Sunday, May 17, 2026

આશા ભોસલેનું અન્ય સ્ત્રી ગાયિકા સાથેનું સૌ પ્રથમ યુગલ ગીત: ૧૯૫૪-૧૯૫૭



આશા ભોસલેનાં અન્ય સ્ત્રી ગાયિકા સાથેનાં સૌ પ્રથમ યુગલ ગીતની ખોજમાં ગતાંકમાં આપણે ૧૯૪૯ થી ૧૯૫૩ના વર્ષો દરમ્યાન ૧૦ પાર્શ્વગાયિકાઓ સાથે આશા ભોસલેએ ગાયેલાં સૌ પ્રથમ યુગલ ગીતની યાદ તાજી કરી.

હવે આગળ……

ઔરત મરી તો મર્દ કો નયી બીવી મિલી - ખુશ્બુ (૧૯૫૪) - માલા સાથે - ગીતકારઃ જી એસ નેપાલી - સંગીતઃ શંકર લાલ

પોતાની લગ્નને લાયક ઉમર છે ત્યારે પોતાનો બાપ ફરી વાર લગ્ન કરવા નીકળ્યો છે. બે બહેનો આવી વિચિત્ર પૈતૃક સમાજ સામે ફરિયાદ કરે છે.

ગીતનો વિષય પરંપરાગત સમાજ વ્યવસ્થા સામે છે પણ ગીતની વાદ્યસજ્જા નવા જમાનાની છે.

કૈસે કહું અપને મનકી વિપતિયાં રે - મહાત્મા કબીર (૧૯૫૪) - અમીરબાઈ કર્ણાટકી સાથે - ગીતકારઃ ચંદ્રશેખર પાંડેય - સંગીતઃ અનિલ બિશ્વાસ

અમીરબાઈ કર્ણાટકી જેવાં બહુ અનુભવી ગાયિકા સાથે આશા ભોસલેનું સ્થાન થોડું ગૌણ હોય તે સ્વાભાવિક છે. પરંતુ, તેથી આશા ભોસલેની ગાયકીને એ સ્થિતિ આડે નથી આવતી.

 ગોરી આજ હો ગયી હૈ પરાઈ હમે દે કે ચલી હૈ જુદાઈ - રમ્મન (૧૯૫૪) - સુધા મલ્હોત્રા સાથે - ગીતકારઃ અઝીઝ કશ્મીરી - સંગીતઃ વિનોદ

લગ્ન સમયે કન્યાની સખીઓ ગીત ગાતી હોય એ પ્રથા ભારતમાં બહુ પ્રચલિત છે. તેથી ફિલ્મોમાં પણ ગીત મુકવા માટે આ પ્રસંગ બહુ હાથવગો બની રહેતો જોવામળે છે. આગળ જતાં આશા ભોસલેના ફાળે પણ આ સીચ્યુએશનનાં ઘણાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો ગાવાનાં આવશે.

 મૌજ ખામોશ હૈ બહતા હુઆ ધારા ઠહરા ..... હો જાકે લાગે નૈના વો પાયે નહીં ચૈના - શમા પરવાના (૧૯૫૪) - સુરૈયા સાથે - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ હુસ્નલા ભગતરામ

સુરૈયાનો શ્રેષ્ઠ કાર્યકાળ લતા મંગેશકરના શરૂઆતનાં વર્ષો સાથે વધારે રહ્યો. તેના પ્રમાણમાં આશા ભોસલે સાથે તેમનો કર્યકાળ ઓછો રહ્યો ગણાય. તેની એક અસર એ જોવા મળે છે કે સુરૈયાનાં લતા મંગેશકર સાથે ચાર સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો છે તેની સામે આશા ભોસલે સાથે આ એક માત્ર સ્ત્રી - સ્ત્રી યુગલ ગીત છે. આશા ભોસલેના ભાગે ગૌણ કલાકાર માટે પાર્શ્વગાયન કરવાનું આવ્યુ છે, પણ તેનો પ્રભાવ તેમની ગાયન શૈલી પર પડેલો નથી જણાતો.

ક્યોં દિલ પર રખા હૈ હાથ હો ન હો કુછ બાત હૈ - દરબાર (૧૯૫૫) - મધુબાલા ઝવેરી સાથે - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ હંસરાજ બહલ

અહીં પણ બન્ને ગાયિકાઓ આખું ગીત એક સાથે ગાવાનું આવ્યું છે.

ઓ અલબેલે પછી તેરા દૂર ઠિકાના હૈ - દેવદાસ (૧૯૫૫) - ઉષા મંગેશકર સાથે - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીતઃ એસ ડી બર્મન

એસ ડી બર્મન સાથે બહુ જ શરૂઆતનું આ ગીત ગણાય. તે પછી તો જોત જોતામાં આશા ભોસલેએ એસ ડી બર્મનનાં મહત્વનાં ગાયકોમાં સ્થાન નિશ્ચિત કરી લીધું. આગળ જતાં આશા ભોસલેના ફાળે બાળ કલાકારો માટે ગીતો ગાવાના પ્રસંગો પણ વધતા જતા જોવા મળશે.
મેરા અમ્મી સે પ્યાર રહે - લુટેરા (૧૯૫૫) - સબીતા બેનર્જી સાથે - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

અહીં આશા ભોસલે 'અમ્મી' તરીકે ગાય છે તો સબીતા બેનર્જી દીકરી તરીકે સ્વર પુરાવે છે.

દિલ કો લગા કે હુઝુર હમ હુએ મઝબુર - રૂખ્સાના (૧૯૫૫) - ગીતકારઃ કુમાર બારાબંક્વી - સંગીતઃ સજ્જાદ હુસ્સૈન

કોઠાનાં ગીતો ગાવા માટે જેમને ટાઈપકાસ્ટ કરી દેવામાં આવ્યાં એવાં મુબારક બેગમ સાથે આશા ભોસલે કોઠાનું સ્ત્રી - સ્ત્રી યુગલ ગીત ગાય છે.

 આંખ લડતે હી દિલ ક્યા બદલા, દુનિયા બદલી - પન્ના (૧૯૫૬) - રેખા સબનીસ સાથે - ગીતકારઃ બી ડી મિશ્રા - સંગીત એસ એન ત્રિપાઠી

રાજા મહારાજાઓના સમયકાળના વિષયોની ફિલ્મોમાં રાજ દરબારમાં કમ સે કમ એક તો સ્ત્રી સ્ત્રી નૃત્ય ગીત હોવું જોઈએ એ વણલખ્યો નિયમ બની ગયો જણાય છે.

મી હો મરાઠા, હું છું ગુજરાતી - હમ પંછી એક ડાલ કે (૧૯૫૭) - સુમન કલ્યાણપુર સાથે - ગીતકારઃ પી એલ સંતોષી - સંગીતઃ એ દત્તા

દેશની સંસ્કૃતિનાં વૈવિધ્યમાં એકતા કેટલી સહજ છે તે દર્શાવવા માટે એક નૃત્ય નાટિકા ભજવાય છે.

આડવાત :

ખરેખર તો આશા ભોસલે - સુમન કલ્યાણપુરનું ૧૯૫૫નું યુગલ ગીત, પનઘટ પે ચલી સવાર ગોરી (શ્રી ગણેશ વિવાહ - ગીતકારઃ જી એસ નેપાલી - સંગીતઃ ચિત્રગુપ્ત) આ સ્થાને હોવું જોઈએ. પરંતુ આ ગીત નેટ પર મળ્યું નથી.

આશા ભોસલેનાં અન્ય સ્ત્રી ગાયિકા સાથેનાં સૌ પ્રથમ યુગલ ગીતની ખોજમાં સ્વાભાવિક છે કે આશા ભોસલેની કારકિર્દીના આ તબક્કાનાં ગીતો પણ આપણે ખાસ સાંભળ્યાં ન હોય; એટલે આપણે અહીં હજુ એક વિરામ લઈએ કે જેથી આ ગીતોને સારી રીતે મમળાવી શકાય.

No comments: