Sunday, April 15, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : એપ્રિલ, ૨૦૧૮


હસરત જયપુરી : શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતો - ૧૯૫૩થી ૧૯૫૫
હસરત જયપુરી (૧૫ એપ્રિલ, ૧૯૨૨- ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) મુંબઈમાં આવીને બસ કન્ડક્ટર તરીકે નોકરી કરતાં કરતાં મુશાયરાઓમાં હાજરી આપીને પોતાનો સાહિત્યિક આત્મા જવંત રાખ્યો હતો.. તે જ રીતે હિંદી ફિલ્મો માટે તેમણે ગીતો લખતાં લખતાં તેમણે ઉર્દુ શાયરી સાથેનો નાતો પણ જીવંત રાખ્યો હતો.
હસરત જયપુરીએ લગભગ ૩૫૦ ફિલ્મોમાં ૨૦૦૦થી વધુ ગીતો લખ્યાં છે.  તેઓ હંમેશાં કહેતા કે મારા સમયના અન્ય ગીતકારોની સરખામણીમાં મેં બહુ ઘણા સંગીતકારો સાથે કામ કર્યું છે. ગીત લખતી વખતે મેં ફિલ્મના બજેટની અસર મારા ગીતો પર ક્યારે પણ પડવા નથી દીધી..હસરત જયપુરી તેમનાં
શંકર  જયકિશન સાથેનાં ગીતોથી ફિલ્મ સંગીતના ચાહકોનાં દિલમાં ધબકે તો છે જ, પણ એ ધડકનોની સાથે સાથે તેમણે અન્ય સંગીતકારો સાથે કરેલાં ગીતો પણ ફિલ્મ સંગીતનાં ચાહકોનાં દિલમાં ક્યાંક ને ક્યાંક તો જગ્યા કરી ચૂક્યાં છે.. જરૂર છે એ યાદોને થોડી જીવંત કરવાની.
૧૯૫૩ની અન્ય ફિલ્મોથી લઈને ૧૯૫૫ સુધીનાં હસરત જયપુરીએ શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલ ગીતો આજના અંકમાં સાંભળીશું.
આયે થે થોડી દેર કો બેતાબ કર ગયે - ખોજ (૧૯૫૩) - આશિમા બેનર્જી – સંગીતકાર: નિસાર બાઝમી
આ ફિલ્મમાં હસરત જયપુરીનાં બે ગીતો ઉપરાંત રાજા મહેંદી અલી ખાનના ૪ અને અંજુમ પીલીભીતીનું ૧ ગીત છે. આ ફિલ્મનું મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલું ચંદા કા દિલ ટૂટ ગયા હૈ તો ગીત તરીકે આજે પણ યાદ કરાય છે. એ પછીથી નિસાર બાઝમી પાકિસ્તાન જતા રહ્યા. ત્યાં પણ મહેંદી હસનના સ્વરમાં ગવાયેલી 'મોહબ્બત' (૧૯૬૮) માટેની અહમદ ફર્રાઝની ગ઼ઝલ રંજિશ હી સહી દિલ કો દુખાને કે લિયે આ તો અનેક ગાયકોએ પોતપોતાની રીતે રજૂ કરી એ હદે લોકચાહના મેળવી ચૂકેલ છે..
ફિલ્મમાં હસરત જયપુરીનાં જગજીત કૌરના સ્વરમાં ગવાયેલ બીજાં ગીત - મેરા ચંદા મૈં તેરી ચાંદની-નું ડીજીટલ વર્ઝન નેટ પર જોવા નથી મળ્યું. 
આ જાને બહાર આ જા - પાપી (૧૯૫૩) - આશા ભોસલે - સંગીતકાર: એસ મોહિન્દર
ફિલ્મમાં રાજા મહેંદી અલી ખાંનનાં અને હસરત જયપુરીનાં બબ્બે ગીતો ઉપરાંત સુરજીત શેઠી, રાજેન્દ્ર કૃષ્ણ, બુટારામ શર્મા અને શર્શાર સલાનીનાં અક્કેક ગીતો છે.
આ ગીતમાં તાલવાદ્ય તરીકે ઢોલકનો પ્રયોગ શંકર જયકિશનની રચનાઓની યાદ અપાવડાવી જાય છે.
આ જાઓ મેરે પ્યારે અરમાં તુઝકો પુકારે, દિલ ટુંઢ રહા હૈ તુઝકો હમ પ્યાર કે  હૈ મારે હમ પ્યાર કે હૈ મારે - હેમ્લેટ (૧૯૫૪) - આશા ભોસલે – સંગીતકાર:  રમેશ નાયડુ
પ્રિયજનના ઈંતઝારનું ગીત - ધુન ખાસી અઘરી કહી શકાય, પણ ગીતના શબ્દો ભાવનું માર્દવ બરાબર વ્યક્ત કરે છે.
જાઉં મૈં કહા દાતા તેરા દેખ લિયા યે જહાં - પીપલી સાહેબ (૧૯૫૪) - લતા મંગેશકર સંગીતકાર: સાર્દુલ ક્વાત્રા
ફિલ્મમાં  હસરત જયપુરીનાં છ ગીત સાથે શૈલેન્દ્રનાં બે અને વર્મા મલિકનું ૧ ગીત છે.
આયે તો કૈએ આયે, મજબુર કર દિય અહૈ, દુનિયાને દો દિલોં કો, ફિર દુર કર દિયા હૈ,
મિલ જાયે તુમસે આકે, સહારા નહીં હૈ કોઈ - સંગમ (૧૯૫૪) તલત મહમૂદ, ગીતા દત્ત  - સંગીતકાર: રામ ગાંગુલી
હસરત જયપુરીનાં ગીતોની આગવી કહી શકાય એવી ખાસીયત સ્વરૂપ સાખી અહીં ગીતા દત્તના સ્વરમાં રજૂ થાય છે.
હસરત જયપુરીનું ફિલ્મનું બીજું એક યુગલ ગીત રાત હૈ અરમાં ભરી આજે પણ બહુ પ્રેમથી યાદ કરવામાં આવે છે.
મારા રે મારા રે આંખે કટાર દેખા મેરા વાર તેરા દિલ કિયા હૈ પારા પારા - આબ-એ-હયાત (૧૯૫૫) ગીતા દત્ત – સંગીતકાર: સરદાર મલિક
એ સમયનાં મધ્ય પૂર્વની આરબ સંસ્કૃતિની ઝલક રજૂ કરતાં એક "ક્લબ" ગીતને અનુરૂપ હલકા ફુલકા શબ્દોવાળું, અને છતાં  અર્થસભર નીવડે એવું, ગીત લખવું એ એ સમયના ગીતકારો સામે એક આગવો પડકાર બની રહેતો હશે !
મહોબ્બત બને હૈ દિલ સુહાને, ઘડીયાં મિલનકી દિલ કે તરાને - આજ કી બાત ((૧૯૫૫) – તલત મહમૂદ - સંગીતકાર: સ્નેહલ ભાટકર
તલત મહમૂદ ગીતના ભાવને પોતાના મધુર સ્વરમાં બરાબર ન્યાય આપે છે, તો સામે હસરત જયપુરીએ પણ તલતના મૃદુ સ્વરને અનુરૂપ જ શબ્દોથી જ મિલનના ભાવને ઉજાગર કર્યા છે એવું જણાય છે !
ઝનક ઝનક પાયલ બાજે - ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫) - ઉસ્તાદ અમીર ખાં સાહેબ – સંગીતકાર: વસંત દેસાઈ
ઉસ્તાદ અમીરખાં સાહેબના સ્વરને શોભે તેવી ટાઈટલ ગીતની રચના પણ હસરત જયપુરીએ બહુ સરળતાથી કરી છે.
રાગ માલિકા - ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫) - લતા મંગેશકર, મન્ના ડે -  સંગીતકાર: વસંત દેસાઈ
રાગ માલિકા જેવી રચના ગીતકાર માટે કદાચ બહુ પડકારક્ષમ રચના બનતી હશે કારણકે તેમણે રાગને અનુસાર શબ્દોને એક ગીતમાં પરોવી આપવા પડે.
૧૯૫૫ની ફિલ્મ 'શાહી મેહમાન'માં બિપિન બાબુલનાં સંગીત નિર્દેશનમાં પણ હસરત જયપુરીએ મોહમ્મદ રફી અને શમશાદ બેગમના સ્વરમાં એક યુગલ ગીત - રાત આયી હૈ જવાન - લખ્યું છે. આ ગીતનું પણ ડીજિટલ વર્ઝન નેટ પર ઉપલબ્ધ હોય તેમ જણાતું નથી. ફિલ્મનાં બીજાં ગીતો અન્જુમ જયપુરીએ અને એક અન્ય ગીત  રાજા મહેંદી અલી ખાને લખેલ છે.
આપણા દરેક અંકના અંતમાં મોહમ્મદ રફીએ ગાયેલ ગીત સાંભળવાની પરંપરા અનુસાર આજના અંકની સમાપ્તીમાં આપણે 'પીપલી સાહેબ' (૧૯૫૪)નું એક યુગલ ગીત સાંભળીશું.
લો આયે ઝૂમકે પીલપીલી , અરે ચાલ ઢાલ હૈ ગીલગીલી - મીના મંગેશકર સાથે - સંગીતકાર સાર્દુલ ક્વાત્રા
પીલપીલી, ગીલગીલી જેવા શબ્દોનાં જોડકણાંની ભૂલભૂલામણીમાં પણ હસરત જયપુરીએ ફિલ્મનું શીર્ષક વણી લીધું છે 



આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.

Sunday, April 8, 2018

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૯ - સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું :: [૨]


ગીતના મુખડાના ભગ સરખા બોલવાળાં, જૂદી જૂદી ફિલ્મોમાં, મોટા ભાગે અલગ જ ધૂન પર રચાયેલાં ગીતોની આપણી આ સફર ગયા અંકમાં એક્દમ સીધા પાટા પર સડસડાટ આગળ વધ્યે જતી હતી.

આજના અંકમાં એ જ વિષયને આગળ તો ચલાવીશું, પણ થોડા જૂદા અંદાજમાં.

આજના અંકનું મુખ્ય પાત્ર છે સંગીતકાર રોશન(લાલ નાગરથ).

એક જ મુખડા પર અલગ અલગ ફિલ્મોમાં ગીત રચના કરીને બીજી વારનાં ગીતને અદ્‍ભૂત સફળતા મળી હોય એવાં ગીતોનાં લગભગ બધાં જ ઉદાહરણ રોશનના ચોપડે બોલે છે.

ગરજત બરસત ભીજત આયી લો - મલ્હાર (૧૯૫૧) -

ઈન્દીવરના બોલને લતા મંગેશકરના સ્વરમાં સજીને આ વર્ષા ઋતુનું ગીત ઘણું જ મનભાવન બન્યું છે. પરંતુ તેને ફિલ્મનાં ટાઈટલ્સમાં વાપર્યું છે એવાં કોઈ અકળ કારણોસર એ ગીત આ જ મુખડામા થોડા ફેરફાર કરીને બનાવાયેલ અનુગામી ગીત જેટલું લોકપ્રિય ન થયું.

ગરજત બરસત સાવન આયો રે - બરસાતકી રાત (૧૯૬૦)

'બરસાતકી રાત'માં સાહિર લુધ્યાનવી સાથે સહયોગ કરીને એ જ ધુન પર મુખડાના બોલ અને બાકીના શબ્દો નવેસરથી લખીને સુમન કલ્યાણપુર અને કમલ બારોટના યુગલ સ્વરોમાં પૅકેજ કર્યું તેવો જાણે જાદુ થયો હોય એમ આ ગીત ફિલ્મનાં ટાઈટલ્સમાં જ વપરાયું હોવા છતાં ફિલ્મનાં અન્ય અતિલોકપ્રિય થયેલાં ગીતો સાથે ખભેખભા મેળવીને લોકચાહના મેળવતું થઈ ગયું.


નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ

મુખડાના આટલા શબ્દો પરથી કવ્વાલીની શૈલીમાં પહેલું ગીત ૧૯૪૮ની ફિલ્મ 'પરાઈ આગ'માં સાંભળવા મળે છે. તન્વીર નક઼્વીના બોલને ગુલામ મોહમ્મદે મોહમ્મદ રફીના સ્વરમાં કવ્વલીના અનોખા અંદાજમાં સંગીતમાં વણી લીધા હતા.
એ પછીનાં જ વર્ષમાં 'કરવટ' ફિલ્મમાં હંસરાજ બહલે સૈફુદ્દીન સૈફે લખેલ આ શબ્દોથી શરૂ થતા મુખડાની રચનાને બે જૂદા જૂદા ગાયકોના સૉલો અવાજનાં જોડીદાર ગીત તરીકે સ્વરબધ્ધ કર્યું.

પુરુષ સ્વર સતીષ બત્રાનો છે

અને સ્ત્રી સ્વર પારો દેવીનો.

એ પછી ૧૯૬૩માં સાહિર લુધ્યાનવીએ આ શબ્દોને ફરી એક વાર ઓપ આપ્યો. આ વખતે તેમાં એક સાખી પણ ઊમેરીઃ

... राज़ की बात है

मेहफ़िल में कहें या न कहें

बस गया है कोई इस दिल में कहें या न कहें

कहें या न कहें ...


રોશને આશા ભોસલેના સ્વરમાં કવ્વાલીને સંગીતબધ્ધ કરી.

આડ વાત

આપણા મૂળ થીમને થોડો વધારે ખેંચીએ, તો અહીં પ્રસ્તુત મુખડાના બોલ પૈકી 'જી ચાહતા હૈ' પર બીજાં ગીતોની શોધ કરવાથી એક અલગ જ પૉસ્ટ માટેની સામગ્રી મળી રહે એટલાં ગીતો મળી રહે છે. એટલે એ ગીતો આપણે હવે પછીના અંકમાં જોઈશું.

આપણી ગાડીને થોડા જૂદા પાટે ચડાવવાનું માટેનું ઈંધણ હવે રોશન સાહેબ આપણને પૂરૂં પાડશે.

ઉપર જોયેલાં ઉદાહરણોમાં આપણે જોયું રોશનના પણ બીજી વારનાં એ જ મુખડા પરનાં ગીતો વધારે ઝળક્યાં. આટલી વાત પરથી બીજાં બે એક એવાં ગીત પણ યાદ આવે છે જેમાં ગીતની ધૂનનો બીજી વારનો પ્રયોગ અધધ સફળ રહ્યો હોય.

જેમ કે-

તેરા દિલ કહાં હૈ - ચાંદની ચોક (૧૯૫૪) – ગાયક:: આશા ભોસલે
આ પ્રયોગને ધારી સફળતા ન મળી.

ફરીથી એ જ ધૂનને ૧૨ વર્ષ પછી, ફિલ્મ 'મમતા'માં લતા મંગેશકરના સ્વરમાં 'રહેના રહે હમ મહેકા કરેંગે'ના સ્વરૂપે પ્રયોજી, જેની સફળતા તો આજે પણ લોકો યાદ કરે છે. આ જ ગીતને ફિલ્મની માંગ અનુસાર સુમન કલ્યાણપુર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં પણ ફિલ્માવાયું , પણ તે પાછું સફળ ન રહ્યું.

આ ધુન પરની હજૂ વધારે રસપ્રદ આડવાત પર ઉતરી જતાં પહેલાં આ જ બોલમાં થોડા ફેરફાર સાથે એક વધારે ગીત પણ બન્યું હતું.

રહેં ના રહેં ચાહે હમ તુમ - એક લડકી બેશરમ સી (૧૯૭૪) – ગાયક: કિશોરકુમાર અને લતા મંગેશકર – સંગીતકાર: બપ્પી લાહિરી

આડવાત

૧) આ ધૂનનું ઘેલું ઘણા સંગીતકારોને લાગ્યું છે.

હિંદી ફિલ્મ સંગીતમાં તેનો સૌથી જાણીતો પ્રયોગ ૧૯૫૧ની ફિલ્મ 'નૌજવાન'માં એસ ડી બર્મને ઠંડી હવાએં લહરાકે આયે ગીતમાં કર્યો. એસ ડી બર્મનનું કહેવું રહ્યું છે કે તેમણે પણ આ ગીત એક હોટેલમાં ઓર્કેસ્ટ્રા બેંડ દ્વારા વગાડાતી સાંભળી હતી.

એ પછીથી વર્ષાનુક્રમ પ્રમાણે 'ચાંદની ચોક'ના ઉપરોક્ત પ્રયોગ પછી મદન મોહને ૧૯૬૪માં 'આપકી પરછાઈયાં’માં મોહમ્મદ રફીના સ્વરમાં આ ધુનને બહુ જ અનોખી રીતે યહી હૈ તમન્ના તેરે દર કે સામને મેરી જાન જાયે માં રજૂ કરી.

આર ડી બર્મને તો ૧૯૮૧ની 'નરમ ગરમ'માં હમેં રાસ્તોકી જરૂરત નહીં હૈ , ૧૯૮૩માં 'અગર તુમ ન હોતે'માં હમેં ઔર જીનેકી ચાહતમાં થોડી વધારે સફળતાથી અને પછીથી ત્રીજી વાર હજૂ વધારે સફળ રીતે ૧૯૮૫ની 'સાગર'માં સાગર કિનારે દિલ યે પુકારે માં કર્યો .

૨. શ્રી ભગવાન થાવરાણીની વેબ ગુર્જરી પરની શ્રેણી 'હૈ સબસે મધુર ગીત' માંનો 'મૈને બુલાયા ઔર તુમ યાદ આયે' પરનો લેખ યાદ કરીશું તો યાદ આવશે કે 'રહે ના રહે હમ'ના પૂર્વાલાપનાં સંગીતનો પ્રેરણા સ્ત્રોત રૉન ગુડવીનની પ્રખ્યાત ધૂન 'રીટર્ન ટુ પેરેડાઈઝ' હોવાનું પણ કહી શકાય.

આપણા હિંદી સંગીતકારોની સર્જકતાની એ ખૂબી રહી છે કે તેમનો મૂળ પ્રેરણા સ્ત્રોત ગમે તો રહ્યો હોય, પણ તેઓ તેને જે રીતે પ્રસ્તુત કર્યું છે તેમાં નકલ કરી હોવાની છાંટ તો જતાય જોવા ન મળે. દરેકનું પોતાનું આગવું યોગદાન તો જરૂરથી જોવા મળશે જ.

'બરસાતકી રાત'થી શરૂ કરેલા આજના આ લેખનો અંત પંણ 'બરસાતકી રાત'થી કરીએ.

એ ફિલ્મની કવ્વાલી 'ન તો કારવાંકી તલાશ હૈ, ન તો હમસફરકી તલાશ હૈ' આપણે અ બધાંએ અનેકવાર સાંભળી હશે.
આ કવ્વાલીની પ્રેરણા સાથે પણ અનેક વાતો જોડાયેલી છે જે શ્રી બીરેન કોઠારીએ ક્યુંકિ યે ઈશ્ક ઈશ્ક હૈ, ઈશ્ક ઈશ્ક! દ્વારા તેમના બ્લૉગ પર બહુ જ રસમય રીતે રજૂ કરેલ છે. એ પ્રેરણા સ્વરૂપ કવ્વાલી સાંભળતાં પહેલાં બીરેનભઈના એ લેખને વાંચી જઈએ.

બસ, હવે મૂળ કવ્વાલી પણ સાંભળીએ -

ન તો બુતકડેકી તલબ - ઉસ્તાદ ફતેહ અલીખા અને ઉસ્તાદ ફતેહ અલી ખાન - તેમના એક કાર્યક્રમમાં લાઈવ


અને એ જ બંદિશની થોડી હટકે રજૂઆત - નુસર્રત ફતે અલી ખાનના સ્વરમાં

મુખડાના એ જ બોલ પર અલગ અલગ ફિલ્મોમાં અલગ અલગ રીતે રચાયેલ વિવિધ બંદિશોની આ લેખંમાળાના આવતા મણકામાં 'જી ચાહતા હૈ' શબ્દપ્રયોગવાળી  કેટલીક રચાનાઓને સાંભળ્યા પછીથી આપણી ગાડીને આ સફરના છેલ્લા પડાવ માટે મૂળ ટ્રેક પર લઈ આવીશું.