Saturday, October 18, 2025

મારા દાદા - પ્રાણશંકર વાધજી વૈષ્ણવ

 


અમે બધાં અમારા દાદા - પ્રાણશંકર વાઘજીભાઈ વૈષ્ણવ (૧૮૯૫ -  ૧૯૬૪) - ને બાપુ કહેતાં.  તેમને ચાર મોટાંબહેનો, એક નાનાં બહેન અને એક મોટાભાઈ હતા. 

તેમના અને મોટાં અમ્મા (મારાં દાદી - રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ)ને ત્રણ દીકરાઓ - કમળકાંત (મારા મોટા કાકા, કમળભાઈ), મહેશ્વર (મારા પિતા, મહેશભાઈ) અને જનાર્દનરાય (મારા નાના કાકા, ગોરા કાકા) હતા. સમગ્ર વૈષ્ણવ પરિવાર 'વૈષ્ણવ વંશાવળી'ના સંબંધિત પાનાંઓ[1]માં જોઈ શકાય છે.

મને સમજણ છે એટલે સુધી , બાપુ એ સમયનાં કચ્છ રાજ્યનાં રજવાડામાં મહેસૂલ વિભાગમાં ઉચ્ચ કક્ષાના અધિકારી હતા. મહેશભાઈનાં લગ્ન થયાં તે વર્ષ (૧૯૪૮)ની આસપાસ જ બાપુ નિવૃત થયા હતા. તે પછી તેમણે લગભગ ૧૯૫૮ સુધી રાજસ્થાનનાં સિરોહી રાજ્યનાં રાજમાતા (જે કચ્છ રાજવી પરિવારનાં પુત્રી થતાં), ગુલાબકુંવરબાના કામદાર (અંગત સેક્રેટરી) તરીકે કાર્યરત રહ્યા.   

ઉપરના ફોટામાં બાપુએ જે પાઘડી પહેરી છે તે કચ્છી પાઘડી કહેવાતી. હું જ્યારે પાચેક વર્ષનો હઈશ ત્યારે બાપુ પાઘડી બાંધે ત્યારે પાઘડીનાં કપડાંના એક છેડાને પકડી રાખવાનું કામ મારૂં રહેતું. પહેલાં કપડાંને ઘડીઓ વાળીને સપાટ રોલ બનાવવાનો. પછી એ સપાટ રોલને બાપુ પાઘડીની જેમ પોતાના માથાં પર બાંધતા જાય. મને ન તો બાપુ ઘડી વાળતા હોય ત્યારે કે માડ માંડ ઘડી વળાઈ જાય પછી રોલને ખેંચીને ટાઈટ પકડી રાખવાનું પણ આવડતું નહી. એટલે, બાપુ માટે ફરી ફરીને એકડેથી શરૂ કરીને પાઘડી બાંધવાનું કામ કેટલું અઘરૂં થઈ પડતું હશે એ  કલ્પના કરૂં છું તો આજે મને પણ પરસેવો વળી આવે  છે. અને તેમ છતાં, મને સમજાવી સમજાવીને બાપુ પાઘડી તૈયાર કરી લેતા ! તેઓ જે ધીરજથી મને તાલીમ આપતા એ પાઠ મને મારી કારકિર્દી દરમ્યાન યાદ આવ્યા હોત તો કેવું સારૂં થાત!

એ વર્ષોમાં જમવા કરવા અને શાળાએ જવા સિવાયનો મારો મોટા ભાગનો સમય તો મારાં માસી (ભાનુમાસી - ભાનુબેન ડોલરરાય અંજારીઆ)ના દીકરાઓ, અક્ષય અને જસ્મીન, સાથે ભાનુમાસીને ત્યાં રમવામાં જ ગાળવામાં મને રસ રહેતો. એટલે જે દિવસે બાપુએ નવી પાઘડી બાંધવાની હોય તે દિવસે સવારે જમતી વખતે જ મને કહી દેવામાં આવે કે આજે બપોરે પાઘડી બાંધવાની છે એટલે મારે તે પછી રમવા જવું. જેવી પાઘડી બંધાઇ જાય એટલે બાપુને પૂછું, બાપુ હવે જાઉં? બાપુ જેવા હા પાડે એટલે બદુકમાંથી છૂટેલી ગોળીની ઝડપે ભાનુમાસીના ઘર તરફ દોટ મુકું. 

બાપુનું દેહાવસાન થયું ત્યારે મારૂ ઉંમર ચૌદ વર્ષની હતી. એટલે એ દાદા અને એ ઉંમરના પૌત્ર વચ્ચેના સંબંધથી વધારે બાપુનો પ્રત્યક્ષ પરિચય થવાની મને તક ન મળી. તેમ છતાં, સમજણા થયા પછી મને  બાપુનાં વ્યક્તિત્વનાં બે પાસાં જરૂર જાણવા મળ્યાં - 

મોટાં અમ્માંના અવસાન પછી બધાં દાવેદારોની હાજરીમાં ગોરાકાકાએ બાપુનું વસિયતનામું વાંચી સંભળાવેલું. આજે એ દસ્તાવેજની વિગતો પ્રસ્તુત નથી રહી. પણ મહત્વનું એ છે કે બહુ જ સુંદર અક્ષરોમાં એ દસ્તાવેજ બાપુના હસ્તાક્ષરોમાં લખાયો હતો. તેમાં તેમની વિચારસરણી સ્પષ્ટતા જેટલી ધ્યાન ખેંચતી હતી તેનાથી કદાચ  વધારે એમાં ત્રણેય દીકરાઓને મિલ્કતની વહેંચણીમાં તેમની ઔચિત્ય પ્રમાણિકતા મને વધુ સમજાઈ.

દૂધપાક અને આખી બુંદીના લાડુની સાથે સેવ (બાપુ 'સેવકળી' કહેતા) બાપુની પ્રિય વાનગીઓ ગણાતી. એટલે વર્ષો સુધી ધનતેરસના દિવસે દૂધપાક કરવો અને દિવાળીના દિવસે આખી બુંદીના લાડુ અને સેવ કરવાનો વણકહ્યો રિવાજ ચાલતો રહ્યો હતો.

હાલ પુરતું બાપુની કેટલીક તસવીરો અહીં યાદ કરીને તેમને મારી નમ્ર અંજલિ આપીશ –

બાપુઃ આશરે ૨૬ વર્ષની ઉમરે

બાપુઃ તેમના પદાનુરૂપ પહેરવેશમાં - સ્થળઃ કદાચ, સિરોહી.

બાપુ અને સિરોહીના રાજાના કામદાર 

ગોરાકાકા, બાપુ અને મહેશભાઈ.

બાપુની નિવૃતિ પહેલાં કે પછી તરતનો સમય

બાપુ - કંડલા - આશરે ૧૯૬૪ કે '૬૪ 

Sunday, October 12, 2025

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૦મું સંસ્કરણ – ઓક્ટોબર, ૨૦૨૫

 

શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૯ ભાગ ૧

શંકર (સિંઘ રઘુવંશી) - જન્મ ૨૫-૧૦-૧૯૨૨ - અવસાન ૨૪-૪ -૧૯૮૭જયકિશન જોડીમાંના શંકર અને શૈલેન્દ્ર-હસરતની ભાગીદારીવાળા શૈલેન્દ્ર (મૂળ નામ શંકરદાસ કેસરીલાલ; જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડિસેમ્બર ૧૯૬૬) ની શૈલીનો એક સ્વાભાવિક સુમેળ હતો એ વાત તો હવે બહુ સુવિદિત છે. તેની સામે મજાની વાત એ રહી છે કે શંકર અને જયકિશન તેમ શૈલેન્દ્ર અને હસરતની સ્વાભાવિક શૈલીમાં દેખીતો જરાપણ સુમેળ ન હોવા છતાં  બન્ને જોડીઓને કોઈ અકળ બળ જ આટલી બધી ઘનિષ્ઠ રીતે જોડી રાખતું હતું. શૈલેન્દ્ર સામાન્ય માણસને ગળે ઉતરી જાય એવા બોલથી ગીતના ભાવને સજાવી શકતા તો શંકર જયકિશન વાદ્યપ્રચુર ગીતબાંધણીઓ વડે ગીતની રચના કરતા.  લોકોએ રચેલું હિંદી ફિલ્મનાં ગીતોનું વિશ્વ મેઘધનુષી રંગો વડે સજાયેલું એક અદ્‍ભૂત ચિત્રફલક બની રહ્યું. 

શંકર સિંધ રઘુવંશીના જન્મના મહિનામાં તેમની યાદને વધુ તાજી કરવાના આશયથી શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની શ્રેણીના પ્રસ્તુત ઉપક્રમમાં અત્યાર સુધી

૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩

૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

૨૦૨૦ માં ૧૯૫૪

૨૦૨૧માં ૧૯૫૫ અને ૧૯૫૬ (આંશિક)

૨૦૨૨માં ૧૯૫૬ (આંશિક - ૨) 

૨૦૨૩માં ૧૯૫૬ (૩), અને

૨૦૨૪માં ૧૯૫૭ - ૧૯૫૮

                                           નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.

૧૯૫૯માં શંકર જયકિશને અનાડી, છોટી બહેન, કન્હૈયા, લવ મેરેજ, શરારત, ઉજાલા અને મૈં નશેમેં હૂં એમ સાત ફિલ્મોમાં સંગીત આપ્યું. આપણે આજના અંકમાં તે પૈકી અનાડી અને છોટી બહેનનાં શૈલેન્દ્ર રચીત ગીતો સાંભળીશું. 

અનાડી (૧૯૫૯)

'અનાડી' શીર્ષક ધરાવતી બે અન્ય ફિલ્મો ૧૯૭૫ (સંગીતઃ લક્ષ્મીકાન્ત પ્યારેલાલ) અને ૧૯૯૩ (સંગીતઃ આનંદ મિલિંદ) પણ રજૂ થઈ છે.

અનાડી (૧૯૫૯)નાં સાત ગીતો પૈકી બે ગીતો જ હસરત જયપુરીએ લખ્યાં હતાં. 

દિલ કી નઝર સે નઝરોં કી દિલ સે યે બાત ક્યા હૈ - મુકેશ, લતા મંગેશકર 

શંકર જયકિશને શૈલેન્દ્રના બોલ પર કેટલાંય પ્રેમથી ભીંજવી નાખતાં ગીતો રચ્યાં છે. 

તેરા જાના દિલ કે અરમાનોં કા લુટ જાના – લતા મંગેશકર

શંકર જયકિશનની સંગીતબદ્ધ કરેલી ફિલ્મોમાં  વાદ્યવૃંદ પ્રચુર લતા મંગેશકરનાં ગીતો એક આગવો પ્રકાર બની રહ્યો છે.



કિસી કી મુસ્કરાહટોં પે નિસાર - મુકેશ

પરદા પરનાં રાજ કપૂરનાં પાત્રને આલેખન કરતાં ગીતો પણ શંકર જયકિશન - શૈલેન્દ્રની આગવી લાક્ષણિકતા હતી.



સબ કુછ શીખા હમને ન શીખી હોશિયારી - મુકેશ 

અમીરી ગરીબીના તફાવતને સચોટ રીતે રજૂ કરવાની તક શૈલેન્દ્રએ ઝડપી લઈને રાજ કપૂરનાં આ ફિલ્મના પાત્રને વધુ અર્થપૂર્ણ બનાવ્યું છે.



નાઈન્ટીન ફિફ્ટી - સિક્સ નાઈન્ટીન ફિફ્ટી - સેવન નાઈન્ટીન ફિફ્ટી - નાઈન - લતા મંગેશકર, મન્ના ડે, સાથીઓ 

ગીતના મુખડામાં આ ત્રણ વર્ષોનો ઉલ્લેખ હૃષિકેશ મુખર્જીને ૧૯૫૪ની ફિલ્મ નૌકરી માટે મળેલો વર્ષ ૧૯૫૬નો શ્રેષ્ઠ સંપાદનનો પુરસ્કાર મળવો, વર્ષ ૧૯૫૭ માં સ્વતંત્ર દિગ્દર્શક તરીકે પહેલવહેલી ફિલ્મ, મુસાફિર, રજૂ કરવી અને હવે ૧૯૫૯માં અનાડીની રજૂઆત સાથે યોગાનુયોગ હશે? આટલું જ નહીં, આ ત્રણેય ફિલ્મોનાં ગીતો (અનાડીમાં જોકે પાંચ જ!) શૈલેન્દ્રએ લખેલાં છે. 

જોકે, શૈલેન્દ્રએ તો વર્ષની સંખ્યાને સમાજમાં બદલતા જતા સાંસ્કૃતિક પ્રવાહોને રજૂ કરી લેવાની તક ઝડપી લીધી છે .

કલકી કહાની હો ગઈ પુરાની
દુનિયા મેં ફિર સે આયી જવાની
બહકી બહકી ચાલ
સાડી સે ચોલી હૌલે સે બોલી
મિલ કે મચાઓ રંગો કી હોલી 
યે ફેશન કા સાજ 

તો વળી આવતી કાલનું ભવિષ્ય પણ ભાખે છેઃ 

ફેશન બઢેંગે કપડે ઘટેંગે
માલિક હી જાને કિતને રહેંગે 
મૌસમ કા યે ખેલ 
ઝુલ્ફેં ઘટાઓ નાખૂન બઢાઓ 
ચેહરે પે નકલી ચેહરા ચડાઓ 
દુનિયા સાફ દીખે



છોટી બહેન
(૧૯૫૯)

ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના - ખુશીનું ગીત - લતા મંગેશકર 

રક્ષા બંધનના તહેવારની ઉજવણીનું આ ગીત પ્રતિક બની રહ્યું હતું.



ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના - દુઃખના ભાવનું ગીત - લતા મંગેશકર

સુખદુઃખનું ચક્ર છોટી બહેન માટે દુઃખના દહાડા લાવે છે.  દુંખની આ પીડાને કરૂણ સ્વરમાં સંભળાતો પૂર્વાલાપ ઘેરો બનાવે છે, ખુશીનાં ભાવનાં ગીત કરતાં અહીં તાલ થોડો ધીમો છે. વાદ્ય પણ ઓછાં વપરાયાં છે.

જોકે છેક છેલ્લે ચક્ર પાછું ફરતું જણાય છે - છોટી બહેનને તેનો પતિ આંખની સારવાર મારે વિદેશ લઈ જાય છે. 



મૈં રિક્ષાવાલા - મોહમ્મદ રફી

રિક્ષાવાળાના બોલમાં શૈલેન્દ્રએ જીવનની ફિલસૂફીવણી લેવાની તક ઝડપી લીધી છે - 

દૂર દૂર કોઈ મુઝકો બુલાયે મુઝકો બુલાયે 
ક્યા કરૂં દિલ ઉસે ભૂલ ન પાયે, ભૂલ ન પાયે 
મૈં રિશ્તે જોડું દિલકે મુઝે હી મંઝિલ પે 
કોઈ ન પહુંચાયે, કોઈ ન પહુંચાયે

હવે શૈલેન્દ્ર સામાન્ય માણસની આકાક્ષાઓ આલેખે છે -

થી કબી ચાંદ તક અપની ઉડાન, અપની ઉડાન
અબ યે ધૂલ યે સડક અપના જહાન, અપના જહાન
જો કોઈ દેખે ચૌંકે ઉપરવાલા ભી દેખે 
યે કૈસા ઈન્સાન, યે કૈસા ઈન્સાન

પોતાઅની સમાજવાદી વિચારધારાને બહુ આગવી રીતે સ્પષ્ટ કરે છે -

રાત દિન હર ઘડી એક સવાલ, એક સવાલ 
રોટીયાં કમ હૈ ક્યું હૈ અકાલ, ક્યું હૈ અકાલ 
ક્યું દુનિયામેં કમી હૈ યે ચોરી કિસને કી હૈ 
કહાં હૈ સારા માલ, કહાં હૈ સારા માલ



બડી દૂર સે આયી હું તેરા દિલ બહલાને - લતા મંગેશકર 

ગીત બહાર પડ્યા પછી થોડા જ સમયમાં વિસરાઈ ગયું હોય એવાં ગીતોના પ્રકારમાં શંકર જયકિશનનુ આ ગીતનું ઉમેરાવું એક અસામાન્ય અપવાદ ગણી શકાય.



બાગોં મેં બહારો મેં ઈઠલાતા ગાયા આયા કોઈ - લતા મંગેશકર 

શંકર જયકિશન દ્વારા વાદ્યવૃંદમાં વાયોલિન સમુહના પ્રયોગો મોટા ભાગે પ્રધાન ભૂમિકામાં હોય છે. અહીં વાંસળીના પ્રયોગોને એ સ્થાન મળ્યું જણાય છે. 



યે કૈસા ન્યાય તેરા દિપક તલે અંધેરા - લતા મંગેશકર

વાદ્ય વૃંદના પ્રયોગનો ભાવનાઓની સૂક્ષ્મ રજૂઆત તરીકેનો ઉપયોગ બહુ જ નોંધપાત્ર બની રહે છે.

શૈલેન્દ્ર પણ જીવનની વિષમતાઓને કાવ્યાત્મક વાચા આપે છે

કિસી કો દી નિગાહ રાહ છીન લી 
કિસી કો રાહ દી નિગાહ છીન લી 



શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની શ્રેણીમાં ૧૯૫૯ના વર્ષની બીજી બે ફિલ્મોનાં ગીતો હવે પછી .......


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, October 5, 2025

મારાં દાદી - રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ

 

મોટાં અમ્માં - વર્ષ : આશરે ૧૯૫૫ કે '૫૬

મારાં પિત્રાઈ ભાઇબહેનો - મારા મોટાકાકા (કમળભાઈ પ્રાણલાલ વૈષ્ણવ)નાં સંતાનો દેવીબેન, દિવ્યકુમારભાઈ અને ઉપેન્દ્રભાઈ - તેમનાં માને અમ્માં કહીને બોલાવતાં. એટલે અમારાં દાદી - રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ-ને તેઓ મોટાં અમ્માં કહેતાં. એટલે અમે, એમનાં બધાં પોતરાં, એમને મોટાં અમ્માં જ કહેતાં.

હું ચૌદ વર્ષનો થયો ત્યાં સુધી તો મોટાં અમ્માં સાથેનો મારો સંબંધ કોઈ પણ પ્રેમાળ દાદીનો તેનાં બાળ પૌત્ર - પૌત્રી પ્રત્યે હોય એવો જ રહ્યો. એમનો પ્રેમ વરસતો રહે પણ ઘરમાં બીજાં બધાં સભ્યો પણ હોય એટલે નાનાં મોટાં કામ સિવાય ખાસ વાતચીત કરવાનો પ્રસંગ ન પડે. પરંતુ મારાં મોટાં બહેન, દેવીબેન (મિનાક્ષીબેન - મારા મોટાકાકા, કમળભાઈ વૈષણવનાં મોટાં દીકરી)ની દીકરી ગાયત્રીનો જન્મ ( ૨ સપ્ટેમ્બર, ૧૯૬૪) થયો ત્યારે મારાં માએ દેવીબેન પાસે ત્રણ ચાર દિવસ હૉસ્પિટલમાં રહેવાનું હતું. એટલે ઘરમાં રસોઈ કરીને બધાંને જમાડવાનું કામ મોટાં અમ્માંએ કરવાનું હતું. સવારે મારા પિતા (મહેશભાઈ વૈષ્ણવ) જમીને ઑફિસ જાય, મારાં મા અને દેવી બેન માટેનું ટિફિન પણ લઈ જાય, બાપુ (મારા દાદા - પ્રાણલાલભાઈ વૈષ્ણવ) પણ જમાડે - તેમને પીરસવાનું કામ મારૂં - ને હું પણ જમીને શાળાએ જઉં એ બધું જ મોટાં અમ્માં ખુબ સરળાથી કેમ કરી લેતાં હશે તે તો મને આજે પણ સમજ નથી પડી.

એટલુ જ નહીં, પહેલે દિવસે મોટાં અમ્માંએ મારા માટે પાંચ છ પડની રોટલી કરી. રોટલી એટલી સ્વાદિષ્ટ અને નરમ હતી કે હું પણ ચારેક રોટલી તો ઝાપટી ગયો. બીજે દિઅવસે તેમણે રસોઈની શરૂઆત કરી ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે ગઈ કાલે તો હું ચાર નહીં પણ ચોવીસ રોટલી ખાઈ ગયો છું. એટલે મેં મોટાં અમ્માંને કહ્યું કે કાલે તો ચોવીસ રોટલી ખાઈ ગયો. આજે એટલું જ કમાડશો. તેઓ બહુ જ પ્રેમથી હસ્યાં અને મને સમજાવ્યું કે એ તો માંડ સાત આઠ રોટલી જેટલું જ થાય એ રીતે બને ! એટલે મેં કહ્યું કે હું તો દરરોજ એટલું પણ નથી જમતો. એટલે તેમણે (માત્ર [!]) બે પડની રોટલીઓ બનાવી, જે પણ હું ચારેક તો ખાઈ જ ગયો.

બે પડની રોટલી બનાવવાની પ્રથા તો ઘરમાં મેં પહેલેથી જોઈ હતી, અને તે પછી પણ જમવામાં તે એક ખાસ વાનગી તરીકે આજે પણ નિયમિતપણે બને છે. પરંતુ, એ દિવસોમા જે રોટલી જમ્યો છું તેનો સ્વાદ તો અલૌકિક જ હતો.

તે પછી, જ્યારે મહેશભાઈની બદલી દાંતીવાડા થઈ ત્યારે હું અને મારાં પત્ની, સુસ્મિતા, અમદાવાદ રહેતાં ત્યારે મોટાં અમ્માં પણ ઘણી વાર અમારી સાથે રહ્યાં હતાં. એવા દરેક પ્રસંગે કમસે કમ એક વાર તો મોટાં અમ્માં બે પડવાળી રોટલી કરીને અમને જમાડતાં જ.

મારા દાદાના દેહાવસાન વિધિઓ દરમ્યાન તો મોટા અમ્માં મનની અંદર અંદર રડ્યાં જ કરતાં રહ્યાં હતાં. પરંતુ એ દિવસોમાં તો બહુ અવર જવર રહી, વિધિઓને લગતાં અનેક કામો પણ થતાં રહ્યાં એટલે તેમની આ અવસ્થાને બધાંએ સંદર્ભ સમોચિત ગણી લીધી હશે. પરંતુ એ વિધિઓ પુરી થઈ ગઈ એ દિવસે પણ મોટાં અમ્માં અસ્વસ્થ તો હતાં જ, અને જમી પણ નહોતાં રહ્યાં. મારા બન્ને કાકાઓ (સૌથી મોટા કમળભાઈ અને સૌથી નાના જનાર્દનભાઈ૦ અને મારા પિતા, મહેશભાઈએ કદાચ પહેલી જ વાર એક સાથે મળીને મોટાં અમ્માં સાથે સંવાદ રચીને તેમનાં દુઃખને હળવું કરવાના પ્રયાસો આદર્યા. બે એક દિવસના પ્રયાસો પછી પણ મોટાં અમ્માં જમતાં નહોતાં સવારે અને બપોરે માત્ર ચા પીએ એટલો જ ખોરાક તેઓ લેતાં. હવે બધાં મુઝાયાં. બધા ભાઈઓ મળીને એક યોજના ઘડી. એ લોકોએ અમને - દેવીબેન, દિવ્યકુમારભાઈ, ઉપેન્દ્રભાઈ અને મને - તેમનાં પોતરાંઓને હવે મોટાં અમ્માંને સમજાવવાનું કામ સોંપ્યું. સ્વાભાવિક છે કે દાદીને તેમનાં પોતરાંઓ પ્રત્યે વિશેષ પ્રેમ હોય, અને મોટાં અમ્માંને તો અમારા બધા માટે બેહદ પક્ષપાત હતો એ તો બધાં - અને અમે પણ - સમજતાં હતાં. એટલે, આજે જ્યારે હું વિચારૂં છું ત્યારે તે કદાચ 'બ્રહ્માસ્ત્ર' જ કહી શકાય. અમારી વિનવણીઓ, દેવીબેનનાં આંસુ, વગેરે કંઈ કામ નહોતું આવી રહ્યું. ઉપેન્દ્રભાઇ અને મને (અમે ત્યારે અનુક્રમે ૧૭ અને ૧૪ વર્ષના હતા!), બન્નેને કેમ નહીં પણ અચાનક જ એકસાથે સ્ફુર્યું અને અમે બોલી પડ્યા કે તો અમે પણ નહી જમીએ. આ ધડાકાને કારણે વાતાવરણ બહુ વધારે ગંભીર થઈ ગયું હશે. તે પછી ત્યારે ને ત્યાર કે એકાદ દિવસ રહીને તે તો યાદ નથી, પણ ત્રણેય ભાઈઓ મોટાં અમ્માંને સવારે બહુ જ થોડું અને સાંજે માત્ર એક વાટકી શાક જેટલું જમવા માટે મનાવી શકેલા.

તે પછી મહેશભાઈ દાંતીવાડા હતા એ વર્ષોમાં મોટાં અમ્માંને મારી અને સુસ્મિતા સાથે રહેવાનું થયું ત્યારે સુસ્મિતા સાંજે શાકની વાટકી સાથે અર્ધોએક ગ્લાસ ભરીને મોળું દૂધ પણ મુકી દે. અમે બન્ને જોઈ શક્યાં હતાં કે તેમનું મન માન્યું ન હતું, પણ અમારી, અને ખાસ કરીને સુસ્મિતાની, લાગણીને ખાતર તેઓ એ દૂધ પી જતાં. થોડાએક દિવસો પછી જ્યારે મોટાં અમ્માંને મહેશભાઈ સાથે દાંતીવાડા જવાનું થયું ત્યારે તેમણે સુસ્મિતાને એવું કહ્યાનું યાદ આવે છે કે આ દૂધ પીવાવાળી વાત તમારા સસરાને ન કહેજો.

તાદાત્મ્ય નાનો હતો ત્યારે મોટાં અમ્માં જો અમદાવાદ હોય તો દિવસે પણ તેમની પાસે ઘોડીયામાં હીંચકા ખાવાની મજા લે. રાતના પણ સુતી વખતે મોટાં અમ્માં હીંચકા નાખે તો જ સૂએ. એમાં વળી, અર્ધો કલાક, કોઈક વાર કલાક સુધી હીચકા ખાતાં ખાતાં મોટાં અમ્માં પાસે વાર્તાઓ પણ કરાવે. પછી એમ લાગે કે હવે તે સૂઈ ગયો છે અને હીંચકા નાખવાનું બંધ થાય તો સૂતાં સૂતાં જ હીંચકા ચાલુ રાખવાની ફર્માયેશ પણ આવે. અમે મોટાં અમ્માંને કહીએ કે હવે અમે હીંચકા નાખીશું, તમે સૂઈ જાઓ. પણ તેઓ તાદાત્મ્યને સુવડાવીને જ સૂવા જાય.

ડાબેથીઃ મોટાં અમ્માં, ગોરાકાકા (જનાર્દનભાઈ) પાછળ: હું
આગળ: તાદાત્મ્ય – વર્ષ: આશરે ૧૯૮૪

પોતાને ગમે તેટલી તકલીફ પડે પણ બીજાંને મદદરૂપ થવું, મોટાં અમ્માંનો એ સહજ સ્વભાવ તો આખાં કુટુંબમાં જાણીતો હતો. દર્શના ધોળકિયા (મોટાં અમ્માંનાં મોટાં બહેનનાં પુત્રીનાં દીકરી)એ તેમનાં પુસ્તક 'ઓટલા દાવ'ના લેખનું મોટાં અમ્માં વિશેના પ્રકરણનું શીર્ષક - રેવાને તીર બાંધી મઢૂલી[1] - જ મોટાં અમ્માંના આ સ્વભાવને બહુ સચોટપણે યાદ કરે છે. સમજણા થયા પછી ઘણાં લોકોને મેં એમ કહેતાં પણ સાંભળ્યાં છે કે બૃહદ કુટુંબીજનોમાંથી ઘણાંએ તેમના સ્વભાવની આ (વધારે પડતી?) સારપનો ઘેર લાભ પણ લીધો હતો.

તેઓ અમાદાવાદ આવ્યાં હોય એવા કોઈ એક પ્રસંગે તેમને એવું કહેતાં મને યાદ આવે છે કે તમે (એટલે કે હું) આસ્તિક ભલે નથી પણ ધર્મિષ્ઠ તો ઘણા જ છો. એ વાત કયા સંદર્ભમાં નીકળી હશે તે યાદ નથી, પણ એટલું યાદ જરૂર છે મને ત્યારે તો એમ જ લાગ્યં હતું કે ધર્મના રીતરિવાજો પ્રત્યેનાં અજ્ઞાનને તેઓએ મોટાંમનથી સ્વીકાર્યું છે અને એક અતિ પ્રેમાળ દાદીની લાગણીની શૈલીમાં તેમના પુત્રની દેખીતી કચાશને બહુ જ સારા શબ્દોમાં માફ કરી છે.

જોકે તે પછી એવા ઘણા પ્રસંગો બન્યા જ્યારે મારૂં મન મને મારાં કર્તવ્ય અનુસાર વર્તવાનું જણાવ્યું હશે. આજે હવે વિચારતાં મને એમ જરૂર સમજાય છે કે જ્યારે જ્યારે હું મારી સાહજિક મર્યાદાની અંદર રહીને જે શુદ્ધ દાનતથી વર્ત્યો હોઈશ તેમ થવા પાછળ મોટાં અમ્માંના મારા 'ધર્મિષ્ઠ' બનવા માટેનાં આશીર્વચનની છુપી પ્રેરણા જ હતી.

આવાં પરગજુ, નિર્મળ, નિરાભિમાની, પ્રેમાળ, સરળ વ્યક્તિને કાર્યકારિણીના સિદ્ધાંતે તેમને જીવનનાં પાછલાં વર્ષોમાં પણ, મારી દૃષ્ટિએ, બહુ જ અન્યાય કર્યો. બાપુના અવસાન પછી મોટાં અમ્માંની હાજરીમાં જ કમળભાઈ અને મહેશભાઈ બન્ને, ઘણી નાની ઉમરે, ગયા. એટલું ઓછું હોય તેમ ઘરમાં ઘરમાં જ કોઈ અકસ્માત બનેલી સાવ નાની ઘટનામાં તેમની કરોડના છેલ્લા મણકામાં હેરલાઈન તિરાડ પડી. તેને પરિણામે તેમનું ચાલવાનું પહેલાં બહુ જ પીડાદાયક થયું અને પછી બંધ થઈ ગયું. જિંદગીભર જેમણે બીજાંની સેવા કરી એવાં એમને છેલ્લા છ મહિના ગોરાકાકા (એમના સૌથી નાના દીકરા), ગોરીકાકી (સૌથી નાનાં પુત્રવધૂ) તેમ જ નાની પૌત્રી. પણ મોટાં અમ્માની બહુ લાડલી (અને મોટાં અમ્માં પણ જેને બહુ જ લાડલાં) એવી હર્ષિકાની સારવાર લેવી પડી. એ લોકોએ તો એ કાર્ય સાવ ભાર વગર જ કર્યું, પણ અબોલ રહીને જીવનનાં વાળાઢાળાને સહન કરી ગયેલાં મોટાં અમ્માંને મન તેમની શરીરની પીડા કરતાં પણ એ કેટલું વધારે કષ્ટદાયક રહ્યું હશે !

એમનું દેહાવસાન તેમના આ ભવચક્રની પીડાનો અંત હતો તેમ છતાં પણ એ સમયે મન તેમની ગેરહાજરી સ્વીકારવા તૈયાર નહોતું. જોકે, પછીથી જ્યારે જ્યારે સમય અને સંજોગોની વિષમતા સાથે મારું મન સમાધાન નથી કરી શક્યું ત્યારે ત્યારે મોટાં અમ્માંના વ્યક્તિત્વની ગરિમાએ અને હુંફે મને એ પરિસ્થિતિઓ સહન કરી જવાની શક્તિ પુરી પાડી છે.

કેટલાક વિસારે પડી ગયેલ તસવીરો :

મોટાં અમ્માં (વર્ષ આશરે ૧૯૫૫ - ૫૬)

બાપુ અને મોટાં અમ્માં. આ ફોટોગ્રાફ પણ ક્યાંનો અને ક્યારનો તે યાદ નથી આવતું. એક શક્યતા રાજકોટમાં તંતીનિવાસ (૧૯૫૮)ની છે.

      આગળઃ મહેશભાઈ, અશોક (હું) ; પાછળ, દેવીબેન, સંજયને તેડીને બેન, ગોરીકાકી અને મોટાં અમ્મા.

ફોટોગ્રાફ ૧૯૫૯ની આસપાસનો હશે. ક્યાંનો છે તે ખાત્રીપૂર્વક નથી કહી શકાતું, પણ એક શક્યતા છે કે

             સંજયના વાળ ઉતરાવવા બધાં વૈષ્ણવોનાં કુળદેવીના સ્થાનક, સોનડીયાગયાં હતાં ત્યારનો હોઈ શકે.

પ્રગતિનગરનાં ઘરે - ડાબેથી સુસ્મિતા, મોટાં અમ્માં, મહેશભાઈ

પ્રગતિનગરનું ઘર : સુસ્મિતા, બેન, (વચ્ચે) મહેશભાઈ, સંજય અને મોટાં અમ્માં

પ્રગતિનગરનું ઘર - બેન, મોટાં અમ્માં, સુસ્મિતા 

ફોટોગ્રાફની ગુણવત્તા સચવાઈ નથી




[1]  રેવાને તીર બાંધી મઢૂલી