હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો - ૧૯૬૪ - ભાગ ૩
પરંતુ '૬૦ના દાયકાથી હિંદી ફિલ્મ
સંગીતનાં ક્ષેત્રમાં ફરીથી નવાં પરિવર્તનોની અસરો કળાવા લાગી હતી. વિષયોમાં બહુ વૈવિધ્ય ન
હોવા છતાં ગીતોની રચનાઓ વધારે અને વધારે વૈવિધ્યપૂર્ણ રહ્યા પછી પણ ફિલ્મને
ટિકિટબારીએ સફળ કરે એટલાં લોકપ્રિય બને એ અંગેનાં દબાણ સંગીતકારો અને ગીતકારો પર
વધવા લાગ્યાં હતાં. તેની સાથે સાથે ઓ પી નય્યર જેવા સમકાલીન સંગીતકારની તાલ
પ્રધાન - વાદ્ય પ્રયોગની અભિનવતાની શૈલી પણ એક મહત્ત્વનું સ્પર્ધાત્મક પરિબળ બનવા
લાગી હતી.
આ બધા આંતરપ્રવાહો ભલે આપણો
વિષય નથી, આપણો રસ તો માત્ર, અને માત્ર, જયકિશનના જન્મ અને હસરતના અવસાનના આ સપ્ટેમ્બર મહિનામાં, દર વર્ષે હસરત જયપુરી રચિત
(શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ
કરવાનો (જ) છે. અને એ ઉદ્દેશ્યને જ કેન્દ્રમાં રાખીને અત્યાર સુધી, આપણે
૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,
૨૦૧૮માં
વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,
૨૦૧૯માં
વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯,
૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં
૨૦૨૧માં વર્ષ ૧૯૬૨નાં,
૨૦૨૨માં વર્ષ ૧૯૬૩નાં અને
૨૦૨૩માં ૧૯૬૪નો ભાગ ૧
નાં,
૨૦૨૪માં
૧૯૬૪નો ભાગ ૨ નાં અને
ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.
આ પહેલાં આપણે શંકર જયકિશને વર્ષ ૧૯૬૪ માટે સંગીતબદ્ધ કરેલી
આઠ ફિલ્મોમાંથી સાત ફિલ્મોનાં હસર્ત જયપુરીએ લખેલાં ગીતો યાદ કરી ચુક્યાં છીએ. આજના
મણકામાં આપણે હવે હસરત જયપુરી રચિત
(શંકર)જયકિશનનાં વિસારે પડેલાં, વર્ષ ૧૯૬૪ના ત્રીજા ભાગમાં 'ઝિંદગી'નાં ગીતો યાદ કરીશું.
ઝિંદગી (૧૯૬૪)
'ઝિંદગી' શીર્ષક પર કુલ ૪ ફિલ્મો બની છે, જે પૈકી બીજી ત્રણ ૧૯૪૦ (સંગીતઃ
પંકજ મલિક), ૧૯૫૬ (સંગીતઃ શફી નિયાઝી) અને ૧૯૭૬ (સંગીતઃ રાજેશ રોશન)માં બની હતી.
‘ઝિંદગી' (૧૯૬૪) માં ૧૩ ગીતો (બે ગીતો
બબ્બે વર્ઝનમાં) હતાં. તે પૈકી શૈલેન્દ્રએ પાંચ ( ૧ ગીત બે વર્ઝનમાં) અને હસરત
જયપુરીએ ૮ (૧ ગીત બે વર્ઝનમાં) લખ્યાં.
પેહલે મિલે થે સપનોંમેં = મોહમ્મદ રફી
મોહમ્મદ રફીના સ્વરમાં રાજેન્દ્ર કુમાર માટે જ ખાસ ઢાળમાં
તૈયાર થતાં શંકર જયકિશનનાં રોમેન્ટીક ગીતો એમ વધારે નમૂનો અહીં પણ સાંભળવા મળે છે.
જોકે આ ફોર્મ્યુલા હેઠળ તૈયાર થયેલાં ગીતો ધીમે ધીમે વધારેને વધારે બીબાં ઢાળ
કક્ષાનાં બનતાં ગયાં.
ઘુંઘરવા મોરા છમ છમ બાજે =મોહમ્મદ રફી, આશા ભોસલે
મહેમૂદને એક કમસે કમ એક ગીત તો ફાળવવું જ પડે તે મુજબનાં આ
ગીતમાં શંકર જયકિશન, અને તેમની સાથે સાથે મોહમ્મદ રફી અને આશા ભોસલે પણ બરાબર
ખીલ્યાં છે. સંગીત અને ગાયકીમાં, નાના નાના પણ, આકર્ષક પ્રયોગો માણી શકાય છે.
છુને દુંગી મૈં હાથ રે નજ઼રીયોંસે દિલ ભર દુંગી - લતા મંગેશકર, આશા ભોસલે
લગ્ન પ્રસંગનાં ગીતોને પોતાની રીતે, ભરપુર વાદ્યવૃંદથી, સજાવી ધજાવીને મુકવાની શંકર
જયકિશનની ફાવટ અહીં પણ અનુભવાય છે.
એક નયે મેહમાન કે આને કી ખબર હૈ - લતા મંગેશકર
ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે શંકર જયકિશનની
લોકપ્રિયતાનો કસીને લાભ લેવા સારૂ ગીતો માટે પ્રસંગો શોધવામાં કસર નથી છોડી. શંકર
જયકિશને પણ જરા પણ મનચોરી કર્યા વિના ગીત બનાવી આપ્યું છે.
હમ પ્યારકા સૌદા કરતે હૈ એક બાર (આંનંદના ભાવનું વર્ઝન) - લતા મંગેશકર
ફિલ્મમાં વૈજયંતિમાલા જેવાં અભિનેત્રી નર્તકી હોય એટલે
નૃત્ય ગીતો વધારે મુકાયું હોય એ તો સમજાય છે. પરંતુ, સામાન્ય પણે નૃત્ય ગીતો શંકર રચતા
હોય એવી માન્યતાનો અહીં છેદ ઉડી જાય છે. જોકે ગીતની વાદ્યસજ્જામાં શંકરનો હાથ
સ્પષ્ટપણે દેખાય છે. પરિણામે ફિલ્મના બધાં જ ગીતમાં બન્ને સંગીતકારોએ એટલું મળીને
કામ કરેલું જણાય છે કે કયું ગીત શંકરનું અને કયું ગીત જયકિશનનું એવી ધારણા
મુકવાનું લગભગ અશક્ય જ બની જાય છે.
હમ પ્યારકા સૌદા કરતે હૈ એક બાર (કરૂણ ભાવનું વર્ઝન) - લતા મંગેશકર
શંક્ર જયકિશને પૂર્વાલાપની રચના એક સરખી રાખી હોવા છતાં
બન્ને ગીતના ભાવને ઉઠાવ આપવામાં સફળ રહ્યા છે.
ખુબ ઊંચા સુરમાં સાખીની રજૂઆત પછી સુર થોડે નીચે લઈ જઈને
મુખડો રજુ કર્યો છે. ગીતને ફિલ્મમાં ટુંકાવી નંખાયું છે, નહીંતર આખાં ગીતમાં શંકર
જયકિશને કરેલા પ્રયોગો માણવાની સારી તક મળત !
પ્યાર કી દુલ્હન સદા સુહાગન - લતા મંગેશકર
શંકર જયકિશને બેકગ્રાઉન્ડ ગીતો માટે મોહમ્મદ રફીની બહુખ્યાત
અદાયગી બખુબી અજમાવી છે. ખાસા ઊંચા સુરમાં મુખડાની રજુઆત પછી કરૂણ રસને અનુકુળ
નીચા સુરમાં ગીત ચાલે, પણ જેવી લાગણીની માત્રા ઉત્કટ બતાવી હોય એટલે થોડા ઊંચા
સુરનો સહારો લેવાય.
દિલ કો બાંધા ઝુલ્ફ કી ઝંઝીર સે - મન્ના ડે
સ્વગતોક્તિ માટે માત્ર બે શેર જ મુક્યા છે, પરંતુ રાજ કુમારની સંવાદ અદાયગીની
કાબેલિયતને બદલે મન્ના ડેના સ્વરનો ઉપયોગ કરાયો છે.
દિલ કો બાંધા ઝુલ્ફ કી ઝંઝીર સે
જોશ લુટે હુસ્ન કી સસૂર સે
હમ કબ તક ઝપ્ત કરતે રહે
દર્દ-એ-દિલ
હાલે દિલ કેહના પડા તસવીર સે
બાત દિલ કી ઝબાં પર રહતી હૈ
લફ્ઝ હોંટો પર થર થરાતે હૈ
તુમ સે જબ ભી નઝર મિલાતા હું
મેરે અરમાન કાંપ જાતે હૈ
આડવાત:
શંકર જયકિશને ગીતના પૂર્વાલાપ
સમા એક ટુક્ડા માટે (૦.૨૯ સુધી) હમ દિલ કા
કંવલ દેંગે ઉસકો માં પણ રાજ કુમાર માટે મન્ના
ડેનો પાર્શ્વ સ્વર વાપર્યો છે.
તેની સામે રાજેન્દ્ર કુમાર માટે મુસ્કરા
લાડલે મુસ્કરા માં મોહમ્મદ રફીને બદલે મન્ના
ડેને લીધા છે.
આજ ભગવાન કે ચરનોંમેં - મોહમ્મદ રફી, આશા ભોસલે
ફિલ્મનો અંત ટાઈટલ ગીતની તર્જથી કરવાની શંકર જયકિશનની આગવી
રીત રહી છે. પરંતુ, અહીં તો ફિલ્મના અંતમાં એક નાનો ટુકડો જ મુકાયો છે તેના
માટે પણ હસરત જયપુરી અને મોહમ્મદ રફી - આશા ભોસલે જેવાં મોટાં કલાકારોનો ઉપયોગ કરાયો છે.
હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોની આ શ્રેણીમાં હવે પછી ૧૯૬૫નાં ગીતોની યાદ તાજી કરીશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને
નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.