Sunday, April 26, 2026

આશા ભોસલેનું અન્ય સ્ત્રી ગાયિકા સાથેનું સૌ પ્રથમ યુગલ ગીત: ૧૯૪૯ – ૧૯૫૩

આશા (આશાલતા) ભોસલે (૮ સપ્ટેમ્બર, ૧૯૩૩ - ૧૨ એપ્રિલ ૨૦૨૬) ની પાર્શ્વગાયનની કારકિર્દી તો દસ વર્ષનાં હતાં ત્યાંથી જ શરૂ થઈ ગયેલ. તેમણે ગાયેલું સર્વ પ્રથમ ગીત લતા મંગેશકર જેનાં મુખ્ય ગાયિકા હતાં એવું મરાઠી યુગલ / કોરસ ગીત ચલા ચલા નાવ બાલા (માંઝા બાલ, ૧૯૪૩ - ગીતકારઃ વી એસ ખાડેકર - સંગીતકારઃ દત્તા દાવજેકર) હતું. હિંદી ફિલ્મોમાં પણ તેમને સર્વ પ્રથમ તક ગીતા રોય (દત્ત) અને ઝોહરાબાઈ અમ્બાલેવાલી સાથે 'ચુનરીઆ' (૧૯૪૮)નું ત્રિપુટી ગીત સાવન આયા રે ... જાગે મેરે ભાગ સખી રે (ગીતકારઃ મુલરાજ ભાખરી - સંગીતકારઃ હંસરાજ બહલ)માં મળી.


હિંદી ફિલ્મ સંગીતની આશા ભોસલેની પાર્શ્વગાયનની કારકિર્દીમાં સ્ત્રી - સ્ત્રી ગીતોની જે કેડી ઉભરી આપણે કેડી પરનાં ગીતોની યાદ તાજી કરીને આશા ભોસલેને યાદાંજલિ આપીશું. પ્રસ્તુત શ્રેણીમાં આપણે હાલ પુરતાં આશા ભોસલેનાં સ્ત્રી-સ્ત્રી ત્રિપુટી / ત્રિપુટી+ ગીતોને નહી આવરી લઈએ.

આશા ભોસલેનાં સ્ત્રી- સ્ત્રી યુગલ ગીતોની આ શ્રેણીની શરૂઆત આપણે આશા ભોસલેએ અન્ય સ્ત્રી ગાયિકા સાથે ગાયેલાં સૌ પ્રથમ યુગલ ગીતની યાદી કરીને કરીશું.

બાદલ ઘીર આયે, રિમઝિમ પાની બરસે - કરવટ (૧૯૪૯) - ગીતા દત્ત સાથે - ગીતકાર ઃ ડી એન મધોક - સંગીતઃ હંસરાજ બહલ

બે સખીઓ પોતાના મનના ભાવ એકબીજી ને કહે એ ભાવનાં ગીતો સ્ત્રી સ્ત્રી યુગલ ગીતો માટે બહુ જ હાથવગો વિષય રહ્યો છે. તેમાં પછી વર્ષા ઋતુમાં પ્રેમી પાસે ન હોય તે સમયે દિલમાં જે ભાવ ઊઠે તે તો પોતાની સખી સિવાય બીજાં કોને કહેવા જવાય !

રામ દુહાયી હાય રામ દુહાયી - નેકી ઔર બદી (૧૯૪૯) - રાજ કુમારી સાથે - ગીતકારઃ કિદાર શર્મા - સંગીતઃ રોશન

ભારતીય નારીને તેનો પ્રેમી ફેશનપરસ્ત અંગ્રેજીમાં પોતાની વાત કરવાની ધુન રાખે તે કેમ પોષાય ? રાજકુમારી ફરિયાદી સખીનો સુર પુરાવે છે. આશા ભોસલેના ભાગે એ સખીના 'ઢીઠ લંગુર'ની ભુમિકા નિભાવતી સખી તરીકે હિંગ્લિશમાં ગોટપીટ ( ડીયર બટ વ્હાય, ઓ ડીયર બટ વ્હાય) ગાવાનું આવ્યું છે. આમ, ભાવ વૈવિધ્યની અનોખી રજૂઆત કરવાની તાલીમ આશા ભોસલેને શરૂઆતથી મળવા લાગી છે.


બસ ઈતના બતા દો જિયેં યા મરેં - બહુરાની (૧૯૫૦) - શમશાદ બેગમ સાથે - ગીતકારઃ અઝીઝ સિદ્દીક઼ી - સંગીતઃ હંસરાજ બહલ

આશા ભોસલે પોતાને ભાગે આવેલી પંક્તિઓને અલગ લય અને ભાવમાં ગાય છે.

ધીરે ધીરે હાંક રે ગાડી ટીક ના સકેંગે મેરે નૈન ઉન રાહોં પે - સબક (૧૯૫૦) - સુરીંદર કૌર - ગીતકારઃ ડી એન મધોક - સંગીતઃ એ આર ક઼ુરેશી

આશા ભોસલેને ભાગે ગીતમાં સાખીના બોલ ગાવાનું જ આવ્યું છેઃ

દિન ગયા આ આઆ આ
શામ આયી ઈઈઇ ઈઈઈ
લેકર આયી તારોંકે પૈગામ
કે જાગો દિલ વાલોં ઓ ઓ
દિલોંકી ધડકન પર ઉલ્ફત
ઉલ્ફત વાલોં

સુરીંદર કૌર સાથે આશા ભોસલેનું આ એક માત્ર યુગલ ગીત છે.

યે રૂકી રૂકી હવાયેં - દામન (૧૯૫૧) - લતા મંગેશકર - ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન - સંગીતઃ કે દત્તા

લતા મંગેશકરના સ્વરમાં હતાશાની પીડા છે તેની સામે આશા ભોસલે તેની સખીને એ ભાવમાંથી બહાર આવવા, થોડા ઉંચા સુરમાં ગાઈને, સમજાવે છે. બન્ને વારા ફરતી એક એક કડી ગાય છે.

કોઈ આનેવાલા હૈ તેરે ઘર કે દ્વાર સખી - ઈશ્વર ભક્તિ (૧૯૫૧) - સુલોચના કદમ સાથે - ગીતકારઃપંડિત નરેન્દ્ર શર્મા - સંગીતઃ સોનિક ગીરધર

સુલોચના કદમના સુર સાથે મેળ રહે એવા, થોડા નીચા - ઘેરા - સુરમાં ગાવાની પણ આશા ભોસલેની બહુ જ શરૂથી તક મળી છે.

જવાનીકે દીન ગીત ગાને કે દીન - કાશ્મીર (૧૯૫૧) - પ્રમોદીની દેસાઈ સાથે - ગીતકારઃ શર્શાર સૈલાની - સંગીતઃ હંસરાજ બહલ

આશા ભોસલેને હવે સહગાયિકાની બરાબરીની કક્ષાની ગાવામાં સુધી સક્ષમ સ્થાન મળવા લાગ્યું હોય એવું જણાય છે.

સમજ઼ ના દુનિયાકો ઘર ખુશીકા યહાં પે ઠોકર કદમ કદમ પે હૈ - આગ કા દરિયા (૧૯૫૩) - લક્ષ્મી રોય[1] સાથે - ગીતકારઃ અઝીઝ કશ્મીરી - સંગીતઃ વિનોદ

મુખ્ય ગાયિકા તરીકે આશા ભોસલેને સાથ મળવા લાગ્યું એ ફિલ્મો પૈકી આ પણ એક ફિલ્મ ગણી શકાય. આ ફિલ્મનાં ૧૧ ગીતો પૈકી ૭ ગીતો આશા ભોસલેએ ગાયાં છે.

આ ફિલ્મના નિર્માતા - દિગ્દર્શક રૂપ કે શોરીની જ આ પહેલાંની ફિલ્મ 'એક થી લડકી' (૧૯૪૯), જેમાં પણ હીરોઈનની ભુમિકામાં મીના શોરી જ હતાં, મુખ્ય ગાયિકા તરીકે સંગીતકાર વિનોદે લતા મંગેશકરને લીધેલાં.

ભૂલ ગયી સુધ બુધ તન કી મન કી - નૈના (૧૯૫૩) - આશિમા બેનર્જી સાથે - ગીતકારઃ ઉદ્ધવ કુમાર - સંગીતઃ મન્ના ડે

સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોના પ્રકારમાં આશા ભોસલેની આવી રહેલ ફાવટ અહીં કળી શકાય છે.

આશિમા બેનર્જી સાથે આશા ભોસલેનું આ એક માત્ર યુગલ ગીત છે.

આયી હૈ દરબાર .... દો દેશ દુલારે વીરોંકા - રાજમહલ (૧૯૫૩) - સાવિત્રી સાથે - ગીતકારઃ મુંશી દિલ - સંગીતઃ પંડિત ગોવિંદરામ

અહીં આશા ભોસલે અને તેમનાં સહગાયક એકસાથે ગીત ગાય છે. બીજાં ગાયક સાથે આખું ગીત એક સાથે ગાવું એ બહુ આગવું કૌશલ્ય માગી લે છે.

સ્વાભાવિક છે કે આશા ભોસલેની કારકિર્દીના તબક્કાનાં ગીતો આપણે ખાસ સાંભળ્યાં ન હોય; એટલે આપણે અહીં વિરામ લઈએ કે જેથી આ ગીતોને સારી તે મમળાવી શકાય.


[1] તેમના Atul’s Song a Day પરના લેખ Dekho Ree Sakhee Rang Bharee Holee Aayee માં શ્રી અરૂણ કુમાર દેશમુખે ચોખવટ કરી છે કે લક્ષ્મી રોય ગીતા રોય (દત્ત)ની નાની બહેન છે. જ્યારે ભેડ (૧૯૫૦)માં મુકુલ રોયને સ્વતંત્ર સંગીત માટે તક મળી ત્યારે તેમણે લક્ષ્મી રોયને પણ તક આપી. જોકે લક્ષ્મી રોય એટલાં સારા ગાયક ન નીવડ્યાં. એટલે તેમને થોડી વધારે તકો મળી પણ કંઈ લાંબો ગજ વાગ્યો નહીં. ચિત્રગુપ્તે ભકત પુરણ (૧૯૫૨)માં એક, નયા રાસ્તા (૧૯૫૩ં) બે, વિનોદે આગ કા દરિયા (૯૧૫૩)માં એક અને એસ એન ત્રિપાઠીએ નવ દુર્ગા (૧૯૫૩) બે ગીતો લક્ષ્મી રોયને આપ્યાં, છેલ્લે, શૈલાબ (૧૫૬)માં મુકુલ રોયે એક ગીત આપ્યું.

No comments: