Sunday, June 14, 2026

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૧મું સંસ્કરણ – જૂન, ૨૦૨૬

 મદન મોહન અને મોહમ્મદ રફીનાં સોલો ગીતોઃ વર્ષ ૧૯૬૧ અને ૧૯૬૪: ભાગ [૧]

મદન મોહન (મૂળ નામ: મદન મોહન કોહલી) - જન્મ ૨૫ જૂન ૧૯૨૪ (બગદાદ બ્રિટિશ ઈરાક઼) । અવસાનઃ ૧૪ જુલાઈ, ૧૯૭૫ (મુંબઈ, મહારાષ્ટ્ર)નું  હિંદી ફિલ્મોમાં સ્વતંત્ર સંગીતકાર તરીકે પદાર્પણ આંખેં (૧૯૫૦) થી થયું. તેમાં એમણે એક ગીત મોહમ્મદ રફી પાસે પણ ગવડાવ્યું, જે સંગીતકાર અને પાર્શ્વગાયક તરીકેના બન્ને વચ્ચેના સંબંધોની પાયાની પહેલી ઈંટ બની રહ્યું.

મદન મોહન પ્રકૃતિદત્ત સંગીતકાર હતા. ગીતના બોલ અને ભાવની આસપાસ તેઓ તેમની ધુનની બાંધણી કરે અને પછી ગાયકના સુરને એ ભાવ વ્યક્ત કરવા દે. વાદ્યસંગીતની ભૂમિકા આ બધાંને પૂરક જ રહે. તેઓએ જે ગાયકની પસંદગી કરી હોય એ ગાયકની ગાયકીને અનુરૂપ તેઓ ધુનની બાંધની કરતા કે ગાયક પાસે ધુનની માંગ અનુસાર ગાવાનો આગ્રહ રાખતા એ વિશે ખાસ જાણવા નથી મળતું. પરંતુ તેમનાં દરેક ગીતો સંગીતના બધાં જ પાસાંની ઉત્તમ ગોઠવણીથી સજ્જ રહેતાં એ વિશે કોઈ શક ન હોઈ શકે.

આપણી આ નવી શ્રેણીમાં આપણે મદન મોહન રચિત મોહમ્મદ રફીનાં ગીતો પર ધ્યાન કેન્દ્રિત કરીશું.


મદન મોહન અને મોહમ્મદ રફીનાં ગીતોની યાદો તાજી કરવાના ઉપક્રમની શરૂઆત આપણે સૉલો ગીતોથી કરી. આપણી પાસે આવાં સોલો ગીતોની સંખ્યા લગભગ ૧૦૦થી થોડી વધુ છે, અને પહેલાં ઉલ્લેખ કર્યો છે તેવાં રીલીઝ ન થયેલાં ગીતો સિવાયનાં બીજાં છએક ગીતો પણ છે.

વર્ષ ૧૯૫૦ થી ૧૯૫૬નાં ગીતો ૨૦૨૪માં અને,

વર્ષ ૧૯૫૭ થી ૧૯૫૯નાં ગીતો ૨૦૨૫માં

આપણે સાંભળી ચુક્યાં

વર્ષ ૧૯૬૦, ૧૯૬૧ અને ૧૯૬૨ માં મદન મોહન અને મોહમ્મદ રફીના એક પણ સોલો ગીત નથી. પરંતુ ૧૯૬૪માં પાછું ઘોડાપુર છે. તેથી, આજના અંકમાં આપણે મદન મોહન અને મોહમ્મદ રફીનાં વર્ષ ૧૯૬૧નાં બે ગીતો અને ૧૯૬૪નાં ૨૦માંથી સાત ગીતો યાદ કરીશું.

દો ઘુટ મૈંને પી ઔર સૈર દુનિયાકી - સંજોગ (૧૯૬૧) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  

એવું કહેવાય છે કે સેન્સરને 'ઘૂંટ' શબ્દ સામે વાંધો પડ્યો. તેમના મતે આવા શબ્દોને કારણે લોક માનસ પર વિપરિત અસર પડે. એટલે 'ઘૂંટ' પછી 'ચાય' શબ્દ ઉમેરીને ફિલ્મમાં ગીત સુધારી લેવાયું. પણ ગીતની ઓડીયો રેકોર્ડ બહાર પડી ગઈ હતી તે તો એમ ને એમ જ રહી ! 



સબ દિન હોતા ન એક સમાન - સેનાપતિ (૧૯૬૧) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  

સન્માનીય કક્ષાની પુરતી સામાજિક ફિલ્મો મળે ત્યાં સુધી ઘર ચાલતું રહે એ માટે મદન મોહને કદાચ આ ફિલ્મ લઈ લીધી હશે !



એક મતવાલા આજ ચલા અપની મંઝિલ કો - આપ કી પરછાઈયાં (૧૯૬૪) - ગીતકારઃ રાજા મેંહદી અલી ખાન

પોતાના ઘરે જવા મળે છે તેના આનંદને ટ્રેનની સફરમાં પણ વ્યક્ત કરી લેવી.... પરંત, મદન મોહન આનંદનાં અને 'ટ્રેન'નાં ગીતો પણ સારી રીતે રચી શકે છે તેવી તેમની સર્વતોમુખી પ્રતિભા છે એવી નોંધ  ફિલ્મ જગતે ક્યાં તો લીધી નહીં, અને લીધી તો તેને અણદેખી કરી નાખી...



મૈં નિહાહેં તેરે ચેહરે સે હટાઉં કૈસે - આપ કી પરછાઈયાં (૧૯૬૪) - ગીતકારઃ રાજા મેંહદી અલી ખાન

મદન મોહન અને મોહમ્મદ રફીના ચાહકોની યાદમાં સદા કોતરાયેલાં રહેલાં અનેક ગીતો પૈકી એક  ....



યહી હૈ તમન્ના તેરે દરકે સામને મેરી જાન જાયે  - આપ કી પરછાઈયાં (૧૯૬૪) - ગીતકારઃ રાજા મેંહદી અલી ખાન

પ્રેમિકાને મનાવવા મસ્તીભર્યા ગીતો ગાવાં જોઈએ એવી હિંદી ફિલ્મોની વણલખી 'ફોર્મ્યુલા' માં મદન  મોહન સહેલાઈથી ગોઠવાઈ શકે છે !


 

કિસી કી યાદ મેં દુનિયાકો હૈ ભુલાએ હુએ - જહાંઆરા (૧૯૬૪) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ 

'જહાઆરા  માટે બધાનાં મંતવ્યોની ઉપરવટ જઈને મદન મોહને તલત મહમૂદનાં અવિસ્મરણીય ગીતો આપ્યાં. તેમ છતાં એમનાં કયાં ગીતને મોહમ્મદ રફી જ ન્યાય કરી શકશે એ વિશે પણ મદન મોહન એટલા જ સ્પષ્ટ હતા,

આ વાત વિશે કોઈ શંકા ન રહે તેવું તેમનું મોહમ્મદ રફી - સુમન કલ્યાણપુરનું યુગલ ગીત બાદ મુદ્દત કે યે ઘડી આયી પણ તેમણે આપ્યું. 



સનમ અપની પલકોં પે બીઠા કર દિખાતા હું દુનિયા કે નઝારે - પૂજા કે ફૂલ (૧૯૬૪) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ 

માત્ર સંવાદને ગીતનાં સ્વરૂપમાં ઢાળવાનો અભિનવ પ્રયોગ ! 



મેરે પ્યારમેં તુઝે ક્યા મિલા - સુહાગન (૧૯૬૪) - ગીતકારઃ હસરત જયપુરી 

હવે અવ્યક્ત ભાવનાને બેકગ્રાઉન્ડ ગીત તરીકે મુકી છે. મદન મોહનની ગીત રચના એવી ભાવમય છે કે લાગણીઓ આપણા મન સુધી પણ પહૉંચી જાય છે...


તુ મેરે સામને હૈ તેરી ઝુલ્ફેં હૈ ખુલી
- સુહાગન (૧૯૬૪) - ગીતકારઃ હસરત જયપુરી
 

લાગણીના અદમ્ય ભાવને હવે તો વ્યક્ત કર્યા સિવાય રહેવાય એમ જ નથી ....

મોહમ્મદ રફીનાં મને અતિપ્રિય ગીતોમાં આ ગીતનું સ્થાન અગ્રીમ હરોળમાં છે. 



આ શ્રેણીના હવે પછીના અંકમાં મદન મોહને રચેલાં ગ઼ઝલ (૧૯૬૪) અને હક઼ીક઼ત (૧૯૬૪)નાં મોહમ્મદ રફીનાં સૉલો ગીતો સાંભળીશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: