Sunday, June 11, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - જૂન ૨૦૨૩

દત્તારામ - આપ આયે તો ઉજાલા સા હુઆ મહેફિલમેં

દત્તારામ (મૂળ નામ દત્તારામ લક્ષ્મણ વાડકર) - જન્મ ૧૯૨૯ - અવસાન ૮ જૂન, ૨૦૦૭ - ની  ૧૯૫૭થી શરૂ થયેલી સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી કેમ ૧૯ હિંદી અને ત્રણ પ્રાંતિક ભાષાઓની  ફિલ્મોમાં જ કેમ સંકેલાઈ ગઈ તે વિશે અનેક ચર્ચાઓ થતી રહી છે અને જેમ જેમ તેમનાં ગીતો સાંભળવાના અવસરો મળે છે તેમ થતી પણ રહેશે. એ બધી  ચર્ચાઓ ભલે એક તારણ પર ન આવી શકતી હોય પણ દત્તારામનું સંગીત એ બધી જ ફિલ્મોમાં ક્યારે પણ સુર ઉતરી ગયેલું નથી લાગ્યું એ વિશે હંમેશાં એકમત રહ્યો છે.

'૬૦ના દાયકાના મધ્ય કાળ પછી કલ્યાણજીઆણંદજી અને તેમનાથી પણ પછીની પેઢીના કહી શકાય એવા લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને આર ડી બર્મન જેવા સંગીતકારોને ફાળે મોટાં નિર્માણગૃહોની ફિલ્મો જવા લાગી હતી. એટલે દત્તારામ જેવા સંગીતકારોએ પોતાની હાજરીની નોંધ લેવાતી રહે એ આશયથી પણ બી/સી ગ્રેડની ફિલ્મોનાં સંગીત આપવાની સ્થિતિ આવી ગઈ હતી.  આમ 

થવા છતાં એક સમયના બહુ જ આશાસ્પદ અને બહુ જ પ્રતિભાવાન આ સંગીતકારોનાં કૌશલ્યને ફિલ્મની કક્ષાની કોઈ સીધી અસર ભલે થઈ નહીં, પણ એ ફિલ્મોને મળતી નિષ્ફળતાને, કે એ ફિલ્મોનાં નિર્માણનાં અન્ય નબળાં પાસાંઓને, કારણે, ઘણી વાર, તેમનું સંગીત પણ ઓછું અસરકારક અનુભવાતું. 

દત્તારામ પણ ફિલ્મ જગતના એ પ્રવાહની આ વ્યાપક અસરના ભંવરમાં અટવાઈ ગયા હોય એવું બન્યું એ બાબત ખાસ આશ્ચર્યકારક પણ ન કહી શકાય.

દત્તારામ સર્જિત જાણીતાં તેમ જ ઓછાં જાણીતાં ગીતોને યાદ કરવાના 'દિલ્લી આટલી નજદીક છતાં કેટલી  દૂર' શીર્ષક હેઠળના આપણા આ ઉપક્રમ હેઠળ અત્યાર સુધી , આપણે


૧૯૫૭ થી ૧૯૫૯
નાં વર્ષનાં ગીતો ૨૦૧૮માં ,

૧૯૬૦ અને ૧૯૬૧નાં વર્ષનાં ગીતો ૨૦૧૯માં,

૧૯૬૨ અને ૧૬૩નાં વર્ષનાં ગીતો ૨૦૨૦માં, અને

૧૯૬૫નાં વર્ષનાં ગીતો ૨૦૨૧માં,

૧૯૬૮નાં વર્ષનાં ગીતો ૨૦૨૨માં 

સાંભળ્યાં છે તેમાં દત્તારામનો તેમની કળા પરથી હાથ ઉતરી ગયો હોય એમ બિલકુલ નથી જણાતું.

આજે  ૧૯૭૦ની 'ચોરોંકા ચોર' અને ૧૯૭૧ની 'એક દિન આધી રાત' જેવી બે બી ગ્રેડની ફિલ્મોનાં  દત્તારામ રચિત ગીતો આપણે સાંભળીશું. ગીતોની મિઠાશ માણવાની સાથે  સાથે આપણે આ બે ફિલ્મો પછી દત્તારામની સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી પર સિનેમાની આર્કલાઈટનો પ્રકાશ હંમેશાં માટે બંધ થઈ ગયો  એ કડવી હકીકતનો ઘુંટડો પણ ગળવો પડશે. 

'ચોરોંકા ચોર' (૧૯૭૦)

નામ પરથી જ ખયાલ આવી જાય કે 'ચોરોંકા ચોર' મારધાડની બી ગ્રેડની ફિલ્મ હશે. '૬૦ના દાયકાના મધ્ય ભાગ પછીથી દારા સિંગની મુખ્ય અભિનયવાળી લગભગ એવી ૧૬ ફિલ્મો બહુ ચાલી નીકળી હતી જેમાં મુમુતાઝ હિરોઈન હતી. આમાંની બધી ફિલ્મોમાં સંગીત કોઈને કોઈ એવા પ્રતિભાવાન સંગીતકારનું રહેતું કે જેને નસીબે ક્યાં તો યારી ન આપી હોય કે પછી લક્ષ્મી=પ્યારે જેવા નસીબના દરવાજા ખડખડાવાતા ઉગતા સંગીતકારોનું જ હૉય. દારા સિંગની જેટલી પણ ફિલ્મો સફળ રહી એ દરેકનું સંગીત પણ બહુ સફળ રહ્યું, કે પછી કદાચ એમ પણ કહી શકાય કે સંગીતની સફળતાએ ફિલ્મની સફળતામાં મોટો ભાગ ભજવ્યો. 

'ચોરોંકા ચોર'માં ચાર ગીતો હતાં જે બધાં ફારૂક઼ ક઼ૈસરે લખ્યા હતાં.

દિલ ધડકા, દિલ ધડકા, વહી શોલા ફિર ભડકા - શ્યામા હેમાડી, ઉષા મંગેશકર 

ટુંકા બજેટની સીમા પણ પાળવાની સાથે ઓછાં જાણીતાં ગાયકોને તક આપવાની સાહસિકતા દત્તારામ અહીં સુપેરે અદા કરે છે.



ઓ બંધુ, પતલી કમર તીરછી નજ઼ર કભી ઈધર કભી ઉધર - મહેંદ્ર કપૂર, શારદા 

યોગાનુયોગ કહી શકાય કે દત્તારામ શંકર જયકિશનના ઓછાયાની બહાર ન નીકળી શક્યા એવા આરોપનું સમર્થન કહી શકાય એવું વિચારતાં કરી દે એવાં બે પરિબળો - શંકર જયકિશનની પહેલી જ ફિલ્મ 'બરસાત' (૧૯૪૯)નાં તીરછી નજ઼ર હૈ પતલી કમર હૈ વાળા બોલ અને ગાયિકા તરીકે શારદાની હાજરી - અહીં જોવા મળે છે. 

જોકે શેરી ગીત તરીકે ફિલ્માવાયું હોય એવાં આ ગીતને દત્તારામે પોતાની શૈલીથી જ સંગીતબધ્ધ કર્યું છે તે વિશે બેમત ન હોઈ શકે.

ઓ મેરે દિલદાર ન કર તુ ઇન્કાર, મેરે દિલમેં બસના, મેરી આંખોંમેં  રહના - મોહમ્મદ રફી, આશા ભોસલે 

'લાઉડ'કહી શકાય એવાં ફિલ્માંકન માટે દત્તારામ પણ 'લાઉડ' કશી શકાય તેવી રચના આપે છે, પણ ગીતને પુરતો ન્યાય મળી રહે તે માટે મોહમ્મદ રફી અને આશા ભોસલે જેવાં 'સજ્જ' ગાયકોની પસંદગી કરેલ છે.


આયી સોફિયા, હો તેરા મેરા પ્યાર દેખકે સબકા દિલ જલા, છૂપકે પ્યાર કર લે તેરા મેરા દિલ હાલ હૈ એક ચુલબુલા - આશા ભોસલે

કદાચ ગોવાના કારણે દત્તારામને ફાળે ક્લબનાં ગીતો આવતાં રહેવાનો ક્રમ અહીં તો વળી ફિલ્મની મસાલા ફોર્મ્યુલાની 'ફરજિયાત' જરૂરને અનુસાર હોવાને કારણે પણ સહજ પણે જળવાયો એવું કહી શકાય. જોકે દત્તારામ ગીતની ધુનને નવા જ સ્વરૂપે રજુ કરી રહે છે.


https://vimeo.com/397999138

એક દિન, આધી રાત (૧૯૭૧)

આ ફિલ્મના મસાલામાં પાછૉ રહસ્યનો સ્વાદ પણ ઉમેર્યો હશે એમ જણાય છે. 

આપ આયે તો ઉજાલા સા હુઆ મહેફિલમેં, સામને બૈઠિયે તસ્વીર બના લું દિલમેં - મોહમ્મદ રફી – ગીતકાર: અસદ ભોપાલી 

'૫૦ના અંત અને '૬૦ના દાયકામાં બહુ પ્રચલિત પિયાનો પર ગવાતાં પાર્ટી ગીતનાં વાતાવરણને મોહમ્મદ રફીના ઉંચા સુરમાં ગવાયેલ ગીત વડે ફરીથી જીવંત કરી આપ્યું છે.


મૈં હું જહાં તુ ભી વહી હૈ, તુઝસે કોઈ પ્યારા નહીં હૈ આ મેરી બાહોંમેં જાન - એ - તમન્ના - સુમન કલ્યાણપુર – ગીતકાર: અસદ ભોપાલી

શંકર જયકિશને પ્રથમ વાર હરે કાંચકી ચુડીયાં (૧૯૬૭)માં પછી રે ઓ પંછી યુગલ ગીતમાં મુખ્યત્વે જે નવાં જ વાદ્યનો ઉપયોગ કર્યો હતો એ વાદ્ય પર દત્તારામ અહીં ફરીથી હાથ અજમાવે છે. જોકે પાર્ટી ગીત જેવી ધુન હોવા છતાં સુમન કલ્યાણપુરના સ્વરમાં ગીતના પ્રેમના સ્વીકારના ભાવને અનુરૂપ માર્દવ જળવાઈ રહે તેમ કરવામાં પણ દત્તારામ સફળ રહે છે.


મેરા દિલ ઝૂમ ઝૂમ ગાયે ..... સબકો હેપ્પી ક્રિસ્ટમસ - આશા ભોસલે – ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર

ઉસ્તવની ઉજવણીને ફિલ્મમાં ગોહવવાની તક મળે તો કેમ ચુકાય !


સામને આ પરદા હટા હટા હટા  ..... દેખે ઝરા તુજ઼મેં હૈ ક્યા - મોહમ્મદ રફી, આશા ભોસલે – ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર

મસાલા ભરેલી વાનગી જ તૈયાર કરવી હોય તો કવ્વાલીની રંગતથી વધારે લોકપ્રિય સામગ્રી ક્યાં શોધવી ! દત્તારામ કવ્વાલીની નજ઼ાકતને સરળતાથી જાળવી લે છે.


છેડો છેડો ના સૈયાંકી બાતેં. સખી લાખ સંભાલુંગી હાલત બીગડ જાએગી - ઉષા તિમોથી, આશા ભોસલે – ગીતકાર: નુર દેવાસી 

બીજા બધા મસાલા વપરાઈ ગયા હોય તો છેલ્લે નૃત્ય ગીત મુકી દેવાનો ઉપાય હિંદી ફિલ્મોમાં અકસીર ઉપાય રહ્યો છે. 


 

હવે દત્તારામને સ્વતંત્રપણે કામ મળવું ઓછું તો થઈ ગયું હતું, એવામાં ૧૯૭૩માં જયકિશનનું પણ નાની વયે અવસાન થયું. એટલે શંકરને એકલે હાથે બહુ કામ મળતું ન હતું. એ સંજોગોમાં દત્તારામે તેમના જુના મિત્રો લક્ષ્મી-પ્યારે અને આર ડી બર્મનની સાથે છુટક છૂટક કામ પણ કર્યું. પણ '૮૦ના દાયકામાં હિંદી ફિલ્મોમાં સંગીતની જે શૈલીનું પ્રભુત્વ થતું ગયું તેની સાથે દત્તારામને જરા પણ મેળ બેસતો નહોતો. એટલે તેમણે ગૌરવભેર પોતાના જન્મસ્થળ ભણીની વાટ પકડી. છેલ્લાં વર્ષોમાં તબીયત લથડી ત્યારે તેમની પાસે પોતાની સરખી સારવાર કરાવી શકવાની પણ સગવડ નહોતી. જે વ્યક્તિને નસીબે જીવનમાં મુશ્કેલીઓના કાંટા પણ ન વેર્યા કે ન તો અઢળક સફળતા આપી, તેણે દત્તારામના અંતને પણ મધ્ય માર્ગે જ ટુંકાવી આપ્યો.

તબ્બસુમે તેમના હૃદયસ્પર્શી કાર્યક્રમ Unheard musicians of Bollywood: Dattaram   માં તેમનાં ગીતોની યાદોને વણી લેતાં કહ્યું છે તેમ દત્તારામનાં સંગીતની યાદો તેમનાં ચાહકોનાં દિલમાં તો વસી જ છે, પણ નવી પેઢીને પણ ક્યાંકને ક્યાંક જરૂર ગમશે તો નસીબે તેમને જે કંઈ ઓછું આપ્યું તે તેમનાં ચાહકોની યાદો પુરૂં કરી આપી શકશે.


 દત્તારામે સ્વતંત્ર સંગીતકાર તરીકે રચેલાં ગીતોની સફરની લેખમાળા 'દિલ્લી આટલી નજદીક છતાં કેટલી  દૂર' ના બધા મણકા એકસાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરશો.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.


Sunday, June 4, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : વર્કશોપ [૨]

એન્જિનિયરિંગના વિદ્યાર્થી માટેની વર્કશોપની આવશ્યકતાના આદર્શો અને વાસ્તવિકતાઓ

વિજ્ઞાન કે એન્જિનિયરિંગ કે મૅડીસિન જેવા વ્યાવસાયિક  અભ્યાસક્રમોમાં 'પ્રેક્ટિકલ્સ' દ્વારા વિદ્યાર્થી 'થિયરી'માં જે ભણે તેને પ્રાયોગિક રીતે સિદ્ધ કરવા શું અને કેમ કરવું જોઈએ તે શીખે છે.  'ડ્રોઇંગ' ' 'સર્વેયિંગ' જેવા 'પ્રેક્ટિકલ્સ' એન્જિનિયરિંગના અભ્યાસ દરમ્યાન પણ મહદ અંશે આ જરૂરિયાત પુરી કરવાની સાથે વિદ્યાર્થીને વ્યાવહારિક જગતની નજદીક લઈ જવાની ભૂમિકા પણ ભજવે છે.  પરંતુ 'વર્કશોપ્સ' આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવાની સાથે સાથે વિદ્યાર્થીને થિયરીમાં શીખેલ 'વિજ્ઞાન'નાં જ્ઞાનને વાસ્તવિક જગતમાં અમલમાં મુકવા માટે હાથ વડે કામ કરી શકવાની 'કળા'ના અનુભવને  'આવડત'માં કેમ ઉતારવો તે શીખવાડવાની, અને તેને આત્મસાત કરવાની, આવશ્યકતાને પુરી કરવા માટે પ્રયોજાયેલ છે. પરંતુ અભ્યાસક્રમને જે રીતે આલેખવામાં આવે છે કે તેનો અમલ કરવામાં આવે છે, તેમાં ક્યાંક એવી મહત્ત્વની કડી ખૂટે છે કે અન્ય પ્રેક્ટીકલ્સની જેમ વિદ્યાર્થીઓ, અને કંઈક અંશે શિક્ષકો, 'આ પણ એક 'કામ' છે જેને ફરજિયાત પુૠં કરવાનું છે' એવા મનોભાવથી જોતા  જણાય છે. તેમાં વળી, જેમણે એન્જિયરિંગમાં દાખલ થવા પહેલાં હાથના ઉપયોગથી કંઈ જ 'બનાવ્યું' નથી એવા મારા જેવાઓને તો 'આવડત' અને 'મનોભાવની કેળવણી' તો ભેંસ આગળ ભાગવત જ પરવડે. આટલું ઓછું હોય તેમ, સાચી યા ખોટી રીતે ઘર કરેલી માન્યતા કે 'આપણે તો 'એન્જિનિયર' છીએ, હાથ તેલગ્રીસથી મેલા કરવા એ તો કારીગરનું કામ છે' આ મનોભાવ પરિસ્થિતિમાં ઈંધણ પુરીને આગ ભડકાવવાનું કામ કરે છે.

આ બધી સાંયોગિક ચર્ચાઓને કારણે ધ્યાન ખસેડ્યા સિવાય વિદ્યાર્થીને હાથ વડે કામ કરવાની કળાની આવડત શીખવા માટે અને ઉત્પાદન પ્રક્રિયામાં વ્યવહારમાં વપરાતી અલગ અલગ કાર્યપદ્ધતિઓ અને તેને આનુષાંગિક યંત્રો અને ઉપકરણોથી પરિચિત થવા માટે વર્કશોપ્સ એક આદર્શ સ્થળ અને તક છે એ વિશે બેમત ન હોઈ શકે તેનો તો સ્વીકાર કરવો જ રહ્યો.. 

એ સમયે એલડીમાં વર્કશ્પ્સ તરીકે સુથારી, ફિટિંગ, મશીન શોપ અને લુહારી જેવી 'શોપ્સ' હતી. વિદ્યાર્થીઓએ, તેમને આપવામાં આવેલ કાચા માલમાંથી આ શોપ્સનાં કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ 'જોબ' બનાવવાના રહેતા. જેમણે કોઇ પણ ઉપકરણને હાથમાં જ પહેલી વાર પકડ્યું હોય એવ મારા જેવા વિદ્યાર્થોને તો દરેક જોબ એક નવી અજમાયશ અને તેમાંથી નિપજતી ભૂલોની પરંપરા હતો. એ દરેક 'જોબ' શા માટે બનાવવો જોઈએ અને કેમ કરીને બનાવવો જોઈએ તેની જે કંઈ અને જેવી સમજણ અપાતી હશે તે સમજવું એ પણ શરૂઆતમાંતો અમારા માટે એક અજમાયશ જ નીવડતી હતી. 

વર્કશોપ્સના ઈંન્સ્ટ્રકટરો મોટા ભાગે આઈટીઆઈ પાસ કરેલ બહુ અનુભવી કારીગરો રહેતા.  ઘણા કિસ્સાઓમાં તો તેઓ તેમનાં અન્ય કુટુંબીજનો સાથે સુથારી કામ જેવા પોતપોતાના વ્યવાસાયો પણ કરતા હતા. એક તો સરકારી નોકરીની સુરક્ષા અને બીજી બાજુ હવે પગારમાં થતા વાર્ષિક વધારા સિવાય અન્ય કોઈ પ્રગતિની ખાસ શક્યતાઓ નહીં એટલે કદાચ એ લોકોને અમારા જેવા શિખાઉઓને દર વર્ષે કક્કો શીખડાવવામાં બહુ રસ નહીં હોય. તેમાં પાછું લગભગ બધા જ વિદ્યાર્થીનો પ્રેક્ટિક્લ્સ તરફનો નિરસ અભિગમ તેમનાં આ માનસને ઘુંટવામાં વધારે ભાગ ભજવતો હોય એમ બની શકે !  એવી પણ એમ માન્યતા જતી કે કારીગર જ હોવા છતાં ભવિષ્યના એન્જિનિયરો પર બૉસગીરી કરવાની તક પણ તેમને આ સિવાય ક્યારે મળે ? જોકે મને પોતાને આવું ખાસ લાગ્યં  નહોતું એ વાત પણ એટલી જ સાચી હતી.  એવી પણ અફવાઓ સાંભળવા મળતી કે જૉબ 'પાસ કરાવી લેવો' હોય તો ખાનગીમાં તેમની પાસે જ બનાવડાવી લેવાની 'દક્ષિણા'નો વ્યવહાર પણ કરી શકાય તેમ હતું !  મેં તો એમ પણ જોયું હતું કે જો અમે લોકો બહુ જ સાચી લગનથી તેમની પાસે શીખવા જતા તો અમને તેઓ ખુબ જ મદદ પણ કરતા. આ બધામાં સાચું ખોટું શું તે જાણવામાં ન તો મને ત્યારે રસ હતો કે ન તો આજે છે. પરંતુ, કોઈ પણ સંસ્થામાં સત્તાની સાઠમારી કે આડા વ્યવહારોનાં દુષણો કેમ કામ કરવા લાગી જતાં હોઈ શકે એ સમજવામાં આ વાતનું મહત્ત્વ આજે સમજાય છે. એકંદરે જોતાં, એ લોકોના વ્યવહારોની સબળી નબળી બધી બાજુઓને ધ્યાનમાં લીધા પછી પણ અમને વર્કશોપ્સની "કળા" શીખવવામાં  તેમનાં યોગદાનનાં મહત્ત્વને માન તો આપવું ઘટે. 

મને એમ પણ ખાસ યાદ નથી આવતું કે કોઈ પણ જૉબ પુરો કરવા માટે અમને અમુક ચોક્કસ સમય મર્યાદા પહેલેથી જણાવાતી કે નહીં. પણ હા, ક્યાં તો ઈંસ્ટ્રક્ટરો દ્વારા સુચવાતી કે ક્યાં તો વિદ્યાર્થીઓએ પોતાના મનથી નક્કી કરેલ  એક અવૈધ સમય માર્યાદા રહેતી એવું જરૂર યાદ આવે છે.  ખેર, એટલું તો સ્પષ્ટ જ છે કે કંઈ શીખવા કરતાં જેટલો જલ્દી બને તેટલો જૉબ પુરો કરી નાખવાની દાનત અમારા પર વધારે હાવી રહેતી. તો સામે અમારી બહુ વધારે પડતી ઉતાવળને ઈંસ્ટ્રક્ટરો તરફથી ઉત્તેજન ન મળતું એમ પણ યાદ આવે છે.  ઉતાવળ કરવામાં અમે જે કંઈ શીખવું જોઈએ એ નથી શીખતા એવો ભાવ આવાં માનસ પાછળ હશે કે કેમ તે તો ચોક્કસપણે નથી ખબર, પણ બહુ જલ્દી કરીએ તો કંઈક ને કંઈક ભુલ બતાવીને કામ ફરીથી કરવું પડતું એટલું યાદ છે. પરિણામે, અમે લોકો પણ અંદાજ બાંધી લેતા  કે ક્યારે જોબ બતાવવા જશું તો બહુ ભુલો કાઢ્યા સિવાય જોબ પાસ થઈ જશે ! હા, આજે પાછળ વળીને જોતાં એમ લાગે છે કે  ઘણી બાબતોમાં તેઓ અમને પાછા કાઢતા તે એ જૉબની આવશ્યકતાનાં હાર્દને સમજવા માટે ખરેખર જરૂરી પણ હતું.

આજે મારે એ પણ સ્વીકારવું છે કે જોબ પાસ કરાવવાની એ અવૈધ સમય મર્યાદાને કારણે મને વર્કશોપ્સનાના ઘણા ક્લાસમાંથી ગુટલી મારવાની આદત પડી ગઈ હતી.  અમારા જેવા પાછળ પડી ગયેલાઓ મટે છેલ્લે છેલ્લે વધારાના વર્ગો ગોઠવાતા. તે સમયે સમય ઓછો હોય એટલે જૉબને પાસ કરવામાં બહુ ખટખટ ન થતી, એટલે એ વ્યવસ્થા ઘણાઓને વધારે અનુકૂળ રહેતી. કામમાં બહુ સંપૂર્ણતાના આગ્રહને બદલે ખપ પુરતું બરાબર થાય એટલો સમય આપીને કામ જલદી પુરૂં કરી લેવાની જ મને તો ટેવ હતી એટલે સમયનો ઓછો બગાડ થતો હોવાથી મને પણ આ વ્યવસ્થા ગોઠી ગઈ હતી. 

વર્કશોપ્સમાં જે જૉબ કરાડવવામાં આવતા તે જે પ્રકારનાં 'જોઈંટ્સ' હતા અને તેના જુદા જુદા ઉપયોગો માટે તેમાં 'લિમિટ્સ કે ફિટ્સ'ની કેટલી આવશ્યકતા કેમ હોવી જોઈએ એ બધું તો જ્યારે થિયરીમાં ભણવામાં આવ્યું ત્યારે વર્કશોપમાં તે કેમ સિદ્ધ કરવું એ સમજવાનું હતું એ વાતનું મહત્ત્વ સમજાયું.

સમય અને ઉમરની સાથે આવતી સમજબુદ્ધિના પ્રતાપે આજે હવે એ બધી હસ્તકળાઓ શીખવાનું કૉલેજ પછી કેટલું મહત્ત્વનું નીવડી શકે તે  સમજાય છે.  એ સમયે ભલે ધ્યાન પર નહોતું આવ્યું પણ વર્કશોપ્સના એ અનુભવોને કારણે ઓછાં લોકપ્રિય જણાતાં કૌશલ્યોનું પણ ઉત્પાદન પ્રક્રિયામાં, તેમજ સંસ્થાના સમગ્ર તંત્રના સરળતાથી  કામ કરતાં રહેવામાં, અગત્ય શું છે તે તો મગજમાં જરૂર નોંધાઈ ગયું હતું. કોઈ પણ કામ સફળતાથી સિદ્ધ કરવા માટે માત્ર બુદ્ધિ નહીં પણ હાથની કારીગીરી અને મહેનત પણ કેટલાં જરૂરી છે તે પણ સમજાયું તો હતું જ.  એ સમયે અપ્રત્ય્ક્ષ લાગ્તી આ સમજને કારણે વ્યક્તિગત વિકાસમાં તો મદદ મળી જ છે, પણ સમાજના સંતુલિત વિકાસ માટે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ સમગ્ર સાંકળની દરેક ક્ડીની આવશ્યકતા અંગેના અભિગમને વિકસાવવામાં પણ તેનું ઘણું  યોગદાન રહ્યું છે તેનો પણ આજે સ્વીકાર કરૂં છું. 

આ સમજનો મને સીધો ફાયદો મારી પછીની સક્રિય કારકિર્દીમાં મળ્યો.  બન્ને પક્ષે માન પણ સચવાય, આપસી વિશ્વાસ મજબુત બને અને છતાં બન્ને પક્ષની સબળી બાજુઓનો ગુણાકાર જ કેમ થાય એ રીતે કારીગરો, ફોરમેન અને પહેલી હરોળના સુપરવાઈઝરો સાથે વ્યવહાર કેમ  રાખવો એ વિશે મને સારી ફાવટ આવી ગઈ હતી. 

તે ઉપરાંત, આગળ જતાં જ્યારે જ્યારે મને મશિનિંગ, ફોર્જિંગ, કાસ્ટીંગ, હોટ અને કોલ્ડ ફોર્મિંગ કે મેટ્રોલોજી જેવી ઉત્પાદન પ્રક્રિયાઓ સાથે કામ પડ્યું ત્યારે કૉલેજ દરમ્યાન અધુરી રહી ગયેલી તડપને પુરી કરવાની એ દરેક તક મેં બહુ જ લગનથી ઝડપી લીધી.  પરિણામે મને એ આ પ્રક્રિયાઓ વિશે ઘણું વધારે જાણવાનું પણ મળ્યું. તેનો સીધો ફાયદો એ થયો કે મારી સક્રિય કારકિર્દી દરમ્યાન મને સોંપવામાં આવેલ પ્રક્રિયાની સાંકળ અને તેમાંથી નીપજતાં પરિણામો સાથે કામ લેવાની મારી જવાબદારીઓનું વહન હું ઘણી સારી રીતે કરી શક્યો. 

આજે હવે પશ્ચાદ દૃષ્ટિ કરતાં એ સમયનાં કૉલેજના અભ્યાસક્રમનાં માળખાં અને મારી પોતાની મર્યાદાઓની સાથે એલડીના સમગ્રપણે રહેલા અનુભવ અને જીવનમાં યોગદાન સાથે વર્કશોપ્સ અને ત્યાંનાં વાતાવરણની અસરનાં મિશ્રણની  એક વ્યાવસાયિક તરીકેના મારાં માનસનાં ઘડતરરૂપે  મારાં જીવનમાં ઘણું અદકેરૂં મહત્ત્વ રહ્યું એવી સ્પષ્ટ લાગણી અનુભવાય છે. 

દિલીપ વ્યાસે વર્કશોપની મમળાવેલી તેમની યાદોમાંથી સાભાર.


વર્કશોપ્સના અનાપેક્ષિત આડપેદાશો સમા ફાયદોઓની યાદો વિશે હવે પછી