Sunday, February 8, 2026

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૧મું સંસ્કરણ – ફેબ્રુઆરી, ૨૦૨૬

 

તલત મહેમૂદ (૨૪ ફેબ્રુઆરી ૧૯૨૪ - ૯ મે ૧૯૯૬) નો સ્વર '૫૦ના દાયકાના શ્રોતાઓ પર તો જાદુઈ સંમોહિની ની માફક છવાયેલો હતો. મુકેશ, મન્ના ડે, મોહમ્મદ રફી કે કિશોર કુમાર જેવા એ સમયના સાથી - સ્પર્ધક ગાયકોની સામે તલત મહમૂદનો મખમલી અવાજ પોતાનું અલગ સ્થાન પ્રસ્થાપિત કરી ચુક્યો હતો. ૧૨ ભારતીય ભાષાઓમાં ૭૪૭ જેટલાં ગીતોના ધની તલત મહેમુદે ૧૨ ફિલ્મોમાં અભિનય પણ કરેલ છે.

હિંદી ફિલ્મનાં ગીતોની તવારીખમાં તલત મહેમૂદનાં અન્ય સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો એક અનોખું પ્રકરણ છે. તેથી, તલત મહેમૂદના જન્મ દિવસના મહિનામાં તેમનાં ગીતોને યાદ કરવાના આપણા ઉપક્રમમાં આપણે ઓછાં સાભળવા મળતાં તલત મહેમૂદનાં યુગલ ગીતોની સફરની કેડી પકડી છે. તે અનુસાર, આપણે

૨૦૧૭માં તલત મહેમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો

૨૦૧૮માં તલત મહેમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો

૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,

૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨

૨૦૨૧માં તલત મહેમૂદનાં યુગલ ગીતો  ગીતા દત્ત સાથે - ૧૯૫૪ થી ૧૯૫૭,

૨૦૨૨માં તલત મહેમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો અને

૨૦૨૩માં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં વર્ષ ૧૯૫૧, ૧૯૫૨ અંને ૧૯૫૩નાં યુગલ ગીતો,

૨૦૨૪માં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં વર્ષ ૧૯૫૪ અંને ૧૯૫૫નાં યુગલ ગીતો, અને

૨૦૨૫માં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં વર્ષ ૧૯૫૬નાં યુગલ ગીતો

સાંભળ્યાં છે 

આજના મણકામાં તલત મહમૂદનાં આશા ભોસલે સાથેનાં વર્ષ ૧૯૫૭ અને૧૯૫૮નાં યુગલ ગીતો સાંભળતાં પહેલાં ૧૯૫૩નું એક યુગલ ગીત છુટી ગયું છે તે સાંભળીએ. 

કિસીને નઝર સે નઝર મિલા દી  - હમસફર (૧૯૫૩) - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીતઃ અલી અકબર ખાન 

સરોદ વાદક તરીકે બહુ ખ્યાત અલી અકબર ખાણ સાહેબ પહેલાં નવકેતનની ફિલ્મ આંધીયાં (૧૯૫૨) માટે સંગીત નિર્દેશન કરી ચુક્યા છે. બન્ને વખતે જયદેવ તેમના સહાયક રહ્યા છે. 



ચોરી ચોરી દિલકા લગાના બુરી બાત હૈ - બડા ભાઈ (૧૯૫૭) - ગીતકારઃ પ્રેમ સક્સેના - સંગીતઃ શૌકત દહલવી નાશાદ 

અનંત મરાઠે અને અમિતા પ્રેમાલાપ માટે સાઈકલ રિક્ષા સવારી પસંદ કરે છે. 



હસીન ચાંદ તારોં કા વાસ્તા જા - મેરા સલામ (૧૯૫૭) - ગીતકારઃ શેવાન રિઝ્વી - સંગીતઃ હફીઝ ખાન

હફીઝ ખાનને આપણે ગાયક તરીકે ખાન મસ્તાનાના નામથી ઓળખીએ છે. તેમનૉ વંશ વારસો અહીં વાંચી શકાય છે. 

મંદ લયમાં સંગીતબદ્ધ ગીતમાં મધ્યાલાપમાં કોઇ સંગીત નથી. જોકે, આખા ગીતમાં બહુ ઓછાં વાદ્યોનો ઉપયોગ કરાયો છે. 



તુમ હો કહીં કે હમ હૈ કહીં મોહબ્બતમેં હો ગયે અબ તો યહીં કે - તાજપોશી (૧૯૫૭) - ગીતકારઃ  અન્જુમ જયપુરી   સંગીતઃ બિપીન બાબુલ 

સંવાદની આપલે દ્વારા સંવનનની પળોને મૂર્ત કરાઈ છે. 



પ્યાસ કુછ ઔર ભી ભડકા દી ઝલક દીખલા કે, તુઝ કો પર્દા રુખ રોશન સે હઠાના હોગા ઇતની ગુસ્તાખ હો ઈશ્ક઼્કી આવારા નઝર હુસ્ન કા પાક નિગાહોં કો સીખાના હોગા - લાલા રૂખ (૧૯૫૮) - ગીતકારઃ કૈફી આઝમી - સંગીતઃ ખય્યામ 

આનંદના ભાવના પ્રેમાલાપનું યુગલ ગીત તલત - આશાનાં બહુખ્યાત યુગલ ગીતો પૈકી એક છે.



કરૂણ ભાવમાં બોલ બદલાઈ જાય છે:

પ્યાસ કુછ ઔર ભી ભડકા દી ઝલક દીખલા કે 
તુઝકો પર્દા રુખ રોશન સે હઠાના હોગા 
ચાંદ મેં નૂર તારોંમેં ચમક બાક઼ી હૈ 
યે અન્ધેરા મેરી દુનિયા કા મિટાના હોગા 



હમેં હાલ દિલ તુમસે કહના હૈ, કહીયે, અગર હો સકે તો મેરી આંખોંમેં રહીએ - ચૌબીસ ઘંટે (૧૯૫૮) - ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન - સંગીતઃ બિપીન બાબુલ 

બિપીન બાબુલની જોડીને બહુ થોડી ફિલ્મોમાં તક મળી પણ તેમણે બહુ યાદગાર ગીતો આપ્યાં. 



ટિમ ટિમ તારોં કે દીપ જલે, નીલે આકાશ તલે હમ દોનોંકી પ્રીત પલે - મૌસી (૧૯૫૮) - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીતઃ વસંત દેસાઈ

મીઠડાં યુગલ ગીતમાં વસંત દેસાઈનાં માધુર્યનૉ સ્પર્શ અછતો નથી રહેતો.



મુઝે હૈ ઝરા જઝ્બ દિલ આઝમાના - ઝિંદગી યા તૂફાન (૧૯૫૮) - ગીતકારઃ નખ્શબ ઝરાચવી - સંગીતઃ શૌકત દહલવી નાશાદ 

ગીતમાં તબલાં સારંગીના પ્રયોગ કોઠાનાં વાતાવરણને ઈંગિત કરે છે, પણ વિડીયો વિના કહેવું મુશ્કેલ છે કે ગીત કયા સંજોગો દર્શાવતું હશે. 



હમારા ક્યા હૈ હમ તડપેં મગર તુમકો ક઼રાર આયે - ઝીંદગી યા તૂફાન (૧૯૫૮) - ગીતકારઃ નખ્શબ ઝરાચવી - સંગીતઃ શૌકત દહલવી નાશાદ

ભગ્ન હૃદયો પણ પોતાના પ્રેમીને અસુખ થાય તેની કામના કરે છે.



પ્યાર પર બસ નહીં મેરા લેકિન - સોને કી ચિડીયા (૧૯૫૮) - ગીતકારઃ સાહિર લુધીયાનવી - સંગીતઃ પી નય્યર

સામેની વ્યક્તિ પોતાને પ્રેમ કરે છે કે નહીં તે કેટલું ઋજુતાથી પુછાયું છે ! અને તેનો જવાબ પણ એટલાં આર્જવ માધ્યમ વડે આપાયો છે ! 

ગીતનું કરૂણ સંસ્કરણ આશા ભોસલેના સ્વરમાં છે.



સચ બતા તુ મુઝસે ફિદા ક્યું હુઆ ઔર કૈસે હુઆ - સોને કી ચિડીયા (૧૯૫૮) - ગીતકારઃ સાહિર લુધીયાનવી - સંગીતઃ પી નય્યર 

ગીતની શરૂઆતમાં આવી ગયેલું નાનું દૃશ્ય બતાવે છે કે ગીતમાં જે થઈ રહેલું બતાવાયું છે તે ફિલ્મની સ્ક્રિપ્ટમાં ભલે નહીં હોય, પણ વાસ્તવિક જીવનની વાત તો છે...



તલત મહમુદના આશા ભોસલે સાથેનાં યુગલ ગીતોની સફર હજુ પણ પુરી નથી થઈ. ..


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: