Sunday, January 11, 2026

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૧મું સંસ્કરણ – જાન્યુઆરી, ૨૦૨૬

 જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૮

 જયદેવ (વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ - અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭) ની માનપૂર્વકની ઓળખ કવિઓના સંગીતકાર તરીકે રહી છે. તેમનાં ગીતોની રચના ગીતકારની રચનાનાં હાર્દને અગ્રભૂમિમાં જાળવીને જ શાસ્ત્રીય કે લોક ગીતોના આધાર પર રચાતી રહી. શરૂઆતના દાયકા બાદ તેમનાં ગીતો આમ શ્રોતામાં ઓછાં સ્વીકાર્ય થતાં જણાવા લાગ્યાં હતાં. પરંતુ, '૭૦ના દાયકાના મધ્યમાં તો તેઓએ પોતાની કારકિર્દીના બીજાદાવમાં તેમની આગવી શૈલીનો સ્પર્ષ પાછો મેળવી લીધો હોય તેમ જણાવા લાગ્યું હતું. પરિણામે ૧૯૭૭ થી ૧૯૮૦માં તેમની શ્રેષ્ઠ રચનાઓ હિંદી ફિલ્મ સંગીતની તવારીખને ચોપડે નોંધાઈ. જયદેવ હવે તેમની સંગીત રચનાઓમાં ઓછાં જાણીતાં ગાયકોના સ્વરો વડે અવનવા પ્રયોગો પણ બહુ સહજતાથી કરવા લાગ્યા હતા.

ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

§  ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

§  ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

§  ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને,

§  ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને,

§  ૨૦૨૨માં ૧૯૭૪ - ૧૯૭૫નાં વર્ષોની ભુલાવા લાગેલી ફિલ્મોની કેટલીક સુરાવલીઓને,

§  ૨૦૨૩માં વર્ષ ૧૯૭૬ - ૧૯૭૭ની ફિલ્મો લૈલા મજનુ, આલાપ અને ઘર્રૌંદામાં  જયદેવની બીજી ઈનિંગ્સ નવપલ્લિત થતી રચનાઓ,

§  ૨૦૨૪માં ૧૯૭૮નાં વર્ષની ફિલ્મો ગમન, સોલવાં સાવન અને તુમ્હારે લિયેનાં ગીતો, અને

§  ૨૦૨૫માં ૧૯૭૯ની ફિલ્મદુરિયાંનાં અને ૧૯૮૦ની ફિલ્મઆઈ મેરી યાદનાં ગીતો

આપણે યાદ કરી ચુક્યાં છીએ.

વર્ષ ૧૯૮૨માં જયદેવે 'રામનગરી' અને 'સમીરા' માટે સંગીત આપ્યું.

રામનગરી (૧૯૮૨)

 પહેલી નજરે તો આ ફિલ્મ કોઈ ધાર્મિક ફિલ્મ હશે તેવું લાગે. એટલે જયદેવને ઓછાં બજેટવાળી ધાર્મિક ફિલ્મોનું સંગીત આપવાના દહાડા આવ્યા એવો વસવસો થાય. ફિલ્મ ઓછાં બજેટની જરૂર છે, પરંતુ તેનું કારણ એ સમાંતર સિનેમાની ફિલ્મ છે તે છે.

'રામનગરી'ની કથા રામ નગરકરની કલમે લખાયેલ, કૌટુંબીક વ્યવસાયે એવા રામ નામના એક કલાકારનાં સાચી જીવનકથા પરથી, મરાઠીમાં લખાયેલ, જીવન - વૃતાંત પર આધારિત છે. રામ 'તમાશા અને 'લાવણી' ની લોકકળાનો એક બહુ સારો અભિનેતા અને ગાયક છે. તેના મા તેને પ્રોત્સાહન પુરૂં પાડે છે, પણ તેના બાપને પોતાના કૌટુંબીક વ્યવસાય ને છોડીને આવી 'હલકી' કળા પાછળ ગાંડો થાય એ જરા પણ પસંદ નથી. ફિલ્મમાં કળાકારોએ સાચાં કળાવ્યાવસયિકોનાં જીવનને તાદૃશ કરતો અભિનય કર્યો છે.    

મૈં તો કબ સે તેરી શરનમેં હું  - હરિહરન, નીલમ સાહની  - ગીતકારઃ નક્શ઼ લ્યાલ્લપુરી 

એક દૄષ્ટિએ આ રચના આહિર ભૈરવમાં સ્વરબદ્ધ ભજન લાગે, પરંતુ તેના બોલનો ગહન નિર્દેશ ફિલ્મનાં પાત્રોનો પોતાના વ્યવસાય માટેનાં સમર્પણની લાગણીનો ભાવ પણ આપણને સમજાય છે. 

કભી છાંવ ન દેખી પુણ્યકી 
જલે પાંવ પાપ કી ધુપમેં 
જો ભી રૂપ તેરી દયાકા હૈ 
મુઝે દરસ દે ઉસ રૂપમેં 
મેરા મન અશાંત હૈ અય પ્રભુ 
મેરા મન અશાંત હૈ અય પ્રભુ 
મુઝે શાંતિ કા વરદાન દે 
મેરા મન અશાંત હૈ અય પ્રભુ


મન દરપનમેં ચેહરા ખીલા અપના - હરિહરન, અનુરાધા પૌડવાલ - ગીતકારઃ નક્શ઼ લ્યાલ્લપુરી 

એકબીજા પ્રત્યેના પ્રેમ માટેની ક્ર્તજ્ઞતાના ભાવને સંવાદરૂપે ગીતમાં વ્યકત કરાયો છે. જયદેવે ગીતની રચનાને આ ભાવને સંગીતમાં વણી લીધો છે.


રાતોં કો માંગે હૈ સાજન સે - હરિહરન - ગીતકારઃ નક્શ઼ લ્યાલ્લપુરી 

લોક સંગીતના ઢાળમાં ગીત પ્રેમની અભિવ્યક્તિ છે. બહુ જ સરળ બોલમાં પ્રેમની પ્રિય લાગણીઓ વર્ણવાઈ છે.



સમીરા (૧૯૮૨)

૧૯૭૭માં જ્યારે ફિલ્મનાં નિર્માણથી શરૂઆત થઈ ત્યારે તેનું નામ 'વોહી બાત' રખાયું હતું. વ્યાવસાયિક દૃષ્ટિકોણના મતભેદને કારણે ફિલ્મની રજૂઆત ઠેલાઈ ગઈ. ૧૯૮૩ના ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં રજૂઆત પામ્યા પ્છી ફિલ્મ વ્યાવસાયિક પરદા સુધી પહોંચી જ નહી. 

એચએમવીએ 'વોહી બાત' શીર્ષક હેઠળ LPE.8030  એલપી રેકોર્ડ પાડી હતી.

જાને ના દુંગી.....હા જાને ના દુંગી - આશા ભોસલે - ગીતકારઃ નક્શ઼ લ્યાલ્લપુરી 

અપદ્યાગદ્ય શૈલીમાં લખાયેલ ગીતની સંગીત રચના પણ ફિલ્મોનાં ગીતના પરંપરાગત ઢાળ પણ નથી કરાઈ. ગીતના ત્રણ અંતરામાં અલગ અલગ ભાવને રજુ કરે છે. 


ઝહર દેતા હૈ કોઈ મુઝે દવા દેતા હૈ કોઈ - આશા ભોસલે
 - ગીતકારઃ નક્શ઼ લ્યાલ્લપુરી 

પ્રેમની અપેક્ષાની અપૂર્ણતા એકોક્તિ સ્વરૂપે વ્યક્ત થઈ છે.


ગીતનું બીજું સંસ્કરણ ભુપિન્દરના સ્વરમાં છે.

વક઼્ત હી દરદકો કાંટો પે સુલાયે દિલકો 
વક઼્ત હી દર્દ કા અહસાસ મિટા દેતા હૈ 

ઈપી રેકોર્ડ પર એક વધારે અંતરો છે - 

પ્યાસ ઈતની હૈ મેરી રૂહ કી ગહરાઈમેં,
અશ્ક઼ ગિરતા હૈ તો દામન કો જલા દેતા  હૈ.


ઝિંદગી હમ તેરે હાલ પર મુસ્ક઼ુરાયે કી રોયા કરેં - આશા ભોસલે - ગીતકારઃ નક્શ઼ લ્યાલ્લપુરી 

પ્રેમભગ્નતાના ગમની  ઘુટનને જયદેવ મુશ્કેલ, પણ માધુર્યપુર્ણ, અંદાઝમાં રજૂ કરે છે. 



જયદેવ રચિત સમાંતર સિનેમાની ફિલ્મોનાં સંગીતની ઝલક હજુ પણ જોવાની રહે છે....


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે

No comments: