Sunday, February 10, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ફેબ્રુઆરી, ૨૦૧૯

તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો

તલત મહમૂદ[1]ની જન્મતિથિ (૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪)ની યાદમાં આપણે 'તલત મહમૂદનાં ઓછાં સાંભળવા
મળતાં યુગલ ગીતો'ની વાર્ષિક લેખમાળા ૨૦૧૭થી શરૂ કરી છે. ૨૦૧૭ના સૌ પહેલા અકમાં આપણે, તલત મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો માં તલત મહમૂદના કૉઈપણ સહગાયક સાથેનું એક તેમ જ એક જ સંગીતકારનું એક એવાં વિસારે પડેલાં યુગલ ગીતો ને યાદ કર્યાં હતાં. તે પછી ૨૦૧૮માં એક પગથિયું વધારે ઊંડા ઉતરીને, તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો માં જેમની સાથે બહુ જ ઓછી સંખ્યામાં યુગલ ગીતો થયાં હોય એવાં તલત મહમૂદનાં સહગાયકો સાથેનાં યુગલ ગીતોને યાદ કર્યાં હતાં.

આ વર્ષથી હવે આપણે તલત મહમૂદનાં જે સહગાયકો સાથે ઓછાં યુગલ ગીતો થયાં હોય એવાં એક એક શગાયકો સાથેનાં યુગલ ગીતોને યાદ કરીશું, જેમાં સૌપ્રથમ મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતોને આજના અંકમાં સાંભળીશું.

તલત મહમૂદ અને મુબારક બેગમ


મુબારક બેગમ[2]નું સ્થાન હિંદી ફિલ્મનાં પાર્શ્વગાયિકાઓમાં જરૂર સન્માનભર્યું રહ્યું છે, પુરુષ પાર્શ્વગાયકોમાં તલત મહમૂદનું સ્થાન જેટલું આગલી હરોળમાં ગણાતું એવું સ્થાન કદાચ સ્ત્રી પાશ્વગાયિકાઓમાં મુબારક બેગમના ફાળે ક્દાચ નથી ગણાતું. તેમ છતાં, એ પણ હકીકત છે કે તેમનાં ઘણાં સૉલો ગીતો હિંદી ફિલ્મનાં સર્વકાલીન શ્રેષ્ઠ સૉલો ગીતોમાં સ્થાન મેળવે છે. તેની સરખામણીમાં એ કક્ષાનાં યુગલ ગીતોમાં મુબારક બેગમનાં યુગલ ગીતોની સંખ્યા પાંખી કહી શકાય એટલી રહી છે. તલત મહમૂદ અને મુબારક બેગમનાં યુગલ ગીતોને આ માપદંડોથી ન માપી શકાય. તલત મહમૂદ અને મુબારક બેગમનાં હિંદી ફિલ્મનાં યુગલ ગીતોની સંખ્યા (માત્ર) ૬ છે. તેમાં ૧ ત્રિપુટી ગીત અને ૧ ગૈરફિલ્મી યુગલ ગીત ઉમેરીએ તો સંખ્યા માંડ ૮ ગીતોની થાય. પરંતુ તેમાંથી કમસે કમ બેએક ગીતો તો સર્વકાલીન યુગલ ગીતોની કક્ષાનાં છે તદુપરાંત, બાકીનાં યુગલ ગીતો ઓછાં સંભળાયેલાં કદાચ હશે, પણ ગીતમાધુર્યમાં જરા પણ ઉણાં નથી પડતાં.

મુબારક બેગમની કારકીર્દી '૫૦ના દાયકાની શરૂઆતનાં વર્ષોમાં શરૂ થઈ. તેમનાં તલત મહમૂદ સાથેનાં (૬+૧) યુગલ ગીતો પૈકી ૪ યુગલ ગીતો એવાં વર્ષોમાં રેકોર્ડ થયાં છે જેને આપણે તલત મહમૂદની કારકીર્દીના મધ્યાહ્નનાં અંતનાં વર્ષો કહી શકીએ. બાકીનાં ગીતો પછી છેક '૬૦ના દાયકાના મધ્યમાં છે જ્યારે તલત મહમૂદનો સીતારો આથમવા પહેલાં પોતાની મૂળ ચમક દર્શાવતો હતો. તલત મહમૂદ અને મુબારક બેગમનાં ચાહકો માટે આ ગીતો ભલે અજાણ્યાં નથી, પરંતુ એ કઈ ફિલ્મોનાં છે તે તો એ સમયે પણ ભાગ્યે જ કોઈને યાદ રહ્યું હશે, તો આજે તો ક્યાંથી જ યાદ હોય !

ઘિર ઘિર આયે બદરવા કારે...રંગ ભરે રસ ભરે પ્યારે - ડાક બાબુ (૧૯૫૪) – સંગીતકાર: ધની રામ – ગીતકાર: પ્રેમ ધવન

વર્ષાનાં ઘુમરાતાં કાળાં વાદળોની હાજરીમાં ખીલતા પ્રણય ભાવનું આ ગીત, સાંભળતાં વેંત જ યાદ આવી જાય એટલું જ ભુલાયું હશે !


તેરા બચપન એક કહાની...ભૂલ ન જાના બાલાપનકી કહાની - સંગમ (૧૯૫૪) – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: એસ એચ બિહારી

ગીતના મુખડાનો અને દરેક અંતરાનો પ્રારંભ તલત મહમૂદના સ્વરમાં થાય છે. દરેક અંતરાના અંતમાં મુબારક બેગમ તલત મહમૂદ દ્વારા યાદ કરાતી બાળપણની ક્ષણોની સાથે આજની ક્ષણોનો તરવરાટ ઉમેરે છે. અંતરાનો અંત યુગલ સ્વરોમાં થાય છે. ગીતની બાંધણીની આ ખુબી ઉપરાંત મુબારક બેગમની સૉલો પંક્તિઓ માટે પ્રયોજાયેલ લયનો ફેરફાર પણ નોંધપાત્ર છે.
આડવાત :
હિદી ફિલ્મની તવારીખમાં 'સંગમ' શીર્ષકની, ૧૯૪૧ની, પ્રસ્તુત ગીત સાંભળ્યું તે ૧૯૫૪ની અને સૌથી વધારે લોકપ્રિય બનેલી રાજ કપૂરની ૧૯૬૪ની, ત્રણ ફિલ્મો નોંધાયેલ છે.
મેરી ભી દાસ્તાન ક્યા દાસ્તાન હૈ… - તતાર કા ચોર (૧૯૫૫) - આશા ભોસલે સાથેનું ત્રિપુટી ગીત – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: પેમ ધવન

ફિલ્મનાં શીર્ષક પરથી જણાય છે કે ફિલ્મનો વિષય વોલ્ગા નદીના કિનારા પર આવેલ એક રાજ્ય, તતારસ્તાન,ની કોઈ લોક કથા પર આધારિત હશે. ગીતની શરૂઆત સાખીથી થાય છે, જેના શેર તલત મહમૂદ અને આશા ભોસલે રજૂ કરે છે તેનાં અનુસંધાને મુબારક બેગમ મુખડાને ઉપાડી લે છે. બહુ અનોખી ઢબનું ગીત બનાવ્યું છે.

મેં આ ગીત પહેલી જ વાર સાંભળ્યું છે.
આડ વાત :
'ખય્યામ' તખલ્લુસ અપનાવ્યા પછીની ખય્યામની આ ત્રીજી ફિલ્મ છે. પહેલી ‘ફૂટપાથ’ (૧૯૫૩) અને બીજી ‘ધોબી ડૉક્ટર’ (૧૯૫૪) હતી. 'ફૂટપાથ'નાં ગીતોને પ્રસિધ્ધિ મળી હતી, પણ ફિલ્મને ટિકિટબારી પર બહુ સફળતા નહોતી મળી. 'ધોબી ડૉક્ટર' અને 'તતાર કા ચોર' 'એ' ગ્રેડની ફિલ્મોમં ન જ ગણાય. આમ ખય્યામ પણ હજૂ સંઘર્ષના તબક્કામાં જ છે. તેમને સફળતા મળવાની હજૂ વાર હતી.
રાત કીતની હસીન, ઝિંદગી મહેરબાં, બાત કુછ નહીં બન ગયી દાસ્તાન - બાદલ ઔર બીજલી (૧૯૫૬)– સંગીતકાર: બિપીન બાબુલ – ગીતકાર: અન્જુમ જયપુરી

હિંદી ફિલ્મ સંગીતની કેવી વિચિત્રતાઓ છે કે આટલું કાવ્યમય, કર્ણપ્રિય ગીત, જે તે સમયે ઠીકઠીક પ્રચલિત પણ રહ્યું હશે, તે ફિલ્મ બોક્ષ ઑફિસ પર પીટાઈ જવાની સાથે આજે ગુમનનામી વિસરાવે ચડ્યું છે.

ચંદા કા રંગ લિયે, તારોંકે રંગ લિયે, સપનોંકી દુનિયા મેં આજ આ - હરિહર ભક્તિ (૧૯૫૬) – સંગીતકાર: કે દત્તા – ગીતકાર: એસ પી કલ્લા

કે દત્તા વિન્ટેજ એરાના બહુ સન્માનીય સંગીતકાર હતા પરંતુ સમયની ઓટમાં તેમણે આવી ધાર્મિક ફિલ્મો માટે સંગીત આપવું પડી રહ્યું છે.

બજેટ ગમે તેટલું ટુંકું હોય, પણ ફિલ્મનાં સર્જન પાછળ દરેક ક્સબી પોતાના પ્રાણ રેડી દેતો હોય છે, ત્યારે નસીબમાં આટલી ઘોર ઉપેક્ષા લખી છે તેવી તો તેમાના કોઈને જાણ પણ નહીં હોતી હોય ! આ ગીત જેટલી વાર સાંભળીશું તેટલી વાર આ વાત આપણાં મનમાં ઘુમરાયા કરે છે.

મુબારક બેગમે ગીતમાં એટલી કમાલ કરી છે કે યુટ્યુબ પર અપલોડ કરનાર કેટલાક મિત્રોએ ગીત લતા મંગેશકરે ગાયું છે તેમ નોંધ્યું છે.

ઈતને ક઼રીબ આકે ભી ક્યા જાને કિસ લિયે, કુછ અજનબીસે આપ હૈ, કુછ અજનબીસે હમ - શગૂન (૧૯૬૪) – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: સાહિર લુધ્યાનવી

તલત મહમૂદની કારકીર્દીના અંત ભાગમાં તલત મહમૂદના ફાળે જેટલા યાદગાર ગીતો આવ્યાં હતાં એટલાં કારકીર્દીના મધ્યાહ્ન દરમ્યાન મળતાં રહ્યાં હોત તો ઇતિહાસ કદાચ અલગ હોત એવી ચર્ચાને વધારે પ્રજ્વલિત રાખવામાં આ યુગલ ગીતનો પણ મહત્ત્વનો ફાળો હતો.

'શગૂન'નાં એકોએક ગીત આજે પણ યાદ કરાય છે, પણ ફિલ્મ ત્યારે પણ નિષ્ફળ રહી હતી અને આજે પણ ભુલાયેલી જ ગણાય છે.

ઝરા કહ દો ફિઝાઓંસે તુમ્હારી યાદ દિલાયે ના - ગોગોલ (૧૯૬૬) – સંગીતકાર: રોય ફ્રેન્ક – ગીતકાર: બાલકવિ બૈરાગી

બુઝતી શમાની રોશની વધારે પ્રકાશ કરે એ ઉક્તિનો પુરાવો જોઈતો હોય તો તલત મહમૂદના સંદર્ભમાં આ યુગલ ગીત એક વધારે પુરાવો છે.

'બી' ગ્રેડની પણ કદાચ ન ગણાય એવી સ્ટંટ ફિલ્મ. સાવ અજાણ્યા સંગીતકાર, પણ ગીત આજે પણ યાદ કરાય છે.
તલત મહમૂદ અને મુબરક બેગમનાં યુગલ ગીતોનું સમાપન એક ગૈર ફિલ્મી ગીતથી કરીશું.

હમ સુનાતે હૈં મોહમ્મદ મુસ્તફાકી દાસ્તાન

આ મોહમ્મદ પયંગબર સાહેબની સ્તુતિમાં ગવાતી સ્તુતિ - નાટ- છે.


તલત મહમૂદ - મધુબાલા ઝવેરી

મધુબાલા ઝવેરી[3] (જન્મ: ૧૯-૧-૧૯૩૫ / અવસાન: ૧૧-૯-૨૦૧૩)ની ફિલ્મ સંગીતનાં ક્ષેત્રની સક્રિય કારકીર્દી ૧૯૫૧ થી ૧૯૫૮-૫૯નાં આઠેક વર્ષની રહી. આ સમયમાં તેમણે ૨૭ મરાઠી અને ૩ ગુજરાતી એમ મળીને લગભગ ૧૧૦ જેટલાં ગીતો ગાયાં છે.મૂળ મરાઠી હોવા છતાં તેમણે તેમનં ગીતોમાં લગભગ બધા પ્રકારની ગાયકીને સફળપણે અદા કરી હતી, જેમકે ૧૯૫૫ની ફિલ્મ 'મૂળુ માણેક'માં કરસનદાસ માણેકની આ શુધ્ધ કાવ્ય રચનાની કવ્વાલીની શૈલીમાં આ રજૂઆત -

મને એ સમજાતું નથી કે (સંગીતકાર: ઈન્દુકુમાર પારેખ)

તલત મહમૂદ અને મધુબાલા ઝવેરીનાં યુગલ ગીતો સંખ્યાની દૃષ્ટિએ બહુ જ થોડાં છે. તેમાનાં મોટા ભાગનાં તો બહુ સાંભળેલાં પણ નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ યુગલ ગીતો એક વાર સાંભળ્યા પછી એ જલદી ભૂલાશે નહીં.

જાઓ જાઓ આ ગયા બુલાવા જંગકા - રાજપુત (૧૯૫૧)- મન્નાડે સાથેનું ત્રિપુટી ગીત – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: ભરત વ્યાસ

પહેલાં રજૂ થવાની દૃષ્ટિએ 'રજપૂત' મધુબાલા ઝવેરીએ ગાયેલાં ગીતોની પહેલી ફિલ્મ હતી. મધુબાલા ઝવેરી એ સમયેમાત્ર ૧૬ વર્ષનાં હતાં. અને તેમ છતાં તેમના સ્વરમાં ગીતના ભાવને અનુરૂપ રોમેન્ટિક લાગણીથી ભરેલો ઉપાલંભ સ્પષ્ટપણે સંભળાય છે.

તુમ કૌન હો રાજકુમારી, યે ચંદા સા મુખડા ઈધર તો કરો - રાજપુત (૧૯૫૧) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: ભરત વ્યાસ

ગીતની સીચ્યુએશન સ્વયંવરની સાથે સંકળાયેલી જણાય છે. મધુબાલા ઝવેરીના સ્વરમાં સ્વયંવર માટે ઉત્સુક મુગ્ધાવસ્થાની સાથે એજ રાજકુંવરીની ગરીમા અછતી નથી રહેતી.

પ્યારકી ઋત દોરંગી સજના મનમેં હોલી આંખોંમેં સાવન - અપની ઈઝ્ઝત (૧૯૫૨) – સંગીતકાર: હંસરાજ બહલ - ગીતકાર: અસદ ભોપાલી

પ્રેમમાં ડૂબેલ વ્યક્તિની વાચા હરાઈ જાય, મનમાં ફૂટતી હર્ષની સરવાણીઓ આંખમાં આવતાં આવતાં આંસુઓ બનીને વહી નીકળે - તલત મહમૂદ માટે આ પ્રકારના ભાવને મૃદુ સ્વરમાં રજૂ કરવા એ સહજ હતું, તો મધુબાલા ઝવેરી પણ એટલાં જ સ્વાભાવિક બની રહે છે.

દિલ મેરા તેરા દીવાના.. બસ ઈતના મેરા ફસાના હૈ - અપની ઈઝ્ઝત (૧૯૫૨) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ફણિ

અ ન્યોન્ય માટેના પ્રેમના ઈકરાર કરવાની ખુશી છલકતી હોય એવાં યુગલ ગીતોના ઉત્તમ નમૂના તરીકે જગ્યા મેળવી શકે તેવી રચના -.બન્ને ગાયકો એક પંક્તિ સાથે ગાય ત્યારે બન્નેના અવાજ પૂર્ણપણે એકસુર બની રહે..

જબસે મૈને દિલ લગાયા, દિલ કહીં લગતા નહીં - દોસ્ત (૧૯૫૪) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી

ગીતની લય પંજાબી લોકગીત પર આધારિત છે, બન્ને ગાયકો ગીતના રમતિયાળ ભાવને સહજતાથી ન્યાય આપે છે.

અય ઝમાને બતા દો દિલો કી ખ઼તા હમકો બરબાદ કરકે તુઝે ક્યા મિલા - દોસ્ત (૧૯૫૪) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી

પ્રેમી જનોના ભાગે પણ કરૂણાના સ્વર વહાવવાની ઘડીઓ પણ આવતી જ હોય છે. આ પ્રકારનાં ગીતો માટે તલત મહમૂદના સ્વરની અંદર જે કુદરતી કુમાશ હતી તેની સાથે મધુબાલા ઝવેરી પણ સુર મેળવે છે.

કહને કો બહોત કુછ કહેના થા ટકરાયી નઝર શરમા હી ગયે…- દીવાલી કી રાત (૧૯૫૬) – સંગીતકાર: સ્નેહલ ભાટકર – ગીતકાર: મધુકર રાજસ્થાની

બે પ્રેમીજનો એકાંતમાં મળે, પણ મિલનના રોમાંચને કારણે જે કહેવાનું છે તે નજર મળતાં જ વિસરાઈ જાય..

બન્ને ગાયકોના સ્વર ગીતના ભાવમાં તરબોળ જણાય છે.

હાફીઝ ખુદા તુમ્હારા હમેં ભૂલ ન જાના - નક઼ાબપોશ (૧૯૫૬) – સંગીતકાર: ધની રામ – ગીતકાર: મુનિર આરઝૂ કાઝ્મી

ફારસી -ઉર્દૂ બોલ મિશ્રિત રચનાની મધ્ય એ શિયાની સંસ્કૃતિને અનુરૂપ બાંધણીમાં પણ મધુબાલા ઝવેરીના સ્વરવિહારમાં કયાંય કચાશ નથી જણાતી….

દરેક અંકનું સમાપન મોહમ્મદ રફીના ગીતથી કરવાની પરંપરાને અનુસરવા માટે આપણે આજના અંકના મૂળ વિષયથી થોડી અલગ કેડી લઈશું.

કવિતા નામ હૈ જ્ઞાનકા ઈસે લીખનેવાલે જ્ઞાની - કવિ (૧૯૫૪) - તલત મહમૂદ અને મોહમ્મદ રફી – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

ગીતની બાંધણી ભજનની લયમાં છે પણ વિષય બે વ્યક્તિઓ વચ્ચે કવિ તરીકેની લાયકાત સિધ્ધ કરવા માટેના વિવાદનો છે. મોહમ્મદ રફીના ભાગે કવિનાં મોભાની ગર્વિષ્ઠતા સિધ્ધ કરવાનું આવ્યું છે તો તલત મહમૂદના ભાગે, નાતજાત, વંશવારસાથી પર, કવિની કાવ્યજનક સહજ મૃદુ પ્રકૃતિને રજૂ કરવાનું આવ્યું છે.


તલત મહમૂદનાં અન્ય સહગાયકો સાથેનાં વિસારે પડી રહેતાં યુગલ ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આવતાં વર્ષોમાં પણ આગળ ધપાવતાં રહીશું…..

[1] Talat Mahmood – Documentary


[2] A Films Division film on Mubarak Begum


[3] મધુબાલા ઝવેરીનો સ્વરવિલય



આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, February 3, 2019

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૯ - સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૧૧]

ગીતના મુખડાના બોલ લગભગ સરખા હોય પણ જૂદી જૂદી ફિલ્મમાં જ્યારે તેને નવા સંદર્ભમાં એક સંપૂર્ણ ગીત તરીકે પ્રયોજવામાં આવે ત્યારે બન્ને ગીત અલગ જ અસર ઊભી કરી શકતાં હોય છે.

નિગાહોંસે દિલકા... સલામ આ રહા હૈ =કોબ્રા ગર્લ (૧૯૬૩) – ગાયિકા: મુબારક બેગમ અને સુમન કલ્યાણપુર – સંગીતકાર: એસ એન ત્રિપાઠી- ગીતકાર: પ્રેમ ધવન

અહીં નજર સંદેશો મોકલે છે તો...

નિગાહોં સે દિલમેં ચલે આઈએગા - હમીર હઠ (૧૯૬૪)- મુબારક બેગમ - સંગીતકાર: સન્મુખ બાબુ ઉપાધ્યાય – ગીતકાર: સરસ્વતી કુમાર 'દીપક'

અહીં નજ઼રોંથી સીધો દિલ સાથે સંવાદ સાધીને દિલમાં નિવાસ કરવાનું ઈજન પાઠવવામાં આવી રહ્યું છે. 

હોઠોં પે હસીં આંખોંમેં શરારત રહેતી હૈ - વૉરંટ (૧૯૬૧) - લતા મંગેશકર – સંગીતકાર: રોશન – ગીતકાર: આનંદ બક્ષી

મુજ઼રાનાં ગીતો લતા મંગેશકરે અપવાદ રૂપ જ ગાયાં છે, અને એ જ રીતે રોશન અને આનંદ બક્ષી પણ ગણીને ૭ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, એટલા પૂરતું આ ગીત બહુ અનોખું ગણી શકાય.

હોઠોં પે હસીં, આખોં મેં નશા...- સાવનકી ઘટા (૧૯૬૬)_ આશા ભોસલે – સંગીતકાર: ઓ પી નય્યર – ગીતકાર: એસ એચ બિહારી

અહીં મુખડાના પ્રારંભિક બોલ, 'હોઠોંપે હસીં', નાયિકાના એવ અપ્રેમીની ઓળખ છે જેની નજરમાં કંઈક એવો જાદૂ છે જેને શબ્દોમાં બયાન કરી શકાય તેમ નથી.

જિનકે હોઠોં પે હસીં,પાંવમેં છાલે, હાં વોહી લોગ તેરે ચાહનેવાલે હોંગે - ગુલામ અલી

અહીં 'હોઠોં પરની હંસી' 'એમના' ચાહનેવાલાઓની એક ઔર નિશાની છે.


શામ સે આંખમેં નમી સી હૈ - મિટ્ટી કા દેવ (અપ્રકાશિત ફિલ્મ) - મુકેશ – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: ગુલઝાર

ફિલ્મના નિર્માણ દરમ્યાન આગ લાગવાને કારણે ફિલ્મની પ્રિન્ટ અને ગીતો નાશ પામ્યાં હતાં.ફિલ્મ પ્રકાશિત ન થઈ હોવા છતાં જે અમુક ગીતોને વ્યાપક પ્રસિધ્ધિ મળી હોય એમાનું આ એક ગીત છે.

૧૯૮૭માં આર ડી બર્મને ગુલઝારની રચનાઓ પરથી એક આલ્બમ બનાવ્યું - દિલ પડોશી હૈ, જેમાં આ રચના આશા ભોસલેના સ્વરમાં રેકોર્ડ કરાઈ હતી.

જગજિત સિંધે પણ તેને જૂદા જૂદા કાર્યક્રમોમાં રજૂ કરેલ છે.

કવિઓ માટે માશુકાના હોઠ અને આંખોં પ્રેમના નશાના જામ પણ બની રહેતાં આવ્યાં છે.

અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશેમેં હૂં - મરીન ડ્રાઈવ (૧૯૫૫) - મોહમ્મદ રફી – સંગીતકાર: એન દત્તા – ગીતકાર: સાહિર લુધ્યાનવી

આમના પર કોઈ સિતમ કે કોઈ ક઼રમ્ની કોઈ અસર નથી તહવાની કેમ કે તેઓ 'નશા'ની અસરમાં એ બધાંથી પર થઈ રહેલ છે.

મુઝકો યારો માફ કરના મૈં નશેમેં હૂં - મૈં નશે મેં હૂં (૧૯૫૮) - મુકેશ – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

શેલેન્દ્ર ગીતનો ઉપાડ તો કરે છે ગ઼ાલિબના શેરનો સાખીમાં ઉપયોગ કરીને ,પણ પછી મુખડામાં માફી માગી લે છે કે તે તો એટલા 'નશા'માં છે કે હવે તો બહેકી જવું શક્ય જ છે.

મૈ નશે મેં હૂં...દોસ્તોંને જબ સે છોડા મૈં મજેમેં હૂં - દો ગુંડે (૧૯૫૯) - મોહમ્મદ રફી – સંગીતકાર: ગુલામ મોહમ્મદ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

દોસ્તોએ છોડી ચૂક્યા ત્યારથી નશાની અસરમાં મારાં દુખ ભુલાવીને હું મજામાં જ છું..

'મૈં નશે મેં હૂં' શબ્દપ્રયોગ કરતી ઘણી રચનાઓ યુ ટ્યુબ પર સાંભળવા મળી શકે છે, તે પૈકી ખૂબ જાણીતી એવી ચાર રચનાઓ

સી એચ આત્મા – સંગીતકાર: મુરલી મનોહર સ્વરૂપ – ગીતકાર: મિર તક઼ી મિર

ગુલામ અલી

જગજીત સિંઘ

પંકજ ઉધાસ

મુખડાના શબ્દો પરથી બનેલ જૂદાં જૂદાં ગીતોની આ શ્રેણી હવે પછીના અંકમાં સમાપ્ત કરીશું.













































Thursday, January 31, 2019

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૧_૨૦૧૯


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૯ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
નવાં વર્ષની શરૂઆત અશ્વિન ભંડારકરની સોંગ્સ ઑફ યોર પરની મહેમાન પૉસ્ટ Swing a song of sixpence નાં ગીતો સાથે હીંચકીને કરીશું.
કુન્દનલાલ સાયગલની સાયગલ કાશ્મીરીથી સુરસમ્રાટ સુધીની સફર માં શિરીષ મહેતા સાયગલના ફિલ્મ જગતમાં પદાર્પણ કરવા પહેલાંના દિવસોની એવી ઘટનાને યાદ કરી છે જેની અસર સાયગલની કારકીર્દીને આસમાનની ઉંચાઈએ લઈ જવામાં  અદૃશ્યપણે મદદ કરતી રહી હોઈ શકે.
Mrinal Sen: The Man Who Fought Through Cinemaમૃણાલ સેનની પહેલી હિંદી ફિલ્મ, ભુવન શોમ' એક એવી માર્મિક કટાક્ષનું કથાનક છે જેની સફળતાએ હિદી સિનેમા માટે ઈતિહાસ સર્જ્યો જેને પરિણામે ભારતનાં ભાતીગળ સામાજિક સાંસ્કૃતિક રંગપટને રજૂ કરી શકે એવા કાબેલ દિગ્દર્શકોનો વિશાળ ફાલ ઊભરી આવી શક્યો.
'ભુવન શોમ' (૧૯૬૯)માં ફિલ્મનો પરિચય કરી શકાય છે.
Scroll.in માં પ્રકાશિત થયેલ મૃણાલ સેનને અપાયેલ કેટલીક અંજલિઓ –
  • Mrinal Sen on his acclaimed film ‘Bhuvan Shome’'હાસ્યજનક અને પ્રેરિત વાહિયાત નકલ' - બંગાળના નામી દિગ્દર્શક મૃણાલ સેનની પહેલી હિંદી ફિલ્મ ઠીક ઠીક સફળ થૈ અને સત્યજીત રે સાથે શબ્દયુધ્ધ છેડાઈ પડવાનું કારણ બની રહી.
  • Nandita Das on Mrinal Sen: ‘My friend, philosopher and guide, in a way few have been’ - નંદિતા દાસ તેમનાં મૃણાલ સેન સાથેનાં વીસ વર્ષના પરિચયને યાદ કરે છે.

જાન્યુઆરી, ૨૦૧૯ શાયર કૈફી આઝમીના જન્મ શતાબ્દિનો મહિનો છે.તબલાનવાઝ ઝાકીર હુસૈન,ગાયક-સંગીતકાર શંકર મહાદેવન, ગીતકાર જાવેદ અખ્તર અને ફિલ્મ નિર્માતા ફીરોઝ અબ્બાસ ખાને મળીને રજૂઆત કરેલ છે 'Raag Shayari' to mark Kaifi Azmi's centenary celebrations.
આપણે રાજ્ય સભા ટીવી પરની એક વિડીયો ક્લિપ Remembering Kaifi Azmi યાદ કરીએ
On Kaifi Azmi's centenary year, Garm Hava writer Shama Zaidi - આજકી રાત ગર્મ હવા ચલી હૈ - પર્દા પર બલરાજ સહાની માટે કૈફી આઝમીનો પાર્શ્વ સ્વર
Shakeel-Naushad: Classy Confluence, Seamless Flow – 2પહેલા ભાગમાં શકીલ બદાયુની અને નૌશાદનાં સહસર્જનની માંડેલી વાતનું અનુસંધાન હવે વિજય કુમાર મુગલ-એ-આઝમથી આગળ ધપાવે છે.
Bharat Vyas – The Prolific Lyricist – I અને Bharat Vyas – The Prolific Lyricist – II  - ભરત વ્યાસની જન્મ શતાબ્દિનાં વર્ષમાં તેમનાં ગીતો ને યાદ કરતી અંજલિઓ.
OP Nayyar, the Music Maestro Who Regretted Nothing, - ઓ પી નય્યરની જન્મશતાબ્દિના અવસર પર પુનઃપ્રકાશન - Listen to OP Nayyar jukebox here.  પર ક્લિક કરવાથી ઓ પી નય્યરનાં ગીતો સાંભળી શકાય છે.
Remembering poet and lyricist Neeraj, who gave us some great lyrics and enduring ideas - કવિ 'નીરજ' ના ૯૪મા જન્મદિવસે ત્રણ જીવલેણ અકસ્માતમાંથી બચાવ પર પશ્ચાત નજર અને ફિલ્મ સંગીત પર તેમના વિચાર.
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ અંજલિ સ્વરૂપે પ્રકાશિત કરી છે –
The flashback series: why you should watch Kala Bazar - સિને તારલાઓની આછેરી ઝલક, વૈવિધ્યપૂર્ણ સાઉન્ડ ડીઝાઈન, વિજય આનંદના ગિદ્ગર્શન નએ અભિનયની ઉભર્તી કિરણોની મજા મણવા માટે 'કાલા બાઝાર' ફરી એક વાર જરૂર જોવી જોઈએ.
Pancham And His Jalpari – Tale Of Choral Tail – જલપરી રૂપક પરના પહેલા લેખમાં ગીતની શરૂઆતમાં લાગણીઓ / પ્રિયતમ માટેની ઝંખનાની ઉત્કટતાની ભરતીને જે રીતે આર ડી બર્મનનાં ગીતોમાં વણી લેવાઈ છે તેને મત્સ્યગંધાનાં મુખડાના મર્મીલાં આકર્ષણ સાથે સરખાવવામાં આવેલ હતું. હવે તેના અનુસંધાને આ બીજા ભાગમાં મત્સ્યગંધાની મોહમયી પૂંછડીથી સર્જાતાં લહરોના સમુહના મધુર નાદ જેમ આર ડી બર્મનનાં ગીતોનો લહરાતો સમુહ સ્વરોને વણી લેતો ગીતનો અંત ચિત્રિત કરાયો છે. જેમ કે 'સાગર કિનારે'નું લતા મંગેશકરના સ્વરનું આ કરૂણ રસનું ગાયન
‘Do Gaz Zameen Ke Neecheહિંદી ફિલ્મોના ખ્યાતનામ ચરિત્ર અભિનેતા જયંતના મોટા પુત્ર ઈમ્તિયાઝે યાદોંકી બારાત, ધર્માત્મા, ઝ્ખ્મી, ઝોર્રો, કાલા સોના, કબીલા, અને દરવાજ઼ા જેવી અનેક ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ અદા કરી, પણ તેમનો પ્રથમ પ્રેમ તો દિગ્દર્શન જ રહેલ.
ડાબેથી - ઈમ્તિયાઝજયંત અને અમજદ
જાન્યુઆરી, ૨૦૧૯ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો અંકમાં સંગીતકાર જયદેવની કારકીર્દીની સફર પરની વાર્ષિક લેખમાળામાં  ૧૯૫૫થી ૧૯૬૩ સુધીનાં વર્ષોની ફિલ્મોનાં ગીતો ગયે વર્ષે સાંભળ્યા પછી, હવે બીજા મણકામાં તેમની ૧૯૬૪થી ૧૯૬૯ સુધીની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતોને યાદ કરેલ છે.

JAIDEV- A composer with the highest number of unreleased films
માં જયદેવની પ્રકાશિત ન થયેલી ફિલ્મોનાં કૅટલાંક સાંભળવા મળી જાય છે.
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
Welcomed with Arrows - િંદી ફિલ્મોનાં ગીતોમાં તીર અને બાણનાં રૂપકનો પણ ગીતકારોએ અવનવી રીતે પ્રયોગ કર્યો છે. એ પ્રયોગોમાં ક્યાંક કામદેવનાં બાણમાંથી છૂટેલાં તીરને કારણે પ્રજ્વળી ઉઠતા પ્રેમની ઝલક છે તો ક્યાંક એ પ્રેમની પીડાની કહાની છે. પ્રસ્તુત પૉસ્ટમાં બાણ અને ધનુષ રૂપકને આવરી લેતાં ગીતોની યાદી જોવા મળે છે.
Greatness in the shadow of the giants: Pandit Shyam Sundar - ૧૯૫૫માં અકાળે અવસાન પામેલા શ્યામ સુંદરની કારકીર્દી ૧૯૩૯થી ૧૯૫૩નાં ૧૪ વર્ષોમાં ૪ પંજાબી અને ૨૦ હિંદી ફિલ્મોમાં સમાઈ જતી દેખાતી ભલે હોય, પણ નુર જહાં, લતા મંગેશકર કે મોહમ્મદ રફી જેવાંની કારકીર્દીને તેમના ઉચ્ચ આયામ પર પહોંચાડવામાં શ્યામ સુંદરનો ફાળો મહત્ત્વનો ગણાય છે. સુલોચન કદમની તો ગાયક તરીકેની પહેચાન પ્રસ્થાપિત જ તેમણે કરી એમ કહી શકાય.
The Irony of an Iron Building ઉપહારગૃહ કે ભોજનાલય આપણે ત્યાં રહેવાનાં સ્થળ માટે વપરાતા 'હોટેલ'નાં પર્યાય ક્યારે બની ગયાં હશે તે કહી શકાય તેમ નથી. પરંતુ હિંદી ફિલ્મી ગીતોમાં 'હોટેલ'નું સ્થાન જાણવા પ્રસ્તુત પૉસ્ટમાંનું ગીત - આઓ હમારી હોટલમેં ચાય પીઓજી ગરમ ગરમ બિસ્કુટ ખાલો નરમ નરમ - કુંદન (૧૯૫૫) એસ ડી બાતિશ, સુધા મલ્હોત્રા - જરૂર સંભળવું જોઈએ
Shehnai (1947) and a Sad Video About the River in the “Chhuk Chhuk Chhaiya Chhaiya” Scene - પ્રતુત ગીતમાં નદીનાં જે ચોખ્ખાં વહેતાં પાણીની વાત કરી છે તે તો ક્યારેય ભૂતકાળ બની ગયેલ છે. 'કાંદીવલીની 'પોઈસર' ' આજે તો ગંધાતું નાળું બની ચૂક્યું છે.
More Than Meets the Eye - તડકા સામે રક્ષણ મેળવવા પહેરાતાં ચશ્માંની એવી તે શી ખાસીયત હશે જેને કારણે તે વ્યક્તિત્વની ઓળખ કે ફેશનનું પ્રતિક બની ગયેલ હશે? હિંદી ફિલ્મ્નાં ગીતો ગાતી વખતે પણ આવાં ગોગલ્સ પહેરી રાખવાનો ચાલ છે, જે પ્રતુત પૉસ્ટમાં યાદ કરાયેલાં ગીતોમાં જોવા મળે છે.
ચોક્કસ ગીતોને યાદ કરતી આ મહેમાન પૉસ્ટ્સની મુલાકાત લઈએ
·        Kanha main tose haari, by Deepa Buty
·        Matwala Jiya, by Gaurav Sahay
·        Dukh bhare din beete re bhaiya, by Pisharoty Chandran
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના જાન્યુઆરી, ૨૦૧૯ના લેખો:
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના જાન્યુઆરી, ૨૦૧૯ના લેખો.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ જાન્યુઆરી, ૨૦૧૯માં હિણ્દી ફિલ્મ જગતની પહેલી સંગીતકાર જોડી હુસ્નલા ભગતરામ પરની શ્રેણી પૂરી કરી છે-
પુરુષ ગાયકોના કંઠનો પણ હુશ્નલાલ ભગતરામે સરસ ઉપયોગ કર્યો
પુનરાવર્તનના આક્ષેપ છતાં આ બંનેએ કરેલાં સર્જનની અવગણના થઇ શકે નહીં
એકલપંડે કારકિર્દી શરૂ કરેલી, પાછળથી ભાઇ સાથે જોડાયો, એય કેવો અજબનો ઇત્તેફાક !
મહિનાના આખરી શુક્ર્વારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં અમિત ત્રિવેદી ઉપર લેખમાળા ચાલી રહી છે. જાન્યુઆરી, ૨૦૧૯ના, છેલ્લા શુક્રવારે, 'દેવ ડીનાં વધુ ગીતોનો રસાસ્વાદ ડાન્સ સોંગમાં તર્જ કરતાં લય વધારે પાવરફૂલ હોય'માં દેવ ડીનાં ઢોલ ગીતનો આસ્વાદ કરાવાયો છે.
જાન્યુઆરી, ૨૦૧૯માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૧૧]પરદેશીને લગતાં ફિલ્મીગીતોબંદિશ એક, રૂપ અનેક : ૫૧ : “અય ચાંદ છુપ ના જાના” રાગ : “કાનનદેવી”અભિનેત્રીઓ અને પિતા-પુત્રની જોડી (૨)કિશોર કુમારે ગાયેલાં ચિત્રગુપ્તનાં ગીતો : ઐસા મૌસમ મિલે ફિર કહાં……[૧]
'વેબ ગુર્જરી' પર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પર, ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા અને સંભારણાંના થીમ પરની નવી શ્રેણી શરૂ થઈ છે.
તેનો  ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા અને સંભારણાં : પરિચાયક લેખ , અને જાન્યુઆરી, ૨૦૧૯માં પ્રકાશિત થયેલા લેખો:

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટ અથવા આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં કેટલાંક ગીતો પસંદ કરેલ છે.
ચાંદ કી સુંદર નગરીમેં પરીયોંકૉ રાની રહેતી થી - ઢોલક (૧૯૫૧) - ઉમા દેવી અને કોરસ સાથે – સંગીતકાર: શ્યામ સુંદર – ગીતકાર: અઝીઝ કાશ્મીરી
કોઈ એક આના કોઈ દો આના કોઈ તીન આના કોઈ ચર આના - ધુન (૧૯૫૩) - સતીશ બાત્રા, મદન મોહન અને બાબુલ સાથે – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: ભરત વ્યાસ
ઈશ્ક઼મેં મેરે ક્યા ક્યા જુનૂન કી - ખુનુસ (અપ્રકાશિત) – સંગીતકાર: જયદેવ – ગીતકાર: બહાદુર શાહ ઝફર

વો તીર ચલા જો તેરી કમાનમેં હૈ - આરતી (૧૯૬૨) - આશા ભોસલે સાથે – સંગીતકાર: રોશન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી


નૈન મિલા કે પ્યાર જતા કે આજ ના જાના - મેરા ભાઈ મેરા દુશ્મન (૧૯૬૭) - જગજિત કૌર સાથે – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: કૈફી આઝમી


જિનકે પાસ હાથી ઘોડા ઉનકે પાસ દિલ થોડા - દિલકા રાજા (૧૯૭૦) - આશા ભોસલે અને મન્ના ડે સાથે - સંગીતકાર આર ડી બર્મન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી


હિંદી ફિલ્મનાં ગીતોની વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા આ બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો જરૂરથી આવકાર્ય છે….

Sunday, January 27, 2019

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૯ - સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૧૦]

અમુક સમયે લગભગ સરખી સિચ્યુએશન પર બનતાં ગીતો, અમુક શબ્દપ્રયોગોનું બહુ પ્રચલિત હોવું કે અમુકતમુક ગીતોની લોકચાહના અમુકતમુક શબ્દપ્રયોગોના સમુહને કારણે હોવાની માન્યતા જેવાં કંઈ કેટલાં કારણો મુખડાની સામ્યતામાં કારણભૂત હોઈ શકે છે. પરંતુ આ વિષયને કેન્દ્રમાં રાખીને જે ગીતો મળશે તેની સંખ્યા આટલી બધી થશે તે કલ્પના તો ન હતી. એવાં પણ ઘણાંક ગીતો છે જે આ લેખમાળા શરૂ કર્યા પછી અનાયાસ મળી આવ્યાં છે.

આજે એ યાત્રાનો એક નવો પડાવ પાર કરીએ.

ધીરે ધીરે આ રે બાદલ ધીરે ધીરે જા, મેરા બુલબુલ સો રહા હૈ શોર ન મચા - કિસ્મત (૧૯૪૩) – ગાયકો: - અમીરબાઈ કર્ણાટકી, અરૂણ કુમાર – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર : પ્રદીપજી

'કિસ્મત' ફિલ્મમાં જ નહીં પણ હિંદી ફિલ્મનાં રોમાંસસભર ગીતોમાં સદા મોખરાનાં સ્થાને રહેલુ આ યુગલ ગીત ભાવમાધર્યથી હર્યું ભર્યું છે. 

આખી ફિલ્મની જ્યારે રીમેક બનતી હોય ત્યારે આટલાં સદાબહાર લોકપ્રિય ગીતની સીચ્યુએશન ફરી વાર ઊભી કરવાની લાલચ થાય એ પણ સ્વાભાવિક ગણાય. બસ, ગીતના મુખડામાંથી 'ધીરે ધીરે'નો પ્રયોગ કરીને બાદલને બદલે હવાને વહેવાનું કહેવાનું કહીને, 'કિસ્મત' રીમેક, ૧૯૬૧ની ફિલ્મ 'બૉયફ્રેન્ડ'નું ગીત ધીરે ધીરે ચલ અય ભીગી હવા કે મેરે બુલબુલકી હૈ નીંદ જવાં' (ગાયક: મોહમ્મદ રફી – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: હસરત જયપુરી) મૂળ ગીતના 'બુલ બુલ' શબ્દ પ્રયોગને પણ વણી લેવામાં આવ્યો છે.

મૂળ ગીત જેટલું માધુર્યભર્યું આ ગીત ભલે ન હોય, પણ અપ્રતિમ સુંદરતાની મૂર્તિ આંખોનાં પોપચાં બંધ કરીને હળવી નિંદ્રામાં પોઢી ગઈ હોય ત્યારે આવું ગીત સુઝી આવવું તો સહજ છે !

આડ વાત
'કિસ્મત'નાં ગીતોની યાદી જોતાં જોતાં નજરે ચઢ્યું પારૂલ ઘોષના સ્વરમાં ગવાયેલું બીજું એક અદ્‍ભૂત લોકચાહના મેળવી ચૂકેલું ગીત
પપીહા રે.. મોરે પિયાસે કહિયો જા...

 મુખડાના આ બોલ જોતાંવેંત એમ થયું કે કાલિદાસને બાદલ સાથે સંદેશો કહેવડાવવાનું જચી ગયું હતું તેમ હિંદી ફિલ્મોનાં ગીતોમાં 'પપીહા'નું ચલણ એટલું છે કે કોઈને કૉઇ જગ્યાએ તો ફરી એક વાર 'પપીહા'ને કાસદ બનાવવાની તક જરૂર ઝડપી લેવાઈ હશે. ઠીક ઠીક શોધખોળ કરવા છતાં સાવે સાવ આ જ શબ્દોનો પ્રયોગ થયો હોય તેવું તો ગીત ન મળ્યું, પણ પિયાને સંદેશો કહેવડાવવાના લગભગ ભાવને રજૂ કરતું બીજું એક એટલું જ અદ્‍ભૂત ગીત યાદ આવી ગયું -

મેરે પિયા સે કોઈ જા કે કહ દે જીવનકા સહારા તેરી યાદ હૈ - આશિયાના (૧૯૫૨) – ગાયિકા: લતા મંગેશકર – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

મદન મોહન- લતા મંગેશકરની જુગલબંધીનો આરંભ જ આટલી ઊંચાઈથી થયો હોય તો પછીની સફર વધારે ને વધારે ઊંચાં શીખર સર કરે તેમાં શી નવાઈ !

બીજા કોઈ લેખ વિષે કામ કરતાં 'મોહિની' (૧૯૫૭ )નું ગીત કહાં ચલે હો જી પ્યાર મેં (ગાયિકા: શમશાદ બેગમ – સંગીતકાર: એન દત્તા – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન) સાંભળવા મળ્યું. 

આ ગીત તો પહેલી જ વાર સાંભળ્યું, પરંતુ મુખડાના બોલ સાંભળતાં જ શબ્દોમાં થોડા ફેરફારો સાથેનાં બીજાં બે ગીત તરત જ યાદ આવી ગયાં -

કહાં લે ચલે હો બતા દો મુસાફિર, સીતારોંસે આગે યે કૈસા જહાં હૈ - દુર્ગેશ નંદિની (૧૯૫૬) – ગાયિકા: લતા મંગેશકર – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

તુમ કહાં લે ચલે હો સજન અલબેલે યે કૌન સા જહાં હૈ બતાઓ તો - પુનમ કી રાત (૧૯૬૫) – ગાયકો: લતા મંગેશકર, મૂકેશ – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: શૈલેન્દ્ર 

થોડા શબ્દોના ફેરફારો સાથેના મુખડાની વાત કરતાં બીજાં બે ગીત પણ યાદ આવે છે -

રામ નામ જપના પરાયા માલ અપના - સુવર્ણ સુંદરી (૧૯૫૭) – ગાયક: મોહમ્મ્દ રફી – સંગીતકાર: આદિ નારાયણ રાવ – ગીતકાર: ભરત વ્યાસ

ફિલ્મમાં ગીત કેવી સીચ્યુએશનમાં ફિલ્માવાયું હશે તે કલ્પવું મુશ્કેલ છે, પરંતુ ભરત વ્યાસ જેવા ગીતકારને એકદમ પ્રચલિત મુહાવરાને મુખડામાં સમાવી લેવાનું ઠીક લાગ્યું છે તે તો નક્કી જ છે.

આવો જબરદસ્ત મુહાવરો હોય અને તેને બંધબેસતી સીચ્યુએશન હોય તો તેને તો ગીતમાં સમાવવાનું કોને ન ગમે ! ‘દો દિલ’ (૧૯૬૫)માં હેમંત કુમાર જેવા સંગીતકાર અને કૈફી આઝમી જેવા કવિ-ગીતકારને પણ આ પ્રવાહમાં ઘસડાવું પડ્યું છે.

ઘણીક વાર મુખડાના શરૂના શબ્દોનું સરખાપણું એક સ્વાભાવિક યોગાનુયોગને કારણે પણ શક્ય બની જતું હશે, જેમકે -

તંગ આ ચુકે હૈ કશ્મકશ-એ-ઝિંદગીસે હમ - પ્યાસા (૧૯૫૭) – ગાયક: મોહમ્મદ રફી – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

'પ્યાસા'માં નાયક એક શાયર છે એટલે તેની પાસે ગીત ગવરાવવાને બદલે પ્રસંગોપાત બળબળતા શેર તેના હોઠ પર રમી રહે છે.

તંગ આ ચુકે હૈ કશ્મકશ-એ-ઝિંદગીસે હમ - લાઈટ હાઉસ (૧૯૫૮) – ગાયિકા: આશા ભોસલે - સંગીતકાર: એન દત્તા – ગીતકાર:: સાહિર લુધ્યાનવી

જ઼માના, ઝિંદગી, રસ્મોરિવાજથી તંગ આવી જવું એ બહુ સામાન્ય ઘટના કહી શકાય, 'પ્યાસા'ના કવિના હોઠ પર એ વ્યથા બળબળતા નિશ્વાસ રૂપે શેરનાં સ્વરૂપે બહાર આવે છે તો 'લાઈટ હાઉસ'ની નાયિકાના હોઠ પર દ્રદની નઝ્મ બનીને વહી નીકળે છે. સાહિર માટે બન્ને પરિસ્થિતિઓ માટે મુખડાના પહેલા બોલ તો સરખા જ સ્ફુરે, તે પણ સાહજિક કહી શકાય ! એસ ડી બર્મન અને એક સામયે તેમના આસીસ્ટંટ એન દત્તા બન્ને અનુભૂતિઓને અલગ અલગ અંદાજ઼માં ઘુંટે છે.

મુખડાના શબ્દોમાં સારૂં એવાં સરખાપણું હોવા છતાં, અલગ અલગ સંગીતકારો દ્વારા અલગ ફિલ્મોમાં તેને ગીતમાં સમાવીને લેતી હજૂ પણ કેટલીક રચનાઓ છે, જે હવે પછીના અંકમાં સંભળીશું.