વૈષ્ણવ પરિવારની બીજી પેઢીના ત્રણ ભાઈઓ - સૌથી મોટા, કમળભાઈ, વચલા મહેશભાઈ (મારા પિતા) અને સૌથી નાના, જનાર્દનભાઇ - ની ઉમરમાં બહુ મોટો ફરક હતો. કમળભાઈ મહેશભાઇ કરતાં આઠેક વર્ષ મોટા અને મહેશ્ભાઈ જનાર્દનભાઈ કરતાં સાતેક વર્ષ મોટા.
એટલે સ્વાભાવિક છે કમળભાઈનાં સંતાનો મારા કરતાં ઉમરમાં ખાસ્સાં મોટાં હોય. એ જ રીતે, જનાર્દનભાઈનાં સંતાનો મારા કરતાં ઘણાં નાનાં હોય. કમળભાઇનાં ત્રણ સંતાન - સૌથી મોટાં દેવીબેન મારા કરતાં દસ વર્ષ મોટા, વચલા દિવ્યકુમારભાઈ મારા કરતાં સાત વર્ષ મોટા અને સૌથી નાના ઉલેન્દ્રભાઈ પણ મારા કરતાં ત્રણ વર્ષ મોટા. જનાર્દનભાઈનાં બે સંતાનો - તેમાંથી મોટાં હર્ષિકા મારા કરતાં નવ વર્ષ અને નાના દર્શન મારા કરતાં પંદર વર્ષ નાના.
પરિણામે, સામાન્ય સંજોગોમાં મારાં પિતરાઈ ભાઈ બહેનો સાથેનો મારો સંબંધ ભાઈઓ બહેનો કરતાં વડીલો જેવો હોય તેવું વધારે શક્ય ગણાય. પણ, સદ્નસીબે, સંજોગોએ જે રીતે મને એ બધાં સાથે રહેવાની તક આપી, તેને કારણે અમારા સંબંધોમાં વડીલપણાંનો ભાર ઓગળી જઈ શકયો અને મારા તેઓ સાથેના સંબંધો, ઘણે અંશે, અનૌપચારિક સ્તરે રહી શક્યા.
મારાં મોટાં પિતરાઈ બહેન અને ભાઈઓ
ડાબેથી - પાછલી હરોળઃ
દિવ્યકુમારભાઇ, મોટા અમ્માં (મારાં
દાદી),
દેવીબેન
આગલી હરોળઃ કમળભાઈ, બાપુ (મારા દાદા), ઉપેન્દ્રભાઈ
દેવીબેન (મિનાક્ષીબેન
નરેશભાઈ ધોળકિયા)
જોકે ઘુમટાથી આખો ચહેરો ઢંકાયેલાં, લગ્નનાં સફેદ પાનેતરવાળાં દેવીબેનની સૌ પ્રથમ કહી શકાય એવી સ્પષ્ટ યાદ સાથે તેમની સાથે રહેવા મળેલાં પંચાવનેક વર્ષો તો એક સળંગ ચિત્રપટ્ટીની જેમ આંખ સામે પસાર થતાં રહે છે. તેમનાં લગ્ન સમયે તેઓ હજુ તેમનાં શાળાજીવનનાં છેલ્લાં વર્ષમાં હતા. એમનું એ અધુરૂં રહેલું છેલ્લું વર્ષ તેમના નરેશભાઈ સાથેના (૧૯૫૮માં થયેલ) લગ્ન પછી માંડવીની શાળામાં પુરૂં થયું. તેમના સસરા, શિવલાલભાઈ ધોળકિયા, એ જ શાળામાં સંસ્કૃતના વરિષ્ઠ શિક્ષક હતા. તેમની હાજરીને કારણે દેવીબેનને વર્ગમાં સંકોચ ન થાય એટલા સારૂ એ વર્ષ પુરતું એ ધોરણમાં સંસ્કૃત ભણાવવાનું તેમણે પોતાના અન્ય સહશિક્ષકને સોંપી દીધેલું. જોકે ગૃહસ્થાશ્રમના પ્રવેશને કારણે વિદ્યાર્થીજીવનની લયમાં જે વિક્ષેપ પડ્યો તેને કારણે દેવીબેનનું શાળાકીય ભણતર અધુરૂં જ રહી ગયું.
દેવીબેન એ સમયના વૈષ્ણવ પરિવારનાં પહેલાં દીકરી હતાં. એટલે બાપુ અને મોટાં અમ્માં માટે પણ તેઓ પૌત્રીથી વધારે પુત્રી હતાં. મહેશભાઈ અને ગોરાકાકાએ પણ દેવીબેનને ભત્રીજી કરતાં બહેનનું આપ્યું. દેવીબેનનાં લગ્ન વખતે તેમનું કન્યાદાન પણ બાપુ અને મોટાં અમ્માંએ કરેલું.
![]() |
(એ સમયે લગ્ન પછી તરત જ પડાવાતાં પોર્ટેટમાં) દેવીબેન અને નરેશભાઇ |
આ તસ્વીરમાં નરેશભાઈના શર્ટનું પહેલું બટન ખુલ્લું દેખાય છે. મને એવું યાદ છે કે કુટુંબમાં એ સમયે એ બહુ ચર્ચાનો વિષય હતો કે નરેશભાઈ જ્યારે પહેલ વહેલી વાર બાપુને (લગ્નથી પહેલાં) બાપુને પગે લાગવા ગયા હતા ત્યારે પણ તેમના શર્ટનું પહેલું બટન ખુલ્લું જ હતું. જોએ, પછીથી શર્ટનું પહેલું ખુલ્લું બટન એ નરેશ્ભાઈની ટ્રેડમાર્ક ઓળખ બની ગઈ હતી.
મહેશ્ભાઈની ૧૯૬૧માં અમદાવાદ બદલી થઈ અને અમે લાલમિલ કોલોનીમાં રહેવાં આવ્યાં ત્યારે નરેશભાઈ અને દેવીબહેન પણ અમદાવાદમાં લાલ મિલમાં જ સ્થાયી થઈ ગયેલાં એ પછીનાં લગભગ બધાં જ વર્ષો અમે અમદાવાદમાં, અનેક સારા માઠા પ્રસંગોની હારમાળામાં સાથે જ ગાળ્યાં. આમ, બહુ સહજપણે સાથે ગાળેલાં વર્ષોની તડકી છાંયડીને કારણે દેવીબેન અને નરેશભાઇ સાથેના સંબંધમાં ઉમરને કારણે વડીલ તરીકેનાણ સ્થાનનો ભાર મેં ક્યારેય અનુભવ્યો નહીં.
વ્યક્તિ તરીકે, અને ખાસ તો જમાઈ તરીકે, નરેશભાઈના સ્વભાવની સાલસતામાં ઇતિહાસ અને શાસ્ત્રીય સંગીત માટેના નરેશભાઈના શોખ અને સમજ મહદ અંશે અજાણ જ બની રહ્યાં. ૧૯૭૩ પછી મેં રેકર્ડ ખરીદવાનું શરૂ કર્યુ. શાસ્ત્રીય સંગીતમાં મને પોતાને તો બહુ ગતાગમ ન પડે, પણ શાસ્ત્રીય સંગીતની રેકનોર્ડ મારો સંગ્રહ સારો ગણાતો. એ વર્ષોમાં વારે તહેવારે દેવીબેન અને નરેશભાઈ જમવા માટે ઘેર આવે ત્યારે વાતોના હિળોલાઓ વચ્ચે નરેશ્ભાઈ મેં ખરીદેલી શાસ્ત્રીય સંગીતની રેકર્ડ અચુક નજર ફેરવી લે અને પછી ધીમેકથી ઈશારો કરીને એકાદ રેકર્ડ વગાડવાનું કહી દે અને પછી ખુબ ધ્યાનથી સાંભળે.
એમની ઑફિસમાં આંકડાઓને અમુક ચોક્કસ સંદર્ભ અનુસાર સચોટપણે રજુ કરવા માટે નરેશભાઈની હથોટીની સામે કોઈ હરિફાઈ ન ગણાતી.
નરેશભાઈ સ્વાદના પણ રસીયા હતા. આખી બુંદીના લાડુ અને દૂધપાક તેમની માનીતી મીઠાઈઓ હતી. વૈષ્ણવ પરિવારની પ્ણ પહેલી પસંદ એ બે મિઠાઈઓ પર જ રહેતી. એટલે વારે પ્રસંગે જમવાનું આવવાનું થાય ત્યારે નરેશભાઈને ખાતરી જ હોય કે આ બેમાંથી એક વાનગી તો જમવામાં મળશે જ.
નરેશભાઈની રમૂજવૃતિ પણ એકદમ મૌલિક અને સૂક્ષ્મ હતી. એક જ ઉદાહરણ એવું યાદ આવે છે જે આ વાતને સ્પષ્ટ કરવા માટે પુરતું થઈ રહેશે. પૂર્ણિમાકાકીની રસોઈમાં દાળ શાક અને ચામાં ગળપણ ઠીક ઠીક ચડીયાતાં હોય. દર્શનનાં યજ્ઞોપવિત પ્રસંગે એક સવારે હજૂ બધા સવારમાં બ્રશ જ કરતા હતા. બ્રશ કરતાં કરતાં જ નરેશભાઈ ધીમેકથી બોલી ઊઠ્યાઃ પૂર્ણિમાબેન કોલગેટમાં પણ થોડો ગોળ ઉમેરતાં લાગે છે !
દિવ્યકુમારભાઈ
દિવ્યકુમારભાઈની બેંક ઑફ બરોડામાં ઑફિસર તરીકે પસંદગી થઈ ત્યારે તેમને ટ્રેનિંગ માટે અમદાવાદમાં લૉ ગાર્ડન પાસે આવેલ બેંકનાં ટ્રેનિંગ સેન્ટરમાં બે એક મહિનાની ટ્રેનિંગ માટે આવવાનું થયું. એ સમયે અમે પોલિટેકનીક પાસેની સરકારી એલ કોલોનીમાં રહેતાં. હું એ સમયે એન્જિનીયરિંગનાં પહેલાં કે બીજાં વર્ષમાં હઈશ. એ દિવસોમાં એલ કોલોનીના મિત્રોનું એક મોટું જૂથ એવું હતું કે જેમાંનાં ઘણા એ જ વર્ષોમાં અલગ અલગ બેંકોમાં નોકરીએ જોડાયેલા, પરિણામે એ લોકો હવે બીજા બધા સાથે વૉલી બૉલ રમવાના સમયે તો નોકરીથી પાછા ન આવ્યા હોય. એટલે, વૉલી બૉલની રમત પુરી થાય પછી વૉલી બૉલની રમતમાના અમે કેટલાક અને એ લોકો સાંજે પોલીટેકનીકથી એક્સાઈઝ ચોકી થઈને નહેરૂનગર સુધીનું એક રાઉન્ડ ચાલવા જતા. મેં દિવ્યકુમારભાઈને પણ આ ગ્રૂપમાં જોડ્યા. અમારી વાતોમાં અમારા બેકમાં નોકરીએ જોડાયેલા મિત્રોના અનુભવો કેન્દ્ર સ્થાને હોય. તેથી, દિવ્યકુમારભાઈને પણ આ ગૃપમાં આવવામાં રસ પડતો. આમ, અમારા વ્યક્તિત્વોમાં સ્વાભાવિક ઘણો ફરક હોવા છતાં, અમને એ સમયે સાથે રહેવાની જે તક મળી એને કારણે અમારા વચ્ચેનો ઉમરના તફાવતનો ભાર ઓગળી ગયો.
દિવ્યકુમારભાઈ અને દિવ્યાંગીનીભાભી - તેમનાં લગ્ન પછીનાં પોર્ટેટમાં
૧૯૬૯ ના ઉનાળામાં દિવ્યકુમારભાઈનાં લગ્ન લેવાયાં. ૧૯૫૮ નાં ગોરાકાકા અને દેવીબેનનાં લગ્નો પછી દિવ્યાકુમારભાઈનું લગ્ન વૈષ્ણવ પરિવાર માટે એક બહુ મહત્વનો પ્રસંગ હતો. એટલે આ પ્રસંગનું આયોજન બહુ ભવ્ય સ્તરે કરાયું હતું. એ સમયે ગોરાકાકા અને પૂર્ણિમાકાકી ભુજ સ્થાયી થયાં હતાં. એટલે લગ્ન અંગેની બધી જ તૈયારીઓની જવાબદારી એમણે ઉપાડી લીધેલ. પ્રવિણાકાકી પણ લગ્નની ઘણી બધી ઝીણી ઝીણી, પણ મહત્વની, તૈયારીઓ માટે છેલ્લો એકાદ મહિનો ભુજ ખાતે જ રહ્યાં હતાં. લગ્નના દિવસો દરમ્યાન આટલી બધી તૈયારીઓનો એક સાથે અમલ થવા લાગે. એટલે ચારે બાજુ દોડધૂપ કરનારાની પણ જરૂર રહે. ગોરાકાકા અને પૂર્ણિમાકાકીના તાલીમ હેઠળના મદદનીશની એભૂમિકા મેં ભજવી, આવા પ્રસંગોએ નાનામાં નાની દરેક બાબતોનું આયોજનના તબક્કામાં શી રીતે ધ્યાન રાખવું, અમલીકરણ સમયે સમગ્ર પ્રસંગનું એક વિશાળ ઑકેસ્ટ્રા તરીકે કેમ જરા સરખી પણ ચૂક વગર સંચાલન કરવું, અને સૌથી અગત્યનું , એકત્રિત થયેલાં દરેક કુટુંબીજનનું મન અને માન સાચવવા કેવા કેવા રાજદ્વારી શિષ્ટાચારના ખેલ ભજવવા જેવી બાબતો જાણવા શીખવાની મને અણમોલ તક મળી.
દિવ્યકુમારભાઈનાં લગ્નનો એક બીજો મોટો ફાયદો અમારાં ભુજનાં વડીલોપાર્જિત રહેણાક ઘરમાં રહેવાનો થયો. ૧૯૫૮ સુધીનાં મારાં પહેલાં આઠ વર્ષ એ ઘરમાં રહેવાની લ્હાણ માણી છે. ૧૯૫૮માં ગોરાકાકાના અને દેવીબેનનાં લગ્નો સમયે એ ઘરે જે રોનક જોઈ હતી તે દિવ્યકુમારભાઈનાં લગ્ન સમયે ફરીથી જીવંત થઈ. સૌથી વધારે આનંદ તો કચ્છના ઉનાળાનાં ચોખ્ખાં આકાશ હેઠળ ખુલ્લામાં સુવાનો હતો. મુખ્ય ઘરના ભોંયતલીયાના આગલા ભાગમાં એક લાંબો વરંડો હતો. એ વરંડાની ઉપર આ અગાસી હતી. અગાસીમાં વીસ પચીસ પથારીઓ તો આરામથી સમાઈ જઈ શકતી. ૧૯૫૮નાં લગ્નોની જેમ જ ૧૯૬૯નાં લગ્ન સમયે પણ કુટુંબના બધાજ પુરુષ સભ્યો, તેમજ લગ્ન પ્રસંગે આવેલ મહેમાનો, રાત્રે અગાસીમાં સુતા.
૧૯૫૮માં સૌ પહેલી પથારી બાપુની રહેતી. રાત્રે સુતાં પહેલાં દિવસના પ્રસંગોની થોડી વાત થાય. ૧૯૬૯નાં લગ્ન સમયે હવે પહેલી પથારી કમળભાઈની પડતી. તેમની બાજુમાં મહેશભાઈની પથારી પડતી. તે પછી બે ત્રણ મહેમાનોની પથારી હોય અને તે પછીની પથારીઓ ગોરાકાકા, નરેશભાઈ અને અમારી હોય. આખા દિવસનાં કામ પતાવીને ગોરાકાકા અગાસી પર આવે ત્યાં સુધી કમળભાઈ જાગતા હોય. ગોરાકાકા આવીને તેમને બીજા દિવસની તૈયારીઓની વિગતે વાત કરે. મહેશભાઈ એ બધી વાતચીત શાંતિથી સાંભળતા હોય. ત્રણેય ભાઈઓને એકી સાથે આટલી આત્મીયતાથી વાતો કરતા જોવા મળવા એ મારા જીવનનું કદાચ સૌથી અમૂલ્ય સંભારણું છે.
એ પછી ત્રણેય ભાઈ સુઈ જાય. હું હળવેકથી એક શેતરંજી કમળભાઈની બાજુમાં પાથરૂં અને ત્યાં ચુપચાપ સુઈ જાઉં. ભાગ્યે જ એકાદ શબ્દની આપલે થતી. પણ ખુલ્લાં આકાશ હેઠળ, કમળભાઈની બાજુમાં સુવાની હુંફમાં ઘસઘસાટ ઊંધ આવી જતી. વહેલી સવારે ગોરાકાકા ઊઠે એટલે મને પણ, ધીમેથી, ઊઠાડતા જાય. અરધા પોણા કલાકમાં તો આખું ઘર દિવસના કામો આટોપવામાં વ્યસ્ત થઈ જાય. ઈશ્વરમાં જેને શ્રદ્ધા ન હોય એવાને માટે આ આખો ઘટનાક્રમ અલૌકિક જ બની રહેતો.
ઉપેન્દ્રભાઈ
મારાં બાળપણમાં અમે જ્યારે ક્યારે સુરત ગયાં હોઈએ ત્યારે ઉપેન્દ્રભાઇ મને તેમનાં મિત્રો સાથે રમવા લઈ જતા. અમે મોટા થઈ ગયા પછી પણ તેમના બે એક મિત્રો સાથે તો મારે પણ એકબીજાને યાદ કરવાનો સંબંધ ચાલુ રહ્યો. પછી તો અમે નિવૃત થઈ ગયા ત્યારે પણ ઉપેન્દ્રભાઈને એમાંના કોઈ મિત્ર મળે તો મને અચુક યાદ કરે, અને એ જણાવવા ઉપેન્દ્રભાઈ પણ મને વળતી મિનિટે જ ફોન પણ કરે.
ડાબેથીઃ જનાર્દનકાકા અને
મહેશભાઈ, આગળ ઉપેન્દ્રભાઈ અને હું - શિરોહીમાં, લગભગ ૧૯૫૬માં
સ્વાભાવિક છે કે અમે બન્ને સાવ જ અલગ વ્યક્તિત્વ હોઈએ. તેમ છતાં અમારૂં કુદરતી કૌટુંબિક જોડાણ ઔપચારિકતાનાં સ્તરથી ઘણું આગળ વધ્યું અને અમારા વ્યક્તિગત વિકાસની સાથે પરિપક્વ પણ થતું ગયું.
અમારાં જોડાણને મજબૂત બનાવનારાં કૌટુંબિક પરિબળોનું એક ઉદાહરણ ઘણું રસપ્રદ છે.
મને યાદ છે ત્યાં સુધી આ વાત હું જ્યારે આઠમા ધોરણમાં હઈશ એ સમયની(૧૯૬૨) હશે. એ ઉનાળામાં અમે સુરત ગયાં હતાં. એ સમયમાં સુરતના રેલ્વે સ્ટેશન પછી થોડાં અંતરેથી જ મુખ્ય રસ્તા પર એક પ્છી એક એમ લાઈનબંધ થિયેટરો હતાં. અમે એવું શા માટે કર્યું તે તો યાદ નથી, પણ ઉપેન્દ્રભાઈ અને હું દરરોજનાં એક એક લેખે એક પછી એક થિયેટરમાં ચાલતી ફિલ્મ બપોરના ૧૨ થી ૩ના સોમાં જોઈ આવ્યા. ફિલ્મ કઈ ચાલે છે એ વિશે અમને ન તો કંઈ ખબર હતી કે ન તો કંઈ ગતાગમ હતી. બસ, જોઈ આવ્યા. ટિકિટ આઠ આના જ હતી. તેમ છતાં અઠવાડીયાની ૬ કે સાત ફિલ્મો જોવાનો છ સાત રૂપિયાનો ખર્ચો પણ નાની બાબત તો નહોતી જ. એ પહેલાં પણ મને ફિલ્મો જોવાનો નહોતો એવો કોઈ શોખ કે નહૉતો એવો કૉઇ મહાવરો. રાજકોટમાં અમે ત્રણેક વર્ષ રહ્યાં એટલામાં અમે માંડ બે ત્રણ ફિલ્મો જોઈ હશે, હા, એ સમયમાં રાજકોટની ગૅસ્ફોર્ડ ટૉકિઝમાં દર રવિવારે સવારે ૯ થી ૧૧ માત્ર છોકરાંઓ માટે શૉ થતો. એમાં મેં લોરેલ હાર્ડી અને ચાર્લિ ચેપ્લીનની થોડી ફિલ્મો જોઈ હતી. આ બધાંથી પણ વધારે રસપાદ વાત તો એ છે કે આ પછીથી ઉપેન્દ્રભાઈ અને મેં, માત્ર બે જણાએ જ, સાથે કોઈ ફિલ્મ જોઈ નથી.
ઉપેન્દ્રભાઈ અને મારા સંબંધો પરિપક્વ થયા ૧૯૬૪થી ૧૯૬૯ દરમ્યાન જ્યાં જ્યાં ગોરાકાકા રહ્યા ત્યાં ત્યાં અમે સાથે ગાળેલાં વેકેશનોને પરિણામે.[1]
૧૯૭૧ પછી ઉપેન્દ્રન્જાઈ સુરતની મફતલાલ મિલ્સમાં નોકરીએ જોડાયા અને હું પણ મારી કારકિર્દીની પ્રવૃતિઓમાં વ્યસ્ત થઈ ગયો. એટલે અમારૂં મળવાનું તો કૌટુંબીક પ્રસંગો પુરતું બની ગયું. '૯૦ના દાયકાના મધ્ય ભાગ પછી સુતર-થી-કાપડ સુધીની મિલોના ઉદ્યોગનાં વળતાં પાણી થવા લાગ્યાં. મફતલાલ મિલ્સ પણ એમાંથી બાકાત નહોતી રહી શકી. મિલ સંપૂર્ણપણે બંધ થાય તે પહેલાં ઉપેન્દ્રભાઈએ સ્વૈચ્છિક રાજીનામું લઈ લીધું. હવે દર બે ત્રણ વર્ષે તેઓ અમદાવાદની (અને ભુજની) મુલાકાતે આવતા. દરેક વખતે ઉપેન્દ્રભાઈ મારા માટે જીરાળુ બિસ્કિટ અચુક લઈ આવે. એ પછી તો દર્શન (જનાર્દનભાઈ વૈષ્ણ્વનો પુત્ર)ને પોતાના વ્યાવસાયિક કામે નિયમિત્પણે સુરત જવાનું થતું. એ દરેક વખતે ઉપેન્દ્રભાઈને મળવા જાય, અને ત્યારે પણ ઉપેન્દ્રભાઈ દર્શન સાથે જીરાળુ બિસ્કિટ અચુક મોકલે. અમે ૨૦૦૩માં મુન્દ્રા ગયાં ત્યારે ઉપેન્દ્રભાઈ ત્રણેક વખત ત્યાં પણ આવ્યા. પહેલી વાર તેઓ ઉપેન્દ્રભાઈ મુન્દ્રા આવ્યા ત્યારે તેમણે કચ્છની વિશિષ્ટતા ગણાતું બીજોરાંનું અથાણું ચાખ્યું. પછી તો દર છ આઠ મહિને અમે તેમને બિજોરાંનાં અથાણાંનું પેકિંગ મોકલતાં.
તાદાત્મ્ય - ભુમિકાના
લગ્નનાં રિસેપ્શન (૨૦૦૮) પ્રસંગે - ડાબેથી હું, એતદ (વૈષ્ણવ પરિવારની પાંચમી પેઢીનો પહેલો પ્રતિનિધિ -
દેવીબેનનો દૌહિત્ર), ઉપેન્દ્રભાઈ, તાદાત્મ્ય - ભૂમિકા, સુસ્મિતા
[1] હું જ્યારે દસમા ધોરણ સુધી કક્ષાએ પહોંચ્યો એ પછીનાં વર્ષોમાં વેકેશન પડે એટલે હું અને ઉપેન્દ્રભાઈ જે શહેરમાં ગોરાકાકા હોય ત્યાં ધામા નાખવા ઉપડી પડતા. આમ અમે ત્રણ વાર ભુજ અને એક એક વાર ગાંધીધામ અને કંડલાનાં ઘરે રહી આવ્યા છીએ. - સંદર્ભઃ મારાં કાકીઓ - પ્રવિણાકાકી અને પૂર્ણિમાકાકી






2 comments:
હું ભુજમાં તો રહ્યો જ નથી એટલે ઘણા બધા સંપર્ક મોડા થયા. પરિણામે કમળભાઈનો પરિચય નહીંવત. જનાર્દનભાઈ તો જામનગર અને રાજકોટમાં પણ રહ્યા હતા એટલે, અને એમના genial સ્વભાવને કારણે એ વધુ યાદ રહે. છેલ્લે તમે અમદાવાદમાં ન હતા ત્યારે હું આવ્યો હતો અને તિમિરને સાથે લઈને એમને ઘરે ખાસ મળવા ગયો હતો. હર્ષિકાનો પણ એટલે જે વધુ પરિચય.
બીજાં પિતરાઈઓમાં દેવીબેન અમદાવાદમાં તમારે ઘરે ક્યારેક મળી ગયાં હતાં અને નરેશભાઈનો સ્વભાવ એવો હતો કે પહેલા પરિચયમાં જ નિકટતા અનુભવો.
જનાર્દનભાઈ, મહેશભાઈ અને કમળભાઈના ફોટા જોઈએ તો ક્યારેક ઓળખવામાં ભૂલ થઈ જાય એટલી સમાનતા હતી.
ત્રણેય ભાઈઓના એક જ ઉમરના ફોટાઓમાં તો દેખીતી સમાનતાઓ ગજબની હતી.
બીજાને મદદરૂપ થવું, ખોટું સહન ન કરી લેવું, કુટુંબ માટે અગાધ પ્રેમ જેવાં ત્રણેય જણાનાં જીવન મૂલ્યોમાં પણ સમાનતા એક જ સરખી, પણ ત્રણેય જણાના એવી ઘટનાઓ માટેના પ્રતિભાવો સાવ અલગ. ઘણી બાબતોમાં મોટા ભાગનાં લોકો એમને એમને ન સમજી શક્યાં હોય એવું તો બહુ જ બનતું.
Post a Comment