ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૫ (૨)
તેઓ પોતે, એક વ્યક્તિ તરીકે, પણ તેમના સંગીત જેટલા જ સરળ અને સાદા હતા. તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે પોતે સ્વતંત્ર સંગીતકાર તરીકે કરેલી કુલ ૩૬ ફિલ્મોનું સંગીત નિદર્શન પણ સંભાળ્યું હતું.
આવા
બહુમુખી પ્રતિભાશાળી સંગીતકારનાં અંતકાલના મહિનામાં તેમણે રચેલ ગીતોની યાદ તાજી
કરવાનો ઉપક્રમ આપણે આ મંચ પર પ્રયોજેલ છે. તદનુસાર સમયે સમયે તેમણે જે જે પાર્શ્વગાયકો સ્વરો દ્વારા એ
ગીતોને વાચા આપી તેને કેંદ્રમાં રાખીને આપણી આ શ્રેણીની રચના કરેલ છે. અત્યાર સુધી આપણે
વર્ષ ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાં,
વર્ષ ૨૦૨૨માં ૧૯૫૦થી ૧૯૫૨નાં,
વર્ષ ૨૦૨૩માં ૧૯૫૩ નાં,
વર્ષ ૨૦૨૪માં ૧૯૫૪ નાં, અને
વર્ષ ૨૦૨૫માં ૧૯૫૫ (૧)માં હુર-એ-અરબ નાં
કેટલાંક ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.
૧૯૫૫માં ગુલામ મોહમ્મદે હુર એ અરબ, કુન્દન અને સિતારા એમ ત્રણ ફિલ્મોનું સંગીત આપ્યું. આ
પહેલાં આપણે હુર-એ-અરબનાં ગીતો આજના મણકામાં આપણે કુંદનનાં ગીતો સાંભળીશું.
કુંદન (૧૯૫૫)
સોહરાબ મોદી નિર્મિત'કુંદન' વિક્ટર
હ્યુગોની નવલકથા લ મિઝરેબલ્સનું હિંદી ફિલ્મી સંસ્કરણ છે.
ફિલ્મનાં ગીતો શકીલ બદાયુનીએ લખ્યાં છે.
૧૯૫પની જ 'રેલ્વે
પ્લેટફોર્મ'થી
જેનું ફિલ્મ જગતમાં પદાર્પણ ગણાય છે એવા સુનિલ દત્તાઅ ફિલ્મમાં છે
આઓ હમારી હોટલ મેં ચાય પીઓજી ગરમ ગરમ, બિસ્કુટ ખાઓ નરમ નરમ - એસ ડી બાતિશ,સુધા મલ્હોત્રા
પોતાનો માલ સામાન અને સેવાઓની જાહેરાત પોતે ગીત ગાઈને
કરતાં હોય એવો વિષય એ સમયની ફિલ્મોનાં ગીતોમાં બહુ આગવી ભાત ધરાવતો હતો. ગીત મોટા
ભાગે હાલતાં ચાલતાં જ ગાવાનું હોય એટલે હાર્મોનિયમનો મુખ્ય વાદ્ય તરીકે પ્રયોગ પણ
બહુ સહજ બની રહેતો.
જહાંવાલે હમેં દુનિયામેં ક્યોં પૈદા કિયા તુને - લતા મંગેશકર
લ
મિઝરેબલ્સ જેવી કરૂણ વાર્તા પર આધારિત ફિલ્મમાં પાત્રોને ભાગે પણ કટઃઅણાઈઓનો પાર
તો ન જ હોય. આપણી ફિલ્મોમાં આ પરિસ્થિતિ પરમેશ્વરને ફરિયાદ કરવા માટેનું ગીત રજુ
કરવા માટે બહુ આદર્શ કારણ બની રહે છે.
મતવાલે ઓ મતવાલે નૈન કે તીર ખા લે .... દિલમેં દર્દ બસા લે - શમશાદ બેગમ, લતા મંગેશકર
એક વૈભવશાળી રેસ્તરાંમાં ચાલી રહેલ સ્ટેજ શૉની સાથે સાથે ફિલ્મના પ્લૉટનાં ભેદભર્યા દૃશ્યો
ભજવતાં હોય એ હિંદી ફિલ્મોમાં અસામાન્ય ઘટના નથી. અહીં એ પરિસ્થિતિમાં શમશાદ
બેગમને લતા મંગેશકરના સ્વર વૈવિધ્યનો લાભ.લઈને બે અલગ મુડનાં ગીતોનું સંયોજન
કરવાનો પ્રયોગ કરી લેવાયો છે.
મેરા ભોલા બાલમ જી
કી બતીયા હો રામ કસમ ન જાને - મુબારક બેગમ
ફિલ્મમાં ન સમાવાયા
છતાં મુબારક બેગમનું આ સૉલો ગીત આજે પણ સાંભળવા મળી શકે છે
એ ખરેખર બહુ સાનંદ આશ્ચર્ય બાબત છે.
મેરી આંખો કે તારે અય દિલ કે સહારે મૈં તેરે સદ્ક઼ે - લતા મંગેશકર
ફિલ્મોમાં
હાલરડાંના પ્રકારને માનાં સંતાન પ્રત્યેના પ્રેમથી ય વધારે લડાવાયો છે.
મેરી જાન તુમ ગૈર કો પાન ખીલાયા ન કરો - મોહમ્મ્દ રફી, ગીતા દત્ત
રૂસણા મનામણામાં પણ
પોતાના સિવાય કોઈ અન્ય પુરુષને પાનવાળી પ્રેમિકા પાન ખવડાવે એની ઈર્ષ્યા થાય ખરી !
ન કર પાપ દુનિયામેં નાદાન બન કે દીખા દે ઝમાને કો ઇન્સાન બન કે - મન્ના ડે
બેકગ્રાઉન્ડ ગીત વડે પરદા પરના અભિનેતા(ત્રી)ને હતોત્સાહ ન થવાની કે સત્કાર્યનો માર્ગ ન છોડવાની શીખ આપવી એ પણ ફિલ્મનાં ગીતોની પ્રખ્યાત રસમ હતી.
નૌજવાનો .... ભારતકી તક઼દીર બના દો - મોહમ્મ્દ રફી
એ યોગાનુયોગ હશે કે
શરૂઆતની ફિલ્મોથી જ દેશપ્રેમનાં ગીતો પર્દા પર ગાવાને પરિણામે જ સુનિલ દત્ત પોતાની
અભિનય કારકિર્દી પછી રાજકારણમાં પણ દેશપ્રેમની ભાવના પ્રજ્વલિત રાખી શક્યા !
શિકાયત ક્યા કરૂં કે દોનો તરફ ગમ કા ફસાના હૈ - લતા મંગેશકર
નિમ્મી જેવાં
સૌંદર્યવાન અને પ્રતિભાવાન અભિનેત્રીને કરૂણ પાત્રોમાં એવાં જડબેસલાક ફીટ કરી
દીધેલાં કે તેમને બહુ ઉત્તમ કક્ષાનાં કરૂણ ગીતો આપીને મનાવી લેવાતાં હશે !
યે બહારોં કા યે સુહાના સમા અબ તો સુન લિજિયે પ્યારકી દાસ્તાં - લતા મંગેશકર, મોહમ્મદ રફી
નિમ્મીને ભાગે
આનંદનું ગીત ગવાતું જોઈને પ્રેક્ષકોને કઠે નહીં એટલે એમને ડબલ રોલમાં બતાવ્યાં હશે
?
૧૯૫૫ના વર્ષ માટે ગુલામે સંગીતબદ્ધ કરેલી ત્રીજી ફિલ્મ 'સિતારા'નાં ગીતો આપણે આપણી આ શ્રેણીના હવે પછીના હપ્તામાં સાંભળીશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના
પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments:
Post a Comment