Sunday, October 5, 2025

મારાં દાદી - રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ

 

મોટાં અમ્માં - વર્ષ : આશરે ૧૯૫૫ કે '૫૬

મારાં પિત્રાઈ ભાઇબહેનો - મારા મોટાકાકા (કમળભાઈ પ્રાણલાલ વૈષ્ણવ)નાં સંતાનો દેવીબેન, દિવ્યકુમારભાઈ અને ઉપેન્દ્રભાઈ - તેમનાં માને અમ્માં કહીને બોલાવતાં. એટલે અમારાં દાદી - રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ-ને તેઓ મોટાં અમ્માં કહેતાં. એટલે અમે, એમનાં બધાં પોતરાં, એમને મોટાં અમ્માં જ કહેતાં.

હું ચૌદ વર્ષનો થયો ત્યાં સુધી તો મોટાં અમ્માં સાથેનો મારો સંબંધ કોઈ પણ પ્રેમાળ દાદીનો તેનાં બાળ પૌત્ર - પૌત્રી પ્રત્યે હોય એવો જ રહ્યો. એમનો પ્રેમ વરસતો રહે પણ ઘરમાં બીજાં બધાં સભ્યો પણ હોય એટલે નાનાં મોટાં કામ સિવાય ખાસ વાતચીત કરવાનો પ્રસંગ ન પડે. પરંતુ મારાં મોટાં બહેન, દેવીબેન (મિનાક્ષીબેન - મારા મોટાકાકા, કમળભાઈ વૈષણવનાં મોટાં દીકરી)ની દીકરી ગાયત્રીનો જન્મ ( ૨ સપ્ટેમ્બર, ૧૯૬૪) થયો ત્યારે મારાં માએ દેવીબેન પાસે ત્રણ ચાર દિવસ હૉસ્પિટલમાં રહેવાનું હતું. એટલે ઘરમાં રસોઈ કરીને બધાંને જમાડવાનું કામ મોટાં અમ્માંએ કરવાનું હતું. સવારે મારા પિતા (મહેશભાઈ વૈષ્ણવ) જમીને ઑફિસ જાય, મારાં મા અને દેવી બેન માટેનું ટિફિન પણ લઈ જાય, બાપુ (મારા દાદા - પ્રાણલાલભાઈ વૈષ્ણવ) પણ જમાડે - તેમને પીરસવાનું કામ મારૂં - ને હું પણ જમીને શાળાએ જઉં એ બધું જ મોટાં અમ્માં ખુબ સરળાથી કેમ કરી લેતાં હશે તે તો મને આજે પણ સમજ નથી પડી.

એટલુ જ નહીં, પહેલે દિવસે મોટાં અમ્માંએ મારા માટે પાંચ છ પડની રોટલી કરી. રોટલી એટલી સ્વાદિષ્ટ અને નરમ હતી કે હું પણ ચારેક રોટલી તો ઝાપટી ગયો. બીજે દિઅવસે તેમણે રસોઈની શરૂઆત કરી ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે ગઈ કાલે તો હું ચાર નહીં પણ ચોવીસ રોટલી ખાઈ ગયો છું. એટલે મેં મોટાં અમ્માંને કહ્યું કે કાલે તો ચોવીસ રોટલી ખાઈ ગયો. આજે એટલું જ કમાડશો. તેઓ બહુ જ પ્રેમથી હસ્યાં અને મને સમજાવ્યું કે એ તો માંડ સાત આઠ રોટલી જેટલું જ થાય એ રીતે બને ! એટલે મેં કહ્યું કે હું તો દરરોજ એટલું પણ નથી જમતો. એટલે તેમણે (માત્ર [!]) બે પડની રોટલીઓ બનાવી, જે પણ હું ચારેક તો ખાઈ જ ગયો.

બે પડની રોટલી બનાવવાની પ્રથા તો ઘરમાં મેં પહેલેથી જોઈ હતી, અને તે પછી પણ જમવામાં તે એક ખાસ વાનગી તરીકે આજે પણ નિયમિતપણે બને છે. પરંતુ, એ દિવસોમા જે રોટલી જમ્યો છું તેનો સ્વાદ તો અલૌકિક જ હતો.

તે પછી, જ્યારે મહેશભાઈની બદલી દાંતીવાડા થઈ ત્યારે હું અને મારાં પત્ની, સુસ્મિતા, અમદાવાદ રહેતાં ત્યારે મોટાં અમ્માં પણ ઘણી વાર અમારી સાથે રહ્યાં હતાં. એવા દરેક પ્રસંગે કમસે કમ એક વાર તો મોટાં અમ્માં બે પડવાળી રોટલી કરીને અમને જમાડતાં જ.

મારા દાદાના દેહાવસાન વિધિઓ દરમ્યાન તો મોટા અમ્માં મનની અંદર અંદર રડ્યાં જ કરતાં રહ્યાં હતાં. પરંતુ એ દિવસોમાં તો બહુ અવર જવર રહી, વિધિઓને લગતાં અનેક કામો પણ થતાં રહ્યાં એટલે તેમની આ અવસ્થાને બધાંએ સંદર્ભ સમોચિત ગણી લીધી હશે. પરંતુ એ વિધિઓ પુરી થઈ ગઈ એ દિવસે પણ મોટાં અમ્માં અસ્વસ્થ તો હતાં જ, અને જમી પણ નહોતાં રહ્યાં. મારા બન્ને કાકાઓ (સૌથી મોટા કમળભાઈ અને સૌથી નાના જનાર્દનભાઈ૦ અને મારા પિતા, મહેશભાઈએ કદાચ પહેલી જ વાર એક સાથે મળીને મોટાં અમ્માં સાથે સંવાદ રચીને તેમનાં દુઃખને હળવું કરવાના પ્રયાસો આદર્યા. બે એક દિવસના પ્રયાસો પછી પણ મોટાં અમ્માં જમતાં નહોતાં સવારે અને બપોરે માત્ર ચા પીએ એટલો જ ખોરાક તેઓ લેતાં. હવે બધાં મુઝાયાં. બધા ભાઈઓ મળીને એક યોજના ઘડી. એ લોકોએ અમને - દેવીબેન, દિવ્યકુમારભાઈ, ઉપેન્દ્રભાઈ અને મને - તેમનાં પોતરાંઓને હવે મોટાં અમ્માંને સમજાવવાનું કામ સોંપ્યું. સ્વાભાવિક છે કે દાદીને તેમનાં પોતરાંઓ પ્રત્યે વિશેષ પ્રેમ હોય, અને મોટાં અમ્માંને તો અમારા બધા માટે બેહદ પક્ષપાત હતો એ તો બધાં - અને અમે પણ - સમજતાં હતાં. એટલે, આજે જ્યારે હું વિચારૂં છું ત્યારે તે કદાચ 'બ્રહ્માસ્ત્ર' જ કહી શકાય. અમારી વિનવણીઓ, દેવીબેનનાં આંસુ, વગેરે કંઈ કામ નહોતું આવી રહ્યું. ઉપેન્દ્રભાઇ અને મને (અમે ત્યારે અનુક્રમે ૧૭ અને ૧૪ વર્ષના હતા!), બન્નેને કેમ નહીં પણ અચાનક જ એકસાથે સ્ફુર્યું અને અમે બોલી પડ્યા કે તો અમે પણ નહી જમીએ. આ ધડાકાને કારણે વાતાવરણ બહુ વધારે ગંભીર થઈ ગયું હશે. તે પછી ત્યારે ને ત્યાર કે એકાદ દિવસ રહીને તે તો યાદ નથી, પણ ત્રણેય ભાઈઓ મોટાં અમ્માંને સવારે બહુ જ થોડું અને સાંજે માત્ર એક વાટકી શાક જેટલું જમવા માટે મનાવી શકેલા.

તે પછી મહેશભાઈ દાંતીવાડા હતા એ વર્ષોમાં મોટાં અમ્માંને મારી અને સુસ્મિતા સાથે રહેવાનું થયું ત્યારે સુસ્મિતા સાંજે શાકની વાટકી સાથે અર્ધોએક ગ્લાસ ભરીને મોળું દૂધ પણ મુકી દે. અમે બન્ને જોઈ શક્યાં હતાં કે તેમનું મન માન્યું ન હતું, પણ અમારી, અને ખાસ કરીને સુસ્મિતાની, લાગણીને ખાતર તેઓ એ દૂધ પી જતાં. થોડાએક દિવસો પછી જ્યારે મોટાં અમ્માંને મહેશભાઈ સાથે દાંતીવાડા જવાનું થયું ત્યારે તેમણે સુસ્મિતાને એવું કહ્યાનું યાદ આવે છે કે આ દૂધ પીવાવાળી વાત તમારા સસરાને ન કહેજો.

તાદાત્મ્ય નાનો હતો ત્યારે મોટાં અમ્માં જો અમદાવાદ હોય તો દિવસે પણ તેમની પાસે ઘોડીયામાં હીંચકા ખાવાની મજા લે. રાતના પણ સુતી વખતે મોટાં અમ્માં હીંચકા નાખે તો જ સૂએ. એમાં વળી, અર્ધો કલાક, કોઈક વાર કલાક સુધી હીચકા ખાતાં ખાતાં મોટાં અમ્માં પાસે વાર્તાઓ પણ કરાવે. પછી એમ લાગે કે હવે તે સૂઈ ગયો છે અને હીંચકા નાખવાનું બંધ થાય તો સૂતાં સૂતાં જ હીંચકા ચાલુ રાખવાની ફર્માયેશ પણ આવે. અમે મોટાં અમ્માંને કહીએ કે હવે અમે હીંચકા નાખીશું, તમે સૂઈ જાઓ. પણ તેઓ તાદાત્મ્યને સુવડાવીને જ સૂવા જાય.

ડાબેથીઃ મોટાં અમ્માં, ગોરાકાકા (જનાર્દનભાઈ) પાછળ: હું
આગળ: તાદાત્મ્ય – વર્ષ: આશરે ૧૯૮૪

પોતાને ગમે તેટલી તકલીફ પડે પણ બીજાંને મદદરૂપ થવું, મોટાં અમ્માંનો એ સહજ સ્વભાવ તો આખાં કુટુંબમાં જાણીતો હતો. દર્શના ધોળકિયા (મોટાં અમ્માંનાં મોટાં બહેનનાં પુત્રીનાં દીકરી)એ તેમનાં પુસ્તક 'ઓટલા દાવ'ના લેખનું મોટાં અમ્માં વિશેના પ્રકરણનું શીર્ષક - રેવાને તીર બાંધી મઢૂલી[1] - જ મોટાં અમ્માંના આ સ્વભાવને બહુ સચોટપણે યાદ કરે છે. સમજણા થયા પછી ઘણાં લોકોને મેં એમ કહેતાં પણ સાંભળ્યાં છે કે બૃહદ કુટુંબીજનોમાંથી ઘણાંએ તેમના સ્વભાવની આ (વધારે પડતી?) સારપનો ઘેર લાભ પણ લીધો હતો.

તેઓ અમાદાવાદ આવ્યાં હોય એવા કોઈ એક પ્રસંગે તેમને એવું કહેતાં મને યાદ આવે છે કે તમે (એટલે કે હું) આસ્તિક ભલે નથી પણ ધર્મિષ્ઠ તો ઘણા જ છો. એ વાત કયા સંદર્ભમાં નીકળી હશે તે યાદ નથી, પણ એટલું યાદ જરૂર છે મને ત્યારે તો એમ જ લાગ્યં હતું કે ધર્મના રીતરિવાજો પ્રત્યેનાં અજ્ઞાનને તેઓએ મોટાંમનથી સ્વીકાર્યું છે અને એક અતિ પ્રેમાળ દાદીની લાગણીની શૈલીમાં તેમના પુત્રની દેખીતી કચાશને બહુ જ સારા શબ્દોમાં માફ કરી છે.

જોકે તે પછી એવા ઘણા પ્રસંગો બન્યા જ્યારે મારૂં મન મને મારાં કર્તવ્ય અનુસાર વર્તવાનું જણાવ્યું હશે. આજે હવે વિચારતાં મને એમ જરૂર સમજાય છે કે જ્યારે જ્યારે હું મારી સાહજિક મર્યાદાની અંદર રહીને જે શુદ્ધ દાનતથી વર્ત્યો હોઈશ તેમ થવા પાછળ મોટાં અમ્માંના મારા 'ધર્મિષ્ઠ' બનવા માટેનાં આશીર્વચનની છુપી પ્રેરણા જ હતી.

આવાં પરગજુ, નિર્મળ, નિરાભિમાની, પ્રેમાળ, સરળ વ્યક્તિને કાર્યકારિણીના સિદ્ધાંતે તેમને જીવનનાં પાછલાં વર્ષોમાં પણ, મારી દૃષ્ટિએ, બહુ જ અન્યાય કર્યો. બાપુના અવસાન પછી મોટાં અમ્માંની હાજરીમાં જ કમળભાઈ અને મહેશભાઈ બન્ને, ઘણી નાની ઉમરે, ગયા. એટલું ઓછું હોય તેમ ઘરમાં ઘરમાં જ કોઈ અકસ્માત બનેલી સાવ નાની ઘટનામાં તેમની કરોડના છેલ્લા મણકામાં હેરલાઈન તિરાડ પડી. તેને પરિણામે તેમનું ચાલવાનું પહેલાં બહુ જ પીડાદાયક થયું અને પછી બંધ થઈ ગયું. જિંદગીભર જેમણે બીજાંની સેવા કરી એવાં એમને છેલ્લા છ મહિના ગોરાકાકા (એમના સૌથી નાના દીકરા), ગોરીકાકી (સૌથી નાનાં પુત્રવધૂ) તેમ જ નાની પૌત્રી. પણ મોટાં અમ્માની બહુ લાડલી (અને મોટાં અમ્માં પણ જેને બહુ જ લાડલાં) એવી હર્ષિકાની સારવાર લેવી પડી. એ લોકોએ તો એ કાર્ય સાવ ભાર વગર જ કર્યું, પણ અબોલ રહીને જીવનનાં વાળાઢાળાને સહન કરી ગયેલાં મોટાં અમ્માંને મન તેમની શરીરની પીડા કરતાં પણ એ કેટલું વધારે કષ્ટદાયક રહ્યું હશે !

એમનું દેહાવસાન તેમના આ ભવચક્રની પીડાનો અંત હતો તેમ છતાં પણ એ સમયે મન તેમની ગેરહાજરી સ્વીકારવા તૈયાર નહોતું. જોકે, પછીથી જ્યારે જ્યારે સમય અને સંજોગોની વિષમતા સાથે મારું મન સમાધાન નથી કરી શક્યું ત્યારે ત્યારે મોટાં અમ્માંના વ્યક્તિત્વની ગરિમાએ અને હુંફે મને એ પરિસ્થિતિઓ સહન કરી જવાની શક્તિ પુરી પાડી છે.

કેટલાક વિસારે પડી ગયેલ તસવીરો :

મોટાં અમ્માં (વર્ષ આશરે ૧૯૫૫ - ૫૬)

બાપુ અને મોટાં અમ્માં. આ ફોટોગ્રાફ પણ ક્યાંનો અને ક્યારનો તે યાદ નથી આવતું. એક શક્યતા રાજકોટમાં તંતીનિવાસ (૧૯૫૮)ની છે.

      આગળઃ મહેશભાઈ, અશોક (હું) ; પાછળ, દેવીબેન, સંજયને તેડીને બેન, ગોરીકાકી અને મોટાં અમ્મા.

ફોટોગ્રાફ ૧૯૫૯ની આસપાસનો હશે. ક્યાંનો છે તે ખાત્રીપૂર્વક નથી કહી શકાતું, પણ એક શક્યતા છે કે

             સંજયના વાળ ઉતરાવવા બધાં વૈષ્ણવોનાં કુળદેવીના સ્થાનક, સોનડીયાગયાં હતાં ત્યારનો હોઈ શકે.

પ્રગતિનગરનાં ઘરે - ડાબેથી સુસ્મિતા, મોટાં અમ્માં, મહેશભાઈ

પ્રગતિનગરનું ઘર : સુસ્મિતા, બેન, (વચ્ચે) મહેશભાઈ, સંજય અને મોટાં અમ્માં

પ્રગતિનગરનું ઘર - બેન, મોટાં અમ્માં, સુસ્મિતા 

ફોટોગ્રાફની ગુણવત્તા સચવાઈ નથી




[1]  રેવાને તીર બાંધી મઢૂલી

Tuesday, September 30, 2025

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૩ – મણકો : ૯_૨૦૨૫

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૩ મા સંપુટના મણકા - _૨૦૨૫માં આપનું સ્વાગત છે.

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

Bard of the Brahmaputra: Honouring Bharat Ratna Dr Bhupen Hazarika on his centenary - બ્રહ્મપુત્રાના લોકગાયક ડૉ. ભુપેન હઝારિકા પ્રદેશની સીમાઓને સંગીત, અને તેમના ન્યાય, સમાનતા અને બંધુત્વના સંદેશા દ્વારા એક કરી નાખી. તેઓ સંસ્કૃતિને એક કરનાર કલાકાર તરીકે આવનારી પેઢીઓને પોતાના વારસાથી પેરિત કરતા રહેશે.

બ્રહ્મપુત્ર નદીને કાંઠે કાંઠે Assam celebrates the birth centenary of legendary musician Dr. Bhupen Hazarika with a unique cultural initiative. Inland Waterways Authority of Indiaદ્વારા શરૂ કરાયેલા વર્ષ દરમ્યાન ચાલનારા કાર્યક્રમો દ્વારા ડૉ. હઝારિકાનાં સંગીત અને કાર્યક્રમો વડે આસામની સંસ્કૃતિ અને નદીઓ સાથેનાં ઘનિષ્ઠ જોડાણને અંજલિ અપાશે..


                                                                                                               

Bhupen Hazarika at 100: The Voice of a Civilization - તેમણે માત્ર નદીઓ અને રોમાંસનાં નહીં  પણ ન્યાય, યાદો અને લોકોનાં મનનાં નૈતિક સ્પંદનોને ગીતો દ્વારા વાચા આપી. શાન્તનુ રોય ચૌધરી તેમનાં સદાકાલીન ૧૦ ગીતો દ્વારા લોકગાયકનાં સંગીતને સંસ્કૃતિને શક્તિ આપતી સફર આલેખે છે. 

Happy Birthday to Shubha Khote - ૩૦ ઓગસ્ટ ૧૯૩૬નાં જન્મેલ શુભા ખોટેનું મૂળ નામ શુભાંગી ખોટે હતું.

The Many Melodies of Preeti Sagar: Songs, Jingles, and Soundtracks from a Golden Voice - ૧૯૭૫નું વર્ષ પ્રીતિ સાગરનું વર્ષ બની રહ્યું. થોડાં વર્ષ પહેલેથી એમણે જાહેરાત જિંગલ્સ ગાવાનું શરૂ કરેલ પણ લિરિલની જાહેરાતે તેમનું જાહેરાતોના સંદર્ભમાં સીમાવર્તી સ્થાન બનાવી આપ્યું.

https://youtu.be/Y9-1XD9VvX4?si=p6ldlpSLZMWNvA_Z

I have sung over ten thousand jingles – Preeti Sagar - લિરિલ, નિરમા, પાન પરાગ, થમ્સ અપ, હેપ્પી ડેઝ આર હીયર અગેઈન, બ્રિટાનીઆ, મારી જેવી કોઈ પણ બ્રાન્ડનું નામ લ્યો તો જણાશે કે બધી બ્રાન્ડને લોકોના મનમાં વસી જાય તેમ રજુ કરી પ્રીતિ સાગરે હોય.

તેમણે અસંખ્ય nursery rhymes પણ રેકોર્ડ કર્યાં છે.

My Heart Is Beating: A Dream, a Song, a Fifty-year Echo - અંગ્રેજીમાં ગવાયેલાં, નિર્દોષતામાં ભીંજાતાં ગીતે સિનેમા સંગીતમાં અભૂતપૂર્વ હલચલ મચાવી દીધી. ગીતની વાત કરતાં કરતાં શાન્તનુ રોય ચૌધરી પણ, ચહેરો અને અનુભૂતિને તાદૃશ કરે છે.

The Making of Do Bigha Zamin - Ratnottama Sengupta - તેમની આત્મકથા, એકા નૌકાર જાત્રી / એકલવાયી નૌકાની સફર માં દો બિઘા ઝમીનના નિર્માણની બહુ જીવંત યાદોને વાગોળે છે. દો બિઘા ઝમીન ભારતીય સિનેમાના ઇતિહાસનાં એક નવાં પ્રકરણની શરૂઆત માનવામાં આવે છે.

બલરાજ સાહની અને નિરૂપા રોય - દો બિઘા ઝમીન
રની જન્મશતાબ્દીની સાથે આશા ભોસલેની ૯૨મા જન્મ દિવસની યાદમાં Asha Bhosle sings for O P Nayyar

Best songs of Asha Bhosle by RD Burman - આશા ભોસલેના ચાહકોમાટે આર ડી બર્મન એક મહત્વની કડી છે.

A Musical Association: RD Burman and The Kapoors - - શમ્મી- શશી કપૂરની સાથે રણધીર, ઋષિ અને રાજીવ કપૂર માટેનાં આર ડી બર્મનનાં ગીતો.

આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના ફૂંક વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો - તાલ વાદ્યો અને તંતુ વાદ્યોના પ્રયોગો પછી આ શ્રેણીનો આ ત્રીજો લેખ છે.

 'રશિકેષુ'ના આ અંકમાં અનિલ બિશ્વાસ એસ ડી બર્મન અને આર ડી બર્મનને યાદ કરે છે.


ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

·       Started as Raj Kapoor’s employee with Rs 500 salary, became his ‘Pushkin’ at whose feet RK always sat; died of a broken heart - જીના યહાં મરના યહાં, આવારા હું, પ્યાર હુઆ ઈક઼રાર હુઆ જેવાં '૫૦ અને '૬૦ના દાયકાનાં યાદગાર ગીતો શૈલેન્દ્રની કલમમાંથી નિપજ્યાં છે. 

·       The Asha Bhosle song that worried her driver enough to take her to the hospital; RD Burman had to audition to grab the gig as Shammi Kapoor ‘behaved like a king’ - આશા ભોસલે અને આર ડી બર્મને ઘણાં યાદગાર ગીતો આપ્યાં. તેમાં પણ આજા આજા મૈં હું પ્યાર તેરા એકથી વધારે રીતે ખાસ હતું,..

Celebrating International Literacy Day: People Reading Things in Hindi Cinema - હિંદી ફિલ્મોમાં સાક્ષરતા વિષય તરીકે બહુ મહત્વનો નથી ગણાયો, પરંતુ ફિલ્મોમાં એકાદ પાત્રના હાથમાં પુસ્તક હોય અને તે પાત્ર પુસ્તક વાંચતું પણ બતાવાયું હોય. મોટા ભાગના કિસ્સ્સાઓમાં પુસ્તકનું નામ પણ વાંચી શકાતું હોય. 

 


 વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૦મા સંસ્કરણના ઓગસ્ટ ૨૦૨૫ના અંકમાં હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો - ૧૯૬૪ - ભાગ  ને યાદ કર્યાં. સપ્ટેમ્બર મહિનામાંદર વર્ષે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરવાનો (જ) છે. અને એ ઉદ્દેશ્યને જ કેન્દ્રમાં રાખીને  અત્યાર સુધીઆપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯,

૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં

૨૦૨૧માં વર્ષ ૧૯૬૨નાં,

૨૦૨૨માં વર્ષ ૧૯૬૩નાં અને

૨૦૨૩માં ૧૯૬૪નો ભાગ ૧ નાં,

૨૦૨૪માં ૧૯૬૪નો ભાગ ૨ નાં અને

ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Songs ‘In Disguise’ માં પોતાની ઓળખ છુપાવવા માટે કોઈને કોઈ વેશની આડશ લીધી હોય છે..

Hindustani music’s decline in Pakistan began the day the nation was born - Malini Nair - દેશના ભાગલા પડવાની સાથે શરૂ થયેલી હિઝરતનું એક પરિણામ પાકિસ્તાનમાં શાસ્ત્રીય સંગીતને આશય અને પ્રોત્સાહન પણ ઓસરવા લાગ્યું. 

The ripples and echoes of the ‘man-woman-balcony-violin’ moment in Raj Kapoor’s ‘Barsaat’ - Gayathri Prabhu & Nikhil Govind - '૪૦ અને ૫૦ના દાયકાની શ્વેત અને શ્યામનો અભ્યાસ Shadow Craft – Visual Aesthetics of Black and White Hindi Cinema, Gayathri Prabhu and Nikhil Govind, Bloomsbury India માં કરાયો છે..

Melodies With Some Whisper-singing - જો યુગલ ગીત હોય તો એક પાત્ર દબાયેલા સ્વરમાં ગાતું હોય. દબાયેલો સ્વર ગીતના ભાવને નવો અર્થ આપે છે. જેમ કેતુમસે માનો ના માનો મુઝે તુમસે - ચા ચા ચા (૧૯૬૪) - આશા બોસલે, મોહમ્મદ રફી -- ગીતકારઃ ભરત વ્યાસ - સંગીત ઈક઼્બાલ ક઼ુરૈશી 

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:

સપ્ટેમ્બર ૨૦૨૫માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

કોમેડી ગીતોज़रूरत है ज़रूरत है …..! एक श्रीमती की, कलावती की, सेवा करे जो पति की

ફિલસુફીભર્યાં ગીતો૩૯बनाते है दुनिया को एक आनंद आश्रम

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં નાં આંખે (૧૯૬૮) ટાઈટલ ગીતને રજૂ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને  ફૂંકવાદ્યો - હાર્મોનિકા/માઉથ ઓર્ગન –  ને  લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..

દિપક સોલીયા 'ધિક્કારનાં ગીતો' માં જખમો પણ રચી શકે છે ખજાનો! રજૂ કરે છે.

ભગવાન થાવરાણીની  ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણી ૧૨૧ ગઝલકારોની અનોખી ગઝલ રચનાઓ સાથે પુરી થઈ. મહિને આગા મહશર શિરાઝી, સુદર્શન ફાકિર, અને મિર્ઝા અસદુલ્લાહ ખાં ગાલિબની ગઝલો પેશ કરે છે. આ લેખમાળાના બધા મણકાફિલ્મી ગ઼ઝલોનું અનોખું વિશ્વ પર ક્લિક કરવાથી  એક સાથે વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૫માં આપણે ઓ પી નય્યર રચિત  મોહમ્મદ રફીનાં યુગલ ગીતો યાદ કરી રહ્યાં છીએ. આજે મોહમ્મદ રફીએ અમુક ગાયિકાઓ સાથે ઓ પી નય્યરનું જે એક જ યુગલ ગીત ગાયું તે સાંભળીશું. ......

મેરી નિગાહને ક્યા કામ  .... જ઼ૂઠે ઝમાને ભર કે -- મુસાફિર ખાના (૧૯૫૫) - નિર્મળા દેવી સાથે - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી 



તુ ઝરા સી બાત પે ખફા ન હો - મિંં લમ્બુ (૧૯૫૬) -  સુરૈયા સાથે - ગીતકારઃ હર્ષ 



સાક઼ી કી નિગાહ સે.... અય જી હોગા ક્યા આગે જનાબ -  ખૂન કા બદલા ખૂન  (૧૯૭૮)  - ગીતકારઃ રામ ભારદ્વાજ 




રંગ અબીલ ગુલાલ ... દિલ ઝૂમ રહે મસ્તીમેં - બિન માં કે બચ્ચે (૧૯૭૯) - પુષ્પા પાદગરે સાથે - ગીતકારઃ એસ એચ બિહારી


 


હોંઠ તીરે દો લાલ હીરે - હીરા મોતી (૧૯૭૯) - દિલરાજ કૌર સાથે - ગીતકારઃ અહમદ વાસી 





હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.