શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ – ૧૯૫૯: ભાગ ૨
શંકર (સિંઘ રઘુવંશી) - જન્મ ૨૫-૧૦-૧૯૨૨ - અવસાન ૨૪-૪ -૧૯૮૭ – જયકિશન જોડીમાંના શંકર અને શૈલેન્દ્ર-હસરતની ભાગીદારીવાળા શૈલેન્દ્ર (મૂળ નામ શંકરદાસ કેસરીલાલ; જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડિસેમ્બર ૧૯૬૬) ની શૈલીનો એક સ્વાભાવિક સુમેળ હતો એ વાત તો હવે બહુ સુવિદિત છે. તેની સામે મજાની વાત એ રહી છે કે શંકર અને જયકિશન તેમ શૈલેન્દ્ર અને હસરતની સ્વાભાવિક શૈલીમાં દેખીતો જરા પણ સુમેળ ન હોવા છતાં બન્ને જોડીઓને કોઈ અકળ બળ જ આટલી બધી ઘનિષ્ઠ રીતે જોડી રાખતું હતું. શૈલેન્દ્ર સામાન્ય માણસને ગળે ઉતરી જાય એવા બોલથી ગીતના ભાવને સજાવી શકતા તો શંકર જયકિશન વાદ્યપ્રચુર ગીતબાંધણીઓ વડે ગીતની રચના કરતા. એ લોકોએ રચેલું હિંદી ફિલ્મનાં ગીતોનું વિશ્વ મેઘધનુષી રંગો વડે સજાયેલું એક અદ્ભૂત ચિત્રફલક બની રહ્યું.
શંકર સિંધ રઘુવંશીના
જન્મના મહિનામાં તેમની યાદને વધુ તાજી કરવાના આશયથી શૈલેન્દ્રનાં ગીતોની
શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની શ્રેણીના પ્રસ્તુત ઉપક્રમમાં અત્યાર સુધી
૨૦૧૮
માં ૧૯૪૯-૧૯૫૩
૨૦૧૯
માં ૧૯૫૩
(ગત
વર્ષથી અપૂર્ણ)
૨૦૨૦
માં ૧૯૫૪
૨૦૨૧માં
૧૯૫૫ અને ૧૯૫૬ (આંશિક)
૨૦૨૨માં
૧૯૫૬ (આંશિક - ૨)
૨૦૨૩માં
૧૯૫૬ (૩),
૨૦૨૪માં
૧૯૫૭ - ૧૯૫૮, અને
૨૦૨૫માં ૧૯૫૯
(ભાગ ૧)
નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે
સાંભળ્યાં છે.
૧૯૫૯માં શંકર જયકિશને
અનાડી, છોટી બહેન, કન્હૈયા,
લવ મેરેજ, શરારત, ઉજાલા
અને મૈં નશેમેં હૂં એમ સાત ફિલ્મોમાં સંગીત આપ્યું. આપણે ગતાંકમાં તે પૈકી અનાડી
અને છોટી બહેનનાં શૈલેન્દ્ર રચીત ગીતો સાંભળ્યાં. હવે આજના અંકમાં આપણે કન્હૈયા
અને લવ મેરેજ ફિલ્મોનાં શૈલેન્દ્ર રચિત ગીતોની યાદ તાજી કરીશું.
કન્હૈયા (૧૯૫૯)
કન્હૈયા માં આઠ ગીતો
હતાં. તે પૈકી હસરત જયપુરીએ લખેલાં બે ગીતોમાં - કહાં હૈ કહાં હૈ કન્હૈયા અને ઓ કન્હૈયા ઓ કન્હૈયા આજ આના ખ્વાબ મેં - ફિલ્મનાં શીર્ષકને વણી લેવાયા હતાં.
શૈલેન્દ્રએ લખેલાં
બાકીનાં છ ગીતોમાંથી મુકેશનાં સ્વરમાં ગવાયેલાં યાદ આયી આધી રાત કો, રૂક જા ઓ જાનેવાલી રૂક જા અને મુઝે તુમસે કુછ ભી ન ચાહિયે તો આજે પણ
યાદ કરાતાં ગીતોની શ્રેણીમાં ગણાય.
એ પછી જે વીસરાતાં ગીતો
ગણી શકાય એવાં ત્રણ ગીતોમાં પણ શૈલેન્દ્ર અને શંકર જયકિશનની પોતપોતાની આગવી છાપ તો
જણાય જ છે.
દિલ મેં સમાયે મિલને ન
આયે કૈસે તુમ અપને કૈસે પરાયે - લતા મંગેશકર
શૈલેન્દ્રએ ગીતના
પ્રારંભમાં મીથા ઠપકામાં નાયિકાનું દર્દ વ્યક્ત કર્યું છે -
સાવન આવન કહ ગયે
કર ગયે કૌલ અનેક
ગીનતે ગીનતે ઘીસ ગયી
કૈસી ઉનકી પ્રીત
એ પછી શંકર જયકિશનનાં
ફ્લ્યુટ અને વાયોલિન સમુહનાં પ્રાધાન્યવાળી વાદ્યસજ્જાથી ગીત મધુર સુરાવલીમાં
વહેતું રહે છે.
મેરે સાંવલે સલોને પિયા તોસે મિલને કો મચલે જિયા - લતા મંગેશકર
ગીત નુતન પર ફિલ્માવાનું
છે એ વાત ધ્યાનમાં રાખીને શંકર જયકિશને ધુનમાં નૃત્યને બહુ હળવેથી આવરી લીધું છે.
ની બલિયે ઋત હૈ બહાર કી - મુકેશ, લતા મંગેશકર, સાથીઓ
પરંપરાગત પરિવેશમાં
ફિલ્માવાયેલાં આ સમુહ નૃત્ય ગીતમાં પણ ફ્લ્યુટ અને વાયોલિન સમુહ પર જ મદાર રાખીને
શંકર જયકિશને બહુ કર્ણપ્રિય ધુન બનાવી છે.
કૃષ્ણના સંબોધનને
કેન્દ્રમાં રાખીને શૈલેન્દ્રએ પ્રેમની રોમાંચકતાને પણ બોલમાં વણી લીધી છે -
આખિર સુન લી
મનમોહન ને
મેરે મનકી બોલી
અબ જાકર હમકો પહેચાની
ઉનકી નઝરેં ભોલી….
સખી ઘડી આ ગયી
મેરે સિંગાર કી
સોલહ સિંગાર કી
લવ મેરેજ (૧૯૫૯)
લવ મેરેજ માં પણ આઠ ગીતો
હતાં. પરંતુ 'કન્હૈયા' કરતાં બધાં ગીતો મિજાજમાં સાવ જ અલગ
હતાં.
હસરત જયપુરીએ ધીરે ધીરે ચલ ચાંદ ગગનમેં (લતા મંગેશકર, મોહમ્મદ રફી), હમ જાન ગયે સરકાર (લતા મંગેશકર) અને શી ને ખેલા હી સે આજ ક્રિકેટ મેચ (મોહમ્મદ રફી) એમ ત્રણ
ગીતો લખ્યાં.
શૈલેન્દ્રએ લખેલાં પાંચ
ગીતોમાંથી કહે ઝૂમ ઝૂમ રાત યે સુહાની (લતા મંગેશકર) શંકર
જયકિશનનાં પિયાનો એકોર્ડીયન પ્રધાન ગીતોનું આગળની હરોળનું ગીત, આજે પણ, એટલું જ તાજું લાગે છે.
દિલ દિલ સે ટકરાયે -
મોહમ્મદ રફી, ગીતા દત્ત , સાથીઓ
અન્ય અભિનેત્રી માટે ગીતા દત્તની પસંદગી કરવી એ શકર જયકિશન માટે બહુ અનોખો પ્રયોગ ગણી શકાય.
કહાં જા રહે થે કહાં આ ગયે હમ - મોહમ્મદ રફી
અહીં પણ શંકર જયકિશને દેવ
આનંદ પર ફિલ્માવાનાં ગીતને અલગ જ રીતે સ્વરબદ્ધ કર્યું છે.
કરીબ આઓ ન તડપાઓ હમેં કુછ કહના હૈ તુમ સે - ગીતા દત્ત
ગીતા દત્તના સ્વર સાથે શંકર જયકિશનનો પ્રયોગ હજુ એક સોલો ગીતમાં ફળીભૂત્ત થાય છે.
ટીન કનસ્ટર પીટ પીટ કર ગલા ફાડ ફાડ કર ચિલ્લાના - મોહમ્મદ રફી
કહેવાય છે કે એ સમયમાં
પાશ્ચાત્ય ધુનોની નકલ કરવા વિશે શંકર જયકિશને કંઈક ઘસાતું સાંભળેલું. તેના
પ્રતિભાવ રૂપે અહીં તેઓ શૈલેન્દ્ર પાસે જાહેર કરાવે છે કે ટીનના ડબ્બાઓ પર ઠોકંઠોક
કરીને જોર જોરથી રાગડા તાણવાથી સંગીત નથી બનતું (એ માટે પણ કળા હોવી જોઈએ.).
વર્ષ ૧૯૫૯ માટે શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ આવરી લેતી હજુ ત્રણ ફિલ્મો બાકી રહે છે જે હવે પછીના અંકોમાં સાંભળીશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments:
Post a Comment