Saturday, July 11, 2026

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૧મું સંસ્કરણ – જુલાઇ , ૨૦૨૬

 

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત:

ત્રીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૫૪ - ૧૯૫૮: વર્ષ  ૧૯૫૪ [] 


મોહમ્મદ રફીની સાડા ત્રણ દાયકાની સક્રિય કારકિર્દી દરમ્યાન  દરેક વર્ષે એક, અથવા વધુ, સંગીતકાર સાથે સર્વપ્રથમ સહયોગ કરવાનું તેમને બનતું જ રહ્યું.  મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ.

મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય મોહમ્મદ રફીનાં યુગલ ગીતોને યાદ કરવાનો છે એટલે જે વર્ષે કોઈ સંગીતકાર સાથે જે જે ફિલ્મમાં સૌ પ્રથમ વાર મોહમ્મદ રફીનું એક કે એકથી વધારે યુગલ ગીત નોંધાય એ બધી ફિલ્મોનાં એ યુગલ ગીતો સાંભળવાનો હવે ઉપક્રમ રાખેલ છે. જો સ્ત્રી-પુરુષ યુગલ ગીત અને પુરુષ-પુરુષ યુગલ ગીત અલગ અલગ વર્ષમાં આવેલ હોય તો એ સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીત તે તે વર્ષમાં લઈશું. 

અત્યાર સુધી આપણે 

૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને ૨૦૨૧માં,

૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડને ૨૦૨૨ થી ૨૦૨૫માં

૧૯૫૪ – ૧૯૫૯ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં વર્ષ ૧૯૫૪ના પહેલા ભાગનાં ગીતો ડિસેમ્બર ૨૦૨૫ માં

યાદ કરેલ છે.

હવે પછી આપણે સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનાં સૌપ્રથમ યુગલ ગીતની શ્રેણીના ૧૯૫૪ - ૧૯૫૯ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં ગીતોને યાદ કરી રહ્યાં છીએ. આજના અંકમાં વર્ષ ૧૯૫૪નાં અન્ય કેટલાંક ગીતો સાંભળીએ.

૧૯૫૪

ભાગ [૨]

વર્ષ ૧૯૫૪માં ૧૬ સંગીતકારો સાથેનાં મોહમ્મદ રફીનાં ૫૧ યુગલ ગીતો મળે છે. આ પહેલાં આપણે ઓ પી નય્યર, એસ એન ત્રિપાઠી, અને શંકર જયકિશન દ્વારા સંગીતબદ્ધ થયેલાં મોહમ્મદ રફીનાં સર્વ પ્રથમ યુગલ ગીતો યાદ કર્યાં. આજના અંકમાં અવિનાશ વ્યાસ, અઝિઝ હિંદી, ગુલામ મોહમ્મદ અને નીસ્સાર બઝમી દ્વારા સંગીતબદ્ધ થયેલાં મોહમ્મદ રફીનાં સર્વ પ્રથમ યુગલ ગીતોની નોંધ લઈશું. 

અવિનાશ વ્યાસે હિંદી ફિલ્મોમાં ઘણાં સારાં ગીતો આપ્યાં, પણ એ ફિલ્મો ચાલી નહીં તેમાં એ ગીતો પણ ભુલાઈ ગયાં.

ઇસ જગ કે વિશાળ પીંજરે મેં .. વાહ રે દયાલુ વાહ રે દયાલુ – ચક્રધારી – આશા ભોંસલે અને પ્રદીપ સાથે – ગીતકાર: પ્રદીપ

પ્રદીપજીએ સિવાય ગાયું હોય એવું કદાચ આ એક જ યુગલ(+) ગીત હશે ! પરદા પર ત્રિલોક કપૂરને પ્રદીપજીએ સ્વર આપ્યો છે.



ઓ મેરે સાસ કે લડકે દૂર હટ મોરા દિલ ધડકે – ચક્રધારી – આશા ભોંસલે સાથે – ગીતકાર: પ્રદીપ

આ પણ બહુ અનોખું ગીત છે  - ફિલ્મમાં એક પછી એક એમ ચાર ગીત જોડાય છે. ચારે ગીતના બોલ અહીં વાંચી શકાશે - O meri saas ke ladke…Meri choli ko seenaa sambhaal ke

ફિલ્મમાં ગીત મેળામાં ગવાતું બતાવાયું છે.

ગીતનો બીજા ભાગનો મુખડો મેરી ચોલી કો સીના સંભાલ કે હો દરજી જાના હૈ કલ સસુરાલ થી  શરૂ થાય છે, જે આશા ભોસલે એકલ સ્વરમાં ગાયેલ છે.

ગીતના ત્રીજા ભાગના મુખડાના બોલ રાજા જી મોરે સૈંયા કો કરો જૂરમાના છે.



ચોથો ભાગ ભજન છે જેના બોલ કાહે કો બિસારા હરિ નામ છે એ મોહમ્મદ રફી અને સાથીઓના સ્વરમાં છે.



અઝીઝ હિંદીએ ‘ધૂપ છાવ’ (૧૯૫૪) માટે ચાર ગીતકારો સાથે નવ ગીતો રચ્યાં હતાં.

ઝૂક કે જમીં છુ રહા આસમાન આજ આલે મિલ રહે દોનો જહાં – ધુપ છાંવ – આશા ભોસલે સાથે – ગીતકાર: જાં નીસ્સાર અખ્તર

આટલું કર્ણપ્રિય ગીત પણ ફિલ્મની પાછળ ભુલાઈ ચુક્યું.



કચચે ધાગોમે .. દેખો રાખી કા આયા – ધુપ છાંવ – આશા ભોસલે સાથે -  ગીતકાર: મનોહર ખન્ના

રક્ષા બંધનની ઉજવણી મનાવતું ગીત.



યે મોટર કી ફર ફર .. અરરે ભાઈ હાય હાય ના – ધુપ છાંવ – ત્રિલોક કપૂર સાથે - ગીતકાર: મનોહર ખન્ના

કારની સફરની મજા માણી રહેલા બે મિત્રો જીવનની બીજી તકલીફોની ફરિયાદનાં ગાણાં ગાય છે.



ગુલામ મોહમ્મદે બહુ વિધ વિષયો પર બનેલી ફિલ્મો માટે સંગીત આપ્યું છે.

સાંખી સરકાર હૈ તેરી ગરીબોંકા તુ દાતા – મિર્ઝા  ગાલિબ – બંદે હસન સાથે – ગીતકાર: શકીલ બદાયુની

અલ્લાને દુઆ કરવા માટે કવ્વાલી એ શુદ્ધ ગેય પ્રકાર છે.



નીસ્સાર બઝમીએ ‘હલ્લા ગુલા’ માટે મોહમ્મદ રફી અને આશા ભોંસલેનાં નવ યુગલ  ગીતો રચ્યાં ફિલ્મના હીરો ભગવાન છે એટલે ગીતો હલકાં ફૂલકાં જ બન્યાં હશે.

મતલબકી ઇસ દુનીયાકા એ કૈસા .. જગમેં ચાલતી કયા નામ ગાડી હલ્લા ગુલ્લા – આશા ભોસલે સાથે – ગીતકાર: સબા અફઘાની

ગરબાના તાલ પર રચાયેલું ગીત !



અન્ય આઠ ગીતો:

દિલ ધડકા મૈં ફડકા શોલા ઉલ્ફતકા તેરી આંખોમેં ભી ભડકા  

દિલ પુકારે આ, ના તડપા, તેરા દિવાના

હોનેવાલી હોકે રહેગી ગાઓ એક તરાના

જાને કયા બાત હુઈ નૈન ઝૂકે ઉઠને લાગે આજ કદમ

કોઈ તીરછી નઝર સે .. તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચુંપ  

મૈં હું બાંકા છબીલા જવાન રે  

નૈનોકે તીર ઇધર તૂટ પડે  

યું ન છેડો બાલમ કોઈ આ જાયે

 સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનાં સૌપ્રથમ યુગલ ગીતની શ્રેણીના ૧૯૫૪ - ૧૯૫૯ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં ૧૯૫૪ ના વર્ષની આપણી સફર હજુ ચાલુ રહે છે ...........


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: