Sunday, April 5, 2026

ગીત ગંગોત્રી - ગીતોનાં મૂળ સુધીની અભિનવ સફર

 થોડા સમય પહેલા, બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારીએ ફિલ્મ સંગીત પર એક નવા (પ્રકારના) કાર્યક્રમની શ્રેણી શરૂ કરવાનો તેમનો ઇરાદો જાહેર કર્યો હતો. હું તેમને બન્નેને જે રીતે ઓળખું છું તેના પરથી એટલું  નક્કી હતું કે તેઓ બીજા સામાન્ય રીતે 'ઇન-ધ-બોક્સ' પ્રકારના લાગતા વિષયો પર જે રીતે નવી જ કેડી પર વિચારે છે એ રીતે કાર્યક્રમની આ શ્રેણી પણ કંઈક વિશેષ જરૂર હશે. 

તેઓએ તેમની નવી પ્રસ્તુતિને રંગત તરીકે નામાભિધાન કર્યું. એમનું આયોજન એક વર્ષમાં લગભગ પાંચેક કાર્યક્રમો રજૂ કરવાનું હતું. દરેક કાર્યક્રમ લગભગ ત્રણ કલાકનો રહેશે તેવું પણ તેમણે નક્કી કરી રાખ્યું હતું. 

જૂનાં ગીતોના સાર્થક જલસાની 'રંગત' શ્રેણી હેઠળ તેઓએ ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ શ્રેણીમાં જે પ્રથમ વિષય રજૂ કર્યો હતો તેનું શીર્ષક હતું हैया हो .... - સમૂહગીતની દુનિયા. હું તે દિવસે શહેરની બહાર હતો, તેથી હું તે કાર્યક્રમ ચૂકી ગયો.

ઉર્વીશ અને બીરેન કોઠારી
તેથી, જ્યારે બીજો કાર્યક્રમ, ‘ગીત-ગંગોત્રી - ગીતોનાં મૂળ અને તેની શાખાઓની લીલા, ૨૮ માર્ચ ૨૦૨૬ ના રોજ રજૂ કરવાની જાહેરાત કરી, ત્યારથી હું એ કાર્યક્રમમાં હાજર રહેવા માટે તૈયાર હતો.

સરળ ભાષામાં કહીએ તો, આ કાર્યક્રમના વિષયનો આશય, સામાન્ય રીતે જે ગીતો સંગીત દિગ્દર્શકની પોતાની રચના માનવામાં આવે છે એવાં હિન્દી ફિલ્મ ગીતો માટેના પ્રેરણાસ્રોત શોધવાનો હતો. 

એ તો સુવિદિત છે કે ગીતની રચનાની પ્રેરણા કાં તો સંગીત દિગ્દર્શકની પોતાની આંતરિક સહજ સર્જનાત્મકતા હોય છે, કે પછી કોઈ બાહ્ય સ્રોત હોય છે. શાસ્ત્રીય રાગ અથવા લોક ધુનો પર આધારિત લોકગીતો પર આધારિત હિંદી ફિલ્મોનાં ગીતોનાં ઉદાહરણો ખૂબ જ સારી રીતે દસ્તાવેજ થયેલાં છે અને હવે ખાસ્સાં જાણીતા પણ છે. તે ઉપરાંત એવાં પણ ગીતો છે જે કેટલાંક અન્ય ગીતો દ્વારા પ્રેરિત છે. એવી પ્રેરણા કાં તો આંશિક હોય કે પછી પુરેપુરી ગીત પર છવાયેલી હોય. આવા કિસ્સાઓમાં, ગીત માત્ર પ્રેરણાત્મક વિચારબીજમાંથી ફાલ્યું છે, કે સર્જનાત્મક પુનર્રચના છે કે પછી પુરેપુરી કે આંશિક નકલ છે તે નક્કી કરતી રેખા ખૂબ જ પાતળી અને તદ્દન વ્યક્તિલક્ષી છે.  

આ કાર્યક્રમમાં ગીતોની રજૂઆત તે સૂક્ષ્મ રેખાની હાજરી દર્શાવવામાં અલગ ભાત પાડી રહી.

મેં અહીં એ કાર્યક્રમમાં રજૂ કરાયેલાં ગીતોમાંથી કેટલાંક પ્રતિનિધિ ઉદાહરણો અહીં લીધાં છે:

૧) લૌટોકાના ગોવિંદ લાલની રજૂઆત અપને રામજી ઉતરેંગે પારગંગા મૈયા ધીરે બહો અથવા રાજનજી મહારાજની પ્રસ્તુતિ मेरे राघव जी उतरेंगे पार, गंगा मैया धीरे बहो,માં દેવતાઓનાં નામના થોડા ફેરફારો સાથે, પરંપરાગત ભજનની રજૂઆતમાં જોવા મળતું વૈવિધ્ય જોવા મળે છે.

'મોરે સૈયાં જી ઉતરેંગે પાર'ને વિવિધ રાગમાં અર્ધ-શાસ્ત્રીય સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. નાસિર મોઇનુદ્દીન ડાગર (પીલુ ઠુમરી), પ્રભા અત્રે (મિશ્ર માંડમાં ઠુમરી) સહિત અનેક મહાન ગાયકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ રચનાને પ્રખ્યાત પાકિસ્તાની ગાયિકા ઈક઼બાલ બાનોએ (પીલુ ઠુમરી શૈલીમાં) પણ ગાયું છે. 

આ બધી રજૂઆતો ગીતના ઊંડા મૂળ સાંસ્કૃતિક મૂળની પુષ્ટિ કરે છે અને કલાકારની એ રચનાની રજૂઆતની પોતાની આગવી દૃષ્ટિ દર્શાવે છે.

પરંપરાગત રચનાઓમાં 'પ્રેરણા' વિચાર વિષયની ચર્ચા આટલાથી આગળ નથી જતી. પરંતુ, જ્યારે એવી જ કોઈ રચનાને ફિલ્મનાં ગીતમાં ઢાળવામાં આવે ત્યારે એ ગીત સાથે સંકળાયેલ દરેક કસબીની નિયત સર્જનાત્મકતા 'પ્રેરણા'ની ચર્ચા થી માંડીને 'નકલ' સુધીના વિવાદ પ્રેરે છે.

જ્યારે નૌશાદે ઉડનખટોલા (૧૯૫૫) માટે "મોરે સૈયાંજી ઉતરેંગે પાર" ગીત રચ્યું, ત્યારે તેમણે એ રચના આસામી નાવિકોની નાવ ખેલુઆ લોકગીત શૈલી પર આધારિત કરી. સમૂહગાન વારંવાર 'હૈયા હો', 'હૈયા રે હૈયા' ગાતું રહે છે, જે ગીતના લોક મૂળને યાદ કરાવે છે. શકીલ બદાયુનીએ ફિલ્મના ગીતની સીચ્યુએશનને અનુરૂપ બોલ લખ્યા અને લતા મંગેશકરે આ ગીતને પોતાની આગવી શૈલી તેને રજૂ કર્યું છે.

              (મેં ગીતમાં સંગીતની ખૂબીઓને પ્રાધાન્ય આપવા માટે ગીતનું ઓડિયો સંસ્કરણ પસંદ કર્યું છે.)


૨) બીજા એક ઉદાહરણમાં ગુજરાતી ગરબો, "તાલિયો ના તાલે ગોરી ગરબે ઘુમી ગાય રે" (મંગલ ફેરા, ૧૯૫૯ - ગીતા દત્ત અને સમૂહગાન - સંગીત: અવિનાશ વ્યાસ) રજૂ કરવામાં આવ્યો. આ ગીત પોતે જ પરંપરાગત ગુજરાતી ગરબા લોક સંગીતનું ખૂબ જ સર્જનાત્મક રૂપાંતર છે.

૧૯૫૦માં (માત્ર) એ જ પાર્શ્વગાયિકા ગીતા દત્તના અવાજમાં તેનું સર્જનાત્મક પ્રેરણા સંસ્કરણ, દેખ કે અકેલી મુઝે બરખા સતાયે રે આવ્યું. જોકે, હવે ગીતની પરિકલ્પના સાવ અલગ જ સીચ્યુએશનમાં કરવામાં આવી હતી - અહીં એક સ્ટેજ શો બતાવાયો છે જેમાં રેઈનકોટ પહેરીને વરસાદનો આનંદ માણતી સહિયરોનું નૃત્ય બતાવાયું છે.  એસ ડી બર્મને તેમાં ટીપ ટીપ જેવા બોલ ઉમેરીને વરસાદનું વાતાવરણ રચ્યું. ગીતા દતે આ ગીતને એટલી અલગ અદાયગીથી રજૂ કર્યું છે કે આખું ગીત સાંભળી જઈએ તો પણ ખ્યાલ ન આવે કે પહેલાનાં સંસ્કરણમાં ગરબાની શૈલીમાં ગાનાર કલાકાર પણ તેઓ જ હોઈ શકે.


૩) આ ગીત રજૂ કરવામાં હું કદાચ શિષ્ટાચારની મર્યાદા પર કરી રહ્યો હોઈશ કેમકે આ ગીતનો સંદર્ભ તેમના વ્યક્તિગત અનુભવ સાથે સંકળાયેલો છે. હું મારા પક્ષે એટલી જ ચોખવટ કરીશ કે આ ઉદાહરણ દ્વારા તેમના વ્યાપક સંપર્કોનાં અહીં ગુણગાન કરવાનો આશય નથી.  પરંતુ ગીતોની પસંદગી કરવામાં તેમની આગવી સૂઝ દર્શાવવા માટે છે જે આ કાર્યક્રમના વાસ્તવિક હેતુને સ્પષ્ટપણે કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પ્રખ્યાત ફિલ્મ ઇતિહાસકાર અને ફિલ્મો અને ફિલ્મ હસ્તીઓની સમજણ માટે તેમના માર્ગદર્શક શ્રી નલિન શાહ સાથે એકવાર જ્યારે ઉર્વીશ કોઠારી કવિ પ્રદીપજીને મળવા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક બાજુ 'કિસ્મત' (૧૯૪૩) અને બીજી બાજુ 'બંધન' (૧૯૪૦)નાં ગીતો હોય તેવી રેકર્ડ સાથે રાખી હતી. બન્ને ફિલ્મોના ગીતો પ્રદીપજીએ લખેલાં એટલે પ્રદીપજી જેવી હસ્તીના હસ્તાક્ષર, એ મુલાકાતની યાદ રૂપે, રેકર્ડનાં કવર પર લઈ શકાય એટલો જ  હેતુ હતો.

 

ચર્ચા દરમિયાન પ્રદીપજીને યાદ આવ્યું કે "પિયુ પિયુ બોલ પ્રાણ પપીહે પિયુ પિયુ બોલ (બંધન, ૧૯૪૦ - પ્રદીજી - સંગીત: સરસ્વતી દેવી)" એક બાળગીત "મારો છે મોર, મારો છે મોર" ના ગાયનથી પ્રેરિત હતું જે તેમની એક શાળાની મુલાકાત દરમિયાન એ શાળાનાં બાળકો ગાઈ રહ્યાં હતાં .



ત્રણ કલાકના કાર્યક્રમમાં તો બીજાં ઘણાં યાદગાર ગીતો અને તેમના સ્ત્રોત વિશેની અવનવી વાતો રજૂ થઈ.  બધાં ગીતો વિશે મારી ભાષામાં લખવામાં બીરેનભાઈ અને ઉર્વીશભાઈની રજૂઆતની શૈલી, ગીતોની પસંદ અને સંશોધન માટેની જહેમતને બહુ જ અન્યાય થશે . તેથી એ આખો કાર્યક્રમ મમળાવતાં મમળાવતાં એટલી જ નોંધ અહીં કરીશ કે કાર્યક્રમમાં જે રજૂ કરવામાં આવ્યું હતું તે માત્ર ખૂબ જ આનંદપ્રદ અને રસપ્રદ જ નહોતું, પરંતુ હાજર રહેલાં સૌ માટે ખૂબ જ લોકભોગ્ય પણ હતું.  જ્યારે પણ હું તે ગીતો સાંભળીશ, અથવા તેનો કોઈ સંદર્ભ પણ આવશે, ત્યારે ગીત અને તેનાં મૂળનો સમગ્ર ક્રમ જીવંત થતો રહેશે.

Disclaimer:

1.    The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.

No comments: