Sunday, August 14, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓગસ્ટ, ૨૦૨૨

 

શૈલેન્દ્રનાં ગીતોની કિશોર કુમાર દ્વારા સ્વરબદ્ધ કરાયેલી રચનાઓ

શંકરદાસ કેસરીલાલ, (જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડીસેમ્બર, ૧૯૬૬), જે હિંદી ફિલ્મ જગતમાં શૈલેન્દ્રનાં નામથી અમર છે, તેમની ગીત રચનાઓની એક ખુબી હતી કે રોજબરોજની ઘટનાઓ પરથી તેમને થોડાક બોલ સ્ફ્રુરી આવતા અને પછી જે આખી કવિતા તે રચતા એ એકદમ સરળ શબ્દોમાં ખુબ ગહન સંદેશ કહી જતા. માનવીય મૂલ્યો માટેની તેમની અદમ્ય ચાહત  તેમનાં ગીતોમાં સહજતાથી વ્યક્ત થઈ રહેતી.

તેમની સમગ્ર કારકિર્દી દરમ્યાન શૈલેન્દ્રએ લખેલાં ગીતોની સંગીત રચનાઓમાં શંકર જયકિશનની રચનાઓનો સિંહ ફાળો હોય તે તેઓ સ્વાભાવિક જ છે. તે ઉપરાંત સલીલ ચૌધરી, એસ ડી બર્મન અને રોશન સાથે પણ  શૈલેન્દ્રનું કામ નોંધપાત્ર સંખ્યામાં રહ્યું. એટલું જ રસપ્રદ અને વૈવિધ્યપૂર્ણ શૈલેન્દ્રનું કામ એવા 'અન્ય' સંગીતકારોની સાથે પણ થયું જેમની સાથે મોટા ભાગે તો એક જ અને નહીં તો બહુ બહુ તો બે કે ત્રણ ફિલ્મો થઈ હોય. આ વિચારને ચકાસવા માટે ૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો સાથેનો લેખ -શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો - કર્યો. અત્યાર સુધી આપણે

૨૦૧૮ - શૈલેન્દ્ર અને રોશન

૨૦૧૯ -  શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

૨૦૨૦ – શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

૨૦૨૧ - શૈલેન્દ્ર અને શાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય

નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે કિશોર કુમાર દ્વારા સ્વરબદ્ધ થયેલાં શૈલન્દ્રનાં ગીતોને યાદ કરીશું.


કિશોર કુમારની અંદર છુપાયેલા કલાકારને આપણે કિશોર કુમારની આરાધના (૧૯૬૦) પહેલાંની ૧.૦ તરીકે જાણીતા તબક્કામાં ગાયક અને અભિનેતા ઉપરાંત ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, કથા ને સંવાદ લેખક ઉપરાંત સંગીતકારનાં સ્વરૂપોમાં પણ જોઈ શક્યાં છીએ. કિશોર કુમારનાં સામાન્યપણે નજરે ચડતાં વ્યક્તિત્વની જેમ તેમણે નિર્માણ અને દિગ્દર્શન કરેલી ફિલ્મો, અને સ્વાભાવિકપણે એ ફિલ્મોનાં તેમણે રચેલાં ગીતો ખુબ ગંભીર ભાવ અને સંદેશપ્રચુરતાના એક અંતિમ અને બીજી તરફ સાવ ઢંગધડા વગરની મશ્કરાપણાથી ભરપુર ફિલ્મોના બીજા અંતિમ વચ્ચે પથરાયેલ છે. કિશોર કુમારે બધું મળીને ૭ ફિલ્મોમાં ૧૨૦ જેટલાં ગીતો રચ્યાં, જેમાંથી શૈલેન્દ્ર સાથે તેમણે ૩ ફિલ્મો (૧૪ ગીતો)માં સંગીત સર્જન કર્યું.

અહીં રજુ કરવા માટે ગીતોની પસંદગી કરવામાં ગીતોના ભાવ, ગીતની બાંધણીની શૈલી અને ગાયકોની દૃષ્ટિએ વધારેમાં વધારે વૈવિધ્ય રહે તે બાબતને ખાસ મહત્ત્વ આપ્યું છે. 

દૂર ગગનકી છાંવમેં (૧૯૬૪): -

દૂર ગગનકી છાંવમેં કિશોર કુમાર દ્વારા દિગ્દર્શિત, અબિનિત અને સંગીતબદ્ધ કરેલી ફિલ્મોમાં કદાચ સૌથી વધારે પરિપક્વ સર્જન કહી શકાય. એટલે આ ફિલ્મનાં ગીતોમાં શૈલેન્દ્ર પણ પોતાની સહજ કવિભાવનામાં જ વ્યક્ત થતા રહે તે પણ સ્વાભાવિક જ કહી શકાય. આ લેકે ચલું તુઝે ઐસે ગગનકે તલેમાં આશાવાદની ઝલક અનુભવાય તો જિન રાતોંકી ભોર નહીં હૈમાં એકલા અટુલા પડી ગયેલ માનવીની હતાશા ઘુંટાય છે.

અલબેલે દિન પ્યારે … .. કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન - કિશોર કુમાર

કહેવાય છે કે કિશોર કુમારએ આ ગીતની સીચ્યુએશન શૈલેન્દ્રને એટલી આત્મીયતા સમજાવી કે શૈલેન્દ્ર પણ વિચલીત થઈને એકલા એકલા સમુદ્રને કિનારે ચાલવા જતા રહ્યા. તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે તેમના વિચારોનાં એ મનોમથનો આ ગીતમાં વ્યક્ત થઈ રહ્યાં.

ગીતમાં સાખીના બોલમાં આશાવાદ કેવો છુપાઈને વ્યક્ત થઈ રહ્યો છે….

આ ફિલ્મનાં આશા ભોસલેનાં ત્રણ ગીતો ત્રણ અલગ અલગ ભાવને રજુ કરે છે  - એક છેડે મીઠડું હાલરડું, ખોયા ખોયા ચંદા ખોયે ખોયે તારે, છે તો બીજે છેડે કરૂણ ભાવનું પથ ભૂલા આયા એક મુસાફિર છે. તો વચ્ચે વળી લલચાવતો મુજરો પણ છે.

છોડ મેરી બૈયાં બાલમ બેઈમાન, આતે જાતે દેખ લેગા કોઈ - આશા ભોસલે

એવું લાગે છે કે ગીતને ફિલ્મમાંથી પડતું મુકાયેલું.



ઓ જગ કે રખવાલે હમેં તુજ઼ બિન કૌન સંભાલે - મન્ના ડે, કિશોર કુમાર અને સાથીઓ

કોઈ સાધુ જે ગીત ગાય તેમાં વાર્તાનાં મુખ્ય પાત્રને શાતા મળે, કે મુંઝવણમાંથી માર્ગ મળે પ્રકારનાં ગીતો હિંદી ફિલ્મોમાં બહુ અસરકારકપણે રજુ થતાં રહ્યાં છે. પ્રસ્તુત ગીત આમ તો આખું મન્ના ડેના સ્વરમાં જ છે. કિશોર કુમારે કોરસને ગીતની બાંધણીમાં વણી લઈને ગીતના ભાવને વધારે અસરકારક બનાવેલ છે.

કિશોર કુમાર તો છેક છેલ્લે ઈશ્વરને હવાલે પોતાની શ્રધ્ધા જ વ્યકત કરવા પુઅરતી એક પંક્તિ ગાય છે.



રાહી તુ મત રૂક જાના, તુફાં સે મત ઘબરાના  - હેમંત કુમાર

ફિલ્મનાં કથાવસ્તુને ટાઈટલ ગીતના માધ્યમથી કહેવાનો પ્રયોગ પણ બહુ વ્યાપકપણે થતો રહ્યો છે. આ પ્રકારનાં ગીતો ફિલ્મમાં અન્ય પ્રસંગોએ ફરી ફરીને પણ પ્રયોજાતાં હોય છે.

કિશોર કુમારે બંગાળી નાવિકોનાં ગાયનમાં પ્રચલિત એવી ભટીયાલી ધુન નો પ્રયોગ કર્યો છે. સ્વાભાવિક છે કે આવી રચનાને હેંમત કુમારથી વધારે સારો ન્યાય કોઈ ન જ કરી શકે !


હમ દો ડાકૂ (૧૯૬૭)

કિશોર કુમારની અંદર છુપાયેલો મશ્કરો અમુક અમુક સમયે દેખા દઈ જાય. આ વખતે તો તે  એક આખી કૉમેડી ફિલ્મમાં પરિણમેલ છે.

પગ ઘુંઘરૂં બાંધ ગુરુ નાચે રે - કિશોર કુમાર, કોરસ

આ તો નિર્ભેળ પેરોડી છે. એવું માનવામાં આવે છે કે આ ગીત પડતું મુકાયું હતું.


અલ્લાહ અલ્લાહ બંદે બંદગી મેં અલ્લાહ - કિશોર કુમાર અને અનૂપ કુમાર

ભાત ભાતના વેશ પહેરીને પછી એ વેશને અનુરૂપ ગીત પણ ગાઈ લેવું એ પણ હિંદી ફિલ્મોમાં કૉમેડી ભજવવાનો એક બહુ પ્રચલિત વિકલ્પ મનાતો રહ્યો છે.

અય હસીનોં નાઝનીનીનોં નજ઼ર ચુરા ચુરા - કિશોર કુમાર, આશા ભોસલે, ઉષા મંગેશકર, કોરસ

મશ્કરાઓને ક્લબમાં પહોંચાડી દો એટલે પાશ્ચાત્ય ઢબનાં ગીતથી શ્રોતાઓનો કંટાળો થોડો દૂર કરી શકાય !

દૂર કા રાહી (૧૯૭૧): -

કિશોર કુમારની કારકિર્દીના સંદર્ભમાં તો 'દૂર કા રાહી' શીર્ષક  કિશોર કુમારનું ઉપનામ ગણી શકાય. તેમની ગાયકીની સફર જ કેટલા ઉતાર ચડાવ છતાં લાંબે સુધી ફેલાઈ ! જોકે લોકપ્રિય ગાયકથી પણ તેમની પ્રતિભાની સરવણીઓ અવનવાં સ્વરૂપે દેખા દઈ જાય છે. 'દૂરકા રાહી'માં જ તેઓ કથા અને પટકથા લેખક, નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા અને સંગીત નિર્દેશકની અનેક ભૂમિકાઓમાં છવાયેલા છે.યોગાનુયોગ પણ કેવો છે કે ફિલ્મનં બે ગીત લખ્યા બાદ શૈલેન્દ્ર પણ પરલોકની અનંત સફરે જવા નીકળી પડ્યા હતા અને ફિલ્મનું છેલ્લું ગીત રેકોર્ડ કરવાનું હતું ત્યારે જ મધુબાલા, કિશોર કુમારનાં બીજાં પત્ની, પણ આ ફાની દુનિયાથી વિદાય લઈ ગયાં.

ફિલ્મનાં બીજાં ગીતો એ ઈર્શાદે લખેલાં છે.

ચલી ચલી જાયે ઝિંદગીકી ડગર…. કભી ખત્મ ન હો યે સફર, મંઝિલ કી ઉસે કુછ ભી ન  ખબર, ફિર ભી ચલા જાયે, દૂર કા રાહી - હેમંત કુમાર

ગીતની ધૂનની બાંધણી અને ગાયકની પસંદગીમાં કિશોર કુમારની સંગીત દિગ્દર્શક તરીકેની સૂઝ દેખાય છે તો ગીતની વિડીયો ક્લિપ જોઈશું તો કિશોર કુમારની દિગ્દર્શક તરીકેની સૂક્ષ્મ દૃષ્ટિ પણ પરખી શકાય છે. પરિણામે શૈલેન્દ્રના આ ભવિષ્યવાણી સમા બોલ આપણાં મન પર પણ છવાઈ જાય છે.


એક દિન ઔર ગયા હાયે રોકે ન રૂકા, છાયા અંધિયારા આજ ભી નાવ ન આઈ, આયા ન ખેવનહારા એક દિન ઔર ગયા -મન્ના ડે

મન્ના ડેના સ્વરની બુલંદીની મદદથી કિશોર કુમારે ગીતની ધુન માટે કરેલ બંગાળી લોકધુનની પસંદગી ગીતના બોલને વધુ અસરકારક બનાવી રહે છે.


આડવાત - આ ગીતનું બંગાળી સંસ્કરણ કિશોર કુમારે પોતાના સ્વરમાં જ ગાયુંછે.

દેખીતે રીતે આટલા ટુંકા સંગાથમાં શૈલેન્દ્ર અને કિશોર કુમાર એક અનોખી છાપ છોડી જાય છે.

શૈલેન્દ્રનાં ગીતોની 'અન્ય' સંગીતકારો કરેલ સંગીત રચનાઓની સફર હજુ આઅળ ચાલશે…...


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Thursday, August 11, 2022

શ્રી પી પી વોરાને અંજલિ - મારી પ્રારંભિક કારકિર્દીનાં ઘડતરના એક મહત્વના સ્થપતિની અપ્રત્યક્ષ ભૂમિકાની યાદો

01-10-1943 | 05-08-2022
Ex-CMD – IDBI |Ex-CMD- NHB
શ્રી પી પી વોરાના દેહવિલયના સમાચાર નજરે પડતાંવેંત મારૂં મન ટાઈમ મશીનમાં ગોઠવાઈ જઈને મારી પ્રારંભિક કારકિર્દીનાં ૧૯૭૪ -૧૯૭૬ વર્ષોમાં પહોંચી ગયું.

આઇસીઆઈસીઆઈ લિ. ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ (જીએસટી) લિ.ને એવું સુચન કરેલ કે રૂ. ૪૦ લાખની જીએસટીની લાંબા ગાળાની લોન માટે જીએસટીએ અમદાવાદમાં ગુ્જરાત ઇન્ડસ્ટ્રિઅલ ઈન્વેસ્ટ્મેન્ટ કોર્પોરેશન (જીઆઈઆઈસી) લિ.નો સંપર્ક કરવો જોઇએ. જીઆઈઆઈસી સાથે એ રીતે શરૂ થયેલા સંબંધે જીએસટી માટે તેના નીકા ટ્યુબ લિ.(નીકા)ના વેલ્ડેડ એસ એસ ટ્યુબ ઉત્પાદન પ્રોજેક્ટ માટેની લાંબા ગાળાની લોન માટે પણ દરવાજો ખોલી આપ્યો. નિયતિએ જીએસટીમાં પ્રોજેક્ટ ઑફિસર તરીકેની ભૂમિકામાં મને મુકીને મારી કારકિર્દીના કેટલાક પાયાના પાઠો શીખવવાની ગોઠવેલી રાખેલી એ કેવી યોજના હતી !

જીએસટીએ પોતાના સ્વાનુભવથી કેળવેલ ડિઝાઇન અને એન્જિનિયરિંગ કૌશલ્યને એક નવી દિશામાં મૂર્ત કરવાની જીએસટીની એ સમયની પ્રોજેક્ટ અમલીકરણ ટીમ માટે આ એક અમૂલ્ય તક અને અભિનવ પડકાર હતાં. પ્રોજેક્ટ અમલીકરણમાં જાતે બનાવેલી ટ્યુબ મિલ માટે નાણાંકીય સંસ્થા પાસેથી લોન મંજૂર કરાવવી એ માત્ર મારી કારકિર્દીનો જ નહીં પણ જીએસટી માટે પણ પહેલો જ અનુભવ હતો. નીકાની આ પ્રોજેક્ટ માટેની લોનની દરખાસ્તને તકનીકી મૂલ્યાંકનના તબક્કાના કોઠાને પાર કરીને હવે નાંણાંકીય દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરવાના તબક્કા સુધી તો પહોંચાડી દઈ શકાઈ હતી. એ માટે જીઆઈઆઈસીના એ સમયના તકનીકી મૂલ્યાંકન વિભાગના વડા શ્રી આર એસ દીક્ષિત (એમના નામના પ્રથમાક્ષરો માટે મારી યાદ કાચી નથી પડતી એ અપેક્ષા સહ) ખુદ એ દરખાસ્ત લઈને જીઆઇઆઈસીના એ સમયના નાણાંકીય મૂલ્યાંકન વિભાગના વડા શ્રી પી પી વોરા પાસે મને લઈ ગયા.

શ્રી પી પી વોરાએ મૂલ્યાંકનના પ્રારંભિક તબક્કામાં જ ખુબ કાળજીપૂર્વકની પ્રોફેશનલ ઢબે મારી પાસે નીકા દ્વારા જાતે બનાવાઈ રહેલ ટ્યુબ મિલનાં મૂલ્યને રેકોર્ડ કરવા માટેનું અને દસ્તાવેજ કરવા માટેનું એક મૉડેલ મારી પાસે તૈયાર કરાવડાવ્યું. જે રીતે એમને એ મૉડેલને ઘડ્યું તે નીકા માટે અમલ કરવામાં સરળ હોવાની સાથે સાથે નિષ્પક્ષ રીતે ઑડીટ થઈ શકે તેમ હોવાની સાથે સાથે નાણાંકીય હિસાબો માટેની કંપનીઓના કાયદાની તેમ જ આવક વેરા કાયદાની જોગવાઈઓ સાથે પણ સુસંગત હતું.

શ્રી દીક્ષિત અને શ્રી વોરાએ જે સહજતાથી સમગ્ર મૂલ્યાંકનની પ્રક્રિયાની દોરવણી કરી એને કારણેને કોઈ પણ તબક્કે એ આખી જવાબદારી મને બોજો તો ન જ અનુભવાઈ, પરંતુ તે સાથે નીકા સંચાલક મંડળ અને પ્રોજેકટ ટીમને પણ એવું જ લાગે કે આ આખી પ્રક્રિયાનો સફળ ચાલક હું છું, તે રીતે પણ પ્રસ્તુત થઈ.

જે સહજતાથી એ આખી પ્રક્રિયાનો અમલ થયો તેને કારણે મને જરા પણ ભાર વિના એ અનુભૂતિ પણ થઈ કે મારા સૈદ્ધાંતિક જ્ઞાનના કાચા ઘડાને સહારે હું આ પ્રકિયાની મહા નદીમાં જે સરળતાથી તરી શક્યો છું તેમાં હું સાચો છું તેના કરતાં ઔદ્યોગિક સાહસિકતાને વિકસાવવાના ઉદ્દેશને બહુ જ સ્વાભાવિકતાથી ચરિતાર્થ કરી રહેલા બે પ્રોફેશનલોની ખરી વિચક્ષણતા વધારે કારગર હતી. એમની એ વિચક્ષણતાએ મારા જેવા કંઈ કેટલાય નવપ્રોફેશનલોને સૈદ્ધાંતિક આદર્શોને વાસ્તવિકતાની એરણે ઘડવાની કુનેહ શીખવી હશે !

એટલું જ નહીં. કોઇ પણ દરખાસ્તની લોનની સમગ્ર અવધિ દરમ્યાન તકનીકી અને નાણાંકીય સદ્ધરતાને એ ઉદ્યોગનાં બૃહદ પાસંઓની દૃષ્ટિએ ચકાસવાના તેમના દૃષ્ટિકોણને પરિણામે અમને (નીકાનાં સંચાલન મડળને) પણ નવાં જ પાણીમાં આ નૌકાને તરતી રાખવા માટે આવશ્યક એવા ઘણા પાઠ શીખવ્યા.

તદુપરાંત, આજે જ્યારે હવે હું પશ્ચાદ દૃષ્ટિએ એ સમગ્ર પ્રક્રિયાને નિહાળું છું ત્યારે મને એ પણ સમજાય છે કે કોઇ પણ બાબતને અલગ અલગ દૃષ્ટિકોણથી જોવાની તેમની એ કુનેહ કંઇક અંશે મને પણ એટલું શીખવાડતી ગઈ કે પહેલી નજરે દેખીતા દૃષ્ટિકોણની પેલે પાર જઈને પણ કોઈ બાબતને સાવ અલગ અલગ જ દૃષ્ટિકોણ શા માટે અને શી રીતે જોવી જોઈએ.

શ્રી પી પી વોરાનાં દેહાવસાનના સમાચારથી એ વર્ષોની આ બધી યાદોનું મારાં મનમાં ઉભરી આવવું એ જ કદાચ મારી તેમને, ભારતનાં ઉદ્યોગ જગતને ઔદ્યોગિક સાહસિકતાને વિકસાવવાની તેમની એ અનન્ય કુનેહને, સાચી અંજલિ હોઈ શકે.

તે સાથે મારી ૩૮ વર્ષની કારકિર્દીમાં નિયતિની દોરવણી હેઠળ મંચ પર પાઠ ભજવતા મને એ સમયે મારા માટે જે કરવું સાચું છે એવી મારી માન્યતાની મારી શ્રધ્ધાની જ્યોતને સંકોરતા રહેવાની પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભૂમિકા ભજવનારી એ દરેક વ્યક્તિઓ પ્રત્યે મારાં ઋણનો પણ હું સ્વીકાર કરૂં છું.

Sunday, August 7, 2022

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - ઘરથી કૉલેજ અને કૉલેજથી ઘર સુધીની આવનજાવન : ચલતે હી જાના, ઔર આના ભી

 અમે લોકો એ દિવસોમાં હાલનાં સરકારી પોલિટેકનીક - એ સમયનું સચિવાલય-ની પાસે આવેલી એચ/એલ કોલોની તરીકે ઓળખાતી સરકારી કર્મચારી વસાહતમાં રહેતાં હતાં. એ સમયે એ વિસ્તારમાં કૉલેજ જનારાં મોટા ભાગનાં વિદ્યાર્થીઓ સેંટ ઝેવિયર્સ કે એમ જી સાયન્સ કૉલેજ, કે એલ ડી આર્ટ્સ કૉલેજ જતાં. એકાદ સમુહ ગુજરાત કૉલેજ કે એચ એ કોમર્સ કૉલેજ (લૉ ગાર્ડન)માં પણ ભણતો. એ સમયમાં બધાં પાસે સાઈકલ હોય તે જરૂરી નહોતું. વળી અ મ્યુ ટ્રા સની બસમાં જાઓ કે ચાલતાં જાઓ, સમયની બહુ બચત પણ ન થતી. એટલે જેમની પાસે સાઈકલ ન હોય એ બધાં પોતપોતાનું ગ્રૂપ બનાવી લેતાં અને કૉલેજ ચાલતાં આવતાં/જતાં.

૧૯૬૬માં એલ ડી ઍન્જી.માં મેં પ્રવેશ લીધો ત્યારે મારાથી ત્રણ વર્ષ આગળ એવા મારા ખાસ મિત્ર, કુસુમાકર ધોળકિયા, તો ત્રણ વર્ષનાં અભ્યાસક્રમના બીજાં વર્ષમાં હતા. વળી બીજા એક ખાસ મિત્ર, મહેશ માંકડ પણ એ સમયે એલ ડીના કેમ્પસમાં સ્થિત સરકારી પોલિટેકનીકમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા કરી રહ્યા હતા. એ લોકો તો ચાલતા જ જતા હતા. એટલે એલ ડી આવવજવા માટે ચાલતા જવું  એ મારે બહુ જ સરળ પસંદગી જ હતી. પછીથી અમારા વિસ્તારના બીજા બે ત્રણ મિત્રો પણ આ પદયાત્રામાં અમારા સાથીદાર બની રહેલ.

એ દિવસોમાં એલ કોલોનીથી પાંજરાપોળ તરફ  બહાર નીકળો એટલે સાવ ખુલ્લુ મેદાન જ હતું. આગળ જઈને (તે સમયનાં) સચિવાલયથી અટિરા તરફનો મુખ્ય રસ્તો ઓળંગો એટલે પાછું સાવ જ ખુલ્લું મેદાન જોવા મળે. એલ ડીની દિશા તરફ નજર કરો એટલે દૃષ્ટિમાં સૌ પહેલાં વરિષ્ઠ સરકારી ઑફિસરો માટેના ફ્લૅટ્સ નજરે પડે. તેની પાછળ દેખાતી વનરાજીમાં એલ ડીનો કેમ્પસ આવેલો હતો. એ મેદાન હવે ગીચ રહેણાક વસવાટથી વસી ગયેલો છે. સચિવાલયવાળો મુખ્ય રસ્તો પાર કરીને વિકર્ણની નાકની દાંડીએ ચાલવાનું શરૂ કરો એટલે પહેલાં સરકારી આવાસ પહોંચાય અને તેની બરાબર પાછળ એલ ડીના કેમ્પસના પછવાડેથી દાખલ થવાનો રસ્તો પડતો. અંતર ચારેક કીલોમીટરનું કદાચ થતું હશે, પાકું યાદ નથી .

જતી વખતે અમે લોકો તો સમૂહમાં કંઇકને કંઈક અલારમલારની વાતોમાં ચાલતા હોઈએ એટલે યાદ પણ નથી આવતું કે અમે અર્ધો કલાક ચાલતા હશું કે પોણોએક કલાક ચાલતા હશું ! આજે જ્યારે હવે એ બાબતનો વિચાર કરું છું ત્યારે સમજાય છે કે એક વિસ્તારમાં રહેતા, કદાચ અમુક રમતો સાથે રમતા અને આમ સાથે કૉલેજ વગેરે જતા સમવયસ્કો વચ્ચેનાં જોડાણનાં તંતુઓથી કેવી પારદર્શક બિનઔપચારિકતાની 'મિત્રતા' બંધાઈ જતી હશે કે ચારેક કીલોમીટરનાં એ અંતરને પાર કરવામાં જે સમય વીતતો હશે તે સાવ પલકારામાં જ વીતી જતો અનુભવાતો હતો !

એ સહપદયાત્રાની બીજી એક બહુ રસપ્રદ ખુબી પણ અત્યારે યાદ આવે છે. જે જમાનામાં લેન્ડલાઈન ફોન પણ આખી કૉલોનીમાં  દસ બાર ઘરોમાં કદાચ હશે, એ દિવસોમાં જે જે મિત્રો ચાલતા જવાના હોય તે એલ કોલોની પુરી થવા આવે એ જગ્યાએ એકાદ મિનિટનાં સમય અંતરમાં જ અચુક એકઠા થઈ જતા ! એ સમય પણ કોઇએ બહુ વિચારીને નક્કી કર્યો હોય એમ પણ નહોતું, બસ, એ એક ચોક્કસ સમય ગોઠવાઈ જ ગયો હતો. એ સમયે જો કોઈ આવતો નજરે ન પડે તો તે બીજી કોઈ રીતે જવાનો હશે એમ માનીને જેટલા પણ એકઠા થયા હોય તે બધા આગળ નીકળી જતા.

એલ કોલોની છોડ્યા પછી એ બધા મિત્રો પોતપોતાના રસ્તે એવા વીખરાઈ ગયા કે એકાદ અપવાદને બાદ કરતાં ફરી પાછા મળ્યા પણ નથી !

એ દિવસોમાં ચોમાસામાં એકાદ બે ઈંચ વરસાદ પડે એટલે ઠેર ઠેર પાણીઓ પણ ભરાઈ જઈ શકે એવી તો કોઈને કલ્પના પણ નહીં આવતી હોય. આયોજિત નગરવ્યવસ્થાનો માનવીય હસ્તક્ષેપ હજુ જે જે જગ્યાએ પહોંચ્યો નહોતો ત્યાં વરસાદનું જે કંઇ પણ પાણી પડે તે આપો આપ જ પોતાના કુદરતી માર્ગોએ વહી જતું. હા, એલ કોલોનીના અંત અને સચિવાલય-અટિરા ધોરી માર્ગ વચ્ચેનું, પાંજરાપોળનાં પછવાડાંવાળું, મેદાન થોડું વધારે કાદવવાળું હોય એવું ક્યારેક બનતું. એ સમયે અમે લોકો સચિવાલય થઈને કોલોનીમાં આવતી પાકી સડકના 'થોડા લાંબા રસ્તા'ની તકલીફ સહજ પણે ભોગવી લેતા !   

સમુહમાં સાથે જતા મિત્રો મોટા ભાગે કૉલેજથી ઘરે પાછા તો એકલા જ આવતા. સાથે પાછા આવી શકાય કે કેમ એવી કોઈ યોજના પણ વિચારવાની કોઈને આવશ્યકતા પણ એ સમયે નહીં જણાઈ હોય. ક્યારેક કોઇ એકાદ બે ભેગા થઈ પણ ગયા પણ હોય તો તે એ સમયનો આકસ્મિક યોગાનુયોગ માત્ર જ રહેતો.

જીવનની આવી આવી નાની નાની સહજ ખુશીઓને કારણે મન હંમેશાં પ્રફુલ્લિત  જ રહેતું !

એ સમય બીજું વર્ષ હશે કે ત્રીજું એ પાકું પાદ નથી પણ પાછા ફરવાના સમયે કોઈ કોઈ વાર પ્રો. એન વી વસાણી કે પી કે પટેલ કે એન આર દવે પણ સાથે  થઈ જાય એવું બનતું. હું જો પાછળ હોઉં અને તેમને થોડા આગળ જતાં જોઉં તો ચાલવાની ઝડપ થોડી વધારીને તેમની સાથે થઈ જતો. માનદર્શક એકાદ વાક્યની તેમની સાથે લાગણીભરી ઔપચારિકતા પુરી થાય એટલે પછી ઝડપ થોડી વધારીને આગળ નીકળી જતો. આ ત્રણેય પ્રોફેસરો અમારા જ વિસ્તારમાં રહેતા હતા છતાં કૉલેજ સમય દરમ્યાન ઘરે પાછા જતાં સાથે થઈ જવાની 'ઓળખાણ'નો ઉલ્લેખ ઉભયપક્ષે ન થતો. સંબંધ વધારવા માટે નવાં વર્ષ જેવા વાર તહેવારને બહાને તેમને ઘરે ન તો અમે જતા કે ન તો તેમણે કદી એવી અપેક્ષા પણ કરી હશે. ગુરુ-શિષ્યના સંબંધનાં એ ઔપચારિક અંતરમાં એ સંબંધની ગરીમા હતી.

બીજે વર્ષે મને સાઈકલ અપાવવામાં આવી ત્યારે પણ મેં મોટા ભાગે તો ચાલતા જ આવવા જવાનું ચાલુ રાખેલું. કદાચ ક્યારેક કૉલેજ છૂટ્યા પછી સાઈકલનો ઉપયોગ કરવો પડે એવું કંઈ આયોજન હો યતો સવારે હું સાઈકલ લઈને નીકળું ખરો પણ સાઈકલ અમારી પદયાત્રામાં  સંગાથી જ બની રહેતી ! 

(નોંધઃ કૉલેજ સમય દરમ્યાન કે છૂટ્યા પછી સાઈકલના એક 'વિશેષ' ફાયદાઓની વાત પણ એક આખા અલગ જ મણકાનો વિષય છે. એટલે એ વાત આગળ જતાં ઉખેળીશું.)  

Sunday, July 31, 2022

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૦ – મણકો : ૭_૨૦૨૨

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૦ મા સંપુટના મણકા - _૨૦૨૨માં આપનું સ્વાગત છે.

સૌ પ્રથમ આ મહિને ચિર વિદાય લીધેલ કલાકારોને આપણી અંજલિ આપીએ

‘Leke Pehla Pehla Pyar’ dancer Sheila Vaz was ’50s icon but Bollywood forgot to give credit – Tina Das - રમૈયા વસ્તાવૈયા (શ્રી ૪૨૦, ૧૯૫૫) થી ઘર આજા ઘિર આયે (છોટે નવાબ, ૧૯૬૧) સુધી ૨૯મી જૂને ચિરવિદાય લીધેલ શીલા વાઝે પોતાની કલાથી દર્શકોને અભિભૂત કર્યાં. આજે પણ યુટ્યુબ પર તેમનં ગીતોનો ચાહક વર્ગ બરકરાર છે.

શીલા વાઝ (શ્રી ૪૨૦, ૧૯૫૫) યુ ટ્યુબ

બીતે હુએ દિન શીલા વાઝને "Leke Pehla Pehla Pyar Bhar Ke Ankhon Me Khumar - Sheela Vaz  વડે અંજલિ આપે છે જે યુ ટ્યુબ પર Sheela Vaz aka Rama Lakhanpal  પણ જોઈ શકાય છે.

Ten of my favourite Sheila Vaz શીલા વાઝે હિંદી ફિલ્મોમાં ગાયેલાં ગીતોને યાદ કરે છે.

Bhupinder Singh: A limited-edition, classy artist - Balaji Vittal  - એમના ખરજ સ્વરની મૃદુતા અને બુલંદી એમ બન્ને માટે ખ્યાત ભુપિન્દર સિંગ તેમનાં ગીટાર વાદનની ખુબીઓ માટે પણ એટલા જ જાણીતા હતા. ૧૮મી જૂને કાયમ માટે શાંત પડી ગયેલા એમના સ્વર ગ઼ઝલ ગાયકી સાથે તેમણે પ્રચલિત કરેલ ગિટારને (Ref: How Bhupinder Singh blends the ghazal with the guitar - Manish Gaekwad) પણ અણોસરી કરી ગયો છે.

Courtesy Pavan Jha/Twitter

ભૂપીન્દર : બોલીયે સૂરીલી બોલીયાં  - પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી ભુપિન્દર સિંગની વિવિધ પ્રતિભાને અંજલી આપે છે.

આજના અંકમાં આપણે સીધાં જ અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  –

The year-wise review of Lata Mangeshkar’s career, ની શ્રેણીને Semi Classical songs by Lata Mangeshkar વડે આગળ ધપાવતાં Mehfil celebrates 5th Anniversary!

Dilip Kumar: How the ‘first Khan’ gracefully transitioned into his second innings, created a blueprint for star-actors - Sampada Sharma - દિલીપ કુમારની અવસાન તિથિ (૮ જુલાઈ) નિમિત્તે પોતાની બીજી ઈનિંગ્સમાં તેમણે ભવિષ્યની પેઢી માટે જે આગવી રૂપરેખાની રચના કરી તેને યાદ કરીએ

Dilip Kumar and technology: ‘What exactly is this Internet?’Faisal Farooqui -Mouthshut.comના સ્થાપક ફૈઝલ ફારૂક઼ીની સ્મરણિકામાંથી કેટલાક અંશો.

Satyadev Dubey transformed Indian theatre, પરંતુ તેમની સ્વૈરવિહારી પરિયોજનાઓ જલદી યાદ નથી કરાતી -Nandini Ramnath - તેમનાં નાટકો ઉપરંત સત્યદેવ દુબે એ બે લઘુ ફિલ્મો - અપરિચયકે વિંધ્યાચલ (૧૯૬૫) અને ટંગ ઈન ચીક (૧૯૬૮) - અને 'શાંતતા કૉર્ટ ચાલુ આહે' એ ફિલ્મો પણ બનાવી. તેમની એક નિર્માણાધીન એક ફિલ્મ અધુરી રહી ગઈ

મુકેશની ૯૯મી જન્મતિથિ (૨૨ જુલાઈ, ૧૯૨૩ - ૨૭ ઓગસ્ટ,૧૯૭૬)ની યાદમાં મુકેશનાં અન્ય પુરુષ ગાયકો સાથેનાં ગીતો

Guru Dutt believed he was making ‘insubstantial’ cinema before Pyaasa, the film released him from ‘solitary confinement’ - Sampada Sharma  - ગુરુ દત્તની ૯૭મી જન્મ જયંતિના અવસરે એ સમયની યાદ આવે છે જ્યારે તેઓ કહેતા કે 'પ્યાસા' પછી હું કેદમાંથી છૂટ્યો હોઉં એવું લાગતું.

Vasant Desai Part 1 ના અનુસંધાને Vasant Desai Part 2 (post-1950s): His male singers  માં વસંત દેસાઈએ રચેલાં પુરુષ ગીતોને યાદ કરાયાં છે

Jana Pehchana Sa Ajanabee - માં અસદ ભોપાલીની ૧૦૧મી જન્મ જયંતિ (૧૦ જુલાઈ) ના અવસરે તેમની રચનાઓને યાદ કરાઈ છે.

Manoj Kumar understood the ‘soft power’ of patriotism in movies, how Bharat Kumar came into being - Sampada Sharma  - મનોજ કુમારના ૮૫મા જન્મ દિવસે તેમનું 'ભારત કુમાર'માં પરિવર્તન સમજીએ.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

·        Mukesh- The Man With Golden Voice

·        50 Years of Bawarchi

Stardust Memories - અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીની લગ્નતિથિ નિમિતે, Silhouette જયા ભાદુરીના પિતા તરૂણ કુમાર ભાદુરીનો, ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયાના ૫ માર્ચ, ૧૯૮૯ના રોજ પ્રકાશિત થયેલો લેખ યાદ કરે છે.

·        વધારાનું વાંચન: Jaya Bachchan: A Slot-less Act

જૂની ફિલ્મોનાં સદાબહાર ગીતોનો અધધધ ખૂટે નહીં એવો ખજાનો, કલાકારોનાં અઢળક સંભારણાં... ! - આ અલગારી સંગીત રસિક એટલે નલિન શાહ. નલિનભાઇને બે વાતનો નશો હતો. એક, 1940થી 1965 વચ્ચેનાં સદાબહાર ફિલ્મ ગીતો અને બે, વિલાયતી શરાબ. જો કે કદી બેફામ પીને છાકટા થયા નહોતા. નશા નામે ફિલ્મ સંગીતનું એક સરસ ગ્રુપ ચલાવતા જેમાં દેશવિદેશના સંગીતપ્રેમીઓ જોડાયા હતા….. આવો એક અલગારી આદમી હવે આપણી વચ્ચે રહ્યો નથી એ વાત માની શકાતી નથી. 

જુલાઈ, ૨૦૨૨ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌ પ્રથમ યુગલ ગીત  : બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૩ - ૧૯૪૯ ભાગ [૧] યાદ કરે છે. આ પહેલાં આપણે ૨૦૨૧માં ૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને આવરી ચૂક્યાં છીએ.

મુહમ્મદ રફીના ફક્તરેરચાહકો માટે અને મુહમ્મદ રફીની પુણ્યતિથિ પહેલાં...  - અશોક દવે - રફીના જ્યાદા નહીં તો ઘણા ઓછા ચાહકો એવા ય છે જેમને ગીતો કે એવા સંગીતકારોના રફીએ ગાયેલાં ગીતો કંઠસ્થ છે, જે ફક્ત ‘રેર’ ચાહકોએ જ સાંભળ્યાં અને ગમાડ્યાં હોય! દસ દિવસ પછી રફી સાહેબની પુણ્યતિથિ આવે છે, ત્યારે આજે એવા સંગીતકારો ને એવાં રેર ગીતો અહીં ઉલ્લેખ્યાં છે

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Deepti Naval on her memoir: ‘It’s like watching a movie, where you’re with me’ - Nandini Ramnath - એક બહુસજ્જ અભિનેત્રી ‘A Country Called Childhood’ દ્વારા પોતાના પ્રથમ પ્રેમ, લેખન, તરફ વળે છે. તેમની આ સ્મરણિકામાં દીપ્તી નવલ બાળપણમાં જોયેલી ફિલ્મોના અનુભવોની યાદ તાજી કરે છે.


I’ll become a nun’— Balraj Sahni’s autograph made Deepti Naval want to be an actor માં દીપ્તી નવલ સિનેમા વિશેના તેમના રસની વાત કહેતાં કહેતાં તેઓ ફિલ્મોમાં અભિનય તરીકે કેમ વળ્યાં તે યાદ કરે છે.

A Country Called Childhood માં બલરાજ સાહનીના હસ્તાક્ષર

Vintage era music relived in films માં વિન્ટેજ એરાનાં એ ગીતોને યાદ કરાયાં છે જેના પરથી વર્ષો પછી એ ગીતોની યાદમાં કે પછી પૅરોડી રૂપે એ ગીતો નવેસરથી બન્યાં.

‘The best student of our school’: KA Abbas on casting Amitabh Bachchan in ‘Saat Hindustani’K A Abbas - કે એ અબ્બાસનાં ઉર્દુમાં લખયેલ પુસ્તકના સયીદા હમીદ અને સુખપ્રીત કહલોં દ્વારા અનુદિત પુસ્તક - Sone Chandi Ke Buth: Writings on Cinema-માંથી કેટલાક અંશ.

ખુલ્લંખુલ્લા સ્વપ્રશસ્તિ કરતાં ગીતો પરના લેખ, Songs of Narcissists,અનુસંધાને સ્ત્રીસૌંદર્યમાં મુગ્ધ ગીતોને In praise of a woman’s beautyમાં યાદ કરાયાં છે.

Recent Musical Excursions Into Pakistan: Coke Studio; Sindhi and Punjabi Divas; Fascinating Fusion – 'દાદરા'ની રજુઆત કરતી Zeb and Haniya video   ક્લિપ.

The Mindful Songs - मन ને તેનાં સાચા અર્થમાં રજુ કરતાં ગીતોને અહીં સાંભળવા મળે છે.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

ન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગકોલમના જુલાઈ, ૨૦૨૨ના લેખો:

મૂલ્યવાન મૂળની સરખામણીએ રીમેકનો રકાસ

અભિનેત્રીલક્ષી સિનેમામાં જન્મજાત અભિનેતાઓની અનિવાર્યતા

વરસાદે વરસ્યો વિષાદ - વીજળી વેરણ થઈ

મનોજ કુમારની મહત્તમ ત્રીજી ભૂમિકા - પ્રણય ત્રિકોણ

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમના જુલાઈ, ૨૦૨૨ના લેખો.

ઝમીં સે હમેં આસમાં પર ઊઠા કર ગીરા તો ન દોગે

   એક અકેલા ઇસ શહેરમેં - ભૂપિન્દરની ચિર વિદાય

શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. જુલાઈ, ૨૦૨૨ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

બાળ પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાની પહેલ સર્વપ્રથમ કલ્યાણજી આણંદજીએ કરેલી

જમ્પીંગ જેક જિતેન્દ્રવાળી ફિલ્મ મેરે હમસફરના સંગીતે જબરું આકર્ષણ જમાવ્યું હતું

ગુલશન રાય અને સુભાષ ઘાઇની મલ્ટિસ્ટાર ફિલ્મ વિધાતાનું સંગીત ગૂંજ્યું અને ગાજ્યું

સમયના વહેવા સાથે થયેલા પરિવર્તનને સમજીને કર્મયોગીમાં હિટ સંગીત પીરસ્યું

જુલાઈ, ૨૦૨૨માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

जलना, जलानाને આવરતા ગીતો – जलती है दुनिया जलती रहे

બંદિશ એક, રૂપ અનેક (૮૯): “સલોના સા સજન હૈ ઔર મૈં હું”

जलना, जलानाને આવરતા ગીતો – सीने में जलन ….

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં નવરંગ (૧૯૫૯)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

નલિન શાહના પુસ્તકMelodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ . પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણીસૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં યશ અને અપયશ  પ્રકરણ રજુ કરે છે.

ભગવાન થાવરાણીની શ્રેણી 'ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ' માં તેઓ ફિલ્મ  જંગલી સ્ટ્રોબેરીઝ – Wild Strawberries – Smultronstallet  નો આસ્વાદ કરાવે છે.

'ચર્ચાની એરણે ૧૯૪૩નાં ગીતો' શ્રેણીમાં પુરુષ સૉલો ગીતો [૨] - જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો અને મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતોના મણકાથી આગળ વધે છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકથી કરીને ૨૦૨૨નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગાયેલ યુગલ ગીત યાદ કરવાનો ઉપક્રમ આગળ વધારીશું.

ઓ ગોરી આંખોંમેં કજરા લગાકે કહાં ચલી કહાં ચલી – કિચક વધ (૧૯૫૯) – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: માસ્ટર કૃષ્ણ રાવ

તેરી આંખોંકા રંગ નિરાલા હૈ - બારૂદ (૧૯૬૦) - ગીતકાર: હસરત જયપુરી - સંગીત: ખય્યામ

ખ્વાબમેં કહાં મિલોગે… કિસ લિયે જી  - બિંદિયા (૧૯૬૦) - ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ - સંગીત: ઈક઼્બાલ ક઼ુરેશી



મેરા તો દિલ દિલ ઘબરાયે - કાલા આદમી (૧૯૬૦) - ગીતકાર: હસરત જયપુરી - સંગીતદત્તારામ


જ઼ન જ઼ન પાયલ જનકે ઓ રાજા મેરે મનકેમાયા મછિન્દ્ર (૧૯૬) - ગીતકાર: કેશબ - સંગીત: રામલાલ હીરા પન્ના



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.