of 1948: Wrap Up 3માં વિષદ છણાવટ પછી, સોંગ્સ ઑફ યોર પણ શ્રેષ્ઠ યુગલ ગીત તરીકે ક્યું તુમ્હેં દિલ દિયા, હાયે યે ક્યા કિયાને પસંદ કરે છે.

હવે પછીના અંકમાં  'મને સૌથી વધારે પસંદ પડેલા (વર્ષ ૧૯૪૮ માટેના) સંગીતકારો' અહીં રજૂ કરીને આપણે ૧૯૪૮નાં ગીતોની ચર્ચાનું સમાપન કરીશું.

પાદ નોંધઃ '૧૯૪૮નાં યુગલ ગીતો' પર ક્લિક કરવાથી બધી  જ પૉસ્ટ્સમાં રજૂ કરાયેલાં ૧૯૪૮નાં યુગલ ગીતો એક જગ્યાએથી મેળવી શકાશે.