મારાં નાનાં પિતરાઈ બહેન અને ભાઈ એટલે જનાર્દનકાકા
અને પુર્ણિમાકાકીનાં સંતાનો, હર્ષિકા અને દર્શન. હર્ષિકા મારાથી નવ વર્ષ અને દર્શન પંદર
વર્ષ નાનો. એમનાં સંસ્મરણો બે ભાગમાં વહેંચાઈ જાય - નાનાં ભાઈ બહેનના વિકાસની
તેમનાં બાળપણની એવી યાદો જેને મારાથી શબ્દદેહે ઉતારવી શક્ય નથી, પણ જે યાદો જીવનનો એક બહુ જ મધુર સમયકાળ અને પછી બીજી
એવી યાદો જે અમે બધાં મોટાં થતાં ગયાં તેમાંની એવી ક્ષણો જે મારાં જીવનમાં આગવું
મહત્વ ધરાવે છે.
હર્ષિકા (દુષ્યંતભાઈ
રિંડાણી)
હર્ષિકા
(જન્મઃ ૧૮-૧૨-૧૯૫૯)ની મારી સૌ પહેલી યાદ તેને લઈને જનાર્દનકાકા અને પુર્ણિમાકાકી
તેના જન્મ પછી થોડા જ મહિના બાદ રાજકોટ આવ્યાં હતાં તે સમયની. એ પછીનાં તો બધાં
વર્ષોમાં બન્ને કુટુંબોને અવારનવાર મળવાનું થતું રહ્યું,
એટલે હર્ષિકાનું નાની બેન
તરીકે સહજપણે મારાં જીવનમાં આગવું સ્થાન પ્રસ્થાપિત થઈ ગયું.
નાનકડી, મીઠડી, પ્રેમાળ ઢીગલીમાંથી બહુ જ લાગણીશીલ કિશોરી, પછી કાર્યદક્ષ યુવતીમાંથી ખુબ ચીવટ અને મહેનતથી ગૃહસ્થી ચલાવતી પરિપક્વ ગૃહિણી તરીકેનો હર્ષિકાનો વિકાસ, હું આંખ બંધ કરૂં તો, મારા માનસપટમાં એક ચલચિત્રની જેમ સરસરાટ પસાર થવા લાગે.
હર્ષિકાના
લગ્નમાં જનાર્દનકાકા અને પુર્ણિમાકાકીના નાનાડાડા સુધીનાં સગાંસંબંધીઓને આવરી
લેવાં એમ નક્કી થયું. એટલી મોટી કક્ષાનો પ્રસંગ કરવો હોય તો લગ્ન ભુજમાં જ ગોઠવાય
એ તો લગભગ સહજ સ્વીકાર્ય આવશ્યકતા હતી. લગ્નની રૂપરેખા નક્કી થયા પછી ઝીણી ઝીણૉ
વિગતોનાં આયોજનની પણ ચીવટથી નોંધ કરવામાં આવી. એ માટે લગ્ન પહેલાનાં છએક મહિનાના
ગાળામાં હું અને સુસ્મિતા ત્રણેક વખત રાજકોટ ગયાં હઈશું અને અમદાવાદથી અમુક ખરીદીઓ
પણ થઈ જાય એ ગણતરીથી જનાર્દનકાકા અને પુર્ણિમાકાકી બેએક વાર અમદાવાદ પણ આવી ગયાં.
લગ્ન પ્રસંગો સમયે રસોડાનો આખો કારભાર મારાં દાદીનાં બહેનાનાં દૌહિત્રી, મુક્તાફાઈના પુત્ર, બકુલભાઈ
(ડોલરરાય વૈદ્ય) અને તેમનાં પત્ની પ્રતિમાભાભીએ સંભાળી લીધો. લગ્નપ્રસંગે જરૂરી
એવા સીધાસામાનની વ્યવસ્થા પુર્ણિમાકાકીના બેન.ભાવનાએ, સંભાળી
અને જનાર્દનકાકાના પક્ષનાં સગાંઓને આમંત્રણ પહોચાડવાં અને લગ્નનાં મુખ્ય જમણ સમયે
પીરસવાના શ્રીખંડની વ્યવસ્થાનું (એ સમયમાં બીજાં લગ્નો પણ હતાં એ સંદર્ભમાં ભુજમાં
દુધની ઉપલબ્ધતાને ધ્યાનમાં લેતાં) સરખું મુશ્કેલ કામ મારાં દાદીનાં ભાણેજ, વાલીબેનફઈ,ના પુત્ર સુધાકરભાઈ (ચમનલાલ ધોળકિયા)ને
ભાગે આવ્યું.
નવપરિણિત દુષ્યંતભાઈ અને હર્ષિકા સાથે સુસ્મિતા, હું અને છેક જમણે બેન
લગ્નપ્રસંગની
મજાની અનેક ઘટનાઓ પૈકી સાવ સામાન્ય જણાતી,
પણ આજે યાદ કરતાં એટલી જ રસપ્રદ લાગ્તી, બે એક
ઘટનાઓની નોંધ લેવાની લાલચ નથી રોકી શકાતી –
-
લગ્નપ્રસંગનું મુખ્ય રસોડું,
લગ્નના હૉલમાં પ્રસંગોની ઉજવણી માટેના મુખ્ય મંચની નીચે
ભોંયતળીયાંપર હતું. મંચ પોતે લાકડાનું પ્લેટફોર્મ હતો. પહેલે દિવસે સાંજથી જ બીજા
દિવસનાં મુખ્ય જમણનાં લગ્નની તડામાર તૈયારીઓ રસોડામાં
ચાલુ થઈ ગયેલી. એ રાત્રે અમે અમુક લોકો હૉલ પર જ સુઈ જવાનાં હતાં. એટલે મંચ પર
મોટી જાજમ પાથરીને બધાંએ સુવાની તૈયારી કરી. પણ રસૉડાની નીચેથી જે ગરમી થઈ હતી
તેને કારણે, પાચેક કલાક પછી પણ, મંચ
ગરમ ગરમ હતો અને તેને કારણે ઉપર પંખાઓમાંથી ગરમ ગરમ હવા આવતી હતી. થોડો સમય બધાંએ
કોશીશ કરી, પણ કોઈ હિસાબે સુઈ નહીં શકાય એમ નક્કી થયું. એટલે,
બધાંએ લગ્નના ઉતારા ભણી પ્રયાણ કર્યું.
-
દુષ્યંતભાઈના કેટલાક પિતરાઈ ભાઈઓ તો એમ જ કહેતા કે અમે તો
લગ્નોમાં જ ભરપેટ જમી શકીએ. એટલું જો ઘરે ખાઈએ તો એ જ ટંકે ભગાડી દે. પોતાનાં
લગ્નમાં અમારી હાલત નાજુક ન બની જાય એ વાત દુષ્યંતભાઈની મુખ્ય ચિંતા હતી. થયું એવું કે
તેમના મોટાભાઈ, પંકજભાઈ,નાં લગ્ન પણ ચારેક દિવસ પહેલાં થાય એવું ગોઠવાયું. એટલે
દુષ્યંતભાઈએ 'ચેમ્પિયન' ટીમ એ લગ્નમાં જાય અને પોતાના લગ્નમાં 'બી' ટીમ આવે એમ ગોઠવ્યું. આટલી તકેદારી લેવા છતાં, અમે લોકોએ જો થોડો વધારે 'આગ્રહ' કર્યો અને જાનૈયાઓને ચાનક ચડી
જાય તો પણ અમારી હાલત જોઈ ન જાય એવો તેમને ડર હતો. એટલે લગ્નના દરેક જમણમાં
દુષ્યંતભાઈ અમારા પીરસણીયાઓની સાથે પડછાયાની જેમ ફરતા રહ્યા.
લગ્ન પ્રસંગની આ બધી લ્હાણની સાથે
સાથે મને અંગત રીતે જે સૌથી મોટો લાભ મળ્યો એ હતો વૈષ્ણવ પરિવારનાં પૈતૃક ઘરની
અગાસીમાં બધા (પુરુષ) કુટુંબીઓ સાથે રાતના સુવા મળ્યું. જનાર્દનકાકાનાં લગ્નનાં
ત્રીસ વર્ષ અને તે પછી દિવ્યકુમારભાઈનાં લગ્નને વીસેક વર્ષ પછી આ અવસર આવ્યો હતો.
એ સમયે ઘરનો એ ભાગ તો ભાડે અપાઈ ગયો હતો. પણ ભાડુઆતને ખાસ વિનંતિ કરીને અમને
રાત્રે સુવા મળે એવી વ્યવસ્થા કરી શકાઈ. કમળભાઈ અને મહેશભાઈની હાજરીની આ વખતે ખોટ
ખુંચશે એમ સમજવા છતાં અમે આ ગોઠવણ કરી. વિધિનો એ ખાસ સંકેત હશે કેમકે તે પછી ચારેક
વર્ષમાં જ એ ઘર વેંચાઈ ગયું અને ત્યાં તો નવો એપાર્ટમેન્ટ બ્લૉક બન્યો. એ પછી મારે
એ તરફ જવાનું કદી બન્યું જ નહીં.
દર્શનનાં જનોઈ વખતે જે સંબંધનાં
અજાણપણે બીજ વવાયાં હતાં એ દુષ્યંતભાઈ સાથેના સાળા - બનેવીના સંબંધને મૈત્રીપૂર્ણ સગાંનીની
ઘનિષ્ટતામાં વિકસવામાં તેમની નોકરી એઈસી (અમદાવાદ ઈલેક્ટ્રીસિટી કંપની, હવે ટોરેન્ટ પાવર)ના સાબરમતી
પાવરહાઉસમાં થવું એ સાનુકૂળ સંજોગનો ફાળો સ્વાભાવિક રીતે મહત્વપૂર્ણ રહ્યો ગણાય.
એને કારણે જાણવા મળ્યું કે તેમના કાકા હરિહરભાઈની મેંહદી હસન અને ગુલામ અલી માટેની
દિવાનગીનો પાસ દુષ્યંતભાઈ અને તેમના અમુક પિતરાઈઓને પણ લાગ્યો હતો. ગુલામ અલીનો એક
કાર્યક્રમ હૈદરાબાદમાં ગોઠવાયો છે એમ જાણ્યું તો એ લોકોએ હૈદારાબાદ સુધીની સફર પણ
ખેડી ! દુષ્યંતભાઈએ મને મહેંદી હસન અને ગુલામ અલીની બે એક કેસેટ્સ આગ્રહપૂર્વક
સાંભળવા આપી. તેમાથી એ બન્ને ગાયકોની ગાયન શૈલી તરફ મારી પસંદ પણ વળી અને આગળ જતાં
મે કેટલીક એલપી રેકર્ડ્સ પણ ખરીદી હતી.
દુષ્યંતભાઈના બે ગુણની નોંધ
લીધા વિના તેમને વિશેની વાત અધુરી રહી જાય. એક તો એ કે કોઈને પણ મદદરૂપ થવા માટે
તેઓ ક્યારેય પાછી પાની ન કરે. તેમની
સાથે સંપર્કમાં આવેલ કોઈ પણ વ્યક્તિ આ વાતની તો યાદ તો કરશે જ. બીજી તેમની ખાસિયત
હતી કોઈ પણ મુશ્કેલીની સામે છેલ્લે સુધી લડી લેવાની તેમની ખુમારી. એક જ ઉદાહરણથી આ
વાત સમજી શકાશે. નોકરીમાં જોડાયા પછી દુષ્યંતભાઈ હીરો હોન્ડા (સીડી ૧૦૦,
‘fill it-forget it’ ની જાહેરાતથી જાણીતું થયેલ મોડેલ)
મોટર સાઈકલ ખરીદી. વ્ય્વસ્થા કંઈક એવી થઈ હતી કે મોટર સાઈકલની
ડીલીવરી જામનગરમાં લેવાની હતી. દુષ્યંતભાઈ જામનગરથી પોતે ચલાવીને મોટર સાઈકલ છેક
અમદાવાદ લઈ આવ્યા ! તેમણે મોટર સાઈકલની એટલી સરસ સંભાળ રાખી હતી કે તેમની નોકરીનાં
બધાં વર્ષો સુધી એ મોટર સાઈકલે તેમનો સાથ આપ્યો.
દુષ્યંતભાઈ અને હર્ષિકા - તાદાત્મ્ય - ભૂમિકાના લગ્નનાં
(૨૦૦૮) રીસેપ્શનનાં જમણમાં
નોકરીમાંથી નિવૃત થયા પછી
નિરાંત જીવે એમણે જીવનની મજા માણવાનું શરૂ કર્યું જ હતું, એવામાં જ કાળના પંજાએ તેમને આપણી સાથેના
જીવન મંચ પરથી છીનવી લીધા.
દર્શન
દર્શન
જનાર્દનકાકાનો નાનો પુત્ર, મારાથી પંદર વર્ષ નાનો. એટલે અમારા બે વચ્ચેનો સંબંધનો પાયો
મોટા ભાઈ - નાના ભાઇના સંબંધ જેવો રહ્યો. અમારા અને જનાર્દનકાકાના પરિવારોને
એકબીજા સાથે મળવાનું ઘણું થતું. એટલે મારા અને દર્શનના સંબંધમાં સહજ આત્મીયતા તો
વણાતી જ ગઈ. નિવૃત થયા પછી જનાર્દનકાકા, અમદાવાદમાં, અને તે પણ પાછા અમે રહેતાં હતાં તે પ્રગતિનગરમાં જ સ્થાયી
થયા, તેથી અમારા
બે વચ્ચેનો સંબંધ સખાપણાના ભાવમાં ઘનિષ્ટ થતો ગયો.
અમારા
સંબંધને શબ્દદેહે વર્ણનમાં ઉતારવા માટેનું સામર્થ્ય મારામાં નથી. પરંતુ દર્શનના
વિકાસ સાથેના બે મહત્વના પ્રસંગોની કેટલીક ઘટનાઓની યાદોને શબ્દસ્થ કરવાની તક જરૂર
ઝડપી લઈશ -
પહેલો
પ્રસંગ દર્શનનાં યજ્ઞોપવિતનો (૧૯૭૮) છે. જનાર્દનકાકા એ સમયે જામનગર હતા એટલે આ
પ્રસંગ જામનગરમાં યોજાયો. પ્રસંગ ઘણે મોટે પાયે ઉજવાયો,
એટલે બૃહદ વૈષ્ણવ
પરિવારનાં સગાં સંબંધીઓની એ પ્રસંગે હાજરી હતી. પ્રસંગની ઉજવણીના આનંદની સાથે બૃહદ
પરિવારનાં સભ્યો વચ્ચેની ગાંઠ આવા પ્રસંગોએ વધારે મજબુત થતી. મેં આગળ જણાવ્યું છે
તેમ આ પ્રસંગની મારા અંગત સ્તરે સૌથી મહત્વની ઉપલબ્ધિ દુષ્યંતભાઈ (રિન્ડાણી) અને
તેમના ભાઈઓ સાથેના ભાવિ સંબંધનાં બીજ વવાયાની રહી.
મારા દાદાનાં બહેન
(વેણીકુંવર)નાં દૌહિત્ર દેવેન્દ્રભાઈ વોરાએ છેક રાજકોટથી પોતાનાં ૫૦ સી સીનાં
મોપેડ, સુવેગા,
પર,
પોતાના સાતેક વર્ષના પુત્ર,
સમીર,ને પાછલી સીટ (?) પર બેસાડીને આવવાનું ગોઠવ્યું. જેવા એ પ્રસંગના સ્થળે
પહોંચ્યા તેવા જ સૌ પહેલાં તો મહેશભાઈ અને જનાર્દનકાકાએ આવું જોખમ લેવા બદલ તેમની
ખબર લઈ નાખી. એ પછી તો બધાં દેવેન્દ્રભાઈ પાસેથી એ આખી મુસાફરીના અનુભવો જાણવામાં
પરોવાઈ ગયાં. બધાં માટે સૌથી મહત્વનો સવાલ તો એ હતો કે દેવેન્દ્રભાઈએ તેમના
પુત્રને કેમ સાથે લીધો. દેવેન્દ્રભાઈના ખુલાસાએ બધાને એક મિનિટ માટે તો બોલતાં બંધ
કરી દીધેલાં. તેમનું કહેવું હતું કે હાઈવે પર સામો પવન વધારે હોય તો તેમના એકલા
સાથેનું સુવેગા તો કદાચ આગળ વધવાને બદલે પાછળ પણ ધકેલાય. એટલે,
સમીરને પાછળ બેસાડવાથી
થોડું વજન વધે તો પવનની થાપટને પહોંચી વળાય ! સૌરાષ્ટમાં તો સુવેગાનાં પાછલાં
પૈડાં સાથે જોડાતી સ્પ્રિંગને વધારે મજબુત બનાવીને દુધનાં બોગેણાં લટકાવીને
આજુઅબાજુનાં ગામોએથી દુધની હેરફેરની ખેપ કરાતી જ (!!).
બીજો એક પ્રસંગ છે જે
અમુક રિન્ડાણી ભાઈઓની જમણવારોમાં ખાઈ શકવાની શક્તિનો પરિચય કરાવે છે. મુખ્ય જમણની
રસોઇની તૈયારીઓ આગલી રાતથી જ શરૂ થઈ ગયેલ. શરૂ શરૂમાં તો કુટુંબનાં ઘણાં સભ્યો મદદ
કરાવવા આવેલાં. છેલ્લે જ્યારે મોહનથાળને ચોકીઓમાં ઢાળી દેવાયો ત્યારે જનાર્દનકાકા
અને પુર્ણિમાકાકી પણ ઘરે ગયાં. સવારથી વહેલાં કામે ચડવાનું સહેલું પડે એવાં બહાનાં
હેઠળ હું અને નરેશભાઈ અને રિન્ડાણીભાઈઓ પજ્ઞોપવિતના સ્થળે જ રાત સુઈ જઈશું એમ
નક્કી થયેલું. જોકે તેની પાછળનું એક રહસ્ય તો હવે ખુલ્યું. હું અને નરેશભાઈ પણ
સુવાની તૈયારી કરતા હતા એટલામાં રિન્ડાણી 'ભાઈઓ' અમારી સામે મોહનથાળની એક નાની ચોકી લઈને આવ્યા,
અને કહે કે ચાલો મોહનથાળ
ચાખી લઈએ. મેં અને નરેશભાઈએ તો નાનો નાનો ટુકડો લીધો. એટલે સામેથી જણાવાયું કે આમ
તો એ લોકો ભુખ્યા રહેશે. અમે એક ચકતું ખાઈએ તો સામે એ લોકો ત્રણ ચાર ચકતાં ખાય તો 'ચાખ્યા'નો હિસાબ થાય. મારા અને નરેશભાઈના તો હોશકોશ જ ઉડી ગયા.
થોડી સમજાવટને અંતે એમ નક્કી થયું કે ત્રણેક ચકતાંનાં દરેકના ચાર ચાર ભાગ કરવા અને
અમે લોકો એ નાના કરેલા 'ટુકડા'
ખાઇએ અને પેલા લોકો સામે
આખાં આખાં ચકતાં ખાય. અડધી રાત થવા આવેલી એટલે હું અને નરેશભાઈ તો માંડ માંડ બે એક
ટુકડા ખાઈ શક્યા. એ પછી આટલું ખાધેલું બરાબર પચાવી શકાય અને સવારે
"બરાબર" જમી શકાય એટલે જામનગરનો પ્રખ્યાત, લખોટીવાળી બોટલવાળો ડબલ સ્ટ્રોંગ સોડા પીવા જવાનું નક્કી
થયું. બે ઘુંટ્ડમાં જ મારા અને નરેશભાઈનાં આંખનાકમાંથી ધુમાડા નીકળી ગયા !
દર્શનનાં યજ્ઞોપવિત
પ્રસંગે કમળભાઈ અને મહેશભાઈ પરિવાર -
પાછલી હરૉળ - ડાબેથી -
ગાયત્રી,
દિવ્યકુમારભાઈ, દિવ્યાંગિનીભાભી, સંજય, હું, સુસ્મિતા અને દેવીબેન
આગળઃ પ્રવિણાકાકી, મોટાં અમ્માં, બેન અને મહેશભાઈ
તેનાથી આગળ બે ટાબરીયાઑ -
અરમાન અને સંદિપ
મારાં જીવન પર
મહત્વની અસર પાડનારો બીજો પ્રસંગ, દર્શનનાં અમી (બકુલભાઈ અને કૃષ્ણાબેન વોરાનાં પુત્રી,
આશ્લેષા) સાથે લગ્નનો
(૧૯૯૪).
સામાન્યપણે,
લગ્ન પછી કુટુંબનાં આંતરિક
સંબંધોમાં થોડે ઘણે અંશે દુન્યવી શિષ્ટાચારની ઔપચારિક છાંટ આવવી સ્વાભાવિક છે.
પરંતુ, બદલાયેલાં
સંજોગોમાં મંડાયેલાં નવાં સમીકરણો પછી પણ અમારા સંબંધો વધારે
ઉષ્માસભર,
વધારે બિનઔપચારિક અને
વધારે આત્મીય રહ્યા. નવાં પ્રવેશ પામેલ પાત્ર તરીકે, આ માટે અમીનાં વ્યક્તિત્વને મહદ્ શ્રેય મળે.
અમી અને દર્શન - જનાર્દનકાકાની ૨૦૦૩ની દિવાળીએ મુન્દ્રાની મુલાકાત સમયે, માંડવી સમુદ્ર કિનારે
દર્શનના વ્યવસાયને
કારણે તેણે મહિનાનો મોટો ભાગ અમદાવાદની બહાર રહેવાનું રહેતું. નિવૃતિ લીધા પછી અમે
અમદાવાદ આવી ગયાં એ પછી દર અઠવાડીયે નિયમિત ફોન કરીને અને દર પંદરેક દિવસે રૂબરૂ
આવીને જીવંત સંપર્ક જાળવ્યો.
તાદાત્મ્ય - ભૂમિકાના લગ્ન (૨૦૦૮)નાં મંડપારોપણની પુજાવિધિ
કરતાં અમી અને દર્શન
જોતજોતામાં
તો અમી અને દર્શન સંકટ સમયની અમારી, કદી નિષ્ફળ ન નીવડેલી, સાંકળ બની રહ્યાં.
ડાબેથી -
હું, દર્શન, દુષ્યંતભાઈ, જનાર્દનકાકા, તાદાત્મ્ય - ભૂમિકા, સુસ્મિતા, અમી, હર્ષિકા, (હર્ષિકાની
પુત્રી) ગાથા




