Sunday, March 11, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : માર્ચ, ૨૦૧૮



એસ એન ત્રિપાઠી - જેટલા યાદ તેનાથી વધારે વિસરાયેલા - ૧૯૫૧ થી ૧૯૫૬
'૫૦-'૬૦ના દાયકનાં હિંદી ફિલ્મ સંગીતનાં ઘણાં ચાહકો મારી સાથે સંમત થશે કે એસ એન ત્રિપાઠી (૧૪ માર્ચ, ૧૯૧૩-૨૮ માર્ચ, ૧૯૮૮)ને વિસરાયેલા કહેવા એ માત્ર તેમને જ નહીં, પણ ફિલ્મ સંગીતના ચાહકોની ચાહતનું અપમાન કરવા જેવું કહી શકાય. તેમની કારકીર્દી દરમ્યાન ૨૫૦ જેટલી ફિલ્મોમાં તેંમણે સંગીત આપ્યું, ૨૦૦ જેટલી ફિલ્મોમાં અભિનય પણ કર્યો, ૩૭ જેટલી ફિલ્મોની પટકથા લખી અને ૩૯ જેટલી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું એ હકીકત સારી રીતે દસ્તાવેજિત થયેલ છે અને તેમના ચાહકોને સુવિદિત પણ છે. આંકડાઓ માત્ર તેમને માત્ર ધાર્મિક કે ઐતિહાસિક વિષયોની (તથાકથિત) બી/સી ગ્રેડની ફિલ્મોના સંગીતકાર તરીકે ભલે યાદ રાખે, પણ તેમના ચાહકોને જરૂર યાદ છે કે ફિલ્મની કક્ષા કે વિષય કે બજેટને કારણે તેમણે પોતાના સંગીતની ગુણવત્તા સાથે ક્યારે પણ બાંધછોડ નથી કરી. બીજા જાણીતા કહી શકાય એવા સંગીતકારોનાં આજે યાદ કરતાં ગીતો જેટલાં જ યાદ કરાતાં તેમનાં ગીતો આ જ કક્ષાની ફિલ્મોનાં છે એ હકીકકત પણ આપણને યાદ છે.

હા, આજે પણ યાદ કરાતાં તેમનાં ગીતો કરતાં તેમનાં વિસારે પડેલાં ગીતોની સંખ્યા જરૂર વધારે હશે, પણ ઇન્ટરનેટ જેવાં માધ્યમો પર તેમનાં ગીતોની યાદ તાજી કરાવનારા અનેક ચાહકો આજે પણ મોજૂદ છે.
તેમનાં વિસારે પડેલાં ગીતોને એક જ સ્થળે લાવવાના ઉપક્રમના ભાગ રૂપે આપણે ૧૯૪૧થી ૧૯૫૦નાં કેટલાંક ગીતો માર્ચ, ૨૦૧૭ના અંકમાં સાંભળ્યાં હતાં. આજે ૧૯૫૧થી ૧૯૫૬નાં કેટલાંક વિસારે પડેલ ગીતોને યાદ કરીશું. આજા અંક માટેનાં ગીતોને પસંદ કરવામાં શક્ય એટલાં વધારે ગાયકોનાં ગીતો આવરી લઈ શકાય એ આશયને વધારે મહત્ત્વ આપેલ છે.
ક્યું રૂઠ ગયે મુઝસે - હનૌમાન પાતાલ વિજય (૧૯૫૧) - ગીતા દત્ત – ગીતકાર: અન્જુમ જયપુરી (ઉપલબ્ધ માહીતીના આધારે)
ફિલ્મનો વિષય કંઈ પણ હોય, પરંતુ એસ એન ત્રિપાઠી દરેક ગાયકના સ્વરની ખૂબીઓને નિખારવામાં સફળ રહેતા હતા એ વાતની પૂર્તિ કરતું હોય તેવાં આ ગીતમાં ગીતા દત્તના સ્વરની બારીકીઓ માર્મિક સ્વરૂપે ઊભરતી સાંભળવા મળે છે.

આડવાત
અહીંથી શરૂ કરીને, એસ એન ત્રિપાઠીએ પરદા પર હનુમાનનું પાત્ર અનેક વાર અભિનિત કરેલ.


આજ અચાનક જાગ ઊઠે ક્યું હોઠોં પે ગીત,
શાયદ મનમેં જાગ ઊઠી હૈ ચંચલ પંખ ઔર પ્રીત,
કૈસે જાન ગયી યે અખીયાં શર્માને કી રીત
ધીરે ધીરે ગોરી તેરા બચપન રહા હૈ બીત લક્ષ્મી નારાયણ (૧૯૫૧) - ગીતા દત્ત, સુલોચના કદમ – ગીતકાર: બી ડી મિશ્રા
મીના કુમારી માટે ગીતા દત્તની ગાયન શૈલી અને તેની સખીઓ માટે સુલોચના કદમની ગાયન શૈલી દ્વારા ગીતના શબ્દોના ભાવને જીવંત કરી મૂકવાની એસ એન ત્રિપાઠીની કળા અહીં સ્પષ્ટપણે અનુભવી શકાય છે.
મીના કુમારીને વાસ્તવિક જીવનમાં તારૂણ્ય અને યુવાનીના ઉંબરે દૃષ્ટિગોચર થતાં જોવાં એ પણ એક અનેરો લ્હાવો છે. 

હૈ મેરા નામ રમઝાની - અલીબાબા ઔર જાદુઈ ચિરાગ (૧૯૫૨) - ચિત્રગુપ્ત, શમશાદ બેગમ – ગીતકાર: શ્યામ હિન્દી
એસ એન ત્રિપાથી 'અલીબાબા' વિષય પરની ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું જેમ તેમના આ ફિલ્મમાં સહાયક ચિત્રગુપ્તે 'સિંદબાદ' વિષય પરની ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું. આ પ્રકારની ફિલ્મોના વિષયની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પશ્ચાદભૂ સાથે સુસંગત સંગીત રચનાઓ સર્જન કરવામાં પણ એસ એન ત્રિપાઠીની બહુવિધ પ્રતિભા છતી થાય છે. 

છાઈ બિરહાકી રાત મોરા તડપે જિયા, મોસે રૂઠે પિયા કોઈ મનકા સહારા નહી - નવ દુર્ગા (૧૯૫૩) - ગીતા દત્ત – ગીતકાર: અન્જુમ જયપુરી (ઉપલબ્ધ માહિતી અનુસાર)
ફિલ્મનું નામ કે ગીતના બોલ વાંચીને આ ગીત તો બહુ જાણીતું ગીત છે એવો ખ્યાલ જલદી ન આવે ! 

દેખોજી ચાંદ નીકલા પીછે ખજૂર કે, બસરે કી હૂર નાચે આગે હૂઝૂર કે - અલીબાબા ઔર ચાલીસ ચોર (૧૯૫૪) - અશા ભોસલે – ગીતકાર:  રાજા મહેંદી અલી ખાન
ગીત માટેના સેટ્સ વિષયના ભૂસાંસ્કૃતિક ચિતારને રજૂ કરવામાં જેટલી હદે સફળ થય એ કરતાં ગીતની સંગીત રચના વધારે અસરકારક જણાય છે. 

જ઼રા ઠહેરો મૈં હાલ-એ-દિલ સુના લું ફિર ચલે જાના - ઈનામ (૧૯૫૫)- સુરૈયા – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

ઉપલબ્ધ માહિતી પ્રમાણે ફિલ્મનું એક ગીત સરસ્વતી દેવીએ સ્વરબધ્ધ કરેલ છે. આમ થવા પાછળનાં કારણો શું હશે તે તો જાણી નથી શકાયું, પણ આ હકીકતને એસ એન ત્રિપાઠીએ પોતાની કારકીર્દી સરસ્વતી દેવીના સહાયક તરીકે શરૂ કરેલી એ વાત સાથે સંબંધ હશે એમ તો માની શકાય. 

૧૯૫૬માં એસ એન ત્રિપાઠીએ સંગીતબધ્ધ કરેલ ૫ ફિલ્મો રજૂ થઈ  હતી.
મેહફિલમેં કૈસી છમ છમ, કિસકા હૈ યે તરાના, ઓ બેખબર તેરે સિવા સારા જહાં જાને - દિલ્લી દરબાર (૧૯૫૬)- ગીતકાર: શૈલેન્દ્ર
આ ફિલ્મમાં શૈલેન્દ્ર સાથે હસરત જયપુરીએ પણ ગીતો લખ્યાં છે. શંકર જયકિશન સિવાય અન્ય કેટલા સંગીતકારો સાથે આ બન્ને ગીતકારોએ સાથે કામ કર્યું હશે એ શોધી કાઢવું રસપ્રદ રહેવું બની રહેશે.

નખરે કરતી ડરતી નખરે કરતી ડરતી ગયી થી મૈં બાઝાર - હાતીમતાઈ (૧૯૫૬) - મિસ્ટર શેખ  ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
આ ફિલ્મનું તો નામ પણ મોટા ભાગને ખબર હશે, પણ એનું કારણ છે 'પરવરદિગાર-એ-આલમ તેરા હી હૈ સહારા, તેરે સિવા જહાંમેં કોઈ નહીં હમારા ' અને 'ઝૂમતી હૈ નઝર ઝૂમતા હૈ પ્યાર, યે નઝર છીન કર લે ગઈ ક઼રાર' જેવાં ગીતોની સદાબહાર લોકચાહના.
એમ કહેવાય છે કે 'હાતીમતાઈ' જ્યારે પહેલી વાતર હૈદ્રાબાદમાં રજૂ થઈ ત્યારે નિઝામ પણ એ ફિલ્મ સિનેમાગૃહમાં જોવા ગયા હતા. 'પરવરદિગાર-એ-આલમ' ગીતના ભાવમાં એ એટલા અભિભૂત થઈ ગયા હતા કે એમણે ઉપરાઉપરી ૧૪ વખત એ રીલ જોઈ હતી.
એક બાજૂ પરવરદિગારની બંદગી છે, બીજી બાજૂ શુધ્ધ નિર્મળ પ્રેમની અભિવ્યક્તિ છે તો પ્રસ્તુત ગીતની જેમ એ સમયના પરિવેશની હળવી પ્રસ્તુતિ પણ એસ એન ત્રિપાઠી  બહુ સહેલાઈથી પેશ કરી શકે છે.  

ડર ક્યા હૈ તૂફાન કા, લેકે નામ ભગવાન કા, દાંવ લગા દે જાન કા - પન્ના (૧૯૫૬) - સુમન કલ્યાણપુર, મુહમ્મ્દ રફી – ગીતકાર: બી ડી મિશ્રા 
ફિલ્મનો વિષય કોઈ ઐતિહાસિક ઘટના હશે જેમાં યુધ્ધ પૂર્વે સૈન્યને જોશ પૂરૂં પાડવાનો ગીતનો હેતુ છે  તે તો ગીતની ધુન અને વાદ્યસજ્જા પરથી જ ખયાલ આવી જાય છે.

તેરે સંગ પ્રીત કિયે બડા દુઃખ હોયે  - રાજરાની મીરા (૧૯૫૬) - લતા મંગેશકર – ગીતકાર: બી ડી મિશ્રા
ભજન સાંભળતાંની સાથે આ પછી રજૂ થયેલી જનક જનક પાયલ બાજે, કે મીરા કે સિલસિલામાં જો તુમ તો ડો પિયા મૈં નહીં તોડું રે'નાં વિવિધ સ્વરૂપ યાદ આવી જાય તો નવાઈ પામવા જેવું નથી, કેમકે આ બધી રચનાઓ મૂળે રાગ ભૈરવી પર આધારિત છે. 

વો દેખો ઉધર ચાંદ નિકલા ગગન મેં ઈધર આ ગયી ચાંદની મુસ્કરાતી, બહારોકી યે રંગીન મુસ્કરાહટ, દિલોમેં ઉમંગો કી દુનિયા બસાતી - રૂપ કુમારી (૧૯૫૬) = ગીતા દત્ત, મન્ના ડે – ગીતકાર: બી ડી મિશ્રા
ફિલ્મનો વિષય તો કોઈ ઐતિહાસિક ઘટના જ હશે, પણ નિર્ભેળ રોમાંસનું યુગલ ગીત રચવાની તક મળતાં જ એસ એન ત્રિપાઠીએ વૉલ્ઝની લયને કેટલી સરળતાથી ગીતસંરચનામાં વણી લીધી છે !

દરેક અંકના અંતમાં મુહમ્મદ રફીનં ગીતને મૂકવની પરંપરા માટે આજના અંકના સમયકાળનું એસ એન ત્રિપાઠીએ રચેલ ગીત બહુ સહેલાઈથી મળી શકે છે, કેમકે સંગીતકારે ધાર્મિક કે ઐતિહાસિક કોઈ પણ વિષયની ફિલ્મમાં બહુધા પ્રયોજાતાં બેકગ્રાઉન્ડ ગીતો માટે મુહમ્મદ રફીના સ્વરનો ઉપયોગ જ કરેલ છે. પણ, એ દરમ્યાન એક એવું ગીત મળી ગયું જે થોડું અનોખું કહી શકાય એવું છે.
જબ રૂપ હી પ્યાસા હોકર યું, છૂપ છૂપ કર પાની પીયેગા, રો રૂપકા પ્યાસા જો હોગા વો  ફિર ક્યા ફિર પી કર જીએગા -  રત્નમંજરી (૧૯૫૫)- મુહમ્મદ રફી - ગીતકાર બી ડી મિશ્રા
કોઈ ઐતિહાસિક વિષયના સમયકાળમાં પણ (ભાવિ) પ્રેમિકા સાથે મીઠી છેડછાડ કરી લેવાતી હશેજ, ફરક કદાચ એટલો છે કે છેડછાડ કરવામાં આવેલ છે ગંભીર અંદાજમાં !


આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.

Sunday, March 4, 2018

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૯ - સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૧]



'એક ગીતનાં અનેક સ્વરૂપ' શ્રેણીમાં આપણે પુરુષ સૉલો ગીત અને તેનું સૉલો કે યુગલ વર્ઝન અને તે જ રીતે સ્ત્રી સૉલો ગીત અને તેનું સૉલો અથવા તો યુગલ વર્ઝન અને એવાં જૂદાં જૂદાં સ્વરૂપનાં વર્ઝન ગીતો સાંભળી ચૂક્યાં છીએ. દરેક વર્ઝનની સિચ્યુએશન અનુસાર, અહીં પણ અંતરાના બોલમાં ફરક હતો, તો આ દરેક પ્રકારમાં એક સમાનતા પણ હતી - દરેક વર્ઝન એક જ ફિલ્મમાં પ્રયોજાયું હતું.
આજે આપણે થોડો જૂદો પ્રકાર ખેડીશું.
આજે જે અલગ અલગ વર્ઝનવાળાં ગીતોની વાત કરવા માગીએ છીએ તે અલગ અલગ ફિલ્મોમાં પ્રયોજાયાં છે. મોટા ભાગના કિસ્સાઓમાં એમાં સમાનતા માત્ર ગીતના મુખડા (કે મુખડાના પણ અમુક જ, ખાસ કરીને શરૂઆતના બોલ)માં જ જોવા મળે. અંતરાના બોલ અલગ જ હોય. આપણે વેબ ગુર્જરી પર શ્રી નીતિનભાઈ વ્યાસ દ્વારા સંકલિત 'બંદિશ એક, રૂપ અનેક' શ્રેણી કરીએ છીએ, તેમાં મૂળ બંદિશને બીજાં બહુ બધાં કલાકારોએ પોતપોતાની શૈલીમાં રજૂ કરેલ હોય છે, જ્યારે અહીં જોવા મળતાં આ પ્રકારનાં વર્ઝન બે કે ત્રણથી વધારે નહીં હોય. વળી બંદિશની બાંધણી પણ સ્વાભાવિકપણે અલગ ઢબની જ જોવા મળશે.
બહુ લોકપ્રિય થયેલ ગીતના મુખડાને બીજાં ગીતમાં પૅરોડી તરીકે પણ વાપરવાના પ્રયોગ બહુ અસરકારક પણે થતા રહ્યા છે. આપણે આ વિષય પર અલગ શ્રેણી અગાઉ કરી ચૂકેલ છીએ. અહીં આપણે પૅરોડી સ્વરૂપે ગીતના મુખડાને ફરીથી પ્રયોજેલ હોય તેવાં ગીતોને, કેટલાક અપવાદને બાદ કરતાં, સામેલ નથી કર્યાં.
[૧]
તેરી ગઠરીમેં લાગા ચોર, તૂ જાગ જરા - ધૂપ છાંવ (૧૯૩૫) – સંગીતકાર: આર સી બોરાલ
કે સી ડેના સ્વરમાં ગવાયેલું આ ભજન વિન્ટેજ એરાનાં ગીતોમાં બહુખ્યાત ગીતોમાં સ્થાન શોભાવતું રહ્યું હતું.
સ્વાભાવિક છે કે યોગ્ય મોકો મળે તો તેમના જ ભત્રીજા, મન્ના ડે,  એ ભજનને રજૂ કરીને પોતાના કાકાને અંજલિ આપે.
૧૯૯૧ની ફિલ્મ 'નંબરી આદમી'માં અમિત કુમાર, સપના મુકર્જી અને બપ્પી લાહીરી ગાયેલ એક ગીતમાં આ મુખડાનો ઉપયોગ કરાયો છે. ગીતની રજૂઆત જોતાં તેને પૅરોડી કહેવી તો જોઈએ, પણ સામાન્યતં પૅરોડીમાં પણ જે એક ઉદ્દેશ્ય જળવાતું હોય તેવું પણ અહીં તો થયેલું નથી જણાતું.

ઈન્હીં લોગોને લે લીના દુપટ્ટા મેરા
ઇન્ટરનેટ પર ફિલ્મનાં ગીતોની ઉપલ્બધિની સરળતા અને વિપુલતાને કારણે આ પરંપરાગત મુખડાના બોલનાં જૂનાં વર્ઝન હવે જાણીતાં થયાં છે.
સૌથી પહેલું વર્ઝન ૧૯૪૧ની ફિલ્મ 'હિમ્મત'માં જોવા મળે છે. ગીતની સ્વરરચના પંડિત ગોવિંદરામની છે અને પાર્શ્વસ્વર શમશાદ બેગમનો છે.
નોંધ:
આ ક્લિપ પરની ચર્ચામાં એમ ફલિત થતું જણાય છે કે ગીત સાથે જે વિડીયો ક્લિપ જોવા મળે છે તે મૂળ ગીતનું દૃશ્ય નથી. આ ટેકનીકલ બાબતની ખરાઈ કરી શકાય એવાં મારી પાસે કોઈ અન્ય સંસાધનો નથી.
'આબરૂ' (૧૯૪૩)માં સંગીતકાર પંડિત ગોવિંદ રામે આ મુખડાને એક પૅરોડી સ્વરૂપે રજૂ કરેલ છે જે કોમેડીયન યાકુબના સ્વરમાં હતી.
મોટા ભાગનાં ફિલ્મ સંગીત રસીકોને જે યાદ હશે તે રચના 'પાકીઝા' (૧૯૭૨)ની છે, જેના બોલ લખ્યા છે મજરૂહ સુલ્તાનપુરીએ અને લતા મંગેશકરના સ્વરમાં ગુલામ મોહમ્મદે. સંગીતબધ્ધ કરેલ.
ઝુમકા ગિરા રે મોરા બરૈલીકે બજ઼ારમેં
મુખડાના આટલા શબ્દો કોઈ લોકગીતના મુખડાના શબ્દો લાગે છે. આ બોલનો ફિલ્મનાં ગીતમાં પ્રયોગ પહેલ વહેલો ૧૯૪૭ની ફિલ્મ 'દેખોજી'માં સાંભળવા મળે છે. ગીતકાર વલી સાહેબના બોલને સંગીતકાર તુફૈલ ફારૂક઼ીએ શમશાદ બેગમ અને સાથીઓના સ્વરમાં સંગીતબધ્ધ કરેલ છે.
૧૯૬૬ની ફિલ્મ 'મેરા સાયા'માં મદન મોહને સ્વરબધ્ધ કરેલ રાજા મહેંદી અલી ખાનના બોલની આશા ભોસલેના સ્વરમાં રજૂ થયેલ વધારે મસ્તીખોર જણાતી પ્રસ્તુતિ મોટા ભાગનાં ફિલ્મ સંગીતપ્રેમીઓને વધારે યાદ હોય એ સ્વાભાવિક કહી શકાય.

કદમ કદમ બઢાયે જા
૧૯૫૦ની ફિલ્મ 'સમાધિ'નાં આ દેશપ્રેમનાં ગીતમાં સી રામચંદ્રએ પોતાના જ સ્વરમાં રાજેન્દ્ર કૃષ્ણએ લખેલા બોલ દ્વારા સુભાષચંદ્ર બોઝ દ્વારા લોકજીભે ચઢેલ દેશપ્રેમના જુવાળની રજૂઆત કરેલ છે.
આ જ મુખડાને શ્યામ બેનેગલ દ્વાર દિગ્દર્શિત 'નેતાજી સુભાષચંદ્ર બોઝ- ધ ફરગોટન હીરો'માં એ આર રહેમાને પણ કૂચની જ ધુનમાં પૂર્ણ રૂપે કોરસમાં ઢાળેલ છે..
'કદમ બઢાયેજા' એટલા જ શબ્દોનો ઉપયોગ કરીને એહસાન રીઝ્વીની રચનાને બડા ભાઈ (૧૯૫૭)માં સંગીતકાર નાશાદે મોહમ્મદ રફીના સ્વરમાં સૉલો
અને મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં એક યુગલ ગીતનું જોડીદાર વર્ઝન પણ રેકોર્ડ કરેલ છે. ગીતનો મૂળ ઉદ્દેશ્ય પ્રેરણાત્મક છે પરંતુ ગીતના અંતમાં લશ્કરની એક ટુકડીની કૂચ સાથે પણ બોલને સાંકળી લેવામાં આવ્યા છે.
 
ઘિર ઘિર આયે બદરવા
૧૯૫૪ની કિશોર શાહુએ એ દિગ્દર્શિત કરેલી ફિલ્મ 'હેમ્લેટ'નું આ મુખડા પરનું રમેશ નાયડુ દ્વારા સંગીતબધ્ધ કરાયેલ હસરત જયપુરીનું ગીત તેનાં ફિલ્માંકનને લીધે થોડી નોખી ભાત પાડે છે. ગીતના દૃશ્યમાં મોહમ્મદ રફી અને જગમોહન બક્ષીના પાર્શ્વ સ્વરોને પરદા પર ભજવી રહેલ બે અભિનેતાઓ ખોદે છે તો કબર પણ ગીત એટલા ભાવથી ગાય છે કે જાણે પહેલા વરસાદનાં આગમનની રાહ જોતાં ખેડૂત પોતાનું ખેતર ખેડતો હોય!
એ જ વર્ષની બીજી ફિલ્મ 'ડાક બાબુ'માં સંગીતકાર ધનીરામે તલત મહમૂદ અને મુબારક બેગમના યુગલ સ્વરોમાં ઘીર ઘીર આવતાં બદરીયાંને સંગીતબધ્ધ કરેલ છે.
૧૯૯૭ની શ્યામ બેનેગલ દિગ્દર્શિત ફિલ્મ 'સરદારી બેગમ'માં વનરાજ ભાટિયાએ પણ આ પરંપરાગત કહી શકાય એવા મુખડા પરથી જાવેદ અખ્તરે રચેલ રચનાને આરતી અંકળીકરના સ્વરમાં સંગીતબધ્ધ કરેલ છે.

પનઘટ પે મોરે શ્યામ - બિલ્વમંગલ (૧૯૫૪) - ગાયક સી એચ આત્મા - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર ડી એન મધોક
સી એચ આત્માનાં ચાહકોને પણ આ ગીત બહુ યાદ નહીં હોય. પણ આપણે તેને યાદ એટલા સારૂ કર્યું ચે કે આ ગીતના મુખડામાં 'પનધટ' અને 'શ્યામ'નું જે જોડાણ વણી લેવાયું છે તે  ભાવનાએ આ પછીથી એક તો બહુ જ જાણીતું થયેલ ગીત આપ્યું . આ ગીતની લોકપ્રિયતાએ સીમાપારની ફિલ્મમાં પણ ગીતને જન્મ આપ્યો.
આપણે વાત કરીએ છીએ - મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે, મોરી નાજુક કલ્હાઈયાં મરોડ ગયો રે (મુગલ-એ-આઝમ, ૧૯૬૦ - ગાયક લતા મંગેશકર - સંગીતકાર નૌશાદ - ગીતકાર શકીલ બદાયુની)  

આડવાત :
આપણા મિત્ર શ્રી સુમન્ત વાશી (દાદુ, શિકાગો) જણાવે છે કે આ રચનાના મૂળ રચયિતા આપણા ગુજરાત (નડિયાદ)ના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા. 'મુગલ-એ-આઝમ'માં ન તો આ મૂળ રચનાકારને કે આ શાસ્ત્રીય રચનાને ક્રેડીટ અપાઈ.

આ રચનાનું મૂળ શાસ્ત્રીય ગાયન સ્વરૂપ- ઈન્દુબાલાના સ્વરમાં
આ રચનાની લોકપ્રિયતા સીમા પારની ફિલ્મોને પણ સ્પર્શી ગઈ હતી. ૧૯૭૬ની પાકિસ્તાની ફિલ્મ 'ઝીનત'માં આ રચના એક મહેફિલમાં નૃત્ય સ્વરૂપે રજૂ કરાઈ છે. 
અહીં આ રચનાને એક ફિલ્મનાં ગીત તરીકે થોડી સરળ કરી નખાઈ હોય એવું જણાય છે કેમકે મહેંદી હસન સાહેબના જ અવાજમાં એક બીજી ક્લિપ પણ મળે છે જેમાં તેમણે આ રચનાને તેમના અનોખા અંદાજમાં યથોચિત ન્યાય કરેલ છે.

એક જ મુખડાને અલગ ફિલ્મોમાં અલગ અલગ રીતે રજૂ કરાતી જોવા માટેની આપણી આ સફરના હવે પછીના અંકમાં આ સીધી રેખામાં ચાલતી દડમજલને થોડા વળાંક આપીશું.