Sunday, August 9, 2026

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૧મું સંસ્કરણ – ઓગસ્ટ , ૨૦૨૬

 

શૈલેન્દ્રનાં ગીતોની પંડિત રવિ શંકર દ્વારા સ્વરબદ્ધ કરાયેલી રચનાઓ


શૈલેન્દ્ર
 - શંકરદાસ કેસરીલાલ, (જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડીસેમ્બર, ૧૯૬૬) - ની ફિલ્મ ગીતોની રચનાઓની વાત આવે એટલે તેમણે હસરત જયપુરી સાથે શંકર જયકિશનની રચનાઓની જ યાદ સામાન્ય રીતે આવે.

શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ ક્યારેક અલગ અલગ તો ક્યારેક સાથે મળીને અન્ય સંગીતકારો સાથે પણ અનેક યાદગાર ગીતો લખ્યાં છે. તે ઉપરાંત બીજા સંગીતકારો સાથે કોઈ ફિલ્મમાં અન્ય ગીતકારો સાથે અમુકતમુક ગીતો લખ્યાં હોય એવી પણ છએક ફિલ્મો હશે.

શૈલેન્દ્ર - એસ ડી બર્મનનું સહકાર્ય અને સલીલ ચૌધરીની સાથે તેમણે કરેલ સહકાર્ય તો શંકર જયકિશન બાદ સંખ્યાત્મક અને ગુણાત્મક બન્ને દૃષ્ટિએ મહત્ત્વનું રહ્યું છે. આપણે શૈલેન્દ્ર - એસ ડી બર્મનનાં સહકાર્યની શ્રેણી યોગ્ય સમયે અલગથી આ મંચ પર કરીશું.

૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો સાથેનો લેખ -શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતોકર્યો તે પછીથી  આપણે

૨૦૧૮ - રોશન

૨૦૧૯ - હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

૨૦૨૦એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

૨૦૨૧ - શાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય,

૨૦૨૨ -  કિશોર કુમાર 

૨૦૨૩ - બસંત પ્રકાશ અને શૈલેશ મુખર્જી

૨૦૨૪ - નીનુ મઝુમદાર, અને

૨૦૨૫ - આર ડી બર્મન 

નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે શૈલેન્દ્રનાં પંડિત રવિ શંકરે સ્વરબદ્ધ કરેલ અનુરાધા (૧૯૬૦)નાં ગીતો સાંભળીશું..

અનુરાધા (૧૯૬૦)

હૃષિકેશ મુખર્જીએ સ્વતંત્રપણે દિગ્દર્શિત કરેલી સૌ પ્રથમ ફિલ્મ મુસાફિર (૧૯૫૭) પછી 'અનુરાધા' બીજી ફિલ્મ છે.

પંડિત રવિશંકરે પણ અનુરાધા પહેલાં બે હિંદી ફિલ્મો - નીચા નગર અને હમ લોગ - માટે સંગીત આપ્યું હતું.  પ્રસ્તુત ફિલ્મનાં કેડિટ ટાઈટલ્સ્માં સંગીત આયોજન કયા ઍરેન્જરે કર્યું છે તેવો ઉલ્લેખ નથી, પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી એ કલાકાર વિજય રાઘવ રાવ છે.  પંડિત વિજય રાઘવ રાવ પણ બહુ સન્માનીય બાંસુરી વાદક, સંગીત નિર્દેશક, નૃત્ય નિર્દેશક, સંગીતવિદ્યાજ્ઞ, કવિ અને લેખક છે. ફિલ્મનાં લતા મંગેશકરના સ્વરમાં રજૂ થતાં ચાર સોલો ગીતોમાં આ બન્ને સંગીતકારોની શૈલીની અભિનવ છાપ સ્પષ્ટપણે કળાઈ રહે છે. ગીતકાર તરીકે શૈલેન્દ્રએ દરેક ગીતોને ખુબ જ ભાવવાહી અને અર્થપૂર્ણ કાવ્ય રચનાઓ સ્વરુપે સજાવેલ છે.

'અનુરાધા'ની ફિલ્મ તરીકેની ચર્ચા વિવિધ બ્લોગ પર વિશદ રૂપે થતી રહી છે. તે પેકી બે બહુ સચોટ સમીક્ષા લેખો અહીં અને અહીં વાંચી શકાય છે.

સાંવરે સાંવરે કાહે મોસે કરો જોરા જોરી બૈયાં ન મરોડો મોરી હટો જાઓ દુંગી દુંગી ગારી - લતા મંગેશકર 

ત્રિ તાલની દ્રુત લયમાં રાગ ભૈરવી પર આધારિત આ ગીત કેડીટ ટાઈટલ્સમાં વાગે છે, અને એમ કરીને ફિલ્મનાં મુખ્ય પાત્ર અનુરાધાનો રેડીયો ગાયિકા તરીકે પરિચય કરાવે છે.



જાને કૈસી સપનોંમેં ખો ગઈ અખીયાં મૈં તો હું જાગી મેરી સો ગઈ અખીયાઁ - લતા મંગેશકર 

કંઈક અંશે ડૉ. નિર્મલ ચૌધરીના આદર્શવાદ માટેના પ્રેમના પુરની અભિવ્યક્તિ અનુરાધા આ ગીત દ્વારા કરે છે.

ગીત તિલક કામોદ અને શ્યામ કલ્યાણનાં મિશ્રણ એવા તિલક શ્યામમાં રચવામાં આવ્યું છે.



કૈસે દિન બીતે કૈસે બીતી રતીયાં પિયા જાને ના - લતા મંગેશકર 

પતિના આદર્શમય જીવન વ્યવહારથી શુષ્ક બની રહેલાં દાંપત્યની મનોવ્યથા અનુરાધાના હોઠ પર આવી રહી છે.

ગીતની રચના મંજ ખમાજમાં કરાઈ છે. 



હાયે રે વો દિન ક્યું ના આયે જા જા કે રીતુ લૌટ આયે - લતા મંગેશકર 

પોતાના પિયરનાં આપ્તજનો પાસે અનુરાધા પોતાનાં દિલની વ્યથા ઠાલવવાની હદ સુધી હવે વિવશ છે. 

ગીતની રચના રાજ જનસમ્મોહિની પર કરવામાં આવી છે. 



આડવાત:

એશિયાડ રમતોત્સવ, ૧૯૮૨ના પ્રવેશ મંત્ર, સ્વાગતમ્, ને રવિશંકરે રાગ જનસમ્મોહિનીમાં નિબદ્ધ કરેલ છે. 

સુન મેરે લાલ યું ના હો બેહાલ - મન્ના ડે 

બંગાળી લોકસંગીત, બાઉલ ગીતો,ની તર્જ પર આધારિત બેકગ્રાઉન્ડમાં ગવાતું આ ગીત પોતાના કામ માટે ધ્યાનમગ્ન પતિને જતો જોઈને પત્ની પણ પોતાનાં રોમાટીંક જીવનનાં સ્વપ્ન વિખરાઈ જતાં જુએ છે. 



બહુત દિન હુએ તારોંકે દેશમેં .... ચંદાકી નગરીયામેં રહતે થે એક રાજા  - મન્ના ડે, મહેન્દ્ર કપુર 

આમ તો દીકરી માટે રચાયેલ કથા ગીત છે, પરંતુ અનુરાધાના જીવનની સ્થિતિનાં સ્વરૂપનું રૂપક પણ અહીં અભિપ્રેત છે.



લેકે દિલકા સાઝ હમ ગીત ગાને આ ગયે - મન્ના ડે, લતા મંગેશકર, મહેન્દ્ર કપુર 

ઉપરનાં ગીતનો આ બીજો ભાગ છે.

અહીં પણ હવે સૌ સારા વાનાં થશે એવો સંદેશ ફિલ્મના દર્શકોને મળે છે.



શૈલેન્દ્રની રચનાની અન્ય સંગીતકારોએ કરેલી ગીત રચનાઓની આપણી સફર હજુ ચાલુ રહે છે.….


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: