Monday, December 21, 2015

ભૂગોળનું વેર \ The Revenge of Geography - ભારતની ભૂરાજનૈતિક દ્વિધા



ભૂગોળનું વેર \ The Revenge of Geography
ભાગ : ૨ - The Early-Twenty First Century Map \ ૨૧મી સદીની શરૂઆતનો નકશો
પ્રકરણ : ૧૨ - India’s Geopolitical Dilemma \ ભારતની ભૂરાજનૈતિક દ્વિધા

૭મી ડીસેમ્બરના પ્રકાશિત થયેલ ના પરિચયાત્મક લેખના ત્રણ ભાગમાંના પહેલા ભાગમાં આપણે પુસ્તકની Preface \'પ્રસ્તાવના' અને બીજાં પ્રકરણ 'The Revenge of Geography \ ભૂગોળનું વેર'ના સંકલિત અવતરણનો પરિચય કર્યો.

આજે હવે પુસ્તકના બીજા ભાગ - The Early-Twenty First Century Map \ ૨૧મી સદીની શરૂઆતનો નકશો - નાં બારમા પ્રકરણ - India’s Geopolitical Dilemma \ ભારતની ભૂરાજનૈતિક દ્વિધા - માં હિદ ઉપખંડના ભૌગોલિક ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં ભારતની વર્તમાન ભૂરાજનૈતિક દ્વિધા અને તેના માટેના ભાવિ માર્ગની સંભાવનાઓની વાત લેખક કરે છે.

પશ્ચિમ અને નૈઋત્ય તરફ અરબી સમુદ્ર. પૂર્વ અને ઈશાન તરફ બંગાળનો ઉપસાગર, પૂર્વ તરફ બર્માનાં પહાડી જંગલો અને ઉત્તર અને વાયવ્ય તરફ હિમાલય અને કારાકોરમ અને હિંદુ કુશની પર્વતમાળા ભારતને બહારથી પોતાનું નૈસર્ગિક ભૂરાજનૈતિક તર્કબધ્ધ અસ્તિત્વ બક્ષે છે. અંદરની બાજૂએ પણ ભારત ખાસો વિશાળ પ્રદેશ છે. તેના અને ચીનમાં એક માત્ર ફરક છે ચીનની વાઈ ખીણ કે હુઆંગ હે (પીળી નદી)ની ખીણની વસ્તીનાં સાંસ્કૃતિક ઘડતર કરતી ધરુવાડીનો. ગંગાના વિશાળ પટમાં ભારતના દક્ષિણ દ્વીપકલ્પની સાથે એક સંસ્કૃતિને તાંતણે બાંધતો મંચ રચાઈ નથી શક્યો. ગંગા, બ્રહ્મપુત્ર, નર્મદા, તુંગભદ્રા, કાવેરી, ગોદાવરી અને એવી અનેક નદીઓ વચ્ચે દેશના સમાજની સંસ્કૃતિઓ વહેંચાઈ ગયેલ છે.

ભારતની આબોહવા અતિગરમ અને વિષમ છે. પ્રાદેશિક રીતે સમગ્ર યુરેશિયામાં આ અતિસમૃદ્ધ જમીન અને ઘટાટોપ વનરાશી તેની કુદરતી બક્ષિસ છે. આ કારણે તેમાં વસતાં લોકોને સંસાધનોના વિકાસ અને વહેંચણી માટે ચીન કે યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશ જેવી રાજકીય વ્યવસ્થા ઊભી કરવાની કોઈ ખાસ જરૂર જ ન પડી.

એક ઉપખંડ તરીકે હિંદ ઉપખંડની ભૌગોલિક પરિસ્થિતિ જેટલી સ્પષ્ટ છે તેટલી જ અસ્પષ્ટ અને નબળી આજનાં ભારતની વર્તમાન રાજકીય સીમાઓ છે. એક સ્વતંત્ર દેશ તરીકે વર્તમાન ભારત રાજ્યની સીમાઓ તેની ઉપખંડીય કુદરતી સીમાઓ સાથે સુસંગત નથી. ભારતની દ્વિધાનું મૂળ આ હકીકતમાં સમાયેલ છે.

ઇસવી સનની સાતમીથી સોળમી સદીમાં વાયવ્ય ભૂમાર્ગે આવતા રહેતા આક્રમણકારો માટે દિલ્હી એક સ્વાભાવિક ભૌગોલિક પરિબળ હતું. દિલ્હીની પીઠ તરફ ઇસ્લામિક વિશ્વ છે તો તેની સામે છે હિંદુ વિશ્વ. મોગલ સામ્રાજય આ સાંસ્કૃતિક અને રાજકીય હકીકતનું વિસ્તરણ છે. લગભગ ખરા અર્થમાં છેલ્લા કહી શકાય એવા મોગલ શાસક ઔરંગઝેબની સ્થિતિ દિલ્હી-સ્થિત શાસકોની સદીઓથી ચાલી આવતી સ્થિતિનું જ પ્રતિબિંબ બની રહી - (ભૌગોલિક) ઉત્તર અને વાયવ્ય પ્રદેશો એક શાસકીય વ્યવસ્થાના તાબામાં રહેતા આવ્યા પણ દક્ષિણ હિંદુસ્તાન પર તેનું સાર્વભૌમત્વ હંમેશાં શંકાના દાયરામાં જ રહેતું આવ્યું છે.

ભારત પરના પહેલાંના વિદેશી શાસકો જમીન માર્ગની સત્તાઓ હતી, પણ બ્રિટિશરો તો પોતાનો પગદંડો સમુદ્ર માર્ગે જમાવ્યો. દિલ્હીને રાજધાની બનાવી તે પહેલાં બોમ્બે, મદ્રાસ કે કલકત્તા પ્રેસીડન્સીઓની શાસન વ્યવસ્થા બ્રિટિશ શાસકોની સમુદ્ર પરની પકડ બતાવતી હતી. પરંતુ તે પછીથી ઉત્તરે અફઘાનિસ્તાનથી દક્ષિણે પૉલ્ક સામુદ્રધુની સુધી અને પશ્ચિમે કરાચીથી પૂર્વમાં ચિત્તાગોંગ (હવે ચટગાંવ) સુધી રેલ્વેની જાળ વડે તેમણે સમગ્ર ભારત પર પોતાનું શાસન જમાવ્યું. મૂળ હિંદુ પ્રજા અને આક્રમણકારી મુસ્લિમોની વચ્ચે પરાપૂર્વથી ચાલતી આવેલી દુશ્મનાવટનાં વાતાવરણમાં બ્રિટિશરોનું સમુદ્ર માર્ગે થયેલું આગમન બંને પ્રજાઓને સમાંતરે તટસ્થ લાગ્યું.

ભારત જ્યારે ઉપખંડના નકશાને જૂએ ત્યારે વાયવ્યમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન, ઉત્તર અને ઈશાનમાં નેપાલ અને ભુતાન કે પૂર્વમાં બાંગ્લાદેશને પોતાનાં પ્રભાવનાં ક્ષેત્ર તરીકે જૂએ છે. પર્શિયન અખાતમાં ઈરાન કે પૂર્વ-સોવિયેત રશિયાનાં મધ્ય એશિયાનાં રાજ્યો કે બર્માને ભૂરાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં ભારતના પડછાયાના વિસ્તાર ગણી શકાય. આ ક્ષેત્રોને આ દૃષ્ટિએ ન જોવા એ ઇતિહાસ કે ભૂગોળના બોધપાઠ સામે આંખ બંધ કરી દેવા બરાબર જ કહી શકાય.

સંસ્કૃતિ કે વ્યાપારના ઐતિહાસિક ભૂરાજનૈતિક પરિપ્રેક્ષ્યની દૃષ્ટિએ પાકિસ્તાન ઉપખંડને મધ્ય એશિયા સાથે જોડતી કડી છે....સ્થિર અને ઠીક ઠીક અંશે મધ્યવિચારસરણીને અનુસરતું અફઘાનિસ્તાન દક્ષિણ મધ્ય એશિયા માટે જ નહીં પણ યુરેશિયા માટે પણ જુદા જુદા પરિબળોને કેન્દ્રિત કરી રેલ અને રોડ માર્ગ તેમ જ પાઈપલાઈન વડે એક તાંતણે જોડતા પ્રદેશ તરીકે પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે. શાંત અફઘાનિસ્તાન આ પ્રક્રિયામાં પોતાના જ પ્રદેશ ઉપરાંત પાકિસ્તાનને પણ આવરી લઈ શકે છે. કુદરતી ભૌગોલિક અસ્થિરતામાં જન્મતી રહેતી પાકિસ્તાનની સામાજિક અને રાજકીય ઉથલપાથલોની અસ્થિરતાનો કદાચ આ જ એક નિર્ણાયક ઉપાય કહી શકાય !

જો કે હાલની સ્થિતિ આ ચિત્રથી સાવ જ જુદી છે.... લગભગ બધા જ સંદર્ભમાં ધર્મનિરપેક્ષ પણ ઐતિહાસિક કે સામાજિક દૃષ્ટિએ હિંદુ બહુમતીવાળાં ભારતને એક ૨૧મી સદીનાં એક પ્રગતિશીલ રાજ્ય તરીકે મુસ્લિમ ઇતિહાસ અને ભૂગોળની પકડમાંથી મુક્ત થવાની અકથિત, પણ ખૂબજ પ્રબળ લાગણી, હોય તે પણ સ્વાભાવિક જ ગણી શકાય. આ હરિફાઈ કે નજદીકના ઈતિહાસની કડવાશ માટે કોઈ નક્કર ઇતિહાસ તો કારણભૂત તો છે જ નહીં એટલે તેની ચીન સાથેની હરિફાઈને પણ આ પકડમાંથી છૂટવાની એક પ્રતિક્રિયાત્મક ભાવના કહી શકાય,

આંતરખંડીય પ્રક્ષેપાત્રો, મહાકાય વિમાનવાહક જહાજો કે અવકાશમાં મોકલાતા કૃત્રિમ ઉપગ્રહો જેવી આધુનિક ટેક્નૉલોજી એક બાજુ ભૂગોળનું મહત્ત્વ ઘટાડી રહી છે તો બીજી બાજૂએ ભૂરાજનીતિના નવા સંદર્ભો ભૂગોળને નવા પરિપ્રેક્ષ્યોમાં રજૂ કરી રહેલ છે.

જૂના સમયનાં ચીનની રાજસત્તાઓની સીમાઓ આજનાં ચીનની રાજકીય સીમાઓને બહુ જ સમાંતર રહી છે, પણ ભારતના કિસ્સામાં આવું નથી થયું. ચીનની સીમાઓ દૂર પૂર્વનાં રશિયાથી લઈને મધ્ય અને આગ્નેય એશિયા સુધી તેનો પ્રભાવ વિસ્તારે છે. તેની સરખામણીમાં ભારત અફઘાનિસ્તાન અને તેના જેવા અન્ય પડછાયાનાં ક્ષેત્રોમાં ચાલી રહેલી આંતરિક અને આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓને બહુ સ્વસ્થતાથી જોઈ ન શકે તે સમજી શકાવું જોઈએ. ચીન માટે સંભાવ્ય ચિંતાની બાબત તેની અંદર વસતી તુર્ક, મોંગોલ કે તિબેટી લઘુમતીઓની પોતાની ઓળખ જાળવી રાખવા માટેનો ભારેલો ધુંધવાટ છે. આ કારણે ચીન પોતાનાં અથતંત્રના હવે પછીના વિકાસના સંદર્ભમાં જે કંઈ નીતિઓ ઘડશે તેમાં તેની સામાજિક પરિસ્થિતિઓનાં પરિબળોનાં એકબીજાં સાથે સંકળાયેલ સમીકરણોને પણ આવરી લેવાં પડશે. આ પરિવર્તન માટે જે કંઈ પગલાં લેવાશે તેની અસરો ચીનના પડછાયાના પ્રદેશોનાં સામાજિક અને રાજકીય જીવન પર તો પડશે જ, પણ સાથે સાથે સમગ્ર વિશ્વનાં સંતુલન પર પણ તેનો પ્રભાવ પડશે.

પોતાની ભૌગોલિક મર્યાદાઓમાં જ્યાં સુધી ભારત ઘેરાયેલું રહેશે ત્યાં સુધી તેના પ્રભાવનું ક્ષેત્ર પોતાના પ્રદેશ સુધી જ મર્યાદિત રહેશે; એ જેટલું આ ભૂરાજનૈતિક સીમાઓને અતિક્રમતું રહેશે તેટલું તે આંતરરાષ્ટ્રીય ખેલમાં પોતાની ભૂમિકાનું મહત્ત્વ વધારતું રહી શકશે.

તા. ૪ જાન્યુઆરી, ૨૦૧૬ના પ્રકાશિત થનાર આ પરિચયના ત્રીજા અંકમાં આપણે પુસ્તકના ત્રીજા ભાગ - America’s Destiny \ અમેરિકાની નિયતિ - નાં પંદરમા પ્રકરણ Draudel, Mexico and Grand Strategy \ ડ્રૌડેલ,મેક્ષિકો અને મહા ચક્રવ્યૂહ - ની વાત કરીશું.

Sunday, December 13, 2015

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ડીસેમ્બર, ૨૦૧૫



છેલ્લા ઘણા સમયથી આપણે "હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ"ના દરેક માસિક અંકમાં આપણા મિત્રોએ ખાસ યાદ કરેલ ગીતોની નોંધ લેતાં હતાં. બ્લૉગોત્સવમાં અન્ય સામગ્રીની ઉપલબ્ધિ પણ વધતી જતી રહી છે. એટલે એ દરેક અંક ઘણો ભારી બની જતો હતો. તેથી આ મહિનાથી દરેક મહિનાના બીજા રવિવારે આપણે આપણા મિત્રોએ મોકલેલાં ગીતોને અલગથી પ્રસિદ્ધ કરીશું.

અમે જ્યારે ફિલ્મ સંગીત સાંભળવાની સમજ કેળવવાના કાળમાં હતા એવા ૧૯૬૦ /૭૦ની શરૂઆતના સમયમાં જેના પર વાણિજ્ય સફળતાની દેવી વારી ન હોય તેવાં અનોખાં ગીતો સાંભળવા માટે રેડિયો જ સૌથી વધારે હાથવગું માધ્યમ હતું. પરંતુ આ ગીતો સાંભળવાનું તો ઓછું જ મળતું. એ કારણે કાયમ યાદ રહે અને સાંભળવાં ગમે એવાં ગીતો યાદદાસ્તમાં સમયની ધૂળમાં વિસરાતાં જવાં લાગ્યાં.
ઈન્ટરનેટના વ્યાપક પ્રચારને કારણે હવે આ ગીતો ફરીથી સાંભળવા મળતાં થયાં છે. આપણા મિત્રો આવાં ગીતોને યાદ કરી કરીને આપણને મોકલતા રહે છે. આપણે આ ગીતોની અલગથી નોંધ લઈને  તેમને એક ચોક્કસ વ્યવસ્થાનુસાર ગ્રંથસ્થ કરીએ છીએ.
આ નવી શ્રેણીની શરૂઆતના આ તબક્કે યુ ટ્યુબ જેવી સાઈટ્સ પર આ ગીતોને ઉપલોડ કરનાર ફિલ્મ સંગીતના ચાહકોનો પણ ખાસ આભાર માનવાની તક પણ જરૂરથી લઈશું. 
શરૂઆત કરીશું હરીશ રઘુવંશીએ યાદ કરેલ ગીતોથી -
હૈ ક્યા ક્યા જલવા ભરા હુઆ - આંખ કા તારા (૧૯૩૨) - ઈન્દુબાલા દેવી - મોતીલાલ નાયક
હમ ચલેં વતનકી ઔર - કાશીનાથ (૧૯૪૩) - અસિત બરન - પંકજ મલિક

हम चले वतन की और,
खिंच रहा है कोई हमको
डाल के प्रेम की डो...र हम चले०
फूल खिलें हैं नए नए
और नयी कोंपलें आई;
मस्त हवाएँ चली..
डालीयाँ झूम झूम लहेराए;
नाच रहा है डाल डाल पर
मस्ताना मनमो...र हम०
आश किसीकी पूरी होगी,
हसेंगें आज किसीके नैना
रस टपकायेंगें कानों में किसीके
मनभर मीठे बैना...
आ.....आ....
आज किसीके सुख-सोहाग का
रहेगा और न छोर !
हम चले वतन की,
चले वतन की,
चले वतन की औ..र हम०    

  ___

ગીતની ધુન અને ઑર્કેસ્ટ્ર્શન ચાલતી જતી ટ્રેનની ગતિ આપણી નજર સમક્ષ એટલી તાદૃશ્ય કરી આપે છે કે ફિલ્મનાં દૃશ્યો ન જોઈએ તો પણ કદાચ ચાલે !

ભગવાન થવરાનીએ યાદ કરાવેલ સંગીતકાર એસ એન ત્રિપાઠીનાં કેટલાંક ગીતો
પ્યાર કે પલ છીન બીતે હુએ દિન હમ તો ન ભૂલે તુમ ભૂલ ગયે - કુંવારી (૧૯૬૬) - લતા મંગેશકર - એસ એન ત્રિપાઠી – શૈલેન્દ્ર

આ ગીત તલત મહમૂદના સ્વરમાં પણ સંગીતબદ્ધ થયું છેઃ
 
તારોં ભરી રાત હૈ - પક્ષિરાજ (૧૯૫૯) - લતા મંગેશકર - એસ એન ત્રિપાઠી - બી ડી મિશ્ર

નિગાહોંમેં તુમ હો - જાદુ નગરી (૧૯૬૧) - લતા મંગેશકર - એસ એન ત્રિપાઠી
ચાંદ ઢલને લગા દિલ મચલને લગા - અમૃત મંથન (૧૯૬૧) - લતા મંગેશકર - એસ એન ત્રિપાઠી - બી ડી મિશ્ર
અને હવે તેમણે મોકલેલાં કેટલાક અન્ય સંગીતકારોનાં ગીત -
લૂટી હુઈ ઝીંદગી ઔર ગ઼મ મુસ્કુરાયે - પરવરિશ (૧૯૫૮) - લતા મંગેશકર - દત્તારામ - હસરત જયપુરી 

ખોયા હુઆ દિલ મિલ ગયા - ડાકુ મનસૂર (૧૯૬૧) - આશા ભોસલે - કૃષ્ણ કમલ - પંડીત ગ઼ાફિલ
યુ ટ્યુબ પર આ ગીત સાંભળવા જતાં સાથે સાથે એ જ ફિલ્મનું મુબારક બેગમનું આ ગીત પણ સાંભળવા મળી ગયું -
અજી એજી યાદ રખના સનમ

યે દિન દિન હૈ ખુશી કે, આજા રે આજા સાથી મેરે ઝીંદગી કે - જબસે તુમ્હેં દેખા હૈ (૧૯૬૩) - મન્ના ડે, સુમન કલ્યાણપુર - દત્તારામ
શ્રી થવરાની આ ગીત વિષે કહે છે : માંડ ૧૦ સેકંડ પણ નહીં ચાલતો હોય એટલો જ નાનો ટુકડો છે, જેમાં વાયોલિન ગ્રુપ એક નાનકડો ટુકડો વગાડે છે, જે પછીથી વાંસળી દોહરાવે છે. તેને જ ફરીથી મેન્ડલીન પર દોહરાવ્યું છે. પહેલા ભાગમાં તે પછી મન્ના ડે અને છેલ્લા ભાગમાં તે પછી તરત સુમન કલ્યાણપુર સુર ઉપાડી લે છે. જો બહુ જ ધ્યાનથી ન સાંભળીએ તો આ હરકત ચૂકી પણ જવાય ! ગ્રૂપ વાયોલિન્સનો ટુકડો - પછી તરત વાંસળી માટે જગ્યા કરી- વાંસળીનો ટુકડો પૂરો થાય એટલે તરત મેન્ડલીન માટે જગ્યા કરી - અને મેન્ડલીનનો ટુકડો પૂરો થતાં જ જાણે ગાયકોના સુરને આમંત્રણ આપી દેવાય  ! આપણા જીવનમાં પણ આવું જ બનતું હોય છે ને - કોઈ પોતાનો નાનો પાઠ ભજવીને ખસી જઈ બીજાં માટે જગ્યા કરી આપે... મંચ પર ચીટકી રહેવાની જરા પણ વૃત્તિ નહીં...એક સાથે અનેકનાં વાદ્યવૃંદમાંથી સરજાતી એક મધુર રચના એટલે આપણી જીંદગીની એ મધુર પળો....
દત્તારામે સ્વરબદ્ધ કરેલ મુબારક બેગમનું એક ઔર યાદગાર ગીત
મેરે આંસુઓ પર ન મુસ્કરા - મેરે મન મિતવા (૧૯૬૫)
મુબારક બેગમનો સ્વર આપણને યાદ કરાવી જાય છે એવા બીજા એક અનોખા સ્વરની - કમલ બારોટ. ફિલ્મોની દુનિયાની આડોઈઓ(!)નો એક ઔર નમુનો .. તેમના ફાળે સૉલો ગીતો તો બહુ જ થોડાં આવ્યાં..બીજાં ગાયિકાઓ સાથે નૃત્ય ગીતો કે મુજરાઓથી તેમણે સંતોષ માની લેવો પડ્યો..કદાચિત રોમેંટીક યુગલ ગીત અપવાદ રૂપે મળતાં રહ્યાં.
આપણે તેમનાં  ગૈરફિલ્મી ગીત યાદ કરીશું :
યે હસીન તારે તેરી યાદ દિલાતે હૈં

હમ તુમ્હેં તો કભી ન ભૂલેંગેં
હૃદયનાથ મંગેશકરના જન્મદિવસે નરેશ માંકડ આપણને તેમની લાગણીસભર પ્રાર્થના રચના યાદ કરાવે છે  -
તુમ આશા વિશ્વાસ હમારે - સુબહ (૧૯૮૨) - લતા મંગેશકર

હાથો ઉલાળવાની કસરતોના દાવને બદલે ખરા અર્થમાં કલામય એવું,ફિલ્મનૃત્યોમાં પણ શાસ્ત્રીય નૃત્યની બારીકીઓને હંમેશાં રમણીય અંદાજમાં પેશ કરતાં વહીદા રહેમાનનું નૃત્ય પણ તેઓએ આપણને યાદ કરાવેલ છે
સુનોજી સુનો, હમારી ભી સુનો - એક દિલ સૌ અફસાને (૧૯૬૩)- મુકેશ - શંકર જયકિશન
               આંખોને ઘણે અંશે ગમે એવી રાજ કપુરની નૃત્ય મુદ્રાઓ આપણને બોનસમાં મળે છે.
સમીર ધોળકિયાએ આપણને યાદોમાં વિસારે પડી ચૂકેલા સંગીતકારોનાં ગીત યાદ કરાવેલ છે
જલ કે દિલ ખાક હુઆ આંખોસે રોયા ન ગયા - પરિચય (૧૯૫૪) - લતા મંગેશકર - શૈલેશ અને વેદપાલ

સપનોં કે ગાંવમેં તારોંકી છાંઓ મેં - રાજ પ્રતિજ્ઞા (૧૯૫૮) - લતા મંગેશકર - સન્મુખ બાબુ ઉપાધ્યાય

દરેક મહિનાનાં અંકનો અંત આપણે મોહમ્મદ રફીનાં વિસારે પડતાં ગીતોને યાદ કરીને કરશું.
આજના અંકમાં
સમીર ધોળકિયાએ કિસ્મતકા લિખા ન ટલે - પરિચય (૧૯૫૪) યાદ કરેલ છે.

તો નરેશ માંકડે એન દત્તાએ સ્વરબદ્ધ કરેલ મોહમ્મદ રફી તેમ જ સુમન કલ્યાણપુરના સ્વરમાં રજૂ થયેલ બે સ્વરૂપનાં ગીત નિગાહેં ન ફેરો ચલ જાયેંગે હમ - બ્લેક પ્રિન્સ (૧૯૬૦)ને યાદ કરેલ છે.

તે ઉપરાંત આપણે મોહમ્મદ રફીનાં ગીતોની ૭૮ આરપીએમ રેકર્ડ્સનાં ગીતસમુહને સાંભળીશું.


એક એક ગીત સાંભળવાની સગવડ માટે દરેક ગીતને અલગથી પણ અહીં નોંધેલ છે


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

Monday, December 7, 2015

ભૂગોળનું વેર \ The Revenge of Geography

ભૂગોળનું વેર \ The Revenge of Geography
આવનારા સંધર્ષ અને ભવિષ્ય સામેની લડાઈ વિષે નકશા આપણને શું કહી જાય છે


રૉબર્ટ ડી કપ્લાનનું આ ચૌદમું પુસ્તક છે. ભૂતળીય ભૌગોલિક નકશાઓની રેખાઓ પર આપણા રાજકીય વિચારોને દોરી જવા માટે ભૂતકાળના ઇતિહાસના પ્રસંગોને ભૌગોલિક રાજનીતિના વિચારકોની વિચારસરણીનો રસાળ આધાર આ પુસ્તકની વિશેષતા કહી શકાય.

પુસ્તકની રજૂઆત ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવી છે.

પુસ્તકના પહેલા ભાગ - Visionaries \ દીર્ઘદ્રષ્ટાઓ-માં નજદીકના તેમ જ દૂરના ભૂતકાળના મહત્ત્વના ભૂગોળશાસ્ત્રીઓ અને ભૌગોલિક રાજનીતિના વિચારકોનાં ઇતિહાસના મહત્ત્વના વળાંકો પરનાં વિવરણોના પાયા ઉપર હવે પછી નજરે પડવાની સંભાવનાઓવાળી ઘટનાઓને જોવાનો મંચ લેખક ઘડે છે.

બીજા ભાગ - The Early-Twenty First Century Map \૨૧મી સદીની શરૂઆતનો નકશો - માં કપ્લાન યુરોપ, રશિયા, ચીન, ભારતીય ઉપખંડ, તુર્કી, ઈરાન અને મધ્ય પૂર્વીય આરબ જગતમાં બનેલી તાજેતરની કટોકટીની ઘટનાઓમાંથી શીખવા મળેલા બોધપાઠને અર્થઘટિત કરે છે.

ત્રીજા ભાગ - America’s Destiny \અમેરિકાની નિયતિ -માં ઉત્તર અમેરિકાના ઉપખડના સંદર્ભમાં અમેરિકાની ભૂતકાળની, વર્તમાન અને ભાવિ વિદેશ નીતિનું વિવેચનાત્મક વર્ણન કરાયું છે.

કોઈપણ પુસ્તકના એક જ લેખમાં કરાતા વિહંગાવલોકન સમા પરિચયને બદલે પુસ્તકની ખરી ભૂમિકાને સમજવા અને આપણને સીધી રીતે વધારે અસર કરતા વિષયો વિષે થોડું વિસ્તારથી સમજવા માટે કરીને આપણે પણ આ પરિચય ત્રણ હિસ્સામાં કરીશું. પહેલા હિસ્સામાં પુસ્તકની પ્રસ્તાવના અને પહેલા ભાગનાં બીજાં પ્રકરણ, બીજા હિસ્સામાં પુસ્તકના બીજા ભાગનાં બારમાં પ્રકરણ અને ત્રીજા હિસ્સામાં ત્રીજા ભાગનાં પંદરમાં પ્રકરણનાં અવતરણની મદદથી આપણે પુસ્તકથી પરિચિત થશું.

પ્રસ્તાવના – Frontiers \ સીમાડાઓ -માં લેખકે તેમનાં આ પહેલાંનાં ચાર પુસ્તકો - Soldiers of God (૧૯૯૦), An Empire of Wilderness (૧૯૯૮), Eastward to Tartary (૨૦૦૦) અને Hog Pilots, Blue Water Grunts (૨૦૦૭-ની સામગ્રીનો આધાર લીધો છે. મેદાનીય વિસ્તારો પર રોગચાળાની જેમ ત્રાટકતા રહેતા આધુનિકીકરણની અસરો સામે પોતાના પ્રદેશની સંસ્કૃતિને સાચવવાની ભૂમિકા પર્વતમાળાઓ ભજવે છે. જો કે આજના સમયમાં માર્ક્સિસ્ટ ગેરીલાઓ કે નશીલા પદાર્થોની હેરફેર કરતી આંતરરાષ્ટ્રીય ટોળકીઓનાં છૂપાં આશ્રયસ્થાન તરીકે પણ તેમનો ઉપયોગ કરાય છે તે વળી સાવ અલગ બાબત છે....બહુ જ મોટી ઉથલપાથલ જેવા રાજકીય કે સામાજિક પરિવર્તનોના સમયમાં નકશાઓનું મહત્ત્વ વધી જાય છે.પગતળેથી જ્યારે રાજકીય જમીન ખસકી જતી હોય છે ત્યારે હવે પછી શું થઈ શકે એ સમજવામાં નકશો મહત્ત્વ નું યોગદાન આપી શકે છે. એક સમયે રાજકીય રીતે વિભાજિત રહેલા જર્મની કે વિયેતનામ કે યેમેન જેવા દેશોના નકશાઓ એ વાતનો પુરાવો કહી શકાય કે તલવાર વીંઝીને પાણીને ગમે એટલો સમય અલગ રાખવાની કોશીશ કરવામાં આવે, તેમની મૂળભૂત એકતા આખરે તો હાવી થશે જ. એ ઘટનાઓ અણધારી હોવાની, કે હિંસક પણ બની રહેવાની, કે જ્યારે થવા માડે ત્યારે અતિઝડપથી થવાની સંભાવનાઓને નજરઅંદાજ ન કરવી જોઈએ.

વાત વાતમાં 'સપાટ દુનિયા'નાં ગાણાં ગાતાં, લોકમત પર પોતાનો પ્રભાવ છાંટતાં રહેતાં બૌદ્ધિકો કલાકોમાં દુનિયાને એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે એવા આજના જેટ અને માહિતી યુગની ઝડપમાં લુપ્ત થતી જતી આપણી સંવેદનશીલતાને આપણે સતેજ કરવાની જરૂર છે….

ભૂગોળને પૃથ્વીનું વર્ણન કહીને તેને મોટે ભાગે નિયતિવાદ સાથે જોડીને તેને માનવ પસંદગીને સીમિત કરનારની છાપ મારી ઉતારી પાડવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે ભૂતળ નકશાઓ અને વસ્તીના અભ્યાસો પરંપરાગત વિદેશ નીતિની સંકુલતામાં એક મહત્ત્વનું પાસું ઉમેરે છે, અને એ રીતે દુનિયાને જોવાની એક શક્તિશાળી નજર બક્ષે છે. દુનિયાને જેમ જેમ સદીઓની લાંબી દૃષ્ટિથી જોઈએ છીએ તેમ તેમ ભૂગોળની ભૂમિકા વધારે ને વધારે અગત્યની બનતી જાય છે... ભલેને પછી આપણે બહારનાં સૂર્યમંડળમાં ઉપગ્રહો તરતા મૂકતાં થયાં હોઈએ, કે પછી નાણાંકીય બજારો અને સાઈબરવિશ્વમાં ભલે સીમાઓ ભુંસાઈ ગઈ હોય, હિંદુ કુશની પર્વતમાળા આજે પણ દુર્જેય તો છે જ..

બીજાં પ્રકરણ – The Revenge of Geography \ ભૂગોળનું વેર –માં હૅંસ જે મૉર્ગૅનથૌ (Politics Among Nations : The Struggle for Power and Peace) તેમની રજૂઆતની શરૂઆતમાં જ કહે છે કે આપણી દુનિયા માનવીના જન્મજાત સ્વભાવમાં જે પરિબળો રહેલાં છે તેનું જ પરિણામ છે. માનવ સ્વભાવ ભય, સ્વાર્થ અને માનથી પ્રેરાય છે. 'દુનિયાને સુધારવી હોય, તો આ પરિબળોની સામે નહીં, પણ સાથે રહેવું જોઈએ.' માનવ સ્વભાવ દુનિયામાં સતત સંધર્ષ અને બળજબરી પેદા કરતો રહે છે. દરેક માનવ પ્રવૃત્તિઓમાં, તેમાં ય રાજ્યોની તો ખાસ, હાવી થવાની ભાવના તો સમાયેલી જોવા મળતી જ હોય છે. માત્ર સત્તા જ સત્તાને નાથી શકે.

વાસ્તવવાદીઓ સ્વતંત્રતા કરતાં વ્યવસ્થાને વધારે મહત્ત્વ આપે છે - વ્યવસ્થા પ્રસ્થાપિત થયા પછી જ સ્વતંત્રતાનું મૂલ્ય સમજાય છે. સાર્વભૌમત્વ અને જોડાણો સાવ ખાલી જગ્યામાં શક્ય નથી બનતાં; તે તો બીજાં સાથેના મતભેદોમાંથી જ પેદા થાય છે.

નકશો એ માનવ ભાગલાઓનું સ્થળ વિષયક નિરૂપણ છે. નકશા હંમેશાં સાચું જ કહેતા હોય તેમ જરૂરી નથી. તે કોઈ પણ અન્ય સામાન્ય વાત જેટલા જ વસ્તુલક્ષી હોઈ શકે છે. નકશા ભૌતિક છે અને એટલે જ મોટેભાગે તટસ્થ હોય છે. ખાસા જોખમી સાધન હોવા છતાં, નકશા વિશ્વ રાજકારણને સમજવા માટે અગત્યના તો છે જ.

કુદરત જે કંઈ લાગુ કરે છે તેને માનવી નકારતો ફરે છે. માણસનાં કામો ભૂગોળ દ્વારા લાગુ પડાતાં ભૌગોલિક પરિમાણોથી જ સીમિત બને છે. પણ તેમ છતાં તેની યુક્તિપ્રયુક્તિઓને પૂરતી મોકળાશ મળી રહે તેટલી આ સીમાઓ વિષાળ પણ છે... દુનિયાની મોટા ભાગની નીર્બળ વસાહતો ચારેબાજુ જમીનથી ઘેરાયેલી જગ્યાઓમાં વસતી જોવા મળે છે. ૪૫0 ઉત્તર અને દક્ષિણ રેખાંશની વચ્ચેના ઉષ્ણકટિબંધના પ્રદેશોમાંની વસાહતો સામાન્યતઃ ગરીબાઈ અનુભવતી જોવા મળશે.ઉચ્ચ આવકોવાળી વશાગતો મધ્ય અને તેના ઉપરના રેખાંશના પ્રદેશોમાં વસતી જોવા મળશે. એક સરખાં હવામાનમાં ટેક્નોલોજીનો પ્રસાર વધારે સહેલાઈ થી થઈ શકે છે, જેની અસર રૂપે પૂર્વ-પશ્ચિમતરફ ફેલાયેલ સમશીતોષ્ણ ક્ષેત્રમાં વસેલ યુરેશિયા સહારાની નીચે ઉત્તર-દક્ષિણ દિશાઓમાં વસેલ આફ્રિકન દેશો કરતાં વધારે સમૃદ્ધ છે.જમીનની ફળદ્રુપતાને કારણે વસ્તીની ગીચતા વધારે હોય, પણ ગીચ જંગલોને કારણે રેલ અને રસ્તાઓ ઓછાં હોય કે સમુદ્ર વગેરે બાહ્ય સંપર્ક ઓછા હોવાને કારણે આર્થિક વિકાસ ઓછો શકય બન્યો હોય તે પ્રદેશોમાં સરેરાશ સમૃદ્ધિ ઓછી જોવા મળશે.

સ્વતંત્રતાના દુશ્મન જમીનદારોને દૂર રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સમુદ્રથી સુરક્ષિત હોવાને કારણે અમેરિકા અને બ્રિટન મુક્ત સમાજની પરિકલ્પનાને ઉજાગર કરી શક્યા. વીસમી સદીના મધ્ય ભાગમાં યુરોપમાં જોવા મળતા લશ્કરવાદ અને પરિણામલક્ષી વાસ્તવવાદને સમુદ્રનું પરિણામ કહી શકાય, નહીં કે તેનાં પ્રકૃતિગત ચરિત્રનું. ખીચોખીચ ભરેલા ખંડમાં એકબીજાંની હરિફાઈ કરતાં રાજ્યો અને સામ્રાજ્યો અડોઅડ વસ્યાં હતાં.જો લશ્કરી ચાલમાં કોઈ મોટી થાપ ખવાઈ જાય તો યુરોપનાં રાષ્ટ્રો પાસે સમુદ્રનો આશરો લેવાનું બારૂં આસાન નહોતું. આ કારણે સાર્વત્રિક નૈતિકતા તેમની નીતિઓને આધારમાં રાખવું અવહેવારૂ હતું. દેશની બે સીમાઓ પર આવેલા બે મહાસાગરોએ અમેરિકાના આદર્શવાદને તો પોષ્યો જ, પણ સાથે સાથે એક બાજુ એટલાંટિકને પાર યુરોપ અને બીજી બાજુ પ્રશાંત મહાસાગરની પેલે પાર પૂર્વ એશિયાના રાજકીય અને આર્થિક પ્રવાહો સાથે પણ સંબંધ કેળવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો.

ભૌગોલિક, ઐતિહાસિક કે માનવવંશીય ખાસીયતો ભવિષ્યની ઘટનાઓ પર પ્રભાવ જરૂર પાડે છે, પણ તેમાં નિર્ણાયક ભૂમિકા નથી ભજવતાં. પરંતુ, એટલું પણ ચોક્કસ છે કે રૉબર્ટ કપ્લાન આ પુસ્તક વડે ગઈકાલે જે હતી કે આવતી કાલે જે હશે તે ભૂગોળ વિષે વિચારતા તો જરૂર કરી મૂકે છે.એરિક કૌફમૅન નોંધે છે કે, પ્રાકૃતિક અવરોધના અભાવને કારણે અનુભવાતી અસલામતી કે સમુદ્ર પાસેની કે સંસાધનોના સ્ત્રોતો પાસેની વ્યૂહાત્મક નજ્દીકી કે થાણાંઓ સ્થાપવા માટેની કે પાઈપલાઈનો બીછાવવા માટેની નૈસર્ગિક સગવડો જેવી પ્રથમ કક્ષાની ભૌગોલોક અસરોનો સંદર્ભ આજના અને ભવિષ્યમાં વિકસનાર આંતરખંડીય આણ્વીક મિસાઈલો કે માહિતી ટેકનોલોજીના જમાનામાં નવા અર્થઘટન સ્વરૂપે જોવાની જરૂર છે. ઉકળતા ચરૂઓ જેવી રાષ્ટ્રીય ઓળખની ચળવળો જેવી બીજી કક્ષાની ભૌગોલિક અસરો કે રૂઢિવાદી ધાર્મિક ઉથલપાથલ જેવી ત્રીજી કક્ષાની ભૌગોલિક અસરો તેનાં ભૌગોલિક મૂળીયાંની પકડમાંથી મુક્ત થઈ રહેલ છે. આવા બદલતા ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં સુખ અને શાંત , આદર્શ, વિશ્વની સ્થાપનાના આપણા આદર્શોને ધૂળ, પથ્થર કે અંતરની ભૌગોલિક સીમાઓની જે મર્યાદાઓ નડી શકે છે તે અંગે જાગૃત કરવાની આલબેલ પોકારવાનું કામ કપ્લાન કરી આપે છે.


પોતાનાં પુસ્તક The Revenge of Geography વિષે ચર્ચામાં લેખક રૉબર્ટ કપ્લાન સમજાવે છે કે આ સદીની ઝળુંબી રહેલ રાજકીય કે સામાજિક ઉથલપાથલોને રોકવામાં સમયાતીત સત્યો અને કુદરતી હકીકતો શી રીતે મદદરૂપ બની શકે.



તા. ૨૧ ડીસેમ્બર, ૨૦૧૫ના પ્રકાશિત થનાર આ પરિચયના બીજા અંકમાં આપણે પુસ્તકના બીજા ભાગનાં બારમા પ્રકરણ India’s Geopolitical Dilemma \ભારતની ભૂરાજનૈતિક મથામણની વાત કરીશું